હું કોણ છું ? શા માટે આવ્યો છું ? - 17

  August 24, 2020

અનાદિમુક્તની લટકે વર્તવાથી કોઈને વિષે દેહદૃષ્ટિ ન થાય કે અભાવ-અવગુણ પણ ન આવે :
પ્રતિલોમની લટકે વર્તવાથી પોતાને વિષે દેહના ભાવો ટળતા જાય તેમ સામે પણ દેખાતો અવરભાવ ટળતો જાય. મને જેમ મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે તેમ કારણ સત્સંગમાં સામે દેખાય છે એ બધા પણ મૂર્તિમાં રહેનારા અનાદિમુક્તો જ છે. કારણ કે કારણ સત્સંગમાં અનાદિમુક્ત સિવાય બીજી કોઈ ડાઈ જ નથી. લટકે વર્તવાથી સામે દેખાતાં પાત્રોમાં દેહદૃષ્ટિ ટળતી જાય અને દિવ્યદૃષ્ટિએ અનાદિમુક્તો જ છે એ ભાવે વર્તાય તો કોઈને વિષે અભાવ-અવગુણ પણ આવે જ નહીં.
શ્રીજીમહારાજે ગઢડા મધ્યના ૬૩મા વચનામૃતમાં દેહદૃષ્ટિ ટાળવા કહ્યું છે કે, “ભગવાનના ભક્ત છે તે તો કેવળ બ્રહ્મની જ મૂર્તિઓ છે (અનાદિમુક્તો જ છે); એને વિષે તો મનુષ્યભાવ લાવવો જ નહીં.” મહારાજનાં આ વચનો અનુસાર સૌને વિષે ‘અનાદિમુક્ત જ છે’ તેવો ભાવ પરઠીએ તો કોઈને વિષે દેહદૃષ્ટિ પણ ન થાય કે અભાવ-અવગુણ પણ ન આવે.
અનાદિમુક્તની લટકે વર્તવાથી એટલે કે મહારાજે મને મૂર્તિમાં રાખ્યો છે. હવે હું દેહધારી નથી, દેહ મારું સ્વરૂપ નથી, મૂર્તિ મારું સ્વરૂપ છે. એવી રીતે પ્રતિલોમ લટકે વર્તવાથી કૃતાર્થપણું વર્તે, મૂર્તિ સિવાય બીજું કાંઈ જોવાની કે પામવાની ઇચ્છા ન થાય. લટકે વર્તનારનાં દર્શન કરવાથી પણ અનંતને ટાઢું થાય. ચૈતન્ય અનાદિમુક્તની સિદ્ધદશાને માટે પાત્ર થતો જાય.
    દિવસ દરમ્યાન વ્યવહારિક સેવા-કાર્યોમાં માળામાં - અનાદિમુક્તની લટકમાં આવવાનું મહત્ત્વ :
અનાદિમુક્તની સ્થિતિ એટલે નર્યો પરભાવ જ્યાં અવરભાવની કોઈ પ્રવૃત્તિ, સેવા કે કાર્ય કશું રહેતું જ નથી. મૂર્તિનું સુખ લેવારૂપી એક જ કાર્ય છે. પરંતુ હજુ જ્યાં સુધી અનાદિમુક્તની પૂર્ણ સ્થિતિ ન થઈ હોય, માત્ર અનાદિમુક્તની પ્રાપ્તિ થઈ હોય અને સ્થિતિ કરવાના માર્ગે આગળ ચાલ્યા હોય એવા સાધક મુમુક્ષુ અવરભાવમાં છે. અવરભાવમાં અવરભાવની સેવા-પ્રવૃત્તિ બધું કરવાનું થતું હોય તેમાં સ્થિતિના માર્ગે આગળ વધવા દિવસ દરમ્યાન વારે વારે મૂર્તિરૂપી માળામાં વિરામ કરવો ફરજિયાત છે.
શ્રીજીમહારાજે ગઢડા પ્રથમના ૩૨મા વચનામૃતમાં મૂર્તિરૂપી માળામાં વિરામ કરવાનું મહત્ત્વ દર્શાવતાં પ્રશ્ન પૂછ્યો છે કે, “જેમ પક્ષી ચારો કરીને પોતાના માળામાં આવે છે, તેમ તમે સર્વે ભગવાનની કથા-કીર્તનાદિકરૂપી ચારો કરીને પાછા ભગવાનના સ્વરૂપરૂપી માળામાં વિરામ કરો છો કે બીજે જ્યાં ત્યાં વિરામ કરો છો ? પછી મુનિ તથા હરિભક્ત સર્વે જુદા જુદા બોલ્યા જે, હે મહારાજ ! ભગવાનની કથા-કીર્તનાદિકના વિષયી પણ થયા છીએ ને ભગવાનની મૂર્તિરૂપી જે માળો તથા ખીલો તેને મૂકીને બીજે ઠેકાણે રહેતા પણ નથી. તે વાર્તાને સાંભળીને શ્રીજીમહારાજ ઘણું પ્રસન્ન થયા.” અર્થાત નિરંતર મૂર્તિરૂપી માળામાં વિરામ કરવો, એમાં જ મહારાજની પ્રસન્નતા એટલે કે રાજીપો છે.
મૂર્તિરૂપી માળો એટલે શું ? માળામાં આવવું એટલે શું ? અને માળામાં વિરામ કરવો એટલે શું ?
આ ત્રણ પ્રશ્નો આપણે એક લૌકિક દૃષ્ટાંત દ્વારા જોઈએ તો, કોઈ વ્યક્તિ બહારગામ ગઈ હોય તો તે પોતાના ઘર તરફ પાછી વળે છે. ઘરમાં અંદર આવે પછી આરામ કરે છે. તેવી રીતે ઘર એટલે મૂર્તિરૂપી માળો. ઘરમાં આવવું એટલે માળામાં આવવું અર્થાત્ લટકમાં આવવું. ઘરમાં આરામ કરવો એટલે મૂર્તિરૂપી માળામાં વિરામ કરવો અર્થાત્ લટકમાં-મૂર્તિમાં સ્થિર થવું. કોઈ પણ વ્યક્તિના જીવનમાં આરામ ફરજિયાત છે. કદાચ એક-બે દિવસ જમવાનું ન મળે તો ચાલે પરંતુ ગમે તેટલા વ્યસ્ત હોઈએ તોપણ દેહને આરામ તો ફરજિયાત કરાવવો જ પડે. તેવી રીતે આધ્યાત્મિક માર્ગમાં મૂર્તિમાં વિરામ એટલે ચૈતન્યનો આરામ. દેહને આરામ મળે તો જ તે તાજો રહી શકે છે તેમ આત્માને વિરામ મળે તો જ તે તાજો રહી શકે છે અર્થાત્ આધ્યાત્મિક માર્ગે પ્રગતિ કરી શકે છે.
મૂર્તિરૂપી માળામાં વિરામ કરવાની અવધિ વધતી જાય તેમ તેમ તે ધ્યાન થતું જાય છે. પરંતુ તે પૂર્વે માળામાં આવવું (લટકમાં આવવું) ફરજિયાત છે. રોજબરોજના વ્યવહારિક કાર્યોમાં સ્પેશ્યલ સમય કાઢીને મૂર્તિમાં જોડાવા બેસવું, વિરામ કરવો એ અશક્ય નથી પરંતુ અઘરું પડે છે. તે માટે વ્યવહારિક કાર્યો જ માળામાં રહીને, લટકમાં રહીને કરીએ તો વિરામની સ્થિતિ પર પહોંચતાં વાર ન લાગે. શ્રીજીમહારાજે ગઢડા પ્રથમના ૨૨મા વચનામૃતમાં સર્વે ક્રિયા લટકમાં રહીને કરતાં શિખવાડી, તેનું મહત્ત્વ સમજાવ્યું છે કે, “હાલતાં-ચાલતાં, ખાતાં-પીતાં સર્વે ક્રિયાને વિષે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ કરવો, તો તેને ભજનમાં બેસે ત્યારે ભગવાનમાં વૃત્તિ સ્થિર થાય. અને જેને ભગવાનમાં વૃત્તિ રહેવા લાગે તેને તો કામકાજ કરતે પણ રહે, અને જેને ગાફલાઈ હોય તેને તો ભજનમાં બેસે ત્યારે પણ ભગવાનમાં વૃત્તિ ન રહે. તે માટે સાવધાન થઈને ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ ભગવાનના ભક્તને કરવો.” તથા ગઢડા પ્રથમના ૨૩મા વચનામૃતમાં પણ કહ્યું છે કે, “ખાતાં-પીતાં, હાલતાં-ચાલતાં તથા શુભ ક્રિયાને વિષે તથા અશુભ ક્રિયાને વિષે સર્વે કાળે ભગવાનમાં અખંડ વૃત્તિ રાખવી પછી એવી રીતે ભગવાનમાં અખંડ વૃત્તિ રાખતાં રાખતાં એવી દૃઢ સ્થિતિ થાય છે.”
પર્વતભાઈ જેવા સ્થિતિવાળા મુક્તો પણ આપણને શીખવવા વ્યવહારિક કાર્યોમાં આ લટકે વર્તતા. એક વખત પર્વતભાઈ ખેતરમાં સાંતી હાંકતાં હાંકતાં માનસીપૂજા કરતા હતા. માનસીપૂજામાં ઠાકોરજીને દહીં ને રોટલો જમાડતા હતા. પર્વતભાઈના નેત્ર બંધ હતા અને બળદ ચાલતા ધીરા થઈ ગયા તેથી બાજુના સાંતીવાળાએ પર્વતભાઈને હલાવ્યા ત્યારે દહીં ઢોળાઈ ગયું અને સાંતી દહીંવાળું થયું. આવી રીતે સર્વે ક્રિયામાં મહારાજની સ્મૃતિ રાખવી અને મને અનાદિમુક્ત કર્યો છે માટે સર્વે ક્રિયા મહારાજ કરે છે એ લટકમાં રહેવું.
સદ્. વૃંદાવનદાસજી સ્વામીએ પણ ૯૧મી વાતમાં કહ્યું છે કે, “હાલતાં-ચાલતાં, ખાતાં-પીતાં આ વાત સિદ્ધ કરવા મૂર્તિનું જ અનુસંધાન રાખવું. અને એમ જાણવું જે હું મહારાજની તેજોમય મૂર્તિમાં જ છું. એવું દૃઢ થયા પછી તેને પણ મહારાજ વિના બીજું કાંઈ જોવાનો ઠરાવ રહેતો નથી.”
સ્થિતિ તરફ આગળ વધવા દિવસ દરમ્યાન વારે વારે માળામાં આવવાની પ્રૅક્ટિસ કરવી. વ્યવહારિક કોઈ સેવા-પ્રવૃત્તિ કરવાની હોય તો આપણે તેમાં ઉત્સાહ અને ઉમંગથી ભેગા ભળી જઈએ છીએ. આનંદ આનંદ થાય. જ્યારે મહારાજમાં જોડાવાનું થાય ત્યારે કાઠું પડે છે. કારણ, વ્યવહારિક સેવા-પ્રવૃત્તિ સંપૂર્ણ બહારવૃત્તિએ અને દેહભાવે જ કરીએ છીએ તેથી તેમાં દેહને ગમે એવી જ ક્રિયા-પ્રક્રિયા થાય છે. તેમાં બહારવૃત્તિની ધારાઓ સજાય છે તેથી તે કરવું ગમે છે. જ્યારે મૂર્તિરૂપ લટકે વર્તવાનું થાય તો તેમાં દેહભાવને ઘસારો પડે છે. ઇન્દ્રિયો-અંત:કરણની ધારા બુઠ્ઠી થાય છે. તેથી તે કાઠું પડે છે પરંતુ હાલતાં-ચાલતાં સર્વે ક્રિયામાં જો મૂર્તિરૂપ લટકે વર્તવાની ટેવ પાડીએ તો અવરભાવમાત્ર ટાળવો અઘરો ન પડે. અનાદિમુક્તને એક મૂર્તિનું સુખ લેવું એ જ પ્રવૃત્તિ છે માટે સતત લટકમાં રહેવા પ્રયત્ન કર્યા કરવો. મહારાજે મને અનાદિમુક્ત કરી મૂર્તિમાં રાખ્યો છે. જેમ ગાડીમાં બેઠા પછી ચાલે તોય ગાડી ને દોડે તોય ગાડી. તેમાં બેસનારને ચાલવું કે દોડવું ન પડે તેમ મહારાજે કૃપા કરી મૂર્તિમાં રાખ્યા છે. માટે આપણી સર્વે ક્રિયાના કર્તા મહારાજ છે. જીવનપ્રાણ બાપાશ્રીએ ભાગ-૧ની ૨૧૯મી વાતમાં સમજાવ્યું તેમ વર્તવું કે, “મહારાજની મૂર્તિમાં હું છું અને બોલે છે, ચાલે છે તે તો મહારાજ કરે છે એમ સમજવું.”
મહારાજ ક્રિયા કરે છે એવું ક્યારે રહે ? તો, ક્રિયારૂપ ન થઈએ અને મૂર્તિ રૂપે વર્તવાનો પ્રયાસ રાખીએ તો. શ્રીજીમહારાજ, બાપાશ્રી, સદ્ગુરુ સંતો સમૈયા-ઉત્સવ કરતા, સેવા કરાવતા તેમાં પણ મૂર્તિ ભૂલવા ન દેતા ને ભૂલે તો ટકોર કરતા.

આપણે પણ દિવસ દરમ્યાનની સર્વે ક્રિયામાં મૂર્તિ રૂપે વર્તવાનો આગ્રહ સેવવો જોઈએ.