એકબીજાને મદદરૂપ થાવ - 1

  November 12, 2014

અકસ્માતમાં ઈજા પામી તરફડીયાં મારતી વ્યક્તિને કોઈચાલુ વાહન ઉપર રાખી નજીક જઈ દવાખાનાં સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી દે તો !

દીકરીનાં લગ્ન કરવા માટેની આર્થિક ભીંસમાં આવેલ વ્યક્તિને રેલ્વેના પાટા પર આત્મહત્યા કરતી રોકી દીકરીનાં લગ્ન કરવામાં ખભેખભો મિલાવી ઊભો રહે તો !

પાણીની ભમરીમાં ખૂંપતી વ્યક્તિને છલાંગ લગાવી તરવૈયો બની કોઈ બહાર ખેંચી લે તો !

ઘરથી અને પરિવારના સભ્યોથી હડધૂત અને તિરસ્કાર પામી ઘર બહાર કરવામાં આવેલ નિર્દોષ બાળકને કોઈ પ્રેમ આપી નોધારાનો આધાર બની સહારો આપે તો !

‘પરીક્ષામાં મને કશું જ નથી આવડતું ને હું નપાસ થઈશ તો મારું શું થશે ?’ એવા ડિપ્રેશનમાં આવી ગયેલા યુવકને પરીક્ષાના ખરા સમયે પોતાનું વાંચવાનું ગૌણ કરી એને શિખવાડે એવો સાચો મિત્ર મળી જાય તો !

આ બધી બાબતો આપણને જરૂર ગમી હશે. આ બાબતો ગમવાનું કારણ એક જ છે : ખરા સમયે મદદ કરવાની ભાવના. વ્યક્તિમાત્રના જીવનમાં ઉપર જણાવ્યા મુજબની અનેકવિધ સ્થિતિ-પરિસ્થિતિ ઊભી થતી હોય છે. આ દરેક સ્થિતિ-પરિસ્થિતિમાં આપણને અંતરથી એવી ઈચ્છા રહેતી જ હોય છે કે કોઈક મને મદદરૂપ થાય. અને ખરેખર આવી સ્થિતિ-પરિસ્થિતિના સમયમાં જે આપણને મદદરૂપ થાય એને જ આપણે આપણા અંગત સ્નેહી માનતા હોઈએ છીએ. આવા સમયે જ આપણે એ પરીક્ષણ કરતા હોઈએ છીએ કે કોણ મારી મદદે આવે છે ? આ સમયે જ ખબર પડે કે કોણ આપણા છે ?

જેમ આપણે આપણા જીવનમાં ઊભી થતી સ્થિતિ-પરિસ્થિતિઓમાં મહારાજ ઉપર નિષ્ઠા ને વિશ્વાસ હોવા છતાં એવી અપેક્ષા રાખીએ છીએ કે કોઈ મને મદદરૂપ થાય. તેમ અન્યને પણ આપણા માટે એવી અપેક્ષા રહેતી હોય છે કે એ અમને મદદરૂપ થશે. એકબીજાને મદદરૂપ થવાની ભાવનાથી જ અરસપરસના સંબંધો વધુ ગાઢ બને છે. બે-ત્રણ સભ્યોનો નાનો પરિવાર હોય, દસ-બાર સભ્યોનો સંયુક્ત પરિવાર હોય, કોઈ મોટી સંસ્થા કે પેઢી હોય, સમાજ કે દેશ હોય પરંતુ એનું ઉજ્જ્વળ ભવિષ્ય અરસપરસ એકબીજાને મદદરૂપ થવામાં જ સમાયેલું છે. પારિવારિક એકતા માટે પણ એકબીજાને મદદરૂપ થવાની ભાવના ખૂબ જ મોટું પરિવર્તન આણે છે. પરિવારના સભ્યોમાં એકબીજાની નિકટ જવા માટે તથા સ્નેહભાવના વધારવા અને લાગણીઓનું દર્શન કરવા માટે એકબીજાને મદદરૂપ થવું એક જડીબુટ્ટી સમાન ઉપાય છે. પરિવારના સભ્યોમાં એકબીજાને મદદરૂપ થવાની ભાવના કેવી હોવી જોઈએ તેનું વર્ણન એક રોજિંદા જીવનના દૃષ્ટાંત દ્વારા ભગવાન સ્વામિનારાયણે ગઢડા છેલ્લાના 6ઠ્ઠા વચનામૃતમાં કર્યું છે :

“જ્યારે દૂધને અને પાણીને ભેળાં કરીને અગ્નિ ઉપર મુકે ત્યારે પાણી હોય તે દૂધને તળે બેસે ને પોતે બળે પણ દૂધને બળવા ન દે, ત્યારે દૂધ પણ પાણીને ઉગારવા સારુ પોતે ઊભરાઈને અગ્નિને ઓલવી નાખે છે.”

દૂધ અને પાણી બંને વિજાતિ છે. પરંતુ બંનેને ભેગાં કરવામાં આવે ત્યારપછી તેમની વચ્ચેની એકતા એટલી બધી ઘનિષ્ઠ બની જાય છે કે એ બેમાંથી એકેયને જુદાં પાડી શકાતાં નથી. પોતે બળી જાય છે પણ જુદાં પડતાં નથી. એટલું જ નહિ, એ બંનેની અરસપરસ એકબીજાને મદદરૂપ થવાની ભાવના પણ એવી જ અદભુત દેખાતી હોય છે. આવી ભાવના જો આપણા પરિવારજનોમાં દૃઢ થઈ જાય તો પરિવારમાં કેવું દિવ્ય વાતાવરણ સર્જાય ! આવી દૂધ અને પાણી જેવી એકતા કરવાનો સર્વશ્રેષ્ઠ ઉપાય એ જ છે : એકબીજાને મદદરૂપ થાવ. આ ઉપાયને અનુસરી કેટલાય એવા દિવ્ય પરિવારોનું સર્જન થયું છે જેમાં ક્યારેય કુસંપ સર્જાયો નથી.

એક સુશીલ અને સુસંસ્કારી પરિવારની આ વાત છે. આ પરિવારમાં પિતાશ્રી અને બે દીકરાઓ-મોટા તેજાભાઈ અને નાના ધીરુભાઈ. તેઓ સંયુક્ત કુટુંબમાં રહે. સમયને વીતતાં વાર ન લાગે એમ પિતાશ્રી અવસ્થાને કારણે માંદગીના બિછાને પડ્યા. દિવસે-દિવસે તબિયત કથળતી જતી હતી. પિતાશ્રીએ વિચાર કર્યો કે મારી બધી મિલકત આ બેઉ ભાઈઓને વહેંચી આપું. જેથી મારી હાજરીમાં જ રાજીખુશીથી બંને ભાઈઓ પોતપોતાનું જુદું સંભાળી લે. પણ પ્રશ્ન થયો કે મકાન એક હતું, કોના ભાગમાં આપવું ? પિતાએ બંને દીકરાઓને પાસે બોલાવ્યા અને કહ્યું કે, “દીકરાઓ, હવે હું આ દુનિયામાં વધારે દિવસો કાઢું એમ લાગતું નથી તેથી મિલકતની વહેંચણી કરવી છે; પણ પ્રશ્ન એ થાય છે કે મકાન કોના ભાગે આપું ?”

થોડી વાર ચર્ચા થઈ પછી બીજા દિવસે મળવાનું નક્કી થયું. તેજાભાઈ ઘરની બહાર ગયા એટલે નાના ધીરુભાઈ પિતાશ્રી જોડે પહોંચી ગયા અને કહેવા લાગ્યા કે, “જો બાપુજી, તેજાભાઈનો વ્યવહાર ઘણો મોટો છે. વળી દીકરા-દીકરી મળીને પાંચ જણાંનો એમનો પરિવાર થાય. એમનો ખર્ચો પણ મોટો થાય. માટે હું તો એમ માનું છું કે તમે, આ મકાન મોટાભાઈના ભાગમાં આપી દો. અમે તો બે જણાં થોડાં વર્ષો ભાડાના મકાનમાં રહીશું. મારે તો નોકરી પણ છે ને મોટાભાઈ તો ખેતી કરે છે; માટે મકાન તો એમને જ આપો. નાનાભાઈ તરીકે મોટાભાઈને આટલી મદદ તો કરવી જ જોઈએ ને !”

તેજાભાઈ રાત્રે પાછા ઘેર આવ્યા અને પિતાશ્રીને મળવા ગયા. પિતાજી જોડે બેસીને વાત કરી કે, “બાપુજી, મારે તમને એક વિનંતી કરવી છે કે ધીરુના હજુ હમણાં જ લગ્ન થયાં છે. નોકરી મળ્યે પણ એક જ વર્ષ થયું છે, પગાર પણ ઓછો છે માટે આ મકાન ધીરુના ભાગમાં આપો. એ બિચારો ક્યાં ભાડાના ઘરમાં ફરશે ? મોટાભાઈ તરીકે નાનાને સમયે મદદ કરવી, એની સંભાળ રાખવી એ તો મારી પહેલી ફરજ છે.”

બંને ભાઈઓના ગયા બાદ પિતાજી વિચારમાં પડી ગયા કે હવે મારે મકાન કોને આપવું ? બીજા દિવસે સવારે બંને ભાઈઓને બોલાવ્યા ને બધી વાત કરીને કહ્યું કે, “તમે બેય જણાએ મને તો મૂંઝવણમાં મૂકી દીધો. મારે કોને મકાન આપવું ?” બંને ભાઈઓની આંખમાં હર્ષના આંસું આવી ગયાં. એકબીજાને ભેટી પડ્યા અને કહ્યું, “બાપુજી, અમારે મિલકતના ભાગ જ નથી પાડવા, અમારે જુદા થવું જ નથી. અમે બંને ભાઈઓ એકસાથે, એકમના થઈને રહીશું. આપ અમારી કોઈ ચિંતા ન કરશો.”

દીકરાઓનો આવો જવાબ સાંભળી પિતાશ્રીની આંખમાં પણ આંસું આવી ગયાં ને બંને દીકરાઓને ભેટી પડ્યા ને બોલ્યા કે, “દીકરાઓ, હવે મને તમારી કોઈ જ ચિંતા નથી. હવે મારું હૈયું ઠર્યું.” થોડા સમયમાં પિતાશ્રી ધામમાં સિધાવ્યા. બંને ભાઈઓ જીવનપર્યંત એકમના થઈને સાથે જ રહ્યા.