લખપતિ થવાના અભરખા છોડો - 4

  March 18, 2014

લખપતિ થવાના અભરખા રહે છે તેનાં કારણો આપણા સ્વ-જીવનમાં જોઈ તેને ટાળવાનો પ્રયત્ન કરીશું તો સદા સુખી રહેવાશે. તો તે કારણો હવે આ નિબંધમાં જોઈએ…

 

લખપતિ થવાના અભરખા રહ્યાનાં કારણો :

આજના જમાનામાં દરેક વ્યક્તિને લખપતિ થવાનું ઘેલુ લાગે છે તેની પાછળ મહત્ત્વના ત્રણ કારણો ભાગ ભજવતા હોય છે એક અસંતોષ, બીજું દેખાદેખી, ત્રીજું ભોગવિલાસી જીવન.

(1) અસંતોષ : અસંતોષ એ વ્યક્તિનો માનવસહજ સ્વભાવ છે. જ્યાં જ્યાં કોઈક પદાર્થ કે વસ્તુ કે પછી પૈસો પ્રાપ્ત કરવાની વાત આવે છે ત્યારે એને કદી સંતોષ વ્યક્ત થતો જ નથી. દરેક વ્યક્તિ પોતાની પાસે શું નથી એ જોયા કરે છે અને એને મેળવવાના તાનમાં મથ્યા કરે છે; પરંતુ પોતાની પાસે શું છે ? એનો વિચાર કરતો નથી. જો એ વિચાર કરે તો એને સંતોષ અનુભવાય જ. પરંતુ દુઃખની વાત એ છે કે આપણે હંમેશા આપણી પાસે શું નથી એ જ શોધ્યા કરીએ છીએ અને એને પામવા માટે જ ઉધામા માર્યા કરીએ છીએ. જેથી અસંતોષની આગમાં બળતા જ રહીએ છીએ કારણ કે અસંતોષની કોઈ સીમા જ નથી.

એક વખત એક હરિભક્ત સદ્. ગોપાળાનંદ સ્વામી પાસે આવ્યા. તેમણે સ્વામીને કહ્યું કે,“સ્વામી, મહારાજને પ્રાર્થના કરો કે થોડા પૈસાની સગવડ થઈ જાય તો બસ, હવે મારે ભગવાન જ ભજવા છે; બીજું કાંઈ નથી કરવું.” સ્વામીએ પૂછ્યું,“ભગત, કેટલા રૂપિયા જોઈએ છે ?”“સ્વામી, વધુ નહિ પણ મહારાજ દસ હજાર આપે તો ઘણું.” ત્યારે સ્વામી કહે,“ભગત, એટલા રૂપિયા થઈ રહેશે  કે વધુ કંઈ જોઈશે ?”“સ્વામી, એમ તો જો મહારાજ એક લાખ આપી દે તો પછી કંઈ ચિંતા ન રહે.” સ્વામીએ ફરી કહ્યું કે,“તો પછી લાખ થઈ રહેશે ?” ત્યારે પેલા હરિભક્ત કહે,“સ્વામી, જો મહારાજ ચાર લાખ આપી દે તો પછી મારે પાછું વળીને જોવાનું ન રહે ને સેવામાં આવી જઉં.” તેમનો જવાબ સાંભળી સદ્. ગોપાળાનંદ સ્વામી હસતાં હસતાં બોલ્યા કે,“ભાઈ, હજુ તારા હાથમાં રૂપિયા આવ્યા નથી તોપણ તું બે મિનિટમાં વધતો વધતો ત્રણ લાખ ને નેવું હજારની રકમ સુધી વધારામાં પહોંચી ગયો તો પછી તારા હાથમાં પૈસો આવે તો તારો શો વિશ્વાસ ?”

પૈસાની વગર પ્રાપ્તિએ વધુ ને વધુ મેળવવાના અભરખા જાગતા હોય, અસંતોષ જ રહેતો હોય તો પછી મળે ત્યારે એટલાથી શું સંતોષ થાય ? ના... વધુ ને વધુ મેળવવાની લાલસા જાગે છે. માટે જેટલા પૈસા છે એટલાથી સંતોષ માનતાં શીખવું.

(2) દેખાદેખી :

“બાજુવાળાના ઘરમાં નવું રેફ્રિજરેટર આવ્યું અને આપણા ઘરમાં જૂનુંય નથી !”

“કાકાના ઘરે નવી ગાડી આવી અને આપણા ઘરે જૂની ગાડી પણ નહીં !”

“કાકાએ નવું ઘર લીધું અને આપણે હજુ ભાડાના ઘરમાં જ રહેવાનું !”

“આપણે નવું ઘર ક્યારે લઈશું ?”

સંસાર આખો આવી દેખાદેખી ઉપર જ ચાલી રહ્યો છે. આડોશી-પાડોશી, સગાં-સંબંધી કોઈનાય ઘરે કંઈક નવું થયું, કંઈક વસ્તુ ખરીદી એટલે તરત જ દેખાદેખી ઉપર જતું રહેવાય છે. જેના પરિણામે પણ લખપતિ થવાના અભરખા ઊભા થતા હોય છે અને કજિયા-કંકાસ ઊભા થઈ જતા હોય છે. પાડોશીની કે સગાં-સંબંધીની આવક વધુ છે તો એ સારી ગાડી લાવવાનો અને સામે આપણી આવક ઓછી છે તો સ્વાભાવિક જ છે કે આપણે સ્કૂટર કે સાદી ગાડીમાં જ ફરવાનું થશે. એમાં દેખાદેખી ઉપર જઈ ભાડાના વાળ કરી (વ્યાજના પૈસા લઈ) શા માટે ખોટો પૈસા હોવાનો દંભ, આડંબર રચવો જોઈએ !

(3) ભોગવિલાસી જીવન :

 આજે માનવીનું જીવન સંપૂર્ણ ભોગવિલાસી બનતું જાય છે. અને એમાંય વેસ્ટર્ન કલ્ચરનો (પશ્ચિમી સંસ્કૃતિનો) વાયરો જ્યારથી અડ્યો છે ત્યારથી તો જાણે ભોગવિલાસે માઝા મૂકી દીધી છે. વ્યક્તિએ પોતાની જરૂરિયાતો અને અપેક્ષાઓ તથા આકાંક્ષાઓ એટલી બધી વધારી દીધી છે કે જેને પ્રાપ્ત કરવા, મેળવવા માટે પૈસો અનિવાર્ય બની ગયો છે. અને એટલે એવા સંજોગોમાં પણ રાતોરાત લખપતિ થઈ જવાના અભરખા ઘણા સેવતા હોય છે.

સ્વામિનારાયણ ભગવાન આ અંગે પોતાનો અભિપ્રાય જણાવતાં ગઢડા છેલ્લા પ્રકરણના 38મા વચનામૃતમાં કહે છે,

“એક દ્રવ્યાદિકનો લોભ તથા સ્ત્રીને વિષે બેઠા-ઊઠ્યાની વાસના તથા રસને વિષે જિહવાની આસક્તિ તથા દેહાભિમાન તથા કુસંગીમાં હેત રહી જાય તથા સંબંધીમાં હેત હોય એ છો વાનાં જેને હોય તેને કોઈ દિવસ જીવતે કે મરીને પણ સુખ તો ક્યારેય થાય જ નહીં.”

 મહારાજે છ વાનાં કહ્યાં એમાં સૌથી પહેલું દ્રવ્યાદિકના લોભને ગણાવ્યું છે.

એ જ રીતે શિક્ષાપત્રીમાં મહારાજ પોતાનો અભિપ્રાય જણાવે છે,

“ગૃહસ્થ સત્સંગીએ પોતાના સામર્થ્ય પ્રમાણે સમયને અનુસરીને જેટલો પોતાના ઘરમાં વરો (વપરાશ) હોય, તેટલા અન્ન-દ્રવ્યનો સંગ્રહ કરવો, અને જેના ઘરમાં પશુ હોય એવા જે ગૃહસ્થ તેમણે પોતાના સામર્થ્ય ચાર્યપૂળાનો સંગ્રહ કરવો.”

સદ્. ગુણાતીતાનંદ સ્વામી આ અંગે અભિપ્રાય જણાવતાં કહે છે,

“રોટલાથી તો વધારે જમાતું નથી તો પછી શા માટે બિનજરૂરી દોડાદોડ કરવી જોઈએ ?”

એક વાતનું નિરંતર જાણપણું રાખવું કે જીવન જીવવા માટે પૈસો જરૂરી છે, પરંતુ પૈસો એ જ જીવન છે એવું નથી. માટે જીવનનિર્વાહ માટે જેટલી પૈસાની જરૂર હોય એટલું જ કમાવું જોઈએ. જો જરૂરિયાત કરતાં વધારે પૈસા કમાવવા માટે કાવા-દાવા, આઘું-પાછું કરીને કે કોઈની આંતરડી દુભવીને પૈસા કમાઈશું તો એ બધો પૈસો આસુરી કહેવાય જે આપણને સુખી નહિ થવા દે.

દ્રવ્યના બે પ્રકાર છે : એક આસુરી દ્રવ્ય અને બીજું દૈવી દ્રવ્ય. આસુરી દ્રવ્ય એટલે મહારાજના રાજીપા બહાર, ગમતા બહાર વર્તી, અન્યને દુઃખ પહોંચાડી, છેતરીને કમાયેલું દ્રવ્ય. દૈવી દ્રવ્ય એટલે પ્રભુના રાજીપામાં રહીને કમાયેલું દ્રવ્ય. આસુરી દ્રવ્ય હંમેશાં વિનાશ નોંતરે છે અને દૈવી દ્રવ્ય હંમેશાં આપણું ઉજ્જ્વળ ભવિષ્ય રચે છે. જગતમાં લોકો એવું કહે છે કે,“દસકો બદલાય છે પરંતુ જેના ઘરમાં દૈવી દ્રવ્ય જ આવ્યું હશે એનો દસકો નહિ, સો પેઢીએ પણ દસકો નહિ બદલાય.” માટે આપણા ઘરમાં પણ એવું આસુરી દ્રવ્ય ન આવી જાય એનો નિરંતર ખ્યાલ રાખવો.

આપણા ઘરમાં આસુરી દ્રવ્ય ન આવી જાય તે માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો. (પૈસો કમાતી વખતે ધ્યાનમાં રાખવા જેવા મહત્વના મુદ્દા...

1. એવો પૈસો ન કમાવો કે જેથી નિરંતર ચિંતા રહ્યા કરે, સુખેથી ઊંઘ પણ ન આવે કે પછી હૃદયરોગ જેવા રોગોના ભોગ બની જવાય.

2. એવો પૈસો ન કમાવવો કે જેથી આપણને સતત ભય વર્ત્યા કરે - સરકારનો ભય (ઇન્કમટેક્ષ),ચોરીનો ભય. આવા બધા ભયમાં ન જીવો. જરૂરિયાત પૂરતા જ પૈસા કમાવો.

3. આપણે એવો ધંધો પણ ન કરીએ કે જેથી બીજાને ખોટ જાય કે બીજાને હેરાન થવું પડે. બીજાને સુખરૂપ થઈને, બીજાનું હિત થાય એવો જ ધંધો કરો.

4. આપણાં નોકરી-ધંધામાં લાંચ કે રુશવત લેવાતી હોય તો આપણે એ માર્ગે ન ચાલવું. તે અણહક્કનો પૈસો છે જે આપણને સુખી નહિ કરે.

5. કોઈની મજબૂરીઓનો ગેરલાભ ઉઠાવી ધંધો ન કરવો કે કોઈની આંતરડી દુભાય એવો ધંધો પણ ન કરવો.

6. એવો ધંધો પણ ન કરો કે આપણાથી કોઈ ગરીબને શોષાવું પડે કે એને કાયમ ભીખ માંગ્યા કરવી પડે અને સતત પૈસાના વ્યાજનું ટેન્શન (ચિંતા) રહ્યા કરે. (ખાસ કરીને શ્રોફનો ધંધો કરતા હોય તેમના માટે.)

7. જે પૈસો કમાવવાથી આપણું અભિમાન વધે એવો પૈસો આસુરી દ્રવ્ય છે. માટે એવું દ્રવ્ય પણ ઘરમાં ન આવવા દો.

8. આપણે “જેવું વાવીશું એવું જ લણીશું” એટલે કે આપણે ધંધામાં કોઈ પ્રકારની ભેળસેળ કે ગોલમાલ ન કરવી. જો કરીશું તો એનું ફળ પણ આપણે જ ભોગવવું પડશે. એટલે જ કહેવત છે કે,“ખાડો ખોદે એ જ પડે.”

9. અન્યની ઉપર ઈર્ષ્યા રાખી પૈસા ન કમાઈએ. જ્યાં સુધી કોઈના પ્રત્યે ઈર્ષ્યાથી ધંધો કરીશું ત્યાં સુધી સામેની વ્યક્તિના ધંધાને પાછા પાડવાના પ્રયત્ન થશે. એમ કરતાં આપણા ધંધાને વધુ આગળ લાવવાના પ્રયત્નો થશે અને અંતમાં ભૂંડા પરિણામો સહેવાં પડશે.

10. પૈસો કમાવવામાં એવા ગાંડા ન બની જાવ કે જેથી તમે તમારા પરિવારના સભ્યો માટે સમય જ ન ફાળવી શકો, એમને પ્રેમ ન આપી શકો કે એમની લાગણીઓને ગૌણ કરવી પડે.

11. જે કાંઈ પૈસો કમાઈએ એમાં સ્વામિનારાયણ ભગવાનનો ચોખ્ખો ૧૦% કે ૫% ધર્માદો કાઢીએ કે જેથી આપણા ઘરે આવેલા ધનની શુદ્ધિ થાય.

 વિશેષ દૃઢતા માટે :

આ વિષયને આનુષંગિક સંસ્થામાંથી ઉપલબ્ધ પૂ. સ્વામીશ્રીની દિવ્યવાણીનાં દૃશ્ય-શ્રાવ્ય (CD-VCD) પ્રકાશનો :

1. જ્ઞાનસત્ર-૪ : દ્રવ્ય ઉપાર્જન કેવી રીતે કરવું ?

2. સાત્વિક જીવન

3. પ્રામાણિકતા

4. પૈસો, પદ અને પ્રતિષ્ઠા

5. સુખની શોધ ભાગ-૧,૨

6. ગિરધારી રે સખી ગિરધારી