હેવા-સ્વભાવ ઓળખવા અને ટાળવા - 3

  April 28, 2015

સ્વભાવ ટાળવાના ઉપાયો :

(1) પોતાના ખરાબ સ્વભાવોનો સ્વીકાર કરવો :

કલન હાઈટાવર નામના એક ચિંતકે કહ્યું છે કે, “આપણે આપણાં કાર્યોની ભૂલ સુધારવા કરતાં તેનો બચાવ કરવામાં વધુ ધ્યાન આપીએ છીએ.” એટલે કે મારી કોઈ ભૂલ જ નથી, હું નિર્દોષ છું એમ પોતાની જાતને માની ઢાંકી લેતા હોઈએ છીએ. પરિણામે આપણી ગમે તેટલી મોટી સ્વભાવની તીખાશને પણ પારખી શકતા નથી અને પોતાની જાતને સવાશેર માનતા હોઈએ છીએ.

સ્વભાવનું વર્ણન કરતાં જીવનપ્રાણ બાપાશ્રી કહે છે કે,

“આ જીવમાં લાખ, કરોડ દોષ હોય ને સાજા દોષનું જ ઝાડ હોય ને એક પણ ગુણ ન હોય તોપણ પોતાને સવાશેર માને એવો અવળો છે. સત્સંગમાં નભ્યો જાય છે તેનું કારણ એ છે જે એને કોઈએ ટોક્યો નથી માટે નભે છે; જો ટોકે તો જતો રહે માટે એવા અવળા સ્વભાવનો ત્યાગ કરીને જેમ ભગવાન ને સંત કહે તેમ કરવું તો દોષમાત્ર ટળી જાય ને મહાસુખિયો થઈ જાય.”

-  બાપાશ્રીની વાતો : ભાગ-1, વાર્તા-47

પોતાનામાં રહેલા ખરાબ સ્વભાવને ઓળખવા. ન ઓળખાય તો મહારાજ કોઈને નિમિત્ત કરીને કે મોટાપુરુષ દ્વારા આપણો સ્વભાવ ઓળખાવે તો ત્યાં પોતાના ભૂંડા સ્વભાવનો સ્વીકાર કરવો એ કોઈ પણ સ્વભાવ ટાળવાની પ્રાથમિક બાબત છે. જો સ્વભાવનો સ્વીકાર જ ન થાય તો ટાળવાનો પ્રયત્ન જ ક્યાંથી થાય ?

(2) સ્વભાવનું નામું લખવું અને એનાથી થતું નુકસાન જોવું :

શ્રીજીમહારાજે સારંગપુરના 18મા વચનામૃતમાં સ્વભાવ ટાળવાની નામામેળ પદ્ધતિ શિખવાડી છે :

“જેમ વાણિયો હોય તે જેટલો વેપાર કરે તેનું નામું માંડી રાખે છે. તેની પેઠે જે દિવસ થકી સત્સંગ થયો છે તે દિવસથી જેણે નામું માંડી રાખ્યું હોય તેનો સ્વભાવ ટળે છે અને તે એમ વિચારે જે, જ્યારે મારે સત્સંગ નહોતો ત્યારે મારે આટલો મલિન સ્વભાવ હતો અને સત્સંગ કર્યા પછી આટલો સ્વભાવ ઉત્તમ થયો છે અને વર્ષોવર્ષ પોતાનો વધારો થતો હોય અથવા કંઈ ફેર રહેતો હોય તે સર્વને તપાસ્યા કરે પણ મૂર્ખ વાણિયો જેમ નામું માંડે નહિ તેની પેઠે ન કરે. એવી રીતે સત્સંગે કરીને જો પોતાનો તપાસ કરતો રહે, તો તેના જે જે સ્વભાવ હોય તે સર્વે નાશ પામી જાય છે.”

સત્સંગમાં આવ્યા પછી આપણામાં રહેલા સ્વભાવોની તપાસ કરવી કે આ સ્વભાવ મારા જીવનમાં ક્યાં ક્યાં નડતરરૂપ છે ? કયા સ્વભાવે કરીને સત્સંગમાં કે ઘરમાં આત્મીયતા તૂટે છે ? તેની તપાસ કરી ટાળવાનો પ્રયત્ન કરવો. આપણા મનમુખી સ્વભાવોને વશ થઈને, આપણી આસપાસમાં રહેતા અન્યના અંતરમાં ઠેસ પહોંચાડતા હોઈએ છીએ. આપણા અયોગ્ય સ્વભાવો જ આપણને આપણા ઘરમાં રહેતા ઘરના સભ્યોના પ્રેમ, હૂંફ કે પ્રસન્નતા પામાવા નથીદેતા. એકબીજાથી મન જુદાં કરી નાંખે છે માટે આવા નુકસાનથી આપણને અને આપણા પરિવારને બચાવવા માટે, પોતાના સ્વભાવની તપાસ કરી બદલતા થઈએ. અવારનવાર સમયાંતરે આપણા સ્વભાવનું નામું લખો કે આટલા સમયમાં મારા આ સ્વભાવમાં કેટલો અને ક્યાં ક્યાં સુધારો થયો ?

(3) સ્વભાવને વિષે શત્રુપણું કરવું :

આપણા અયોગ્ય સ્વભાવને ઓળખી એનાથી થતા નુકસાનને જોયા પછી સ્વભાવ પરત્વે શત્રુપણું કરવું. ગઢડા મધ્યના 26મા વચનામૃતમાં શ્રીજીમહારાજે કહ્યું છે કે,

“અને ન ગમે એવો કોઈક પોતામાં સ્વભાવ હોય તો તેનો પણ શત્રુની પેઠે ત્યાગ કરવો.” શત્રુની પેઠે એટલે કે દુશ્મનાવટ કરવી. શત્રુની પેઠે ત્યાગ કરવાની રીત ગામઠી ભાષામાં શ્રીજીમહારાજે ગઢડા પ્રથમના 57મા વચનામૃતમાં સમજાવી છે કે,

 “જેમ કોઈક પુરુષ આપણો મિત્ર હોય ને તે જ પુરુષે આપણા ભાઈને મારી નાખ્યો હોય પછી તે સાથે મિત્રપણું ન રહે અને તેનું માથું કાપવાને તૈયાર થાય, કાં જે મિત્ર કરતાં ભાઈનો સંબંધ અધિક છે, તેમ જે એને પોતાનો સ્વભાવ વર્તમાનમાં ભંગ પડાવીને સત્સંગમાંથી વિમુખ કરે એવો છે, તોય પણ એની ઉપર વેરભાવ આવતો નથી અને તે સ્વભાવ ઉપર રીસ ચડતી નથી તો એને સત્સંગમાં પૂરું હેત નથી અને જેવું ભાઈમાં હેત મનુષ્યને છે તેવું જો સત્સંગ ઉપર હેત હોય તો ભૂંડા સ્વભાવને તત્કાળ ટાળી નાંખે.” આપણા અયોગ્ય સ્વભાવ-પ્રકૃતિએ કરીને જ આપણી ઉપરનો મહારાજ અને મોટાપુરુષનો રાજીપો કપાઈ જાય છે. માટે તેમની સાથે શત્રુપણું કરવું.

સ્વભાવને લીધે જ પરિવારમાં કુસંપનું સર્જન થાય છે. એ જ રાજીપાના માર્ગમાં ગતિ-અવરોધક સમાન છે. તો જે મારી ગતિમાં અવરોધ કરે છે એ સ્વભાવ મારે ન જ જોઇએ. એનાથી જ મારા મહારાજ, મારા ગુરુ ને મારી સંસ્થા લજવાય છે; માટે કોઈ પણ ભોગે એનો ત્યાગ કરવો જ છે. આવી રીતે શત્રુપણું કરવાથી સ્વભાવ ટળે છે.

(4) સ્વભાવ પરત્વે જાગ્રત રહેવું :

પગમાં કાંટો, દાંતમાં ભરાઈ ગયેલું છોતરું, આંખમાં પડેલું કણ, હાથમાં વાગેલી ફાંસ જ્યાં સુધી ન નીકળે ત્યાં સુધી આપણી વૃત્તિ ત્યાં ખેંચાયેલી જ રહે છે, અખંડ જાણપણું રહે છે કે મારે આ કાઢવાનું છે. ન નીકળે ત્યાં સુધી ચેન ન પડે અને નીકળે ત્યારે જ હાશ થાય. એમ આપણામાં અનાદિકાળથી ઘર કરીને રહેલા હેવા-સ્વભાવો જ આપણને ચેન નથી લેવા દેતા; માટે એને ટાળવા અખંડ જાણપણારૂપી દરવાજે રહેવું. રખે ને, સ્વભાવ દેખો ન દઈ જાય તેનું અનુસંધાન રાખવું.

જેમ કોઈના ઘેર આપણે ગયા હોઈએ અને દરવાજા ઉપર બોર્ડ માર્યું હોય કે,  “કૂતરાથી સાવધાન”. આ બોર્ડ વાંચતાની સાથે આપણે સાવધાન થઈ જઈએ છીએ. એટલું જ નહિ, અંદર પેસતાં ચારેબાજુ જોયા કરીએ છીએ અને બીક રહે કે આમથી આવશે કે પેલી બાજુથી આવશે ? અખંડ ભય અને જાણપણું બંને વર્તે છે. એવી રીતે સમય આવે ત્યારે જાણપણું રાખવું. મને મહારાજના રાજીપાના માર્ગમાંથી પાડશે તો નહિ ને ? એવો અખંડ ભય રાખવો તો સ્વભાવ સ્હેજે સ્હેજે ટળે. સ્વભાવ ટાળવા માટે ખરા ખપ, ખટકા અને આગ્રહ સાથે મંડી પડીએ તો મહારાજ જરૂર ભેળા ભળે જ.

મોટામાં મોટો સ્વભાવ એટલે ‘સ્વ’નો‘ભાવ’; પોતાપણાનો ભાવ એટલે જ સ્વભાવ. અનેક સ્વભાવોનું મૂળ જ દેહભાવ છે. જો દેહભાવ જ ટળી જાય તો બીજા સ્વભાવો તો ડાળાં-પાંખડાં છે તે ક્યાંય ઊડી જાય. માટે મહારાજે મારા ચૈતન્યને અનાદિમુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે. દેખાતો દેહ એ અવરભાવ છે અને સ્વભાવ-પ્રકૃતિ પણ દેહનાં છે. દેહ અને આત્મા બંને જુદા છે એટલે દેહથી જુદા પડી પોતાપણાના ભાવને ટાળવા, તો સ્વભાવમાત્ર ટળી જાય છે.

 

વિશેષ દૃઢતા માટે :

આ વિષયને આનુષંગિક સંસ્થામાંથી ઉપલબ્ધ પ.પૂ. સ્વામીશ્રીની દિવ્યવાણીનાં દૃશ્ય-શ્રાવ્ય (CD-VCD)પ્રકાશનો :

1. દુઃખનું મૂળ

2. આપણી કુટેવો

3. હરિ ગમતામાં જ રહેવું છે : ભાગ – 1,2,3,4,5

4. સાવધાન રહેજો