એકબીજાને મદદરૂપ થાવ - 3

  November 28, 2014

(2) પોતાપણાના ભાવો છોડાય તો જ બીજાને મદદ થાય :

ઘણી વાર સમાજમાં લોકો એકબીજાને મદદ કરે, મિત્રાચારી કરે એની પાછળ ગર્ભિત સ્વાર્થવૃત્તિ રહેલી હોય છે. આવી સ્વાર્થવૃત્તિથી કરેલી મદદ ઊધઈ જેવી હોય છે. પોતાના સ્વાર્થ માટે સામેનાને કોતરી નાખતા હોય છે. પણ જો સૌને મદદ કરવી હોય તો ઊધઈ જેવા નહિ સાગર જેવા થવું પડે.

એટલે જ એક પંક્તિમાં કહ્યું છે કે,

“રેલાઈ આવતી છોને બધી ખારાશ પૃથ્વીની;

સિંધુના ઉરથી તો ઊઠશે અમી વાદળી.”

દરિયાનાં પાણીની વરાળથી જ વાદળાં બંધાય છે. વાદળાં વરસે ત્યારે નાનાં-નાનાં ઝરણાં ભેગાં થઈ એક નદી બને છે. આ નદી પણ સાગરના ઉપકારનું પરિણામ છે. છતાંય નદી એ ભૂલી જઈને, પૃથ્વી ઉપરથી બધી ખારાશ પાણીમાં લઈ જઈને, દરિયામાં ઠલવી દે છે અને દરિયાને ખારો બનાવી દે છે. છતાંય દરિયો એ ભૂલી જાય છે અને પોતાના સ્વાર્થને ન ગણતાં ફરી વાદળી રૂપે પાણી વરસાવીને નદીને નવું જીવતદાન આપે છે. આ છે દરિયાની નિઃસ્વાર્થ મદદ કરવાની ભાવના. સ્વાર્થ જ મદદના માર્ગે સ્થગિતતા સ્થાપી દે છે. જ્યારે નિઃસ્વાર્થ ભાવ જ નિર્મળ રીતે મદદે દોડી જવા માટે પ્રેરે છે.

જ્યાં સુધી પોતાપણાના ભાવ રહે ત્યાં સુધી બીજાને મદદ કરવા જઈએ ત્યારે પોતાનો અહમ્ વચ્ચે દખલગીરી કરતો હોય છે. એ શું ?તો હું સમાજનો વડો અને મારે નાની વ્યક્તિને મદદ કરવાની ? ત્યાં પોતાનો અહમ વચ્ચે આવતાં મદદ નથી કરી શકતા. એવી જ રીતે મંદિરમાં કોઈ નાનીમોટી સેવા હોય ત્યારે જો આપણને પોતાની મોટપનો ભાવ વચ્ચે આવે, તો કોઈને સેવામાં મદદ ન કરી શકાય. કોઈ હરિભક્તની આર્થિક સ્થિતિ નબળી હોય અને કદાચ આપણે સુખી હોઈએ અને જો તે હરિભક્તને તન, મન કે ધનથી મદદની જરૂર પડે તો તેવા સમયે પોતાપણાના ખ્યાલને કારણે તેને મદદ કરવામાં ક્ષોભ અનુભવતા હોઈએ છીએ.

પોતાના સ્વાર્થને અને પોતાપણાના ભાવને મૂકીને સાચી મદદ કરનારા, સાચી સેવા કરનારા વિરલા તો ઝીણાભાઈ જેવા કોક જ હોય !!

માંગરોળના કરમશી વાંઝાની પરિસ્થિતિ ખૂબ ગરીબ અને એમાંય તેઓ અસાધ્ય રોગના ભોગી બન્યા. ઘેર દવા-દારૂ માટે રૂપિયા નહિ કે નહિ ઘરમાં કોઈ તેમની ચાકરી કરનાર. શ્રીજીમહારાજે પંચાળાપતિ ઝીણાભાઈને પત્ર દ્વારા સમાચાર મોકલ્યા કે, “કરમશી ભગત અત્યારે બીમાર છે, તકલીફમાં છે અને એમની સેવા કરનાર કોઈ નથી. તો તમે અમારા ભાવથી તેમની સેવા કરજો.” ખબર મળતાં જ ઝીણાભાઈ પહોંચી ગયા માંગરોળ. ગામમાંથી કરમશીભાઈનો ખાટલો ઊંચકવા માટે નોકરો શોધ્યાં. પરંતુ ત્રણ જ નોકર મળ્યા. ચોથો ન મળ્યો. ઝીણાભાઈએ પોતે પોતાના ખભા ઉપર ખાટલાનો એક પાયો ઉપાડ્યો અને સેવા કરવા માટે પોતાના ઘેર લઈ ગયા.

પોતે ગામધણી હોવા છતાં ગામ વચ્ચેથી ખાટલો ઊંચકીને જવામાં કોઈ જ પ્રકારની નાનપ ન અનુભવી. નહિ પોતાના મોભાનો ખ્યાલ. ગામમાં લોકો મને શું કહેશે તેની કોઈ પરવા જ ન કરી. ઝીણાભાઈ કરમશીભાઈની ખૂબ ભાવથી સેવા કરે. એક દિવસ કરમશીભાઈને માથું દુઃખતું હતું. ઝીણાભાઈએ બહેન અદીબા જોડે માથે લગાવવા તીખાં માંગ્યા. બહેન ગલ્લાં-તલ્લાં કરવા લાગ્યાં. ઝીણાભાઈને ખ્યાલ આવી ગયો કે બહેનને કરમશી ભગતની સેવા કરવી ગમતી નથી. તેથી બીજે દિવસે ઝીણાભાઈએ પોતાનું માથું દુઃખે છે તેમ કહી તીખાં માંગ્યાં તો બહેન તરત લઈ આવ્યાં. ઝીણાભાઈને ખૂબ દુઃખ થયું. કાલે કરમશી ભગત માટે તીખાં નહોતાં મળ્યાં અને મારા માટે મળ્યાં ? એ પછી ઝીણાભાઈએ જીવનભર બહેનનું મોં જોયું નહીં. ઝીણાભાઈએ જીવનપર્યંત કરમશીભાઈની નિઃસ્વાર્થભાવે સેવા કરી.

આમ, પોતાના સ્વાર્થનો અને પોતાના અહમનો, પોતાપણાના ભાવનો ત્યાગ કરીએ ત્યારે જ બીજાને સાચા મદદરૂપ બની શકાય છે.

ઘણી વાર એકબીજાની મદદ કરવાનો સમય આવે ત્યારે આપણી સ્વાર્થવૃત્તિને કારણે મારું-તારું કરતા હોઈએ છીએ. આ મારું અને આ પારકું એવી ગણતરી કરવી એ સંકુચિત મનની નિશાની છે. જેના અંતરમાં એકબીજાને મદદરૂપ થવાની ભાવના રહેલી છે, એના માટે તો આખી પૃથ્વી એક પરિવાર સમાન બની જાય છે. તો કારણ સત્સંગના મુક્તો માટે આ ભાવના રહે તેમાં તો નવાઈ જ શી ?

પરિવારના સભ્યો વચ્ચે જ્યારે એકમના થઈ એકબીજાને મદદરૂપ થવાની ઉચ્ચ ભાવના પ્રગટ થાય છે, ત્યારે પરિવારનું વાતાવરણ એક મંદિર જેવું દિવ્ય થઈ જાય છે.

(3) બીજાને મદદ કરવામાં શરમ કે સંકોચ નહીં:

દરેક વ્યક્તિને પોતે કરેલા કાર્યની પરવા કરતાં હું આવી મદદ કરીશ તો લોકો મને શું કહેશે ? હું કેવો લાગીશ ? લોકો મારી શું ગણતરી કરશે ? ક્યાંક મારો મોભો નીચો તો નહિ થઈ જાય ને ? તેની પરવા વધારે હોય છે. આબરૂનો આટોટોપ રાખવામાં એકબીજાને મદદ કરવામાં શરમ અને સંકોચ અનુભવતા હોય છે. મદદ કરવાથી માન-મોભો મિટતો નથી પણ વધે છે. એકબીજાને મદદ કરવાનો સમય આવે ત્યારે પોતાના અસ્તિત્વને, આબરૂને, મોભાને મિટાવે ત્યારે જ નિખાલસભાવે નિર્દંભ અને સાચી સેવા થઈ શકે છે.

એક વખત એક નવયુવાન ટ્રેનમાંથી નીચે ઊતર્યા. શુટ-બૂટ અને ટાઈ વડે સજ્જ પહેરવેશમાં તેમનું પ્રભાવશાળી વ્યક્તિત્વ ઊપસતું દેખાતું હતું. તેમના સામાનમાં એક નાની બેગ હતી. બીજો કોઈ સામાન સાથે નહોતો. પોતાની નાની બેગ જાતે ઊંચકવામાં પણ તેઓ શરમ અનુભવતા હતા. તેથી તરત જ તેઓએ કુલીને બૂમ પાડી, “કુલી...ઓ કુલી...” થોડી વાર સુધી કોઈ પ્રત્યુત્તર ન મળ્યો. એટલામાં એક સજ્જન વ્યક્તિ ત્યાંથી પસાર થયા. આ યુવાનની બૂમ તેમણે પણ સાંભળી હતી. તેઓ નજીક ગયા અને કહ્યું,“લાવો, તમારી બેગ હું ઊંચકી લઉં.” એમ કહી બેગ પોતે ઊંચકીને સાથે સાથે ચાલવા માંડ્યું. છૂટા પડતાં પહેલાં આ યુવાને મજૂરીના પૈસા ચૂકવવા માંડ્યા, ત્યારે સજ્જન વ્યક્તિએ કહ્યું કે, “ભાઈ, હું કુલી નથી, આ તો મેં તમને મદદ કરી.” નવયુવાન ચોંકી ઊઠ્યા અને આશ્ચર્ય સાથે પૂછ્યું, “તો આપ કોણ છો ? આપનું નામ તો મને કહેતા જાઓ.”   ત્યારે તે સજ્જને જવાબ આપતાં કહ્યું કે, “મારું નામ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર છે.”  ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર એટલે એ વખતના સમાજની નામાંકિત અને પ્રતિષ્ઠિત મહાન વ્યક્તિ હતા. જવાબ સાંભળતાં જ યુવાન તેમના પગમાં પડી ગયો અને માફી માંગવા લાગ્યો. ત્યારે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે કહ્યું કે, “આપણા બાંધવોને મદદ કરવી એ તો આપણી ફરજ છે. નાનામોટા કામમાં મદદ કરવામાં શરમ શાની ? આપણું કામ તો આપણે જાતે કરીએ જ, પરંતુ બીજાના કામમાં પણ મદદરૂપ થવું એ જ જીવનની સાચી મજા છે.”

ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર એક પ્રતિષ્ઠિત વ્યક્તિ હતા છતાંય તેઓએ એક કુલી તરીકેની મદદ કરવામાં પણ નાનપ ન અનુભવી. જ્યારે આપણે ઘરમાં કે મંદિરમાં કોઈ નાનીમોટી સેવામાં મદદ કરવાની થાય તો તરત જ ક્ષોભ અનુભવતા હોઈએ છીએ. આપણો છૂપો અહમ આપણી મદદ કરવાની ભાવનાને દબાવી દેતો હોય છે. માટે પરિવારમાં કે સત્સંગ સમાજમાં આત્મીયતા કેળવવા માટે ગમતાનો, ઠરાવોનો અને માનીનતાઓનો ત્યાગ કરી સૌને મદદરૂપ થઈએ.

વિશેષ દૃઢતા માટે :

આ વિષયને આનુષંગિક સંસ્થામાંથી ઉપલબ્ધ પૂ. સ્વામીશ્રીની દિવ્યવાણીનાં દૃશ્ય-શ્રાવ્ય (સી.ડી.-વી.સી.ડી) પ્રકાશનો :

હળવા ફૂલ જેવા થવાનો ઉપાય