જવાબદારીને નિભાવો - 2
August 5, 2014
ઘરના દરેક સભ્યોએ સામૂહિક અને વ્યક્તિગત એમ બંને જવાબદારીઓ નિભાવવી, એનું વહન કરવું ફરજિયાત છે. ત્યારે કેવા સંજોગોમાં જવાબદારી ચૂકાઈ જાય છે ? અને દરેક સભ્યની સામૂહિક તેમજ વ્યક્તિગત જવાબદારી કઈ કઈ છે ? તે જોઈએ આ લેખ દ્વારા.
એક સામાન્ય દૃષ્ટિએ વિચારીએ કે નીચેના આવા સંજોગોમાં જવાબદારી ચૂકાઈ જવાય તો !!
1. વિમાનનો ચાલક પાઇલટ પોતાની જવાબદારી ચૂકી, વિમાનમાં બેસેલા પેસેન્જરની જેમ ડોલું ખાય કે સૂઈ જાય તો કેવી પરિસ્થિતિનું સર્જન થાય ?
2. કોઈ મિસાઇલ્સ છોડવાની હોય અને એ મિસાઇલ્સ છોડવાનું છેલ્લું સ્ટાર્ટનું બટન દબાવનાર સભ્ય જો પોતાની જવાબદારી ચૂકી જાય તો ?
3. કોઈ કંપનીનો એકાઉન્ટનટ જો પોતાની જવાબદારી ચૂકી જાય તો ?
4. કોઈક ઑફિસમાં ફાઇલ કે કોઈ ડેટા સબમિટ કરવાનો હોય અને તેમાં ફાઇલ તૈયાર કરનાર કોઈક અતિ અગત્યનો ડૉક્યુમેન્ટ (કાગળ) મૂકવાનું ભૂલી જાય તો ?
5. આપણા કોઈ સંબંધીને ફેમિલી સાથે ઘરે જમવાનું આમંત્રણ આપણે આપ્યું પરંતુ ઘરે આ વાત જણાવવાની જ રહી ગઈ, ભૂલી ગયા અને રાત્રે ઘેર પહોંચ્યા ત્યારે મહેમાન પણ આવી ગયા હતા. આવા સંજોગોમાં શી પરિસ્થિતિનું સર્જન થાય ?
સારરૂપ બાબત એ છે કે જ્યાં આપણે આપણી જવાબદારી ચૂકી જઈશું ત્યાં આપણા માટે મુસીબતો અને આફતો વરસવા માટે તૈયાર જ હશે. એટલું જ નહિ, આપણે આપણી જવાબદારી ચૂકીશું એમાં આપણને તો નુકસાન છે જ પરંતુ આપણી એટલી ભૂલ, જવાબદારીની અસભાનતા આપણા કારણે બીજા કેટલાયને મુશ્કેલીમાં મૂકી દેતી હોય છે. આપણા કારણે બીજાને સહન કરવું પડતું હોય છે.
એક વાત સનાતન સત્ય છે કે જવાબદારી સંભાળવામાં નાનાંમોટાં વિઘ્નો આવવાનાં જ છે. કોઈ વ્યક્તિ, વસ્તુ, વાતાવરણ કે સત્તા આ બધું આપણને આપણી જવાબદારી સંભાળવામાં ખલેલરૂપ બનશે જ. પરંતુ એમાંથી આપણે જ સરળ રસ્તો કાઢી, આપણી જવાબદારીને નિભાવવી પડશે. જેના અનુસંધાનમાં Jim Rohn (જીમ રોન) જણાવે છે,
“You must take personal responsibility. You cannot change the circumstances, the seasons or the wind, but you can change yourself. That is something you have charge of.”
અર્થાત્ “આપણે આપણી જવાબદારીને સ્વીકારવી જ પડશે. આપણે પરિસ્થિતિને નહિ બદલી શકીએ, ઋતુઓને નહિ બદલી શકીએ, પવનની દિશાને નહિ બદલી શકીએ. જો આપણે બદલી શકીએ તો આપણી જાતને જ બદલી શકીએ એમ છીએ. કારણ કે આ એક જ વસ્તુ આપણા વશમાં છે.”
પરિવારમાં પાંચ સભ્યો રહેતા હોઈશું કે કદાચ પચ્ચીસ સભ્યો હોઈશું. પરંતુ દરેકે પોતાની વ્યક્તિગત જવાબદારી નિભાવવી જ પડશે. કોઈ એક સભ્ય પણ જો પોતાની જવાબદારી ચૂકશે તો ઘરમાં, અંદરોઅંદર પ્રશ્નો ઊભા થશે જ. આપણને પ્રશ્ન એ જરૂર થાય કે ઘરમાં દરેક સભ્યની પણ વ્યક્તિગત જવાબદારી હોય ? હા... દરેક સભ્યની સામૂહિક અને વ્યક્તિગત એમ બંને જવાબદારીઓ હોય છે. જવાબદારીઓ નિભાવવી, એનું વહન કરવું દરેક માટે ફરજિયાત છે.
આવો, સામૂહિક અને વ્યક્તિગત રીતે આપણી કઈ કઈ જવાબદારીઓ બને છે તેને નોંધીએ અને તેને અનુસરવાનો પ્રયત્ન કરીએ :
ઘરના દરેક સભ્યની સામૂહિક જવાબદારી :
1. ઘરના દરેક સભ્યે એવું સમજવું જોઈએ કે ઘરની જવાબદારી કોઈ એક વ્યક્તિની જ નથી. ઘરના સૌ સભ્યોએ સાથે મળી જવાબદારી નિભાવવાની છે.
2. આપણા ઘરને સ્વચ્છ અને ચોખ્ખું રાખવું.
3. આપણા ઘરમાં સંપ અને શાંતિ જાળવવાં. ક્યારેક કોઈ પ્રશ્ન બને તોપણ તે વાત ઘરની બહાર ન જવા દેવી અને એ પ્રશ્નને સમાવવા પ્રયત્ન કરવો.
4. આપણા ઘરના કોઈ સભ્યો માટે કદી બે શબ્દ હલકા ન બોલવા જોઈએ.
5. આપણા ઘરની આવક પ્રમાણે જ ખર્ચ કરવો જોઈએ. બિનજરૂરી મોજશોખને પડતા મૂકવા જોઈએ.
6. ઘરના અન્ય સભ્યોને પોતાની જવાબદારી સંભાવળામાં તકલીફ, મુશ્કેલી હોય તો સહકાર આપવો જોઈએ.
(આવી ઘણીબધી જવાબદારીઓ સામૂહિક હોય છે તેની યાદી ઘરના સભ્યોએ સાથે બેસી બનાવી શકાય.)
વ્યક્તિગત જવાબદારી :
(અહીંયાં વ્યક્તિગત જવાબદારી કેવી હોય તેની માત્ર દિશા આપી છે. વિશેષ જવાબદારીની યાદી વ્યક્તિગત રીતે તૈયાર કરી શકાય.)
1. ઘરના મોભી તરીકે મારી જવાબદારી :
- ઘર ચલાવવા માટે આર્થિક ઉપાર્જનની ચિંતા રાખવી.
- ઘરમાં જોઈતી, ખૂટતી વસ્તુઓ પૂરી પાડવી.
- નોકરી-ધંધે જઈ આર્થિક ઉપાર્જન કરવું.
- સાંસારિક પ્રસંગોમાં હાજરી આપવી – સાચવવા.
2. ગૃહિણી તરીકે મારી જવાબદારી :
- ઘરની સંપૂર્ણ સ્વચ્છતા જાળવવી, કપડાં ધોવાં, વાસણ ઘસવાં વગેરે.
- સારી રસોઈ કરી ઘરના સભ્યોને જમાડવા.
- મહેમાનોની સરભરા કરવી.
- પોતાના પુરુષસભ્યની આજ્ઞામાં રહેવું, એમને સંતોષ આપવો.
3. વાલી તરીકે મારી જવાબદારી :
- બાળકો માટે સમય ફાળવવો.
- બાળકોના ભણતર પાછળ ઘ્યાન આપવું.
- બાળકોનો સર્વાંગી વિકાસ કેવી રીતે કરવો ? તેના માટે યત્નશીલ રહેવું.
- બાળકોને પ્રેમ આપો, સમયે રોક-ટોક કરો.
4. દીકરાદીકરી તરીકે મારી જવાબદારી :
- જીવનપર્યંત માતાપિતાની મહિમાથી સેવા કરવી.
- માતાપિતાને તિરસ્કાર ન આપવો; આજ્ઞામાં રહેવું.
- ભણતરમાં ખૂબ ઘ્યાન આપવું.
- ભાઈબહેનને અંદરોઅંદર ઝઘડવું નહીં.
- આપણા ઘરનું અને માતાપિતાનું શોભે એવું વર્તન કરવું.
5. વડીલ તરીકે જવાબદારી :
- ઘરમાં સૌ સભ્યોની વચ્ચે આત્મીયતા કરાવવી.
- બાળકોને બેસાડી સંસ્કાર આપવા, સત્સંગની વાતો કરવી.
- સાંસારિક બાબતોમાં રસ ઓછો લઈ, ભજનભક્તિમાં સમય વધુ પસાર કરવો.
- આપણા લીધે ઘરના સભ્યોને તકલીફ ન પડે તેવા પ્રયત્નો કરવા.
6. સત્સંગની જવાબદારી :
- આપણને સત્સંગની જે કાંઈ નાનીમોટી સેવા સોંપાય તે ઉત્સાહથી સંભાળવી જોઈએ.
- સત્સંગની સેવામાં નિયમિતતા રાખવી, અને મહિમાથી સેવા કરવી.
- મોટાપુરુષ તથા સંતોની આજ્ઞામાં,રુચિમાં અને રાજીપામાં રહીને સેવા કરવી.
- નિયમિત અઠવાડિક સત્સંગ સભામાં જવું.