જવાબદારીને નિભાવો - 1
July 28, 2014
સાંસારિક પ્રશ્નોને ઓછા કરવા માટેનું એક આવશ્યક પાસું છે‘જવાબદારીને નિભાવવી.’ જવાબદારીનું વિશેષત: મહત્વ આ લેખ દ્વારા જાણીએ.
જવાબદારીને નિભાવો
અભિષેકભાઈ સવારના પહોરમાં ડ્રૉઇંગરૂમમાં સોફા ઉપર બેસી વાંચી રહ્યા છે. એવામાં ઘરમાંથી બૂમ પડી, “અભિષેક ! ઓ અભિષેક ! પરમ દિવસે મેં ઘર માટે બાટલો નોંધાવવાનું કહ્યું હતું તે નોંધાવ્યો કે નહીં ?” અભિષેકભાઈએ બહુ લક્ષ્ય ન આપ્યું અને વાંચવાનું ચાલુ રાખ્યું. રસોડામાંથી તેમનાં ધર્મપત્ની ડૉઇંગરૂમમાં આવ્યાં અને થોડા ઊંચા અવાજે કહ્યું, “સાંભળતાં નથી ! ક્યારની બૂમો પાડું છું કે પરમ દિવસે મેં તમને બાટલો નોંધાવવાનું કહ્યું હતું તે નોંધાવ્યો કે નહીં ?” અભિષેકભાઈએ પ્રતિઉત્તર આપતાં થોડા ભારે અવાજમાં કહ્યું, “ના, મને ટાઇમ નથી મળ્યો એટલે નોંધાવ્યો નથી.” વળતા ઉત્તરમાં ધર્મપત્નીએ કહ્યું, “ટાઇમ નથી મળ્યો કે ભૂલી ગયા છો ?” અભિષેકભાઈએ કહ્યું, “ભૂલી ગયો હતો, બસ !” આટલું સાંભળતાં જ તેમનાં ધર્મપત્ની ઊકળ્યાં, “આમેય તમારા કામમાં કયા દિવસે ભલીવાર હોય છે ? જિંદગીમાં કોઈ દિવસ કોઈ વાતને ગંભીરતાથી નોંધતા જ ક્યાં શીખ્યા છો ? આ ઘરની બધી જવાબદારી તો મારી એકલીની જ છે ને ?” આટલું કહ્યું ત્યાં સામે અભિષેકભાઈ ઊકળ્યા,
“બધી ખબર પડે છે. તું શું કામ કરીને ઊંધી વળી ગઈ ! રસોઈ કરવાની ને ઘર ચોખ્ખું રાખવાનું અને કપડાં ધોવાનાં આ સિવાય તારે જવાબદારી જ શું છે ? તે આખા ઘરની જવાબદારી મારી એકલીની કહે છે ! છાનીમાની તારું કામ કર... આજે બાટલો નોંધાઈ જશે.” વળતો ઉત્તર આપતાં ધર્મપત્નીએ કહ્યું, “હા, હું તો સાવ નવરી જ છું ને ! ત્રણ કામ સિવાય મારે બીજું કામેય ક્યાં છે ! પોતાની ભૂલ તો ઓળખાતી નથી ને પાછા પાવર કરો છો ! અત્યારે માંડ રસોઈ બની છે. ગેસ ખલાસ થઈ ગયો છે. સાંજે શું જમશો, શકોરું ! સમયે બાટલો નોંધાવી દીધો હોય તો આટલી લાંબી કથા ના થાત.” અભિષેકભાઈએ રોષે ભરાઈ કહ્યું, “હા, સાંજે શકોરું જમીશ, બસ !” બંને સભ્યો મોં ચડાવી છૂટા પડ્યાં.
સાંજના 7 વાગ્યાનો સમય થયો હતો. સાગર શાળાથી ટ્યૂશન જઈ ઘરે પાછો આવ્યો. મિહિરભાઈ અને તેમનાં ધર્મપત્ની સોફા ઉપર બેસી કોઈક બાબતની ચર્ચા કરી રહ્યાં હતાં. સાગરે તેમને સંબોધતાં કહ્યું, “મમ્મી, પપ્પા, આજે મને શાળામાં શિક્ષા થઈ !” “કેમ ?” “આ મહિનાની મારી શાળાની ફી ભરાઈ નથી એટલે.” મિહિરભાઈ બોલ્યા, “સારું બેટા, આવતીકાલે ફી ભરાઈ જશે.” આ વાત પતે બે દિવસ થયા. સવારે સાગર શાળાએ ભણવા ગયો હતો પણ અચાનક રડતો રડતો પાછો આવ્યો. તેને રડવાનું કારણ પૂછ્યું તો જાણવા મળ્યું કે શાળાની ફી હજુ ભરાઈ નથી એટલે સાગરને શાળામાંથી પાછો કાઢ્યો છે. આ જાણતાં જ મિહિરભાઈએ સાગરનાં મમ્મીને બૂમ પાડી કહ્યું, “આ સાગરની શાળાની ફી કેમ ભરી નથી ?” પ્રતિઉત્તર આપતાં સાગરની મમ્મીએ કહ્યું, “મને શું ખબર ? તમે ભરવાના હતા !” આટલું સાંભળતાં મિહિરભાઈ બોલ્યા,
“મને શું ખબર એટલે ?! સાગરની ફી ભરવાની ચિંતા રાખવી એય તારી જવાબદારી નહીં !” સાગરની મમ્મીએ કહ્યું, “સાગરે જ્યારે ફી નથી ભરાઈ એમ કહ્યું ત્યારે તમે જ બોલ્યા હતા કે આવતી કાલે ફી ભરાઈ જશે. એટલે મને એમ કે તમે ભરી દેશો.” મિહિરભાઈ બોલ્યા, “હું ધંધાનું કરું, વ્યવહારનું કરું, ખરીદીનું કરું કે પછી છોકરાનું કરું ? મને એમ કે તેં ભરી દીધી હશે એટલે મનેય ન સાંભર્યું !” બંનેના સંવાદમાં સાગર વચ્ચે બોલ્યો, “તમે બંનેએ એકબીજા માથે જવાબદારી નાંખી એમાં સહન તો મારે જ કરવાનું ને !”
અનેક પરિવારો એવા છે જેમાં આવી ઘટનાઓ એક-બે વખત નહિ, અસંખ્ય વખત, જુદા જુદા કારણ માટે, જુદી જુદી બાબતો માટે બનતી રહે છે. જેના કારણે ઘરમાં અંદરોઅંદર પરિવારના સભ્યો વચ્ચે સંઘર્ષ થાય છે. ક્યાંક એ સંઘર્ષ મોટું સ્વરૂપ ધારણ કરી અણધાર્યું પરિણામ પણ લાવી દે છે. રોજબરોજના જીવનમાં બનતી આવી ઘટનાઓનું મૂળ કારણ છે જવાબદારીની સભાનતાનો અભાવ. આપણા સાંસારિક પ્રશ્નોને ઓછા કરવા માટે આ એક પાસું પણ અતિ આવશ્યક છે; અને એ છે... ‘ֺજવાબદારીને નિભાવો’.
મોટે ભાગે એવું જોવા મળે કે જવાબદારી નિભાવવાની વાત આવે ત્યારે, આપણી દૃષ્ટિ ઘરના ભરણપોષણ માટે નોકરી-ધંધો કરી ઘર ચલાવનાર મુખ્ય પુરુષસભ્ય પર કેન્દ્રિત થઈ જાય. આપણે માનસિક રીતે એવું માની લેતા હોઈએ છીએ કે આ જવાબદારીની વાત આપણા માટે નથી. ઘર ચલાવનાર પુરુષસભ્ય, ઘરના મોભી માટે જ છે. પરિણામે આપણે આપણી ‘જવાબદારી’માંથી સરળતાથી ખસી જઈએ છીએ. પરંતુ, ‘જવાબદારી’ શબ્દ માત્ર ઘરના મુખ્ય પુરુષસભ્ય માટે જ લાગુ નથી પડતો. ‘જવાબદારી’ શબ્દ નાના બાળકથી માંડી, ઘરના વયોવૃદ્ધ વડીલને પણ લાગુ પડે છે. દરેક વ્યક્તિના જીવનમાં કંઈક તો જવાબદારી હોય જ છે.
જવાબદારી એટલે શું ? તો કોઈ પણ બાબત અંગે આપણી ફરજ, જેને ઈંગ્લિશમાં કહેવાય છે...Responsibility.
આપણે પિતા થયા તો એ પદવી મળતાંની સાથે જ આપણી કેટલીક ફરજો આપમેળે નિર્માણ પામી જાય છે. એ જ રીતે આપણે દીકરા થયા કે દાદા થયા, પરંતુ દરેક પદવી મળતાંની સાથે જ આપણી કેટલીક ફરજો બની જાય છે. એ ફરજોને અદા કરવી એનું નામ જ ‘જવાબદારી નિભાવી’ કહેવાય.
‘જવાબદારી’ શબ્દ એવો છે કે જેની જીવનના દરેક ક્ષેત્રે જરૂર પડે છે. સાંસારિક જીવન હોય કે વ્યવહારિક બાબત હોય કે પછી સત્સંગ કે આધ્યાત્મિક માર્ગ હોય, પરંતુ બધે જ જવાબદારીનું મહત્વ એકસરખું છે. દુનિયાના કે આપણા જીવનના કોઈ પણ લક્ષ્યની દિશામાં જવાબદારીનું મૂલ્ય એક તસું પણ ઓછું આંકી શકાય એવું નથી. જે વ્યક્તિના જીવનમાં જવાબદારી નિભાવવાનું અંગ હોય એ જ જીવનમાં પ્રગતિના શિખરને પામી શકે છે. એની જ સૌ કિંમત કરતા હોય છે. Winston Churchill (વિન્સ્ટન ચર્ચિલ) કહે છે, “Responsibility is the price of greatness.” એટલે કે “જવાબદારી એ મહાનતાનું એક બહું મોટું પાસું છે.” આની સાપેક્ષમાં જેના જીવનમાં જવાબદારી નામનો કોઈ શબ્દ જ નથી એ કદી સફળતાની મજલ નહિ કાપી શકે. એના માટે દરેક પ્રયત્નમાં નિષ્ફળતા જ હશે. આપણા સ્વજીવનમાં પણ જો જવાબદારીનું અંગ નહિ હોય તો દુઃખી થવાનો, પળે પળે ફટકા ખાવાનો સમય દૂર નથી એવું સમજી લેવાનું. જવાબદારીનો દંડો આપણને બધી જ જગ્યાએ વાગ્યા કરશે.
આપણી જવાબદારીના અભાવે આપણે ક્યાંક તકલીફ, મુશ્કેલીમાં મુકાઈ જઈએ ત્યારે આપણે એ મુશ્કેલી આવવાનું કારણ બીજાને ગણતા હોઈએ છીએ. પરંતુ એ ખરેખર વાસ્તવિકતા નથી. અને એટલે Wayne Dyer (વેન ડીયર) આ અંગે પોતાનો અભિપ્રાય જણાવે છે,
“Simply put, you believe that things or people make you unhappy, but this is not accurate. You make yourself unhappy.”
અર્થાત્, “આપણે એવું માનતા હોઈએ છીએ કે કોઈ વ્યક્તિ કે વસ્તુ આપણને દુઃખી કરે છે. પરંતુ ખરેખર એ સાચું નથી. આપણે આપણી જવાબદારીઓને ચૂકી જઈએ છીએ એટલે આપણે જ આપણી જાતને દુઃખી કરીએ છીએ.”