ઈર્ષ્યાવૃત્તિને ઓળખવી અને છોડવી - 3

  March 12, 2015

ઈર્ષ્યા કેવી કરવી, કોની કરવી અને કોની ન કરવી... તેની રીત શ્રીજીમહારાજે ગઢડા પ્રથમના 4થા વચનામૃતમાં શીખવતાં કહ્યું છે કે,

“ઈર્ષ્યા કરવી તો તેવી કરવી જે જેની ઉપર ઈર્ષ્યા હોય તેના જેવા ગુણને ગ્રહણ કરવા ને પોતાના અવગુણને ત્યાગ કરવા;  ને તેવું ન થવાય ને જે ઈર્ષ્યાએ કરીને ભગવાનના ભક્તનો દ્રોહ થાય તેવી ઈર્ષ્યાનો તો ભગવાનના ભક્તે સર્વે પ્રકારે ત્યાગ કરવો.”

     અહીં શ્રીજીમહારાજે અધોગતિના માર્ગે લઈ જતી ઈર્ષ્યાનું ઊર્ધ્વીકરણ કરવાની રીત શિખવાડી છે કે પોતાનાથી વ્યવહારિક ગુણે કરીને કે સત્સંગમાં મહારાજ અને મોટાપુરુષના રાજીપાએ કરીને વધુ ઉત્કૃષ્ટ હોય તેમની સવળી ઈર્ષ્યા કરવી. એટલે કે જો એ મહારાજ અને મોટાપુરુષને આ ગુણે કરીને રાજી કરે છે તો હું કેમ ન કરી શકું ? મારે પણ રાજી કરવા જ છે. એના માટે પોતાના સ્વજીવનની ભૂલો, અવગુણોને ટાળીને એવા ગુણોને શીખવા પ્રયત્ન કરવો. જેનામાં એવા ગુણ હોય તેની આગળ દાસ થઈ જવું, નિર્માની થઈ જવું અને તેમની પાસેથી જ એવા ગુણો શીખવાના પ્રયત્નો કરવા. પણ જે ઈર્ષ્યાએ કરીને ભગવાનના ભક્તનો દ્રોહ થાય કે ભૂંડું થાય એવી ઈર્ષ્યાનો સર્વે પ્રકારે ત્યાગ કરવો એટલે કે મન-કર્મ-વચને કરીને પણ લેશમાત્ર એવી ઈર્ષ્યા ન કરવી.

     કારણ કે ઈર્ષ્યા એ ઝેરી સર્પિણી જેવી છે. એક વખત છંછેડાય પછી ડંખ માર્યા વિના રહે જ નહીં. ઈર્ષ્યાની મુખકોથળીમાં પ્રાણઘાતક હળાહળ વિષ ભરેલું છે. જેને અડે તેના પ્રાણ લે એટલે કે જે ઈર્ષ્યાની બદીમાં પડે છે તે પોતાની જાતે જ પોતાનો સર્વનાશ નોંતરે છે. રોજિંદા જીવનમાં આપણે આપણી કેટલી શક્તિનો, આવડત-બુદ્ધિનો વ્યય ઈર્ષ્યાવૃત્તિમાં કરી નાખતા હોઈએ છીએ. માટે આ ઈર્ષ્યાવૃત્તિને ઓળખીએ અને યત્નપૂર્વક છોડવા પ્રયત્ન કરીએ.

ઈર્ષ્યાવૃત્તિની ઓળખ :

1.કોઈની મોટાઈ ન દેખાય :

         શ્રીજીમહારાજે સારંગપુરના 8મા વચનામૃતમાં ઈર્ષ્યાનું રૂપ બતાવ્યું છે કે, “પોતાથી જે મોટા હોય પણ તેનું જ્યારે સન્માન થાય ત્યારે તેને દેખી શકે નહિ એવો જેનો સ્વભાવ હોય તેને એમ જાણવો જે આના હૈયામાં ઈર્ષ્યા છે અને યથાર્થ ઈર્ષ્યાવાળો હોય તે તો કોઈની મોટાઈને દેખી શકે જ નહીં.”

      પોતાનાથી નાના હોય કે મોટા હોય, ઓળખતા હોય કે ન ઓળખતા હોય, સંબંધી હોય કે વિરોધી હોય, સત્સંગી હોય કે કુસંગી હોય પરંતુ જો કોઈની મોટાઈને ખમી ન શકે તેને મહારાજે યથાર્થ ઈર્ષ્યાવાળો કહ્યો છે. આવો ઈર્ષ્યાળુ પોતે જ પોતાને બાળતો હોય છે.

2.કોઈનું દુ:ખ આપણને સુખી કરે :

ઈર્ષ્યાળુ કોઈનું દુ:ખ જોઈ પોતે સુખી થાય છે અને બીજાનું સુખ જોઈ પોતે દુ:ખી થાય છે. ભરઉનાળામાં પણ માટલાના પાણીની ઠંડકથી ખુશ હોય પરંતુ જો બાજુવાળાના ઘેર ફ્રીઝ આવે તો માટલાના પાણીની ઠંડક ઊડી જાય અને એને માંહી બળતરા ચાલુ થઈ જાય. ભાઈના ઘેર એ.સી. આવતાં આપણા ઘેર હીટર ચાલુ થઈ જાય તો એ ઈર્ષ્યાવૃત્તિ. પાડોશીના ઘરમાં ચોરી થઈ, પિતરાઈના ધંધામાં ખોટ ગઈ કે નજીકના કૂંડાળામાં કોઈના ઘેર અઘટિત બનાવ બન્યો ને જો આપણે ખુશ થઈએ, રાજી થઈએ તો તે ઈર્ષ્યા કહેવાય.

3.કોઈને જોતાં અંદરથી બળતરા થાય, ઘૃણા થાય :

કેટલીક વાર આપણી નજીકના સંબંધીની સુખ, સંપત્તિ કે કીર્તિ જોતાં અંદરથી બળતરા થાય, સાથે રહેવાનું થાય ત્યારે કોઈને જોતાં જ અંદરથી ઘૃણા, નફરત ઉદભવે એ પણ ઈર્ષ્યાનું જ પ્રતીક છે.

   બે સગાં ભાઈઓમાં નાનોભાઈ મોટાભાઈ કરતાં ધંધામાં આગળ નીકળી ગયો. નાના ભાઈની પ્રગતિ મોટાભાઈથી ન ખમાઈ. ગમે તે રીતે હવે તેને પાછો પાડી દઉં એવી ઈર્ષ્યાની અગનજ્વાળા સળગી.

એક દિવસ મોટાભાઈએ વિચાર કર્યો કે, તપ કરીને ભગવાનને પ્રસન્ન કરું અને તેના કરતાં આગળ નીકળી જઉં. આ વિચારથી તેઓ જંગલમાં ગયા અને આકરી તપશ્ચર્યા શરૂ કરી. તેમના તપને જોઈ ભગવાન પ્રસન્ન થયા અને કહ્યું, “માંગો માંગો, અમે તમારી ઉપર પ્રસન્ન થયા છીએ. જે માંગશો તે આપીશું, પરંતુ એક શરત એ કે તમે જે માંગશો તેના કરતાં તમારા નાનાભાઈને ડબલ મળશે.

     ભગવાન પ્રસન્ન થયાનો આનંદ આટલા શબ્દોમાં ઓસરી ગયો. મોઢું ઊતરી ગયું. પરંતુ અંદર રહેલી ઈર્ષ્યા સળવળી ઊઠી અને બોલ્યા કે, “હે ભગવાન ! જો તમે એમ જ કરવાના હોય તો મારી એક આંખ ફૂટી જાય, મારા ભાઈની બે ફૂટી જશે ને ! મારું એક ઘર સળગી જાય તો મારા ભાઈનાં બેઉ ઘર સળગી જશે ને ! મારો એક દીકરો મરી જાય, મારા ભાઈના બે દીકરા મરી જશે ને !”

     આ છે ઈર્ષ્યાનું વાસ્તવિક સ્વરૂપ જે પોતાના દુ:ખ કરતાં પણ બીજાને વધુ દુ:ખ મળે તેનાથી રાજી થાય છે. વળી, જે કોઈની મોટપ કે પ્રગતિને ખમવા દેતી નથી.

     સત્સંગમાં પણ કેટલીક વાર આવું જોવા મળતું હોય છે કે મોટાપુરુષ કોઈ પાત્ર ઉપર રાજીપો દર્શાવે અથવા બધાની વચ્ચે એ પાત્રનાં વખાણ કરે, સન્માન કરે, આગળ બેસાડે, કોઈ સેવા સોંપે, આગળ કરે એ વખતે એ પાત્રને જોતાં અંદરથી બળતરા થાય તો સમજવું કે આપણને એ પાત્રને વિષે ઈર્ષ્યાવૃત્તિ છે. ક્યારેક મોટાપુરુષ કોઈના ઘડતર માટે કોઈ પાત્રને ઠપકો આપે, બે શબ્દો કહે, બધાની વચ્ચે નિધડકપણે રોક-ટોક કરે, કોઈ સોંપેલી સેવા લઈ લે, સેવામાં નારાજગી દર્શાવે, અસંતોષ દર્શાવે ત્યારે આપણે રાજી થતા હોઈએ તો એ પાત્રને વિષે આપણી અંદર ઈર્ષ્યાવૃત્તિ રહેલી છે એવું સમજવું.

4.નાની ભૂલને મોટી કરીને ગવાય :

      જ્યારે કોઈ પાત્રોને વિષે આપણી વાંકદેખી વૃત્તિ થઈ જાય, કોઈના ગુણમાં પણ દોષની સંભાવના કરીને હલકો કે નીચો પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન થાય એ પણ આપણી ઈર્ષ્યાવૃત્તિ છે. કોઈની રજ જેવી ભૂલને ગજ જેવી કરવાનો પ્રયાસ થતો હોય અથવા તો બે જણ આપણી વાતને સાંભળનારા મળે અને તરત જ વાતને અવળી-સવળી કરી કાનભંભેરણી કરવી ને પોતાની વાતને, પોતાની બાજુ સવળી પાડવાના પ્રયત્નો કરવા એ પણ ઈર્ષ્યાવૃત્તિ જ છે. કેટલીક વાર આપણે ઘરના વડીલો આગળ કે મોટાપુરુષ આગળ કોઈની નાની ભૂલની મીઠી ભાષામાં રજૂઆત કરીને તેને હલકો પાડવાનો પ્રયત્ન કે તેના પ્રત્યેના આદરભાવનું, તેની સદ્દગુણોની છાપને ભૂંસવાનું મહાપાપ કરતા હોઈએ છીએ, આ પણ ઈર્ષ્યાવૃત્તિનો એક ભાગ જ છે.

      સૌની સાથે એકમના થઈ રહેવા આપણામાં રહેલી આવી છૂપી ઈર્ષ્યાવૃત્તિને ઓળખીએ અને છોડવા માટેના પ્રયત્ન કરીએ.

ઈર્ષાવૃત્તિને છોડવા માટેના ઉપાય :

1.મોટા થવાના અભરખા છોડવા :

     મોટા થવાના અભરખાના પરિણામે આપણા રસ્તામાં વચ્ચે આવનારાં પાત્રો વિઘ્નરૂપ લાગે છે. આપણી ઇચ્છાઓ, અભરખાઓ ન સંતોષાય ત્યારે આપણા સહસાથીને વિષે ઈર્ષ્યાવૃત્તિ પેદા થાય છે. માટે મહારાજ જ્યાં રાખે ત્યાં, જેમ રાખે તેમ રાજી રહેતાં શીખવું. ઝાઝું મેળવી લેવાના, મોટા થવાના, આગળ થવાના, સત્તા મેળવવાના અભરખાઓને છોડવા જોઈએ.

2.સૌમાં મહારાજનાં દર્શન કરવાં :

     મહારાજ તો પોતે સ્વયં સત્તાધીશ છે. મહારાજ પોતાના ગુણની પ્રસાદી કોઈને પણ આપે. ગમે તેને પોતાના સંકલ્પના નિમિત્ત કરે એમાં વળી આપણે બળતરા શાની કરવાની ? સૌના કાર્યના કરનારા સ્વયં મહારાજ જ છે, તો મહારાજને વિષે ઈર્ષ્યા હોય ? એટલે જ ‘હરિને ગમે એવા થવું જ છે’ પુસ્તિકામાં પ.પૂ. સ્વામીશ્રીએ કહ્યું છે કે, “ઈર્ષ્યા એટલે મહારાજના કર્તાપણાનો અસ્વીકાર.” માટે સૌમાં મહારાજનાં દર્શન કરી એકમાત્ર મહારાજનું કર્તાપણું દૃઢ કરવું.

3.આત્માને દેહથી પૃથક્ સમજવો :

     ગઢડા છેલ્લાના 39મા વચનામૃતમાં શ્રીજીમહારાજે અનાદિકાળના જીવાત્માને વળગેલા દોષથી છૂટવાનો ઉપાય બતાવતાં કહ્યું છે કે,

“કોઈક જાતનો અહમ્–મમત્વ થાય તથા માન, ક્રોધ, સ્વાદ, લોભ, કામ, મત્સર, ઈર્ષ્યા એ આદિક અવગુણની પ્રવૃત્તિ થાય ત્યારે જો આત્મા પોતાને જાણતા ન હોઈએ તો સાધુનો અવગુણ આવે, તેમાંથી એનું બહુ ભૂંડું થાય. માટે પોતાને દેહથી પૃથક્ આત્મા જાણવો.”

    અહીં મહારાજે ઈર્ષ્યા આવવાનું કારણ બતાવ્યું કે પોતાને દેહરૂપ મનાય છે ત્યાં સુધી અન્યની ઈર્ષ્યા આવે જ છે. પરંતુ પોતાને દેહથી જુદો આત્મા અને એ આત્માને મહારાજે કૃપા કરીને મૂર્તિમાં રાખ્યો છે આ લટક દૃઢ થાય તો દેહભાવ જ ન રહે તો પછી દેહનો દોષ -ઈર્ષ્યા રહે જ ક્યાંથી ? માટે “દેહ નહિ હું મુક્ત અનાદિ...”  આ જ્ઞાનના જાણપણામાં રહેવું.

    મહારાજના સંકલ્પમાં ભેળા ભળવા માટે આપણા સ્વજીવનમાંથી આવી અનાદિકાળની બદીઓને દૂર કરીને રાજીપાના માર્ગે આગળ વધીએ...

વિશેષ દ્રઢતા માટે :

      આ વિષયને આનુષંગિક સંસ્થામાંથી ઉપલબ્ધ પ.પૂ. સ્વામીશ્રીની દિવ્યવાણીનાં દૃશ્ય-શ્રાવ્ય (CD-VCD) પ્રકાશનો :

1. દુ:ખનું મૂળ

2. આપણી કુટેવો

3. હરિ ગમતામાં જ રહેવું છે : ભાગ-1,2, 3,4,5

4. સાવધાન રહેજો