હેવા-સ્વભાવ ઓળખવા અને ટાળવા - 1
April 12, 2015
કોઈ પણવ્યક્તિ સારી છે કે ખરાબ છે, સાધારણ છે કે અસાધારણ છે, તેની મુલવણી તેમની પાસેની મિલકતથી, રૂપિયાથી, સત્તાથી, રૂપથી, આવડતથી કે બુદ્ધિથી નથી થતી. વ્યક્તિનો સ્વભાવ જ એના સારા-નરસાપણાનો ખ્યાલ આપે છે. સ્વભાવથી જ સારા બનાય છે અને સ્વભાવથી જ ખરાબ બનાય છે. પડી ગયેલા હેવા-સ્વભાવથી સહજમાં વ્યક્તિમાત્રનું વ્યક્તિત્વ અંકાય છે.
હેવા-સ્વભાવ એટલે શું ?
સામાન્ય રીતે ન કરવું હોય તોપણ સહેજે સહેજે થઈ જાય એનું નામ સ્વભાવ.
પોતાના મનની આંતરિક સ્થિતિ અને અનાદિકાળથી એ ઢાળે જ વર્તવાની પડી ગયેલી ટેવને સ્વભાવ કહેવાય.
આધ્યાત્મિકમાર્ગમાં જેનાથી મહારાજ અને મોટાપુરુષ ઉદાસ થાય, ઓશિયાળા થાય એવું ન કરવું હોય તોપણ થઈ જાય એનું નામ જ સ્વભાવ.
મનુષ્યમાત્ર સ્વભાવગ્રસ્ત અને સ્વભાવથી ત્રસ્ત હોય છે. અંગ્રેજીમાં એક ચિંતકે કહ્યું છે કે, “Man is a temperamental animal.” એટલે કે “મનુષ્ય એ સ્વભાવયુક્ત પ્રાણી છે.”
વાર-તહેવારે ભરાતા નાનામોટા મેળામાં જુદી-જુદી નાત-જાતના, કાળા-ગોરા-ઘઉંવર્ણા, ઊંચા-નીચા, જાડા-પાતળા એવા અનેકવિધ માનવીઓનો સમૂહ જોવા મળતો હોય છે. તેમ મનુષ્ય પોતે પણ અનેક સ્વભાવોનો મેળો જ છે. તેમાં સ્વભાવો પણ બે પ્રકારના જોવા મળતા હોય છે : બાહ્યિક સ્વભાવ અને આંતરિક સ્વભાવ. સુખમય જીવનમાં અશાંતિ કરે, અજંપો કરે, દુ:ખી કરે, કલેશ કરાવે, અરસપરસની પ્રીતિ તોડાવે, મનથી જુદા કરે, અરસપરસની આત્મીયતામાં ફાચર પાડે એવા સ્વભાવોને બાહ્યિક સ્વભાવો કહેવાય.
મોક્ષમાર્ગમાં વિઘ્ન કરે, મૂર્તિના સુખરૂપી મંજિલ સુધી પહોંચવામાં રુકાવટ લાવી દે એવા સ્વભાવોને આંતરિક સ્વભાવો કહેવાય.
આંતરિક કે બાહ્યિક બંને સ્વભાવો મૂળ તો દુ:ખરૂપ જ છે. પોતાનું ધાર્યું કરાવવાનો, જિદ્દી અને હઠીલો સ્વભાવ, બોલ-બોલકરવાનો સ્વભાવ,વગર માંગે સલાહ આપવાનો સ્વભાવ, વાતવાતમાં ટોક-ટોક કરવાનો સ્વભાવ, શંકાશીલ સ્વભાવ, ટોન્ટ મારવાનો સ્વભાવ, ખટપટિયો સ્વભાવ, વાતવાતમાં ખોટું લગાડવાનો, રિસાઈ જવાનો સ્વભાવ – આવા દેહ સાથે જડાયેલા બાહ્યિક સ્વભાવો અને કામ, ક્રોધ, લોભ, ઈર્ષ્યા, મત્સર જેવા જીવાત્મા સાથે જડાયેલા આંતરિક સ્વભાવો જ આપણા પરિવારની કે સત્સંગ સમાજની આત્મીયતાના મારણ બનતા હોય છે.
ઉપરોક્ત સ્વભાવને આધીન થાય ત્યારે જ વાસણ ખખડતાં હોય છે એટલે કે આત્મીયતા તૂટતી હોય છે. આવા સ્વભાવો વ્યક્તિમાત્રમાં વત્તા-ઓછા પ્રમાણમાં રહેલા જ હોય છે અને આવા સ્વભાવથી પર વર્તતા હોય તે તો દેહભાવથી પર થઈ ગયા કહેવાય. પણ હજુ જ્યાં સુધી અવરભાવમાં છીએ ત્યાં સુધી આ સ્વભાવોનો મેળો તો રહેવાનો જ. સામે મહારાજ અને મોટાપુરુષ હોય તોપણ આપણા સ્વભાવ દેખો દેતા હોય છે.
એક વખત એક ગામના હરિભક્તો સંઘે સહિત ગઢપુર મહારાજનાં દર્શને ગયા. મહારાજને સંઘના હરિભક્તોએ રસોઈ આપી અને મહાપ્રભુને સારામાં સારા થાળ બનાવવા પ્રાર્થના કરી. એ વખતે ગઢપુર મંદિરનું બાંધકામનું કામ ચાલતું હતું. તેથી મહારાજ કહે, “હે ભક્તજનો, અત્યારે મંદિરનું કામ ચાલુ છે ને પૈસાની તાણ છે તો તમારી રસોઈના પૈસા કડિયા-મજૂરને આપી દઈએ, એમાં તમારી રસોઈ આવી ગઈ માની લેજો.” સંઘના સૌ હરિભક્તોએ મહારાજની મરજી જાણી, આજ્ઞા સહર્ષ સ્વીકારી લીધી.
સંઘના બધા જ હરિભક્તો મહારાજની મરજી મુજબ પૈસા આપવા તૈયાર થઈ ગયા, પણ સંઘમાં આવેલા એક વાળંદ હરિભક્ત મહારાજની મરજી સાથે સહમત ન થયા અને મહારાજને કહ્યું કે, “આ પૈસામાંથી માલપૂઆ અને દૂધપાકની રસોઈ બનાવી સૌને જમાડો તો અમે રાજી થઈએ.”સંતો-હરિભક્તો સૌએ મહારાજની આજ્ઞામા વર્તવા માટે ખૂબ સમજાવ્યા પરંતુ વાળંદ હરિભક્ત પોતાનું ધાર્યું મૂકે જ નહીં. પોતાના નિર્ણયમાં અફર રહ્યા અને મહારાજને વિનંતી ચાલુ જ રાખી.
છેવટે, અંતર્યામી પ્રભુએ સૌ હરિભક્તોને કહ્યું કે, “તમે સૌ હરિભક્તોએ જેટલી જેટલી રસોઈની સેવા કરી હોય તેટલી રકમ આમાંથી પાછી લઈ લો.” બધા હરિભક્તો વારાફરતી પોતાની સેવાની રકમ લઈ ગયા. છેવટે માત્ર આઠ આના (50 પૈસા) વધ્યા. મંદ-મંદ હસતા શ્રીજીમહારાજે કહ્યું કે, “ભગત, બોલો હવે આઠ આનામાંથી શાની રસોઈ કરવી ? દૂધપાક કે માલપૂઆ ?”
વાળંદ હરિભક્ત તો ભોંઠા પડી ગયા. પોતાનો ધાર્યું કરાવવાનો, હઠીલો અને જિદ્દી સ્વભાવ સ્વયં મહારાજ આગળ પણ દેખો દીધા વિના ન રહ્યો. સત્સંગમાં રહેવા છતાં સત્સંગના રંગે કરીને સ્વભાવ ન ટળ્યો.
એટલે જ કવિ પ્રીતમે ટાંક્યું છે કે,
પથરો પડ્યો પાણીમાં, કરીને ઊંડો નિવાસ,
પ્રીતમ ટાંકણે તણખા ઝરે, એને ન લાગ્યો પાણીનો પાશ,
સંગત તેને શું કરે ?
પથરો કાયમ માટે પાણીની વચ્ચે જ પડ્યો રહે છે, પરંતુ તેને પાણીનો ભેજ જરા પણ અડતો નથી. પરિણામે નદીના પાણીમાંથી બહાર કાઢી બે પથ્થરને સામસામે ટકરાવતાં તણખા ઝરે છે. એમ સત્સંગમાં રહ્યા છતાં, સંતોનો સમાગમ કરવા છતાં, આપણા સ્વભાવને સત્સંગનો ભેજ લાગતો નથી. પરિણામે સમયે તણખા ઝર્યા વિના રહેતા નથી. સ્વભાવની તીક્ષ્ણતા જરા પણ ઓછી થતી નથી. કેટલાકનો તો ગાયનું ભેંસ તળે અને ભેંસનું ગાય તળે કરવાનો ખટપટિયો સ્વભાવ જોવા મળતો હોય છે. આવા સ્વભાવવાળા બંને પક્ષે ઢોલકી બજાવવામાં માહેર હોય છે. કોઈનું ભલું તો જાણે એમની એલર્જી બની ગઈ હોય એવું લાગતું હોય છે.