હું કોણ છું ? શા માટે આવ્યો છું ? - 14

  August 3, 2020

અનાદિમુક્તની લટકની સમજૂતી - મહત્ત્વ
શ્રીજીમહારાજના વ્યતિરેક સંબંધવાળા ચાર વર્ગના છે. ચાલોચાલ ભક્ત, એકાંતિક ભક્ત, પરમ એકાંતિકમુક્ત અને અનાદિમુક્ત. જેમાં પ્રથમ બે સાધનદશામાં છે. જ્યારે બીજા બે સિદ્ધદશામાં છે. તેમ છતાં શ્રીજીમહારાજનો નંબર પહેલો અને અનાદિમુક્તનો નંબર બીજો છે. સેવકભાવમાં અનાદિમુક્તની સ્થિતિ છેલ્લી, પૂર્ણ અને કાયમી છે. સુખભોક્તાની સર્વશ્રેષ્ઠ સ્થિતિ એટલે અનાદિમુક્તની સ્થિતિ.
શ્રીજીમહારાજે ગઢડા પ્રથમના ૧૮મા વચનામૃતમાં અનાદિમુક્તની સંજ્ઞા કહી છે કે, “હું તો અનાદિમુક્ત જ છું પણ કોઈને ઉપદેશે કરીને મુક્ત થયો નથી.” અહીં શ્રીજીમહારાજ મુક્તભાવે બોલ્યા છે કે અમે અનાદિ છીએ. મહારાજ અનાદિ તો તેમના સંબંધને પામ્યા તે સર્વે મુક્ત પણ અનાદિ જ કહેવાય. તથા ગઢડા પ્રથમના ૩૨મા વચનામૃતમાં પણ નારદ-સનકાદિક જેવા અનાદિમુક્ત સમાધિમાં ઘણા કાળ સુધી રહે છે અર્થાત્ અનાદિમુક્ત અખંડ મૂર્તિમાં જ રહે છે એવું સમજાવ્યું છે.
સદ્. વૃંદાવનદાસજી સ્વામીએ ૯૩મી વાતમાં અનાદિમુક્ત મૂર્તિમાં કેવી રીતે રહે છે તેની સમજૂતી આપતાં કહ્યું છે કે, “મહારાજ મુમુક્ષુઓને આકર્ષણ કરીને મૂર્તિમાં ખેંચે છે. અને જે (મુક્ત) મૂર્તિમાં રહીને અખંડ સુખ લીધા કરે છે તેની અનાદિમુક્ત એવી સંજ્ઞા કહેવાય છે.”
શ્રીજીમહારાજની મૂર્તિ સાથે રોમ રોમ પ્રત્યે પુરુષોત્તમરૂપ થઈ શ્રીજીમહારાજની મૂર્તિમાં અંદર-બહાર રહીને મૂર્તિનું સુખ લેતા મુક્તને અનાદિમુક્ત કહેવાય. અર્થાત્ જે નિરંતર મૂર્તિના સુખમાં નિમગ્ન રહે તેને અનાદિમુક્ત કહેવાય. મૂર્તિના સુખમાં ડૂબેલા રહેવું, પ્રતિલોમપણે વર્તવું તે અનાદિમુક્તની લટક કહેતાં શૈલી, ખૂબી તથા એક આગવી છટા છે જે બીજા કોઈને ન આવડે. પ્રતિલોમપણું એટલે દેખાતા અવરભાવના દેહની વિસ્મૃતિ કરવી, દેહાદિક ભાવને ભૂલી જવા અને સર્વે ક્રિયાના કરનારા મહારાજને કરવા, અવરભાવનો દેખાતો દેહ ભૂલી ચૈતન્ય મૂર્તિમાં રહ્યો છે માટે મસ્તક, હસ્ત, ઉદર, મુખ બધું મહારાજનું જ છે એ ભાવમાં વર્તવું તે પ્રતિલોમભાવ. દેહનું મુખ મહારાજનું નહિ, મહારાજનું જ મુખ છે તેમાં મુક્તનું મુખ આવી જાય એવી રીતે વર્તવું તેને પ્રતિલોમપણું કહેવાય. આ પ્રતિલોમની લટકે (અનાદિમુક્તની લટકે) વર્તાય તો જ મૂર્તિના સુખનું યથાર્થ જ્ઞાન થાય અને મૂર્તિના સુખનો અનુભવ થાય.
સદ્. ગુણાતીતાનંદ સ્વામીએ ૩જા પ્રકરણની ૧૨૩મી વાતમાં કહ્યું છે કે, “પ્રતિલોમપણે ભગવાનનું ધ્યાન કરવું. ને તેમાં જ સુખ છે પણ પ્રતિલોમ જેવો બીજો સુખનો ઉપાય નથી, માટે પ્રતિલોમનો અભ્યાસ નિરંતર રાખવો એ સિદ્ધાંત વાત છે તે વચનામૃતમાં મહારાજે બહુ ઠેકાણે કહ્યું છે ને મોટા સંતનો એ આગ્રહ મુખ્ય છે ને પ્રતિલોમ વિના યથાર્થ જ્ઞાન થાતું નથી.”
વળી, આવી પ્રતિલોમની લટકે વર્તે તેને મહારાજ જુદા ન દેખાય, દેહ ન રહે ને મહારાજ જ સાક્ષાત્ દેખાય તે વાત પણ પ્રકરણ-૫ની ૧૨૦મી વાતમાં કરી છે કે, “હું પ્રતિલોમ (ધ્યાન) કરું છું કે આમ ભગવાન દેખાય છે.”
આમ એટલે દેખાતો અવરભાવ ટળી જાય અને ચૈતન્ય મૂર્તિમાં હોવાથી મહારાજના મસ્તકમાં મુક્તનું મસ્તક, નેત્રમાં નેત્ર દેખાય તે.
વાસ્તવિકતાએ અનાદિમુક્તની સ્થિતિ કે લટક કોઈ લૌકિક દૃષ્ટાંતો દ્વારા સમજાવવી અશક્ય છે. કારણ કે અવરભાવનાં કોઈ પણ દૃષ્ટાંત સમજાવવા જઈએ તો તે એકદેશી જ હોય, સર્વદેશી ન મળે.
જેમ કે, દૂધ-સાકર : શ્રીજીમહારાજ અને અનાદિમુક્તોની એકતા દર્શાવવા માટે અવરભાવમાં દૂધ અને સાકરનું દૃષ્ટાંત આપી શકાય કે જેમ સાકર દૂધમાં ઓગળી ગયા પછી એકલું દૂધ જ દેખાય છે તેમ મુક્ત મૂર્તિમાં રહ્યા પછી એક મહારાજ જ દેખાય છે એ વાત સમજી શકાય. પરંતુ દૂધમાં સાકર ઓગળી ગયા પછી તેનું અસ્તિત્વ જુદું રહેતું નથી. જ્યારે અનાદિમુક્તો મૂર્તિમાં રસબસભાવે ઓતપ્રોત, તલ્લીન થઈ ગયા હોવા છતાં સ્વામી-સેવકભાવનો નાતો તો રહે જ છે. તેથી જ અનુભવીઓએ ગાયું છે કે,
“મળ્યા દિસે છતાં ભિન્ન, સ્વામી સેવક તણો નાતો;
દૃષ્ટાંત કોઈ બંધ બેસે નહિ, રીતિ અજબ છે આ તો.
અનાદિની વાત બધી જુદી, મહાપ્રભુ કે મુક્ત જાણે છે,
પુરુષોત્તમરૂપ થઈને એ, અત્યુત્તમ સુખ માણે છે.”
સોનાનો કળશ : સોનાના કળશમાં અંદર-બહાર એક એક અણુમાં પણ સોનું જ હોય તેમ અનાદિમુક્તો માંહી-બહાર રોમ રોમ પ્રત્યે મૂર્તિમાં રહે છે. આમ તેઓ મૂર્તિનું સંપૂર્ણ સાધર્મ્યપણું પામેલા છે. સંપૂર્ણ પુરુષોત્તમરૂપ છે.
ઝાડમાં રહેલો રસ : ઝાડમાં રસ ક્યાં ક્યાં હોય ? તો, ઝાડના મૂળમાં, ડાળીમાં, પાંદડામાં, ફળમાં, ફૂલમાં બધે જ વ્યાપેલો હોય છે. તેવી રીતે અનાદિમુક્ત શ્રીજીમહારાજને મુખોન્મુખ છે. શ્રીજીમહારાજના મુખમાં મુક્તનું મુખ, નેત્રમાં મુક્તનાં નેત્ર, હસ્તમાં મુક્તનો હસ્ત છે. અર્થાત્ શ્રીજીમહારાજથી તે જરા પણ જુદા નથી. તેમ છતાં એક ઝાડમાં એક જ પ્રકારનો રસ હોય જ્યારે શ્રીજીમહારાજની મૂર્તિમાં અનંત અનાદિમુક્તો રહેલા છે.
ટ્રેસિંગ પેપર : કોઈ પણ પ્રકારનું ચિત્ર હોય તેને આબેહૂબ દોરવું હોય તો આપણે ટ્રેસિંગ પેપર (છાપણી કાગળ)નો ઉપયોગ કરીએ છીએ. જે ચિત્રને દોરવું હોય તેની ઉપર ટ્રેસિંગ પેપર મૂકી પેન્સિલ વડે ચિત્રને દોરીએ ત્યારે જેવું ચિત્ર હોય તેવું આબેહૂબ ચિત્ર ટ્રેસિંગ પેપર પર દોરેલું દેખાય છે. એક તસુ જેટલો પણ બેમાં ફેર હોતો નથી. દેખાવ પણ ઓરિજિનલ (વાસ્તવિક) ચિત્ર જેવો જ હોય છે તેમ છતાં બંનેમાં તફાવત રહે છે. એવી રીતે અનાદિમુક્તનો દેખાવ પણ મહારાજની મૂર્તિ જેવો અને તેમનો આકાર પણ મૂર્તિ જેવો જ છે. તેમ છતાં જેમ ઓરિજિનલ ચિત્ર ઉપર એક કરતાં વધારે ટ્રેસિંગ પેપરમાં મૂર્તિ દોરી શકાય છે. પરંતુ ઓરિજિનલ ચિત્ર એ ઓરિજિનલ છે. તેમ અનંત અનાદિમુક્તો મહારાજના કર્યા મહારાજ જેવા જ થાય છે. તેમ છતાં મુક્ત મહારાજના કર્યા થયા છે માટે સેવક છે અને મહારાજ સ્વામી છે. અનંત મુક્તો ભેગા થાય તોય સ્વામીની પદવીને ન પામી શકે. આવી રીતે અનાદિમુક્તની સ્થિતિ અને લટકની વાત ન્યારી છે જે અવરભાવમાં સમજવી ઘણી અટપટી છે.

અનાદિમુક્તની લટકની સમજૂતીને જ્ઞાનમાં ન રાખતાં અનુભવજ્ઞાન તરફ લઈ જઈએ.