જવાબદારીને નિભાવો - 3

  August 12, 2014

ઘરના દરેક સભ્યની ઘરધણી તરીકે પવિત્ર ફરજ છે, પોતપોતાની જવાબદારી યથાયોગ્ય નિભાવવી. પોતાના શિષ્યવર્ગમાં આ ગુણનો દૃઢાવ થાય તે માટે સ્વયં શ્રીજીમહારાજ અવરભાવમાં જવાબદારી નિભાવવાનો કેટલો બધો આગ્રહ બતાવતા તે આવો નિહાળીએ આ લેખસંપુટમાં.

ઘરના સૌ સભ્યોની એ પવિત્ર ફરજ બને છે કે આપણી જવાબદારીની આપણે જ ગંભીરતાથી નોંધ લઈએ. કોઈ આપણને કાર્ય કે સેવા સોંપી શકશે પરંતુ જવાબદારી તો પોતે જ નિભાવવાની હોય છે. Stephen W. Comiskey(સ્ટીફન કોમિસ્કે)ના મત મુજબ,

“You can delegate authority, but not responsibility.”

અર્થાત્ “તમે બીજાને સત્તા સોંપી શકો છો, પરંતુ જવાબદારી સોંપી શકતા નથી.” જવાબદારી તો એ વ્યક્તિએ જાતે જ સમજવાની હોય છે અને ખટકાપૂર્વક નિભાવવાની હોય છે.

  કેટલીક વાર એવું પણ જોવા મળતું હોય કે પરિવારના સભ્યો પોતાની જવાબદારીમાં બીજા સભ્યોને ભેગા ભેળવી પોતે પોતાની જવાબદારીમાંથી બાકાત થઈ જવા, છટકી જવા માટે પ્રયત્ન કરતા હોય છે. જેના કારણે પણ અંદરોઅંદર એકબીજા સાથે ઘર્ષણ થાય છે, અણબનાવ બને છે. આ અંગે અભિપ્રાય આપતાં Josiah Charles Stamp (ચાર્લ્સ સ્ટેમ્પ) જણાવે છે કે,

“It is easy to dodge our responsibilities, but we can not dodge the consequences of dodging our responsibilities.”

અર્થાત્, “આપણી જવાબદારીમાંથી છટકવું એ બહુ સહેલું છે. પરંતુ એ જવાબદારીમાંથી છટકવાથી જે પરિણામ આવશે તેમાંથી આપણે છટકી શકીશું નહીં. એનાં પરિણામ તો આપણે સફર (સહન) કરવાં જ પડશે.”

એક વાત આપણે નિરંતર ધ્યાનમાં રાખવી જોઈએ કે આપણે માત્ર ઘરમાં રહેનાર એક સભ્ય જ નથી, પરંતુ ઘરની એક જવાબદાર વ્યક્તિ છીએ જેને સત્સંગની ભાષામાં આપણે કહીએ છીએ ઘરઘણી.

  આપણે ઘરના માલિક નથી પરંતુ ઘરધણી તો જરૂર છીએ. એ ઘરધણીપણું આપણે આપણી ઘરની જવાબદારીઓમાં દાખવવું જ જોઈએ. જો ઘરના દરેક સભ્ય પોતાની જવાબદારીમાંથી ખસી જશે તો ઘર કેમ ચાલશે ? જેમ ચાર રસ્તા ઉપર વાહન લઈને મુસાફરી કરીએ ત્યારે દેશના નાગરિક તરીકે આપણી જવાબદારી છે કે રસ્તાના નિયમોનું પાલન કરવું. જો આપણે એ જવાબદારી ચૂકી નિયમો તોડીશું તો ? અને એ જ રીતે બીજા લોકો પણ આપણા જેવું વિચારી નિયમો તોડશે તો કેટલા એક્સિડન્ટ થશે ? આવી રીતે દેશનું તંત્ર કેમ ચાલે ? તેમ આપણા ઘરમાં પણ જો દરેક સભ્ય પોતાની જવાબદારીમાંથી આઘાપાછા થશે તો રોજ અથડામણ થવાની જ છે. પછી એ પ્રશ્નોમાં ઘર કેવી રીતે ચલાવવું એ બહુ મોટો વણઊકલ્યો પ્રશ્ન બની રહેશે. જવાબદારી નિભાવવાના પ્રેરણામૂર્તિ સ્વયં ભગવાન સ્વામિનારાયણ તરફ એક નજર કરીએ કે સ્વયં શ્રીજીમહારાજે કેવી જવાબદારી નિભાવી છે !!

  અવરભાવમાં સદ્. રામાનંદ સ્વામીએ શ્રીજીમહારાજનો પટ્ટાભિષેક કર્યો અને પોતાનો સમગ્ર સંત સમુદાય અને હરિભક્ત સમુદાય સહજાનંદ સ્વામી કહેતાં શ્રીજીમહારાજને સોંપ્યો અને કહ્યું કે, “હવે તમે આ બધાયને સુખ આપજો અને સંપ્રદાયનું પ્રવર્તન કરજો.” સદ્. રામાનંદ સ્વામીએ સોંપેલી આ જવાબદારીને સ્વયં પુરુષોત્તમનારાયણ ભગવાન સ્વામિનારાયણે આપણને શીખવવા માટે અવરભાવમાં મનુષ્યને મનષ્ય જેવા દેખાયા ત્યાં સુધી નિભાવી. એવાં એમાં ઘણા બધાં વિધ્નો આવ્યાં છતાં વધુને વધુ સંપ્રદાયનો વ્યાપ વધાર્યો. વિઘ્નોમાં પણ મહારાજ પોતાની જવાબદારીને ચૂક્યા નથી. મહારાજને વિષે આવું કંઈ કહેવાય નહિ પરંતુ આપણને એમાંથી જવાબદારી નિભાવવાની પ્રેરણા મળી રહે છે.

એ જ રીતે શ્રીજીમહારાજ 28-28 વર્ષ સુધી દાદાખાચરના દરબારમાં પોતાનું ઘર માનીને રહ્યા. શાસ્ત્રો એવું કહે છે કે મહારાજ એવું કહેતા કે, “આ ગઢડું મારું અને હું ગઢડાનો ને આ દાદો મારો ને હું દાદાનો.” આ દાદાના દરબારમાં મહારાજ 28 વર્ષ સુધી માત્ર મહેમાનની પેઠે નહોતા રહ્યા. સ્વયં શ્રીજીમહારાજે દાદાખાચરના ઘરની અને પરિવારની જવાબદારી જાણે પોતાના શિરે જ લઈ લીધી હોય એવું જણાતું.

દાદાખાચરને મારવા માટે જ્યારે બાબાજી દીવાનનું મોટું લશ્કર આવ્યું ત્યારે દાદાખાચર તો નિરાંતે ઓરડીમાં સૂતા હતા. મહારાજને આ વાતની ખબર પડી ત્યારે મહારાજ અડધી રાત્રે ઊભા થઈ દાદાખાચરની પાસે ગયા અને કહ્યું, “દાદા ! અરે ઓ દાદા ! આ બાબાજીનું લશ્કર તને મારવા આવ્યું છે ને તું નિરાંતે સૂએ છે ?” ત્યારે દાદાખાચર બોલ્યા, “મહારાજ ! દયાળુ, તમે જાગો છો એટલે જ હું નિરાંતે સૂતો છું.” દાદાને સાચવવો, રક્ષણ કરવું એ મારી જવાબદારી એવું સ્વયં મહારાજે સ્વીકાર્યું.

દાદાખાચરની માંડવધાર ગામમાં જમીન હતી. તેનો કેસ ચાલુ હતો. તો તેની જવાબદારી પણ સ્વયં શ્રીજીમહારાજે સંભાળી લીધી અને ભગુજીને આ સેવા સોંપી. 9-9 વર્ષ સુધી આ કેસની જવાબદારી મહારાજે રાખી અને દાદાખાચરની જમીનનો કેસ પૂર્ણ કરાવ્યો.

દાદાખાચરની જમીનમાં લીલોછમ તાજો પાક ઊભો થયેલો. દાદાખાચરના વિરોધી એવા ખબડ અને મતારો, આ બંને પોતાની ટુકડી સાથે આવી પાકને નુકસાન કરતા ને લઈ જતા. મહારાજને આ વાતની જાણ થઈ. આ વિધ્નને નિવારવાની જવાબદારી પણ મહારાજે પોતાના શિરે લીધી.

દાદાના દરબારમાં ચોક વચ્ચે અનાજ તડકે સૂકવવા મૂક્યું હતું. મહારાજ સંતો-હરિભક્તો સાથે ઘેલાએ નાહવા પધાર્યા. ત્યાં ઝરમર ઝરમર વરસાદ ચાલુ થયો. મહારાજે સંતો-ભક્તોને કહ્યું કે, “ઉતાવળ રાખો. વરસાદ ચાલુ થયો છે ને દાદાના દરબારમાં અનાજ પાથરી મૂક્યું છે તે અમારે લેવડાવવાનું છે.” અનાજ બગડી ન જાય એવી સામાન્ય ચિંતા, જવાબદારી પણ મહારાજે રાખી છે.

  શાસ્ત્રો એવું કહે છે કે અવરભાવમાં મહારાજ મનુષ્યને મનુષ્ય જેવા દેખાયા. એ અરસામાં મહારાજ કે સંતો કદી કોઈના લગ્નમાં કે જાનમાં ગયા નથી. પરંતુ દાદાખાચરનાં બીજી વાર લગ્ન થયાં ત્યારે સ્વયં શ્રીજીમહારાજ અને નંદ સંતો દાદાખાચરની જાનમાં વાજતેગાજતે, પદો બોલતાં બોલતાં પધાર્યા હતા. આ લગ્નની ચિંતા, જવાબદારી પણ મહારાજે સંભાળી. વાહ ! પ્રભુ વાહ !

આપણા ધણી સ્વયં શ્રીજીમહારાજનો જવાબદારી નિભાવવાનો કેટલો બધો આગ્રહ ! કોઈએ મહારાજને આ બધી જવાબદારીઓ સોંપી નહોતી. મહારાજ પાસે સંતો-હરિભક્તોનો મોટો સમૂહ હતો તેમ છતાં મહારાજે જાતે એ બધી જવાબદારી નિભાવી છે. આપણા ઇષ્ટદેવે આપણને શીખવવા આ પ્રસંગો ઊભા કર્યા છે તો એમાંથી આપણે પણ કેમ પ્રેરણા ન લઈ શકીએ ! આપણે પણ આપણી જવાબદારીઓને કેમ ન નિભાવી શકીએ !! આપણને મોટે ભાગે હક, સત્તા લેવા ગમતાં હોય છે પરંતુ તેની જવાબદારીઓ નિભાવવી રુચતી નથી. આના અનુસંધાનમાં Bill Maher (બિલ મેહર) જણાવે છે,

“We have the bill of Rights. What we need is a Bill of Responsibility.”

અર્થાત્ “આપણી પાસે મારી કેટલી સત્તા છે, હક છે તેના ખરડા હોય છે. પરંતુ મારી કેટલી જવાબદારી છે, ફરજ છે તેના ખરડા હોતા નથી.”

ખરેખર એ ખરડો પસાર કરવો જરૂરી છે. એટલે કે આપણને એ ખ્યાલ હોય છે કે મારી કેટલી સત્તા છે, અઘિકાર છે. એની સાપેક્ષ મારી જવાબદારી કેટલી છે એ જાણવા માટે પણ આપણે પ્રયત્ન કરતા નથી. સત્તા ભોગવવાની સાથે પોતાની જવાબદારી નિભાવવી એ પણ અત્યંત આવશ્યક છે. એક વાત સનાતન સત્ય છે કે, “You can not escape the responsibility of tomorrow by evading it today.” એટલે કે, “કાલે જે જવાબદારી તમારા માથે આવવાની છે તેને આજે ટાળીને આપણે કાલે છટકી શકીશું નહીં.” તો શા માટે એ જવાબદારીઓને આજે જ ન નિભાવીએ ?