જવાબદારીને નિભાવો - 4
August 19, 2014
જવાબદારીમાંથી કોઈ છટકી શકવાનું નથી. આવું જાણવા છતાં પણ આપણી જવાબદારીઓ કેમ આપણે નથી નિભાવી શકતાતેના કારણો તપાસીએ આ લેખ દ્વારા.
જવાબદારીનું આટલું બધું મહત્વ છે. છતાં આપણે જવાબદારીઓ કેમ નથી નિભાવી શકતા તેનાં કારણો તપાસીએ :
(1) પોતાની જવાબદારીનો જ ખ્યાલ નથી :
કેટલાક સંજોગોમાં આવું જોવા મળતું હોય છે કે આપણને મળેલી પદવી કે સત્તા આપણે ભોગવતા હોઈએ. પરંતુ એની સાથે સાથે આપણી કઈ કઈ જવાબદારી બને છે એ ખ્યાલ હોતો નથી. એટલે જવાબદારી નિભાવી શકાતી નથી. માટે જવાબદારી અન્ય પાસે નિભાવડાવવા માટે પ્રાથમિક બાબત એ છે કે જો વ્યક્તિને જવાબદારીની આપસૂઝ ન હોય તો આપણે દૃષ્ટિ આપવી જોઈએ અથવા દૃષ્ટિ મેળવવી જોઈએ.
(2) પોતાનો મનસ્વી (મનમુખી) સ્વભાવ :
જવાબદારી નિભાવવામાં ક્યારેક પોતાનાં સ્વભાવ-પ્રકૃતિ વિધ્નરૂપ બનતાં હોય છે. એમાંય પોતાનો મનમુખી સ્વભાવ સવિશેષ નડતરરૂપ બનતો હોય છે. કોઈ આપણને આપણું ધાર્યું કે ગમતું મુકાવે ત્યારે એ જવાબદારી પ્રત્યે આપણે નિ:સ્પૃહી બની જતા હોઈએ છીએ.
(3) એકબીજાથી મન નોખાં હોવાથી :
જવાબદારી નિભાવવામાં સૌથી મોટું વિઘ્નરૂપ કારણ ક્યારેક આ બની રહે છે - જેમની સાથે રહીને કાં તો જેમના માટે આપણે જવાબદારી નિભાવવાની હોય છે એ વ્યક્તિ કે સમૂહથી જ આપણું મન નોખું પડી ગયું હોય ત્યારે જવાબદારી નિભાવવાનો આપણો ઉત્સાહ અને ઉમંગ ભાંગી જાય છે.
(4) આળસ-પ્રમાદ :
જવાબદારી નિભાવવામાં 50થી 60 ટકા આ કારણ વિધ્નરૂપ બનતું હોય છે. આપણી “થાય છે ને થશે”ની મોળી ભાવના તથા વર્કને ડીલે કરવાની (કામને પાછું ઠેલવાની) જે આદત એ આપણને આપણી જવાબદારી નિભાવવામાં નડતી હોય છે. આપણી સામાન્ય આળસને કારણે સમયે, કાર્ય પૂરું ન થતાં ઘણાબધા પ્રશ્નો ઊભા થઈ જતા હોય છે.
(5) વાદવિવાદ :
જવાબદારી નિભાવવામાં પાછા પાડનાર કારણોમાં ઘણાખરા અંશે આ એક કારણ પણ ભાગ ભજવતું હોય છે. આપણે આપણી જવાબદારી જાણતા ને સમજતા હોવા છતાં, સાથે રહેનારા સભ્યોની સરખામણી કરીએ છીએ. ત્યારે એમનો ક્યારેક નકારાત્મક વાદ લેવાતો હોય છે કે પેલો નથી કરતો તો હુંય શા માટે કરું ? આવા વાદવિવાદે કરીને પણ જવાબદારી ચૂકાય છે.
આ પાંચ મહત્તમ કારણોના લીધે આપણે આપણી જવાબદારીઓ ચૂકી જઈએ છીએ. હવે આપણે આપણી જવાબદારીને આદર્શતાથી કેવી રીતે પૂર્ણ કરી શકીએ તેના ઉપાયો જોઈએ :
જવાબદારીને આદર્શતાથી પૂર્ણ કરી શકીએ તેના ઉપાયો :
(1) જવાબદારીઓની યોગ્ય વહેંચણી કરીએ :
જવાબદારી નિભાવવા માટે આ એક મહત્વનું પાસું છે. કેટલીક વખત એવું જોવા મળતું હોય કે ઘરના કોઈ એક કે બે સભ્યો ઉપર એટલો બધો લોડ હોય કે સુખેથી આરામ પણ ન કરી શકે. જ્યારે બીજા સભ્યોને ઘરની સાવ સામાન્ય ચિંતાઓ પણ ન હોય. આવા સંજોગો ન બને તે માટે જવાબદારીની યોગ્ય વહેંચણી જરૂરી છે. એ જ રીતે કેટલીક વાર એવું બનતું હોય કે “સૌનું એ કોઈનું નહી” એટલે કે કોઈ એક જવાબદારી માટે બધાય સભ્યોની જવાબદારી બનતી હોય તો દરેક એવું માને કે બીજા સભ્ય કરી જ નાખશે. એમાં ખરેખર કોઈ એ કાર્ય કરે જ નહિ એવું પણ બને. માટે જવાબદારીની યોગ્ય વહેંચણી કરવી જરૂરી છે.
(2) પ્લાનિંગનું અંગ કેળવીએ :
આપણી જવાબદારીને યોગ્ય રીતે જો નિભાવવી હશે તો આ અંગ કેળવવું ફરજિયાત છે. આપણી જવાબદારીઓનું પ્લાનિંગ આપણે જાતે જ કરવું પડશે. એમાં કોઈ આપણને આપણાં કાર્યોનું પ્લાનિંગ કરી આપવાનું નથી. ઘણી વાર આપણે વધુ પડતો લોડ છે એવું અનુભવી ઉદ્વેગ, અશાંતિમાં રહેતા હોઈએ છીએ. પરંતુ એ ઉદ્વેગ, અશાંતિ ને લોડ શેનો છે ? તો જવાબદારીનું પ્લાનિંગ નથી કર્યું એટલે લોડ લાગે છે. લોડ છે એવું બોલવાથી લોડ ઊતરી જવાનો નથી. જવાબદારીનું સમય મુજબ પ્લાનિંગ કરીશું તો હળવા રહેવાશે.
(3) એકબીજા સાથે કો-ઓર્ડિનેશન રાખો :
ઘરના સભ્યો વચ્ચે ઘણી વાર કો-ઓર્ડિનેશનના અભાવે જવાબદારીઓ ચૂકાઈ જતી હોય છે અને પરિણામે ઝઘડા, કંકાસ કે મુશ્કેલીઓ ઊભાં થતાં હોય છે. આપણને સામાન્ય લાગતી કોઈ બાબત કે જે આપણે અન્ય સભ્યોને ન જણાવી હોય કે કહેવાનું રહી ગયું હોય તો ઘણી વાર અસામાન્ય મુશ્કેલીમાં મૂકી દેતી હોય છે. જે ઘરના સભ્યો વચ્ચે કો-ઓર્ડિનેશન હોય એ ઘરમાં કોઈ દિવસ પ્રશ્નો ઊભા થાય નહીં.
(4) મતભેદ થાય પણ મનભેદ નહીં :
કોઈ બાબતની ચર્ચામાં કે નિર્ણયો લેવામાં કે જીવનજરૂરિયાતની વસ્તુઓની પસંદગીમાં ઘરના, કોઈ પણ સભ્યો વચ્ચે મતભેદ હોય એ સ્વભાવિક છે. પરંતુ કદી એ મતભેદ મનભેદ સુધી ચાલ્યો ન જાય એ માટે સતત સાવધાન રહેવું જોઈએ અને ઘરના કોઈ પણ સભ્યો વચ્ચે મનભેદ થયા હોય તો અન્ય સભ્યોએ વહેલી તકે એનું નિવારણ લાવવું જોઈએ.
(5) ફોલોઅપનું અંગ કેળવો :
મોટે ભાગે આપણી કાર્યપદ્ધતિ એવી જોવા મળે કે કોઈ કાર્ય માટે આપણે કોઈને એક વખત સૂચના આપી એટલે આપણે એવું માની લેતા હોઈએ છીએ કે કાર્ય પૂર્ણ થઈ જશે, જેના કારણે એ કાર્ય માટેનું આપણે ફરી ફોલોઅપ કરતા નથી. જોકે ક્યારેક જવાબદારી ચૂકી પણ જવાય છે. એક વાત સનાતન સત્ય છે કે જે કામની આપણને જેટલી ગંભીરતા છે એ કામ આપણે જેને કરવા સોંપ્યું છે તેનેએટલી ગંભીરતા નહિ જ હોય. પરિણામે સોંપેલું કામ કાં તો પાછું ઠેલાશે, કાં તો એ કામમાં સંતોષ નહિ થાય.
આપણે કોઈને એક વખત સૂચના આપી કે કાર્ય સોંપ્યું એનાથી એવું પણ ન વિચારી લેવું કે હવે એમાં આપણી કોઈ જવાબદારી નથી. આપણે એ કાર્ય વખતે હાજર હોઈએ કે ન હોઈએ પરંતુ એ કાર્ય માટે આપણે જવાબદાર છીએ. આ અંગે Napoleon Hill (નેપોલિયન હિલ) જણાવે છે કે,
“No alibi will save you from accepting the respionsibility.”
અર્થાત્ “જે કાર્યની જવાબદારી આપણી બને છે એ કાર્ય વખતે આપણે એ સ્થળ ઉપર હાજર હોઈએ કે ના હોઈએ, પરંતુ તેની જવાબદારીમાંથી આપણે છટકી શકીશું નહીં.”
(6) વિચારપૂર્વક નિર્ણય લો :
જવાબદારી નિભાવવા માટે આ પણ એક સર્વોત્તમ પાસું છે. ઘણી વાર આપણા એક નિર્ણય ઉપર અન્ય સભ્યોની લાગણીઓ, અપેક્ષાઓ તથા કાર્યોનો આધાર રહેલો હોય છે. માટે આપણી જવાબદારીમાં કોઈ પણ નિર્ણયો લઈએ તેમાં આગળપાછળનો એટલે કે એ નિર્ણય લેવાથી શું પરિણામ આવશે અને નહિ લેવાથી શું પરિણામ આવશે ? તથા એ નિર્ણયની અસર કયા સભ્યો ઉપર કેવી પડશે ? આ બધા વિચારો દ્વારા પરિસ્થિતિને પારખી વિચારપૂર્વકનો યોગ્ય નિર્ણય લેવો જોઈએ. જેથી પરિવારના સૌ સભ્યો આપણા નિર્ણયને રાજી થકા સ્વીકારે.
અંતમાં Martin Luther (માર્ટિન લ્યુથર)નું સુવાક્ય આપણને જવાબદારી નિભાવવામાં સવિશેષ ઉપયોગી છે : “You are not only responsible for what you say, but also for what you do not say.”એટલે કે “તમે માત્ર જે બોલો છો તેના માટે જવાબદાર છો એવું નથી. તમે જે નથી બોલતા તેના માટે પણ તમે જવાબદાર છો.”
વિશેષ દૃઢતા માટે :
આ વિષયને આનુસંગિક સંસ્થામાંથી ઉપલબ્ધ પ.પૂ. સ્વામીશ્રીની દિવ્યવાણીનાં દૃશ્ય-શ્રાવ્ય (CD-VCD) પ્રકાશનો :
વાલી તરીકેની ફરજો