જવાબદારીની સભાનતા - 1

  March 19, 2015

રસપૂર્વક જવાબદારી નિભાવવી

    વ્યવહારિક કે આધ્યાત્મિક ક્ષેત્રે આપણા જીવનની પ્રગતિનો આધાર આપણા જવાબદારીના અંગ ઉપર રહેલો છે. જેના જીવનમાં જવાબદારીનું અંગ ન હોય તેની પ્રગતિ શક્ય જ નથી. જેટલું જીવનમાં જવાબદારીનું અંગ વિશેષ હોય, એટલો જ મંજિલ સુધી પહોંચવાનો રસ્તો સરળ બનતો જાય છે. ધ્યેયબિંદુ તરફનું પ્રયાણ વેગવંતું બને છે.

જવાબદારી એટલે શું ?

કોઈપણ વ્યકિત, વસ્તુ, કાયદા, સમાજ કે કાર્ય પ્રત્યેની આપણી ફરજને જવાબદારી કહેવાય. આપણી ફરજને અદા કરવી, નિભાવવી એ જ જવાબદારી નિભાવી કહેવાય.

રસપૂર્વક જવાબદારી નિભાવવી એટલે શું ?

કોઈપણ વ્યક્તિ, વસ્તુ, કાયદા, સમાજ કે કાર્ય પ્રત્યેની ફરજને સંપૂર્ણ રસ સાથે, ચોકસાઈપૂર્વક, ખચિતતાથી, ઉત્સાહ સાથે સમયસર, આપણને અને સામેનાને સંતોષ મળે એ રીતે, આપણી સુયોગ્ય ફરજને અદા કરવી એને રસપૂર્વક જવાબદારી નિભાવી કહેવાય.

માનવસમાજમાં ત્રણ પ્રકારના વર્ગની વ્યક્તિઓ જોવા મળતી હોય છે. કેટલીક વ્યક્તિઓને અને જવાબદારીને કોઈ સંબંધ જ જોવા મળતો હોતો નથી. જ્યારે બીજા વર્ગની વ્યક્તિઓ બાપુની ચાલે ધીરી ગતિએ પોતાની જવાબદારીઓ નિભાવતી હોય છે. જ્યારે ત્રીજા વર્ગની વ્યક્તિઓ પોતાની જવાબદારી રસપૂર્વક સંપૂર્ણતઃ નિભાવતી હોય છે. આવું આદર્શ વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિઓ સમાજમાં ગણતરીમાં ઓછી જોવા મળતી હોય છે. આપણે કયા પ્રકારની વ્યક્તિમાં છીએ ? વિચારવું આવશ્યક છે.

    જવાબદારી નિભાવવી અને રસપૂર્વક જવાબદારી નિભાવવી એ બંને વચ્ચે બહુ મોટી ભેદરેખા છે. જવાબદારી નિભાવવી એ સામાન્ય વ્યક્તિત્વનું પ્રતીક છે, જ્યારે રસપૂર્વક જવાબદારી નિભાવવી એ આદર્શ વ્યક્તિત્વનું પ્રતીક છે.

    બાળકને જન્મ આપ્યા પછી મોટો કરવો, ભણાવવો, ગણાવવો એ માતાપિતાની જવાબદારી છે. બાળકને મોટો કરી ભણાવી-ગણાવી ઠેકાણે પાડવો, આટલું જ કાર્ય માતાપિતા કરે તો તે જવાબદારી નિભાવી કહેવાય. પરંતુ બાળકને મોટો કરી ભણાવવા-ગણાવવાની સાથે સાથે બાળકમાં ઉચ્ચ સંસ્કારોનું સિંચન કરવું, બાળકમાં રહેલી આંતરિક શક્તિઓનો વિકાસ કરવો, બાળકો માટે યોગ્ય સમય ફાળવી તેમનું વિશિષ્ટ જતન કરવું, યોગ્ય પ્રેમ અને હૂંફ આપવાં, સત્સંગના યોગમાં રાખવાં વગેરે નાનામાં નાની બાબતો ઉપર સંપૂર્ણ રસ દાખવી બાળકોને મોટાં કરે, તો માતાપિતાએ બાળકના ઉછેરની જવાબદારી રસપૂર્વક નિભાવી કહેવાય.

    શેઠે સૂચવ્યા મુજબ માલ તૈયાર કરાવવો અને ડિલિવરી કરવી એ જવાબદારી નિભાવી કહેવાય; જ્યારે શેઠે સૂચવ્યા મુજબ ચોકસાઈપૂર્વક માલ તૈયાર કરાવવો, માલની યોગ્ય ગુણવત્તા જાળવવી, માલસામાનનો બગાડ ન થાય તેનું ધ્યાન રાખવું, કર્મચારીઓ સાથે સુયોગ્ય વર્તાવ કેળવવો, કર્મચારી અને ગ્રાહકોને સંતોષ અપાવવો વગેરે બાબતોને ધ્યાનમાં રાખીને માલ તૈયાર કરી ડિલિવરી કરે તો પોતાની જવાબદારી રસપૂર્વક નિભાવી કહેવાય.

    સંત્સંગમાં પૂ. સંતો કે અન્ય કોઈ જવાબદાર મુક્તો આપણને કોઈ સેવાની સોંપણી કરે ત્યારે તે સેવાને પૂરી કરીએ તો આપણે જવાબદારી નિભાવી કહેવાય; પણ જ્યારે સોંપેલી સેવાને યોગ્ય સમયે, યોગ્ય રીતે, નિશ્ચિંતપણું અપાવીને ઉત્સાહપૂર્વક કરીએ તો રસપૂર્વક જવાબદારી નિભાવી કહેવાય.

    સમાજના કે ટ્રસ્ટના પ્રમુખ તરીકે સમાજના વિકાસ માટેનાં કાર્યો કરવાં કે સમાજની અપેક્ષાઓ સંતોષાય તો જવાબદારી નિભાવી ગણાય; જ્યારે સમાજની દરેક વ્યક્તિના વ્યક્તિગત વિકાસ પાછળ, આર્થિક, સામાજિક, શેક્ષણિક કે જીવનનાં મહત્વનાં તમામ ક્ષેત્રોમાં ઊંડાણપૂર્વક રસ લઈ તેમની પ્રગતિ માટેનાં કાર્યો કરવાં, સામાજની દરેક વ્યક્તિને આત્મસંતોષની લાગણી અનુભવાય તેવા પ્રયત્નો કરવા એ રસપૂર્વક જવાબદારી નિભાવી કહેવાય.

    આપણા સ્વજીવનમાં કે અન્ય દરેક વ્યક્તિના જીવનમાં જવાબદારીનું મૂલ્ય એક તસુ પણ ઓછું આંકી શકાય નહીં. દેશમાં, સમાજમાં, સત્સંગમાં કે પછી આપણા પરિવારમાં આત્મીયતા રાખવા માટે, એકમના થઈને રહેવા માટે જવાબદારીનું અંગ રાખવું બહુ જરૂરી છે. જ્યાં જવાબદારી ચુકાય છે ત્યાં આત્મીયતામાં ભંગાણ છે. જવાબદારી યોગ્ય રીતે ન નિભાવવાથી ઉદ્દભવતા પ્રશ્નો કે પરિસ્થિતિનું કારણ આપણે એકબીજાને ઠેરવીએ છીએ, ક્યારેક અન્યની ઉપર આક્ષેપો મૂકાય છે, દોષારોપણ થાય છે, અંદરોઅંદર ઉદ્વેગ,અથડામણ અને અકળામણભર્યું વાતાવરણ સર્જાય છે, એકબીજાથી મન જુદાં થઈ જાય છે અને અરસપરસના સંબંધોમાં તિરાડ પડે છે. પૈસાનું નુકસાન થાય તો તેને કદાચ ભરપાઈ કરી શકાય; પરંતુ આત્મીયતામાં તિરાડ પડે કે આત્મીયતાનું નુકસાન ક્યારેય ભરપાઈકરી ન શકાય. માટે રસપૂર્વક જવાબદારી નિભાવવી એ આત્મીયતા કેળવવા માટેનું બહુ મહત્વનું અંગ છે.

રસપૂર્વક જવાબદારી નિભાવવા જીવનમાં દૃઢ કરવા જેવા ફરજિયાત અંગ

    રસપૂર્વક જવાબદારી નિભાવવા માટે આપણા જીવનમાં કેટલાંક અંગ દૃઢ કરવાં ફરજિયાત છે. આ અંગ હશે તો રસપૂર્વક જવાબદારી આપણે નિભાવી શકીએ અને સામેની કે ત્રાહિત વ્યક્તિઓ પણ રસપૂર્વક જવાબદારી નિભાવી શકે. (1) પ્લાનિંગ (આયોજન) (2) ઘરધણીપણું (3) આપસૂઝ (4) સમય સામે દૃષ્ટિ આ ચારેય અંગ આપણા સ્વજીવનમાં દૃઢ કરીએ.

1.) પ્લાનિંગ (આયોજન):

    કોઈપણ સેવાકાર્ય કે વ્યવહાર માટે અગાઉથી પ્લાનિંગ કરવું. કર્તાપણું સ્વયં મહારાજનું જ છે. છતાં કાલે શું થવાનું છે તેની ચિંતા આજે નહિ કરીએ તો કોઈપણ ક્ષેત્રમાં નાપાસ થવાશે. હંમેશાં પાણી આવતા પહેલાં પાળ અને આગ લાગે તે પહેલાં કૂવો ખોદવો જોઈએ એટલે કે અગાઉથી પ્લાનિંગ કરવું જોઈએ. એ વખતે પછી ગમે તેટલો પ્રયત્ન કરીએ તોપણ વ્યર્થ જ છે. દરેક કાર્ય કે સેવામાં નાનામાં નાની બાબતથી મોટી બાબતનું ઝીણવટપૂર્વક આયોજન જ આપણું અડધું કાર્ય પૂર્ણ કરી દે છે. સફળતાપૂર્વકના આયોજન સાથે કોઈપણ કાર્ય કરવાથી, તે કાર્ય કરવાનો ઉત્સાહ બેવડાય છે, કાર્યનો ભાર કે ઓવરલોડ લાગતો નથી. અરસપરસ એકબીજાની વચ્ચે Co-ordination (સંકલન) રાખી શકાય છે. માટે આયોજનનું અંગ આપણા સ્વજીવનમાં કેળવીએ.