મહિમાના જ વિચાર કરવા, અમહિમાના નહિ - 1

  December 19, 2014

મહિમાના જ વિચાર કરવા, અમહિમાના નહિ

“મહિમાથી ગુણો આવે, દોષો સર્વે ભાગીજાય;

મહિમાથી ભર્યા થવાય, લુખ્ખાપણું તો જાય.

             મહિમાથી સુખિયા થવાય, ઉદ્વેગ અશાંતિ જાય;

       હતાશા ને નિરાશા, લાખો ગાઉ દૂર જાય.”

થોડા સમય પહેલાં સ્વામિનારાયણ ધામ પર એક હરિભક્ત પ.પૂ. સ્વામીશ્રીને મળવા માટે આવ્યા હતા. તેઓ પ.પૂ. સ્વામીશ્રીને મળ્યા અને પોતાની મનોવ્યથા વ્યક્ત કરતાં રડી પડ્યા કે,દયાળુ, મારા ઉપર કંઈક દયા કરો. છેલ્લા કેટલાક સમયથી મારું આંતરતંત્ર ડામાડોળ થઈ ગયું છે. મને દિવસે પણ ક્યાંય સુખ થતું નથી અને રાત્રે પણ ઊંઘ આવતી નથી. કામ-ક્રોધાદિક અંત-શત્રુઓ મને પીડ્યા કરે છે. અંતરમાં અખંડ ખાલીપો વર્તે છે. ઘરમાંઅને સત્સંગમાં સર્વત્ર ઉદ્વેગ, અથડામણ અને અકળામણ જ થયા કરે છે. કોઈ કાર્ય કરવામાં મને સફળતા મળતી જનથી. હવે મારું જીવન હતાશા અને નિરાશાનાં વાદળોમાં ડૂબી ગયું છે. કોઈ ડૉક્ટરની દવા કામ કરતી નથી. માટે કંઈક દયા કરો. હવે, મને બચાવી લ્યો.

પ.પૂ. સ્વામીશ્રી એ વખતે બહારગામ સત્સંગ વિચરણ અર્થે પધારી રહ્યા હતા. પ.પૂ. સ્વામીશ્રીએ આ ભાઈને સાંત્વના આપી અને પ્રાર્થના મંદિરમાં મહારાજનાં દર્શન કરવા સાથે લઈ ગયા. મહારાજનાં દર્શન કર્યા બાદ પ.પૂ. સ્વામીશ્રીએ આ ભાઈને કહ્યું કે,આજથી પંદર દિવસ સુધી અહીં પ્રાર્થના મંદિરમાં તમે બેસજો અને જે કોઈ સંતો-હરિભક્તો કે ગુરુકુળના બાળમુક્તો મંદિરમાં દર્શન કરવા આવે તે સૌનો મહિમા સમજી એ સૌમાંથી ગુણ લેજો. વળી 15 દિવસ દરમ્યાન કોઈ વ્યક્તિ ગમે તેવું વર્તન કરે તોપણ એમના વિષે અભાવ-અવગુણનો સંકલ્પ જ ઊઠવા દેવાનો નહીં. સૌનોમહિમા સમજજો ને સૌમાંથી ગુણ જ લીધા કરજો.

ત્યારબાદ પ.પૂ. સ્વામીશ્રી બહારગામ વિચરણ અર્થે પધાર્યા અને આ ભાઈએ તો પ.પૂ. સ્વામીશ્રીએ બતાવેલ રુચિ મુજબ સ્વજીવનમાં પ્રયોગ શરૂ કરી દીધો. બસ, જે કોઈ નજરમાં આવે એ સૌનો મહિમા સમજે, ગુણ જ લે અને આ પ્રયોગથી એક અજબનો ચમત્કાર સર્જાયો. નિરાશાનાં વાદળામાંથી એક ઉજ્જ્વળ આશાનો, સુખનો સૂરજ ઉદય થયો. ઉદ્વેગ, અશાંતિ, નિરાશા, હતાશા, અકળામણ, અથડામણનાં વાદળો અદૃશ્ય થઈ ગયાં. હૈયું આનંદથી પુલકિત થઈ ગયું.

પ.પૂ. સ્વામીશ્રી 15 દિવસ બાદ બહારગામથી સ્વામિનારાયણ ધામ પર પરત પધાર્યા ત્યારે પ્રાર્થના મંદિરમાં દર્શન કરવા માટે પધાર્યા. ચીમળાઈ ગયેલા ફૂલ જેવું આ હરિભક્તનું મુખારવિંદ આજે તાજા ખીલેલા ફૂલ જેવું પ્રફુલ્લિત હતું. મુખારવિંદ ઉપર હાસ્યની રેખાઓ તરવરતી હતી. પ.પૂ. સ્વામીશ્રીનાં દર્શન થતાં જતેઓ દોડતા પ.પૂ. સ્વામીશ્રીના ચરણમાં આવી બેસી ગયા અને કહેવા લાગ્યા કે,દયાળુ, તમે મને ન્યાલ કર્યો. મને મરતાને તમે બચાવી લીધો અને મહિમાસભર કરી દીધો. નિરંતર મહિમાના વિચારે મને મહિમાથી ભરી દીધો. મારો ખાલીપો અને લુ્ખ્ખાપણું લાખો ગાઉ છેટું જતું રહ્યું. મુજ રાંક પર બહુ દયા કરી.

જેમ ઘઉં વાવવાથી ઘઉં ઊગે, બાજરી વાવવાથી બાજરી ઊગે એમ ગુણ વાવવાથી આપણામાં ગુણ ઊગે અને સૌનો મહિમા સમજીએ તો આપણે પણ મહિમાસભર થવાય જ, એમાં શંકાને કોઈ સ્થાન નથી. ખરેખર આભાઈની જેમ આપણે પણ મહિમાના જ વિચાર કરવા, અમહિમાના નહીં. આ પ્રયોગ આપણા સ્વજીવનમાં અપનાવવા જેવો છે. આ પ્રયોગ આપણને સારો તો લાગે છે. પરંતુ બીજાના ગુણને જોવા અને પોતાને ન્યૂન સમજીને બીજાનો મહિમા ગાવો કે સમજવો એ તો અઘરામાં અઘરા કોયડાના ઉકેલ જેવું લાગે છે.

બે નાનાં બાળકો સ્કૂલમાં લડતાં-ઝઘડતાં હોય અને જ્યારે તેઓ લડતાં-ઝઘડતાં શિક્ષક પાસે પહોંચે ત્યારે બંને બાળકો શિક્ષકને એક જ ફરિયાદ કરે છે કે,સાહેબ, પહેલાં એણે મને માર્યું હતું. મોટે ભાગે બંને પક્ષે પોતપોતાનો બચાવ જ થતો હોય છે. પોતાનો બચાવકરવો એ તો જીવનો જન્મસિદ્ધ સ્વભાવ છે. નાના બાળકથી માંડીને વયોવૃદ્ધ વ્યક્તિ સુધી આ સ્વભાવની છાંટ વત્તા-ઓછા પ્રમાણમાં રહેલી જ હોય છે. પરિણામે કોઈ પણ પ્રસંગમાં કે પરિસ્થિતિમાં હંમેશાં પોતાને નિર્દોષ કરવાના જ પ્રયત્ન થતા હોય છે.

જેટલો પોતાનો મહિમા વિશેષ સમજાય એટલો સામેનાનો અભાવ આવે જ. જેમ જેમ પોતાનો મહિમા ઘટતો જાય એમ એમ સામેનો મહિમા વધતો જાય છે. એટલે જ પ.પૂ. સ્વામીશ્રી ઘણી વાર કહે છે કે,સત્સંગમાં કે ઘરમાં મન નોખું થવાનું કારણ જ મહિમા-અમહિમા છે. જ્યાં પોતાનો મહિમા અને સામેનાનો અમહિમા હોય ત્યાં મન નોખું પડે, પડે ને પડે જ. મારી વાત સાચી એવું મનાય અને સાથે સાથે એમની વાત પણ યોગ્ય જ છે એવું મનાય તો મન નોખું ન પડે. હું બરાબર નથી અને એ બરાબર જ છે એવું સમજવું એ તો પરાકાષ્ઠાની વાત છે. એવું સમજાય તો મન નોખું પડવાનો પ્રશ્ન જ આવતો નથી. જેમ જેમ પોતાના મહિમાનો કાંટો ઉપર ચડે તેમ તેમ અન્યના મહિમાનો કાંટો નીચે ઊતરે. આપણે બંને સાથે કરવા જઈએ છીએ. મહારાજનો, સંતો-ભક્તોનો મહિમા સમજીએ છીએ પણ આપણો રાખીને. પરિણામે ઘર્ષણ થાય છે. માટે પોતાનો મહિમા શૂન્ય તરફ લઈ જવો તો જ આત્મીયતા થાય.

સત્સંગમાં આવ્યા પછી કથાવાર્તા સાંભળે પણ મહિમા ન સમજે એને મહારાજે ગબરગંડની ઉપમા આપતાં કહ્યું છે કે,ગબરગંડ જન સત્સંગમાં આવે અને કથાવાર્તા સાંભળે તોપણ તૂટેલા સરોવર જેવો છે. તૂટેલા સરોવરમાં નીર ટકતું નથી તેમ ગબરગંડના હૃદયમાં કથાવાર્તા ટકતી નથી. ચાહે તેટલો તે સમાગમ કરે પણ મહિમા વગર તો દિન ગુજારો કર્યા બરાબર છે.

(શ્રીહરિચરિત્રામૃતસાગર: પુર-18, તરંગ-41)

કથાવાર્તા સાંભળ્યા પછી પણ જો મહિમા ન સમજાય તો દિનગુજારો કર્યા બરાબર છે એટલે કે, વ્યર્થ, નકામા દિવસો પસાર કર્યા બરાબર છે. માટે મહિમા સોતો સત્સંગ કરવો. જ્યાં મહિમાની ગેરહાજરી થાય છે ત્યાં જ અમહિમાનો ઉપદ્રવ થાય છે, અને અમહિમાનો થયેલો ઉપદ્રવ જ આપણી આસપાસના નજીકના કૂંડાળામાં રહેતા સભ્યો વચ્ચેની આત્મીયતાને મૂળમાંથી બાળી નાંખે છે. આપણી આસપાસના વાતાવરણને ઝેરી અને પ્રદૂષિત કરી નાંખેછે. માટે, અમહિમારૂપી ઝેરથી સાવધાન રહેવું, નહિ તો મળેલા દિવ્ય કારણ સત્સંગના યોગનો વિયોગ કરાવી દે.