જીવનમાં સંયમનું મહત્વ - 2

  July 28, 2015

એક ‘યુવાન’ તરીકેનું નૂર સંયમથી જ આવે છે. એવા નૂરમાન સંયમી યુવાનની આભા જુદી જ તરી આવે છે. યુવા અવસ્થામાં બે પ્રકારના સંયમ મહત્વના છે. (1) ઇન્દ્રિયોનો સંયમ, (2) વિચારોનો સંયમ.

(1). ઇન્દ્રિયોનો સંયમ :

યુવાનોમાં રહેલ આંતરિક બળને હણતું હોય તો તે છે ઇન્દ્રિયો. એટલે કે પંચઇન્દ્રિયો દ્વારા લેવાતા અયોગ્ય પંચવિષયરૂપી આહાર. શ્રીજીમહારાજ પ્રથમના 25મા વચનામૃતમાં આને આનુષંગિક વાત કરે છે : “જેમ કોઈ કૂવો હોય ને તે ઉપર વીસ કોસ ફરતા હોય ને તે પ્રવાહ જુદો જુદો ચાલતો હોય ત્યારે તે પ્રવાહમાં જોર હોય નહિ, અને તે વીસ કોસનો પ્રવાહ ભેળો કરીએ તો નદીના જેવો અતિશે બળવાન પ્રવાહ થાય તે કોઈનો હઠાવ્યો પાછો હઠે નહીં.”

અસંયમી ઇન્દ્રિયોને સંયમમાં કરનાર યુવાન મહારાજે આપેલ આંતરિક બળનો નિશ્ચિત દિશામાં સુયોગ્ય ઉપયોગ કરી આધ્યાત્મિક કે વ્યવહારિક ક્ષેત્રે સફળતાનાં શિખરોને આંબી શકે છે.

ઇન્દ્રિયોના સંયમ માટે નંદ સંતો પણ દૃષ્ટાંત આપતા કે હરણને શબ્દમાં પ્રીતિ હોય છે એટલે શિકારી તેને પકડવા માટે સંગીત વગાડે છે ને હરણ કાનના અસંયમને લઈ શિકારીનો ભોગ બને છે. એ જ રીતે હાથીને સ્પર્શમાં પ્રીતિ હોય છે. જેથી શિકારી હાથીને પકડવા જંગલમાં ઘાસપૂળાની હાથણી ઊભી કરે છે ને તેને જોઈ હાથી વૃત્તિઓ પર કાબૂ ગુમાવી કામાસક્ત બને છે ને શિકારનો ભોગ બને છે. પતંગિયાને રૂપમાં પ્રીતિ છે. તો જ્યારે પ્રકાશને જોઈ અસંયમી બને છે ત્યારે તે તેમાં હોમાઈ જાય છે. ઉંદરને રસમાં પ્રીતિ છે. તે જ્યારે પાંજરામાં જમવાનું જોઈ અસંયમી બને છે ત્યારે તે જમવાની લાલચમાં પુરાઈ જાય છે. ભમરાને ગંધમાં પ્રીતિ છે. તે જ્યારે સંધ્યા સમે કમળ પર સુગંધ લેવા જાય ત્યારે કમળ બિડાઈ જાય છે ને ભમરો બહાર નીકળી શકતો નથી. અને જ્યારે સંધ્યા સમે હાથી સરોવરમાં પાણી પીવા આવે ત્યારે કમળને તોડીને પગ નીચે કચડી નાંખે છે ને ભમરાનું પતન થાય છે.

આ બધાને તો ફક્ત એક ઇન્દ્રિયનો અસંયમ હતો તોપણ તેમનું પતન થયું; તો જેની બધી ઇન્દ્રિયો અસંયમી હોય તેનું શું થાય ? જે એક નવયુવાને તો વિચારવું જ રહ્યું... માટે ઇન્દ્રિયો સંયમી બનાવવી.

શ્રીજીમહારાજ એટલે જ આપણને સૌનૈ ભલામણના રૂપમાં પ્રથમના 18મા વચનામૃતમાં વાત કરે છે : “પંચે ઇન્દ્રિયોને યોગ્ય-અયોગ્ય વિચાર્યા વિના જે મોકળી મેલશે તેનું અંતઃકરણ ભ્રષ્ટ થઈ જશે... પંચ ઇન્દ્રિયોના આહાર છે તેને અતિશે શુદ્ધપણે કરીને રાખજ્યો. એ વચન અમારું જરૂરાજરૂર માનજ્યો.”

 

(2). વિચારોનો સંયમ :

માનવીનું ચારિત્ર્ય એ એનો પોતાના વિચારપુંજનો સમગ્ર સરવાળો છે ! ‘જે જેવું વિચારે છે તે તેવો જ બની જાય છે.’ માટે વિચાર એ જ સંયમનું સાચું સ્વરૂપ છે. અણઘડ પશુઓની જેમ મગજરુપી ઝાડીમાં કૂદાકૂદ કરતા વિચારોને આધ્યાત્મિક્તાનાં ઉચ્ચ લક્ષ્યોમાં એટલે કે મળેલા સર્વોપરી મહારાજ અને મોટાપુરુષને રાજી કરી જ લેવા છે એમાં મગ્ન કે કેન્દ્રિત કરવાથી જીવનને સાચી દિશા આપી શકાય છે.

વિચારોનો અસંયમ જ ઇન્દ્રિયોના અસંયમનું મૂળ છે. અને એણે જ યુવાનોનું ‘યુવા’ તરીકેનું નૂર હણી લીધું છે. વિચાર-સંયમના બે ભાગ છે. એક છે – નિગ્રહ : નિગ્રહ એટલે કે વેરવિખેર વિચારોને એકત્ર કરીને એક દિશા તરફ વાળવા. બીજો છે – વિચારોને કુમાર્ગે જતા અટકાવીને આધ્યાત્મિક ઉદ્દેશ : “મહારાજ અને મોટાને રાજી કરી જ લેવા છે” એમાં જોડવા કે જેથી આપણાં જીવન દિવ્ય બને અને મહારાજ અને મોટાનાં ગમતાં પાત્ર થવાય.