એકબીજાને મદદરૂપ થાવ - 2
November 19, 2014
આજની સંસ્કૃતિમાં સમયાંતરે ફાસ્ટ યુગ આવી ગયો છે ત્યારે વ્યક્તિમાત્રનાં જીવન પણ ફાસ્ટ બની ગયાં છે. કુટુંબ, પરિવાર અને સમાજ સાથેના સંબંધો પણ દિવસે-દિવસે કૃત્રિમ બનતા જાય છે. આજે વ્યક્તિ પોતાના જીવનમાં “નિજ” અને “પર”નો ભેદ જુદો કરી નાંખે છે.“નિજ”નો રસ, “નિજ”નો ફાયદો એ એકમાત્ર એનો જીવનમંત્ર હોય છે. પરિણામે માણસ સ્વકેન્દ્રિત બનતો જાય છે. એને કંઈક પામી લેવાની, કંઈક મેળવી લેવાની એટલી બધી પ્રબળ આકાંક્ષાઓ હોય છે કે તે આત્મીયતાનો ચિરાગ બુઝાવીને, ગમતાનો ગુલાલ કરી લેવા બેકાબૂ બનતો જાય છે. એની મહેચ્છા પોતાની જાતને સુખી કરવાની, સુખી જોવાની હોય છે. પરંતુ જીવનમાં જ્યારે અન્યને સુખી કરવાની કે મદદ કરવાની કે અન્ય માટે પોતાનું થોડુંક જતું કરવાની વાત આવે, ત્યારે જાણે-અજાણે એનામાં કાં તો ઈર્ષ્યાભાવ અથવા ઉદાસીનતા ડેરો જમાવે છે.
માણસની સામાન્ય પ્રકૃતિ હોય છે કે મદદ કરવામાં તે કંજૂસ હોય છે, પણ લેવામાં ઉદાર બની જતો હોય છે. મદદના સમયે આગેકૂચને બદલે પીછેહઠ થતી જોવા મળે છે.
આવી જગતના જીવની મનોવૃત્તિને આપણે અંતરથી ધિક્કારતા હોઈએ છીએ. એને એક સજ્જન વ્યક્તિ પણ ન કહેવાય. જ્યારે આપણે તો આ લોકના જગતના જીવ નથી, મુક્ત છીએ. શ્રીજીમહારાજે આપણને અનાદિમુક્ત કર્યા છે. માટે જગતના જીવના જેવી ક્ષુલ્લક વિચારસરણીને અનુસરીએ તો મહારાજ અને મોટાપુરુષ કેટલા નારાજ થાય ! કારણ સત્સંગના યોગમાં આવેલા સૌ આપણા બાપના જ દીકરા છે તો તેમને આપણાથી શક્ય તેટલી મદદ અવશ્ય કરવી.
એકબીજાને મદદ કરવાની ભાવના કેળવવા દૃઢ કરવા જેવી બાબતો
1) કોઈ આપણને મદદ કરે કે ન કરે, સમયે આપણે મદદરૂપ થવું.
કોઈને મદદ કરવી એ સોદાનો કે બદલાનો વિષય નથી. મદદની સામે મદદ મળવી જ જોઈએ, એવા આશયથી કોઈને મદદ કરવામાં આવે તો એ સાચી મદદ નથી. સમયે સૌને મદદ કરવી એ આપણી પવિત્ર ફરજ છે. મદદ કરતી વખતે સામેનાના અવગુણને ન જોવા, એનામાં રહેલી ત્રુટિને ન શોધવી. સૌના પ્રત્યે અંતરમાં લાગણીશીલ બનવું. ઝાડને કોઈ પથ્થર મારે તો સામે પથ્થર નહિ, ફળ આપે છે. તો આપણે પણ કોઈએ મદદ ન કરી હોય તોપણ સમયે તેમને મદદ કરવી જ.
સમયે કેવી મદદ કરવી એની દિવ્ય રીતની પ્રેરણા શ્રીજીમહારાજે આપણને શીખવાડી છે.
સંવત 1978ની સાલ હતી. ગુજરાતભરમાં અગનોતેરો કાળ પડ્યો હતો. ખાવાના દાણા કે પીવાના પાણીનું ક્યાંય નામોનિશાન નહોતું રહ્યું. અતિ દયાળુ મહારાજે તમામ સંતોને અને જેને જેને અન્ન-જળ મળતું ન હોય એવા હરિભક્તોને ગઢપુર દાદાના દરબારમાં બોલાવી લીધા.
કારિયાણીના વસ્તાખાચર વ્યવહારે સુખી અને દાદાખાચર જેવા દયાવાન હતા. તેમણે ગઢપુર આવી મહારાજને અધવારુ કરવા કહ્યું. વસ્તાખાચરે મહારાજને પ્રાર્થના કરી અને અડધા સંતો-હરિભક્તો અને મહારાજને કારિયાણી લઈ ગયા. મહારાજે સંતો-હરિભક્તોને કારિયાણીનું તળાવ ખોદવાની આજ્ઞા કરી. એ વખતે અલ્પાહારમાં (નાસ્તામાં) 15 મણ બાજરો વપરાતો એટલા સંતો-હરિભક્તો હતા. વસ્તાખાચરને હરખનો પાર નહીં. પણ વસ્તાખાચરના દીકરા જોઈતાખાચર બળી મરે. જોઈતાખાચરને આ બધું ગમે નહીં. 10-15 દિવસ તો માંડ-માંડ કાઢ્યા. પછી એક દિવસ બધા તળાવ ખોદવા ગયા ને પાછળથી જોઈતાખાચરે વસ્તાખાચરને ઘરમાં બોલાવી ઊંચા સાદે બોલવા માંડ્યું કે, “આ બાવાઓને બધું ખવડાવી દેશો, બધું ખલાસ કરી નાંખશો તો મારા માટે શું વધશે ? શું તમારે મને ભિખારી કરી નાખવો છે ? શું આપણા એક ઉપર જ છાપ મારી છે ? મહારાજેય સમજવું જોઈએ ને !” આમ, ઉકળાટ કાઢવા માંડ્યો.
વસ્તાખાચર કહે, “જોઈતા, કૂવાનું પાણી ન વપરાય તો બગડે. એમ આ તો મહારાજનો પૈસો છે. મહારાજ માટે વપરાશે તો કૂવાના અલંચ પાણીની જેમ નવો આવશે. માટે તું મહારાજ માટે ક્યારેય મુઠ્ઠી ના વાળીશ.” એમ ખૂબ સમજાવ્યો પણ જોઈતાખાચર માને શાના ? રોજ ઘરમાં ઉદ્વેગ-અથડામણ ચાલે.
એક દિવસ શ્રીજીમહારાજે વસ્તાખાચરને બોલાવ્યા ને કહ્યું કે, “વસ્તાખાચર, અમારા લીધે તમારા ઘરમાં ઉદ્વેગ થાય છે. માટે હવે અમે જઈએ.” પરંતુ વસ્તાખાચરે ખૂબ પ્રાર્થના કરીને મહાપ્રભુને રાખ્યા. એમ કરતાં દુષ્કાળ પાર પડી ગયો. પછી શ્રીજીમહારાજ અને સંતો ત્યાંથી પધારી ગયા, પણ વસ્તાખાચરનું મન ખૂબ ઉદાસ થઈ ગયું. પરિણામે થોડા જ સમયમાં વસ્તાખાચર ધામમાં પધાર્યા.
વસ્તાખાચર ધામમાં ગયા પછી આ બાજુ જોઈતાખાચરનો દહાડો બદલાયો. 2 વર્ષમાં 500 વીઘા જમીન સાફ થઈ ગઈ. પોતે ગામધણી હતા પણ હવે પોતાને રહેવા માટે ગામમાં ઘર ન રહ્યું. કુસંગ, વ્યસન અને વ્યભિચારમાં બધું સાફ થઈ ગયું. એટલું જ નહિ, પોતાનું કારિયાણી ગામ પણ છોડવું પડ્યું. જેના ઘેર 50-50 નોકર કામ કરતા હતા એ બીજાના ખેતરમાં નોકરી કરે. એમ કરતા-કરતા સંવત 1984 સુધીમાં જોઈતાખાચરે ગુજરાન કાઢવા ત્રણ ગામ બદલ્યાં. છેવટે ઉગામેળીમાં એક ખેતમજૂર તરીકે મજૂરી કરવા માંડી. ગામ બહાર એક નાનકડું ઝૂંપડું બાંધીને રહે. રોજ રાત પડે ને ઘરમાં છોકરાંઓ ખાવા માટે ટળવળે, પણ શું આપવું ! કોઈની આગળ હાથ લંબાવવા જેવું તો રહ્યું નહોતું. છેવટે જીવનથી કંટાળેલા જોઈતાખાચર ગામ બહાર આવેલા અવાવરા કૂવામાં કૂવો-હવાડો કરવા એટલે કે આત્મહત્યા કરવા નીકળ્યા. કૂવાકાંઠે ઊભા રહી કેડે પથરો બાંધ્યો, રખે ને જીવતા ઉપર ન અવાય !
આ બાજુ ગઢપુરમાં રાત્રે 12 વાગ્યાથી મહારાજને કાંઈ ચેન નથી પડતું. આમથી તેમ પડખાં ફરે. રાત્રે સાડાબાર વાગ્યે મહારાજ સફાળા બેઠા થઈ ગયા અને ભગુજીને કહે, “લાવો અમારી માણકી, જલદી લાવો. અમારો ભક્ત અત્યારે આપત્તિમાં છે. અમારે એની મદદે પહોંચવાનું છે.” એટલે જ સદ્. પ્રેમાનંદ સ્વામીએ કહ્યું કે,
“અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો;
પરદુ:ખહારી રે વારી બહુનામીનો.
કોઈને દુ:ખિયો રે, દેખી ન ખમાય;
દયા આણી રે, અતિ આકળા થાય.”
મહારાજે માણકીને ઉગામેળી ભણી મારી મૂકી. રાત્રિના 1 વાગ્યે શ્રીજીમહારાજ કૂવા ઉપર આવી પહોંચ્યા. જ્યાં જોઈતાખાચર કૂવામાં પડતું મૂકવા જાય છે ત્યાં તો એ જ વખતે મહારાજે જોઈતાનું બાવડું ઝાલ્યું ને બોલ્યા, “જોઈતા, આ શું કરે છે ?” જોઈતાખાચર કહે, “તમે કોણ છો ? કેમ આવ્યા છો ? મને મરવા દો.”
મહારાજ કહે, “જોઈતા, અમે તારા બાપના ભગવાન છીએ અને તને બચાવવા આવ્યા છીએ.” જોઈતાખાચર કહે, “ મહારાજ, મને મરવા દો.” મહારાજ કહે, “જોઈતા, તારા જેવા હજારોને તારવા અમે આવ્યા છીએ ને તને મરવા દઈએ ? અમે તારા બાપે કરેલી મદદને, સેવાને ભૂલ્યા નથી હોં ! ચાલ અમારી સાથે, અમે તને મદદ કરીશું. તારી બધી જ જવાબદારી અમારી.” મહારાજે ગામમાંથી લાલજી પટેલનું ગાડું મંગાવ્યું. અને જોઈતાખાચર, બધો સામાન, ઘરના સભ્યો બધાં ગાડામાં બેઠાં. મહારાજ પણ એમની સાથે ગાડામાં બેઠા ને ગઢપુર જવા નીકળ્યા. પરંતુ જોઈતાખાચરે કરેલા કૃત્યોનો મહારાજે સહેજ પણ અણસાર ન આવવા દીધો, ઓશિયાળા ન થવા દીધા. ગઢપુર લઈ જઈ દાદાખાચરની લક્ષ્મીવાડીની સારામાં સારી 20 વીઘા જમીન કાગળમાં લખાવીને આપી દીધી. ત્યારે હરજી ઠક્કર કહે, “મહારાજ, આ જોઈતોખાચર તો તમારો વિરોધ કરતો હતો, તમને દાણા આપવાની પણ ના પાડતો હતો અને એને જમીન ?”
મહારાજ કહે, “અમે કોઈની ભૂલ સામું કદી પણ જોતા નથી. અમે અમારા દયાળુ સ્વભાવે કરીને કોઈને દુઃખી જોઈ શકતા નથી. સમયે અમે અમારા ભક્તોને મદદ ન કરીએ તો અમે ભગવાન શાના ?”
જો શ્રીજીમહારાજ કહે, “સમયે અમે મદદ ન કરીએ તો ભગવાન શાના ?” તો આપણે પણ એ જ બાપના દીકરા છીએ; તો જો આપણે સમયે પરિવારમાં, કુટુંબમાં કે સત્સંગમાં સૌને મદદરૂપ ન થઈ શકતા હોઈએ તો આપણે એમના દીકરા શાના ? ભલે જોઈતાખાચરે મદદ નહોતી કરી, પણ મહારાજ સમયે કરુણા વરસાવવાની ફરજ ન ચૂક્યા. એમ, આપણે પણ સમયે ફરજ ન ચૂકવી.