હેવા-સ્વભાવ ઓળખવા અને ટાળવા - 2
April 19, 2015
એક ભાઈની દીકરીનું સગપણ એક ટેક્ષ્ટાઇલ મિલમાલિકના દીકરા સાથે નક્કી થયું. આ વાતની ખબર તેમના પાડોશીને પડતાં તેમણે તરત જ હાથમાં રિસીવર પકડી રિંગ મારી... ક્યાં ? પેલા મિલમાલિકના ઘેર પાડોશીએ ફોનમાં પિન મારવાની ચાલુ કરી દીધી કે,“તમે સગપણ કર્યું છે, પણ જરા આગળ-પાછળનું જોઈ-વિચારીને નક્કી કરજો, પછી પાછળથી પસ્તાવું ન પડે. આ તો અમે જોડે રહીએ છીએ એટલે બધુંય જાણીએ છીએ. અમે તો તમારા ભલા માટે વાત કરી છે. પછી તમને જેમ ઠીક લાગે તેમ.”
બીજા દિવસે પાડોશીને ત્યાં બેસવા ગયા અને શુભ સમાચાર પૂછ્યા અને પોતાના સ્વભાવગત વાત કરવા માંડી, “કે તમે દીકરી માટે નર્યો પૈસો ન જોશો, સંસ્કારનું પણ વિચારજો. પૈસા તો આજે છે ને કાલે નથી, સંસ્કાર તો કાયમ રહેશે. એને લઈને જ જીવન ઊજળું રહે છે. તમે પૈસાદારને ત્યાં સગપણ કર્યું તે સારું જ છે પણ આ તો પાડોશીના નાતે બે ભલામણના શબ્દો કીધા. પછી તમને જેમ ઠીક લાગે તેમ.”
બંને પક્ષે શંકાના કીડા સળવળતા કરી મૂક્યા. બીજા દિવસે સગપણ તૂટી ગયું. આ છે મનુષ્યસ્વભાવની વિચિત્રતા. આવા તો અનેકવિધ સ્વભાવો રંગબેરંગી સ્વરૂપમાં રોજ દેખો દેતા જ હોય છે.
‘દુર્ગપુર મહાત્મ્ય’ના 111મા અધ્યાયમાં સ્વભાવનું યથાર્થ વર્ણન કરતાં શ્રીજીમહારાજ કહે છે કે,“હે ભક્તો, આ જીવ ભગવાનનો ભક્ત હોવા છતાં પણ તે પોતાના જન્મગત સ્વભાવને છોડી શકતો નથી, ભલે તે સ્વભાવ તેને ચિંતા, શોક, ભય અને પીડાથી દુઃખી કરતા હોય. પૂર્વે ખરાબ સ્વભાવને લીધે મોટા રાજાઓ, દેવતાઓ, બ્રહ્માદિક ઈશ્વરો અને તપસ્વીઓ આ બધા મોક્ષમાર્ગથી પડી ગયા હતા. મનુષ્યમાં જો ખરાબ સ્વભાવ હોય તો તે તેને સત્સંગમાંથી પાડી દે અને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ અને સંતોષ જેવા ગુણોથી પણ પાડી દે.
કોઢ જેમ સર્વોત્તમ રૂપસૌંદર્યનો નાશ કરે છે તેમ દુઃસ્વભાવ મનુષ્યની ચોતરફ પ્રસરેલી કીર્તિનો નાશ કરે છે અને ગુણવાન પુરુષના પ્રશંસા કર્યા જેવા સદગુણોનો પણ નાશ કરે છે. જેમ લીમડો પોતાની કડવાશને ક્યારેય છોડતો નથી તેમ દુર્જન પોતાનો સ્વભાવ છોડતો નથી. કૂકડો ભલે હંસનું અનુકરણ કરે છતાં હંસના ગુણ તેનામાં ક્યારેય આવતા નથી. દુરાગ્રહ કરાવનારો સ્વભાવ અજેય છે. ક્ષયરોગની જેમ મનુષ્યોને તે ક્લેશ-કંકાસનું કારણ બને છે.”
મનષ્યજીવનમાં આવતાં સુખ અને દુઃખનો આધાર એકમાત્ર તેના સ્વભાવ ઉપર છે. પરિવારની આત્મીયતા કે ક્લેશ અને કંકાસનો આધાર પણ સ્વભાવ ઉપર જ રહેલો છે. કેટલાક દેહ સાથે જડાયેલા ઉપલક સ્વભાવો, જે ક્ષુલ્લક દેખાતા હોવા છતાં પરિવારમાં ક્લેશને જન્મ આપતા હોય છે.
કેટલાકને કહે તેનાથી અવળું જ કરવાનો કે કોઈની વાત કાન ઉપર ન ધરવાનો સ્વભાવ પડી ગયો હોય છે. આ સ્વભાવ એ જ કેટલીક વાર કંકાસનું મૂળ બની જતો હોય છે.
એક વખત એક ભાઈએ તેમના પાડોશીના આંગણામાં થોડું પાણી ઢોળ્યું. તેમના પાડોશીએ પહેલે દિવસે જોયું પણ કશું બોલ્યા નહીં. પછી તો આ ભાઈનો રોજનો ક્રમ બની ગયો કે સવાર પડે ને પાડોશીના આંગણામાં પાણી ઢોળવું. બે-ત્રણ દિવસ પાડોશી ભાઈ કશું ન બોલ્યા. પછી તેમણે કહ્યું કે,“ભાઈ, અમારા આંગણામાં પાણી ઢોળો છો તેથી કીચડ થાય, મચ્છર થાયઅને અમને તકલીફ પડે છે. માટે ઢોળશો નહીં.” પરંતુ, આ ભાઈએ એમની વાત કાને ન ધરીને અવળું કરવાના પડી ગયેલા હેવા પ્રમાણે પાણી ઢોળ્યું. એક દિવસ સવારમાં જ તેમના પાડોશીનો પિત્તો ગયો અને મોટા અવાજે બોલવા માંડ્યું. પછી તો સામસામે ઉગ્ર બોલાચાલી થઈ. આગળ વધતાં મારામારી થઈ ને છેક પોલીસ સ્ટેશને કેસ પહોંચી ગયો. કોર્ટ-કચેરીના ધક્કા ચાલુ થઈ ગયા.
આવા નાનાસરખા સ્વભાવોને ન છોડતાં તે જીવન ખુવાર કરી નાંખે છે. કેટલીક વાર પરિવારના સભ્યો પ્રત્યેનો શંકાશીલ સ્વભાવ જ ઘરમાં ક્લેશનું કારણ બનતો હોય છે. કોઈ વ્યક્તિ ઘરમાં આવે કે જાય, આવવાનું વહેલું કે મોડું થાય અથવા તો બે જણા વાત કરતા હોય તો તરત જ કેટલાક એમને વિષે શંકા ઉત્પન્ન કરીને અવળું વિચારે છે. પરિણામે તેમના પ્રત્યેની વાણી, વર્તન અને વિચારસરણી ત્રણેય બદલાઈ જાય છે અને એકબીજા સાથે સ્નેહના તાંતણે જોડાયેલાં મન જુદાં પડે છે, ક્લેશનો દાવાનળ ભભૂકી ઊઠતો હોય છે.
કેટલાકને બોલબોલ કરવાનો અને વાંકદેખો સ્વભાવ જ પડી ગયો હોય છે. કોઈ બોલાવે કે ન બોલાવે, વા સાથે પણ વાતું કર્યા જ કરે અથવા તો બેઠા બેઠા દરેકની ક્રિયાનું નિરીક્ષણ કરી ક્યાં ભૂલ થાય છે તે જોવાનો અને ટોક-ટોક કરવાનો કે કટાક્ષમાં મહેણાં મારવાનો સ્વભાવ પણ પરિવારમાં ક્લેશનું કારણ બનતો હોય છે. આવા કંકાસનાં મૂળ સમા હેવા અને સ્વભાવને ઓળખવા. આપણા કયા સ્વભાવને કારણે આત્મીયતામાં ભંગાણ થાય છે તે સ્વભાવને પહેલાં ઓળખતાં શીખવા.
સ્વભાવને ઓળખીને પછી ટાળવા. ગુલાબના ફૂલ ઉપર ભમરો કે મધમાખી બેઠાં હોય તો શું આપણે તેને ચૂંટવા જઈશું ? ના... ના... જ્યારે ભમરો કે મધમાખી ફૂલ ઉપરથી ઊડે પછી જ તેને તોડીએ છીએ. ન ઊડે તો ઉડાડીએ પછી ફૂલ તોડીએ છીએ. પછી જ એ મહારાજના હસ્તમાં શોભારૂપ બનવાની સેવા કરી શકે છે. આપણામાં પણ અવરભાવના ઘણા ગુણ હોય, પણ જ્યાં સુધી મધમાખી કે ભમરા જેવા સ્વભાવ ઊઠશે નહિ ત્યાં સુધી આપણે મહારાજની સેવાને લાયક નહિ બની શકીએ, આપણું ભક્તપણું કે સાધુપણું શોભે જ નહીં. દાદાખાચર ઉપર મહાપ્રભુના અનહદ રાજીપાનું રહસ્ય પણ આ જ હતું કે, દાદાખાચરે મહારાજને ન ગમે એવો એકેય સ્વભાવ પોતાનામાં રાખ્યો નહોતો. આપણે પણ દાદાખાચર જેવા થવા, સ્વભાવને ઓળખીએ. મહારાજનો આગ્રહ જોઈ ટાળવા સંકલ્પ કરીએ.
આપણા સ્વભાવ ટાળવાનો આપણને આગ્રહ નથી એના કરતાં અનંતગણો આગ્રહ મહારાજ અને મોટાપુરુષને છે. આપણો એક અલ્પ સ્વભાવ પણ એમને આંખના કણાની જેમ ખૂંચે છે. માટે એ સ્વભાવ ટળાવીને જ રહે છે.
એક દિવસ મૂળજી બ્રહ્મચારી મહારાજને જમાડવા માટે બોલાવવા આવ્યા. મહારાજ સભાની પૂર્ણાહુતિ કરી જમાડવા પધાર્યા. રસ્તામાં ઘોડશાળા આવે. મહારાજે ઘોડશાળામાંથી નીકળતાં જોયું કે આગળ, એક પાર્ષદને ઘોડીએ લાત મારી. પણ, તેમને વાગતાં-વાગતાં રહી ગયું. મહારાજને ઘોડીનો આ લાત મારવાનો સ્વભાવ ન ગમ્યો અને કહ્યું કે,“અરર... આ ઘોડી અમારી જોડે રહે છે છતાંય તેનો સ્વભાવ ન ટળ્યો ? બસ, આજે તો ઘોડીનો લાત મારવાનો સ્વભાવ ટળે પછી જ જમીશું.”
સ્વયં ધણી એક ઘોડી જેવા પ્રાણીનો સ્વભાવ ટળાવવા તત્પર બન્યા અને ખુરશી મંગાવી, ઘોડશાળામાં બેસી ગયા. ઘોડીના પગથી થોડે છેટે એક લાકડાનું જાડું થડિયું મુકાવ્યું. અને હસ્તમાં એક લાંબો વાંસ લઈ, ઘોડીની પૂંછડીએ અડાડે. વાંસ અડતાં ઘોડી લાત મારે, પગ થડિયા પર પછડાય. મહારાજે એક, બે, ત્રણ વખત ગોદો મારવાનું ચાલુ રાખ્યું. પગ થડિયા જોડે અથડાવાથી ઘોડીનો પગ છોલાઈને લોહીલુહાણ થઈ ગયો. છેવટે જ્યારે ઘોડીએ લાત મારવાની બંધ કરી ત્યારે મહારાજને હાશ થઈ, પછી જ મહારાજ જમવા માટે પધાર્યા.
નિકટમાં રહેતા એકમાત્ર પશુના સ્વભાવને પણ મહારાજ ચલવી લેવા તૈયાર નથી તો આપણને સૌને તો મહારાજે પોતાના દીકરા કર્યા છે. પોતાથી બીજા નંબરની અનાદિમુક્તની પદવી આપી છે તો શું આપણા સ્વભાવ મહારાજ ચલવશે ? હરગિઝ નહિ ચલવે. સમજીને નહિ છોડીએ તો મહારાજ પરાણે છોડાવશે. માટે સત્સંગ સમાજમાં કે વ્યવહારમાં આત્મીયતામાં નડતરરૂપ સ્વભાવોને ઓળખીએ અને એને ટાળવા માટે કટિબદ્ધ થઈએ. સ્વભાવ ટાળવાના એમના આગ્રહને આપણો આગ્રહ બનાવીએ. સ્વભાવ ટાળવા માટેની કેટલીક ઉપાયરૂપ બાબતોને જીવનમાં ચરિતાર્થ કરીએ.