લખપતિ થવાના અભરખા છોડો - 2
February 22, 2014
તમે જોયું હશે કે વંટોળિયો આવે ત્યારે ધરતી પરની ધૂળ એ વંટોળ ભેગી ઊંચે ચડે છે. વંટોળ વહેતો રહે ત્યાં સુધી એ રજકણો ઉપર અવકાશમાં ઘૂમ્યા કરે છે અને વંટોળ શમી જતાં એ જ રજકણોને પાછું પતન પામીને ધરાશાયી થવું પડે છે. આજનો માનવી મોટે ભાગે આ રજકણો જેવી જ ‘પોકળ પ્રતિષ્ઠા’ મેળવવા મથ્યા કરે છે. પોકળ એટલા માટે કે પ્રતિષ્ઠા કે પ્રસિદ્ધિ પાછળ સત્યનિષ્ઠા કે ઉચ્ચ અને શુદ્ધ ધ્યેય મોટે ભાગે હોતાં નથી અને એટલે જ વંટોળિયાની રજકણોની પેઠે ‘પોલી પ્રતિષ્ઠા’ થોડી જ વારમાં પાછી નીચે આવી જાય છે. અને છતાં આશ્ચર્ય અને દુઃખની વાત તો એ છે કે આજની દરેક વ્યક્તિ આવી ‘પોકળ પ્રતિષ્ઠા’ પાછળ આંખ મીંચીને દોડે છે.
આજની વ્યક્તિને ધનલાલસાની સાથે સાથે કીર્તિલાલસા પ્રાપ્ત કરવાનો પણ મહારોગ લાગુ પડ્યો છે. આજે ધનલાલસા તીવ્રતર બનતી જાય છે એનું કારણ એ છે કે આજની વ્યક્તિની મહત્તાનો માપદંડ ‘પૈસો’ જ બની ગયો છે ! એણે પોતાની જરૂરિયાતો અને ભોગવિલાસો એટલાં બધાં વધારી દીધાં છે કે આજે દરેક વ્યક્તિ માટે ‘પૈસો’ લગભગ ‘અનિવાર્ય’ થઈ પડ્યો છે. વળી, આ ધનલાલસામાં કીર્તિલાલસા ભળતાં જેટલું વધુ ધન પોતે મેળવશે એટલો વધારે મહાન પોતે લેખાશે એવી માન્યતા પણ આજના વ્યક્તિના મનનો કેડો મૂકતી નથી; અને એટલે એ ધન અને કીર્તિની પાછળ દોડ્યા કરે છે. કેટલાક સભ્યો તો એવા જોયા છે કે જેમના ઘરે ખાવા માટે રોટલાનાં ફાંફાં હોય અને લાખો-કરોડોનું દેવું માથે હોય, માથાનો એકેય વાળ પોતાનો ન હોય, બધાય ભાડાના જ હોય અને વ્યાજ ચૂકવવામાંથી ઊંચો ન આવતો હોય તોપણ એનો બહારનો પડઘો તો જરાય ઓછો હોતો નથી. પોતાની પાસે ધન ન હોવા છતાં મારી પાસે ખૂબ ધન છે, હું લખપતિ છું – એવી પ્રસિદ્ધિ મેળવવા, કીર્તિ મેળવવા પ્રયત્ન કર્યા કરે છે.
જેના કારણે આજે સિદ્ધાંતપ્રિયતા, નીતિપ્રિયતા, ચારિત્ર્ય, ન્યાયપ્રિયતા, સંતોષ, ગરીબીને જોવાની આંખ, સાચાની ખુમારી આ સર્વે સદગુણોને આજનો માનવી ગુમાવી બેઠો છે. એને સ્થાને પવન તેવી પીઠ દેવાનો સિદ્ધાંત, હીનતાભર્યો સિદ્ધાંત, નીતિ કે ભગવાન તરફ આંખમીંચામણામાં કરવાની ટેવ, ચારિત્ર્યહીનતા, ગમે તે પ્રકારે આગળ વધવાની ઇચ્છા, દંભ, મહત્વાકાંક્ષાના ઓઠા હેઠળ લાલસાનો ગુણાકાર, ગરીબોને અને ગરીબીને હીણવાની હીન વૃત્તિ વગેરે દુર્ગુણો આજના માનવીને ઘેરી વળ્યા છે. અને સૌથી વધુ દુઃખની વાત તો એ છે કે આ સર્વે દુર્ગુણોને જીવનની કહેવાતી પ્રગતિ કાજે ‘અનિવાર્ય’ લેખતો આજનો માનવી જીવનના મર્મનો કે આધ્યાત્મિકતાનો તાત્વિક રીતે કદી વિચાર જ કરતો નથી. અને એટલે સદ્. ગુણાતીતાનંદ સ્વામી વાતમાં કહે છે,
“અમે જોઈ જોઈને જોયું, જીવ-પ્રાણીમાત્રને ધન અને સ્ત્રી આ બે પંખડાનું જ ચિંતવન રહ્યા કરે છે”
ધનપ્રાપ્તિની લાલસા એવી આંધળી છે કે જેમાં વ્યક્તિ પોતાની મનોકામનાને પૂર્ણ કરવા માટે બધું વિસરી જાય છે. એના માટે એને જે કરવું પડે તે કરવા તૈયાર થઈ જાય છે. જેમ ચોર પોતાના કુટુંબને સુખી કરવા, બીજાના પુત્ર-પરિવારને મારી નાખવા કે બીજાના ઘરમાંથી ચોરી કરવામાં જરાય સંકોચ અનુભવતો નથી.
એવું જ કંઈક આજના સંસારના કેટલાક રીતરિવાજોમાં જોવા મળતું હોય છે. સાંસારિક રીતિ-રિવાજોમાં વ્યક્તિ એકબીજાનું આર્થિક શોષણ કરતા અચકાતો નથી. કેવળ પોતાના સ્વાર્થ માટે દીકરા-દીકરીઓનાં લગ્નમાં દહેજપ્રથાના માધ્યમનો ઉપયોગ કરીને રાજીખુશીથી ઘર વસાવવાને બદલે ઉજાડતા હોય છે.
વર્ષોથી ચાલી આવતી લગ્નપ્રથામાં માબાપ રાજીખુશીથી દીકરીને કરિયાવરમાં આર્થિક સ્થિતિ મુજબ પૈસા ને વસ્તુ આપતાં, જે આજના સમયમાં લગ્નનો એક ફરજિયાત રિવાજ બની ગયો છે જે લગ્ન કરી પતિ-પત્નીના પવિત્ર સંબંધ બંધાવવામાં કલંકરૂપ ને વિઘ્નરૂપ બને છે. વળી, આ જ દહેજપ્રથાના કારણે કુટુંબમાં કે સાસરે ગયેલી દીકરી સાથે કુસંપ સર્જાતો હોય છે.
પોતે ઇચ્છેલ દહેજ ન મળતાં શ્વશુર પક્ષે નવોઢા ઉપર મહેણાં-ટોણાંનો વરસાદ વરસતો હોય છે. અવ્યવહારુ વર્તન થતું હોય છે. દીકરીના પિતાએ કરિયાવરમાં આપેલાં નાણાં કે વસ્તુઓ જાહેરમાં દેખાડવાના રિવાજના કારણે ઘણી વાર દીકરીના પિતાએ ખેંચાઈને પણ તેનું ઘર ભરવું પડતું હોય છે. અને જો આ અપેક્ષિત દહેજ ન મળે તો ઘરમાં કુસંપ સર્જાતો હોય છે.
કેટલીક વખત આ દહેજના દાવાનળમાં સુશિક્ષિત યુવતીઓ પોતાને હોમી દેતી હોય છે. તો કેટલીક પોતાના પિતાના ઘરે પાછી આવતી હોય છે. કેટલાક પરિવારો દહેજપ્રથાનાં જડતાભર્યાં વલણોને કારણે કજિયા અને કંકાસનો ભોગ બને છે તો કેટલાક જેલના સળિયા પણ ગણતા હોય છે. પૈસો અને સંપત્તિ કજિયાનાં ઘર સાબિત થતાં હોય છે.
એટલે જ સદ્. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં કહ્યું છે કે,
“જર, જમીન અને જોરુ આ ત્રણે કજિયાના મોટા છોરુ.”
“સારી મેડી, ઝાઝું દ્રવ્ય અને રૂપવાન સ્ત્રી આ ત્રણેય દુઃખનાં મૂળ છે.”
નજીકનાં 8-10 વર્ષોમાં ભૌતિક સુખસાહ્યબીમાં ભારે ફેરફારો થયા છે. ભૌતિક સુખસાહ્યબી માટેની નવી શોધખોળોનો સતત ચડતો ક્રમ છે. દિન-પ્રતિદિન વધતી જતી ટેક્નોલોજીનો ઉપયોગ કરી વ્યક્તિ પોતાની ભૌતિક સુખ-સંપત્તિમાં વધારો કરતો જાય છે અને એને સંતોષવા દિનરાત મથ્યા કરે છે. આ ભૌતિકવાદ અને ટેક્નોલોજીઓ વધવાને કારણે વ્યક્તિનું ભૌતિક જીવન તો સુખ-સમૃદ્ધ બન્યું છે પરંતુ કૌટુંબિક જીવન મહદ્અંશે ખોરવાઈ ગયેલું જોવા મળે છે. વ્યક્તિના જીવનમાં પૈસાનું મહત્વ અને એના માટેના પ્રયત્નો વધ્યા છે અને સામે પોતાના કૌટુંબિક જીવનનું મહત્વ ઘટ્યું છે.
પૈસા કમાવવાની લાલસામાં વ્યક્તિગત જીવન સંપૂર્ણ સ્વાર્થી બનતું જાય છે. અને એટલે એ નથી બીજાની લાગણીઓને, ભાવનાઓને સમજી શકતો કે નથી એને પોષી શકતો. પોતાના કુટુંબ, પરિવાર કરતાં પણ વ્યક્તિને આજે પૈસો વધુ વહાલો છે. પૈસા કમાવવા માટે વ્યક્તિ જેટલો સમય દિવસ દરમ્યાન વિતાવે છે એના દસમા કે પાંચમા ભાગનો સમય પણ પોતાના પરિવારના સભ્યો સાથે વિતાવતો નથી. પરિણામે ઘરમાં પણ અંદરોઅંદર સભ્યો વચ્ચે જે ચાહના હોવી જોઈએ; એકબીજા માટેની લાગણી, પ્રેમ હોવાં જોઈએ એનું ધોવાણ થઈ રહ્યું છે. જેથી ઘરમાં કોઈ સભ્યોને એકબીજા માટે નથી માન-મર્યાદા જોવા મળતાં કે નથી તો સમૂહજીવન જીવવાનો અંશ જોવા મળતો.