મહિમાના જ વિચાર કરવા, અમહિમાના નહિ - 2

  December 28, 2014

અમહિમા જેવી નાની લાગતી બાબત કારણ સત્સંગના વિયોગનું કારણ બની જાય છે તેનું કારણ એ છે કે, કારણ સત્સંગની પીઠિકા જ મહાત્મ્ય ઉપર રચાયેલી છે. કારણ સત્સંગમાં મળેલા યોગનો મહિમા એ પ્રથમ પગથિયું છે, એ જ આપણને પ્રગતિના પંથે આગળ લઈ જાય છે. મહિમા એટલે જ સત્સંગનું હૃદય. મહાત્મ્ય વગરનો સત્સંગ એટલે હૃદય વગરનું શરીર એટલે કે મડદું કહેવાય. સત્સંગમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ બધું જ હોય પરંતુ જો મહિમા જ ન હોય તો એ સત્સંગ હાડપિંજર જેવો બની જાય છે. મહિમા એ કારણ સત્સંગનું અવિભાજ્ય અંગ છે.

એક વખત સદગુરુ મુનિ સ્વામીને કોઈએ પ્રશ્ન પૂછ્યો કે,સ્વામી, સાધનકાળમાં રહેલાં સાધનિકને ઘાટ-સંકલ્પ કેમ ટળે? અને સાધનકાળમાં રહેલા સાધનિકને શું મૂર્તિનું સુખ આવે?” ત્યારે સદગુરુ મુનિ સ્વામીએ સહજતાથી ઉત્તર કરતાં કહ્યું કે,મહિમા આકારે વૃત્તિ થાય તો ઘાટ-સંકલ્પ ટળી જાય. અને સાધનિક જો મળેલા મહારાજ અને મોટાપુરુષ તથા સંતો-ભક્તોના મહિમામાં અખંડ ડૂબેલા રહેતો હોય તો તેને છતે દેહે મૂર્તિનું સુખ આવે. અર્થાત્ જો મૂર્તિસુખના ભોગી થવું હોય તો મળેલા મહારાજ, મોટાપુરુષ, સંતો-ભક્તો અને પોતાનું સ્વરૂપ એમ એ ચારેય સ્વરૂપનું માહત્મ્ય સમજવું ફરજિયાત છે.

શ્રીજીમહારાજે ગઢડા પ્રથમના 51મા વચનામૃતમાં કહ્યું છે કે,પુરુષોત્તમની દૃષ્ટિએ જુએ તો પુરુષોત્તમ સિવાય બીજું કાંઈ ભાસે જ નહીં. એ ન્યાયે છતે દેહે મૂર્તિસુખના અધિકારી થવા માટે, જીવનમાં આટલો દૃઢાવ કરી દેવો: મહારાજની મૂર્તિમાં, મોટાપુરુષમાં, સંતો-ભક્તોમાં અને પોતાનામાં મહારાજનાં દર્શન કરવાં.

આ જીવનનો ધ્યેય છે. સત્સંગનું ફળ છે. પરભાવમાં જે સંતો-ભક્તો સાથે રહેવાનું છે, તેમની સાથે અવરભાવમાં રાજી થકા રહેવા, સૌની સાથે સાચી આત્મીયતા કરવા માટે પણ ફરજિયાત છે.

માટે મળેલા દિવ્ય કારણ સત્સંગનો યથાર્થ મહિમા સમજીએ. કારણ કે મહિમા સમજાય તો જ મૂર્તિસુખના માર્ગ તરફની આપણી યાત્રા આગળ વધે, નહિ તો સ્થગિત થઈ જાય.

જેને જેટલું મહાત્મ્ય, તેને તેટલું જતન થાય;

મહિમા સમજ્યા વિના, એક ડગલું ન ભરાય.

પ્રિપ્લાનિંગનો સમાજ

એસ.એમ.વી.એસ. એટલે શ્રીજીમહારાજનો વ્હાલો સમાજ. શ્રીજીમહારાજના પ્રિપ્લાનિંગનો સમાજ. શ્રીજીમહારાજ આપણને સૌને દિવ્ય કારણ સત્સંગમાં એમના સંકલ્પથી જ લાવ્યા છે. આપણા પરિવારના, સત્સંગ સમાજના સંતો-હરિભક્તો પણ કારણ સત્સંગના પરિવારના જ સભ્યો છે. શ્રીજીમહારાજના પ્રિપ્લાનિંગનાં પાત્રો છે. આપણા પરિવારમાં નવું જન્મતું બાળક કે આવનાર પૂત્રવધૂ આ બધું મહારાજનું પ્રિપ્લાનિંગ જ છે. એકમાત્ર મહારાજના સંકલ્પમાં દોડવા માટે મહારાજે આ સંયોગ કરાવ્યો છે. આપણા પરિવારના સભ્યો કર્માધીનપણે ભેગા થયા નથી. એમણે સંકલ્પથી ભેગા કર્યા છે. ત્યારે એમના સંકલ્પમાં યાહોમ કરીને કૂદી પડવું એ સાચો મહિમા છે.

સૌનો મહિમા સમજવો, પણ અવગુણ ન લેવો. કોઈનો દોષ ન પરઠવો. આવી સત્સંગની ઉચ્ચ સમજણ કરાવતાં શ્રીજીમહારાજ ગઢડા પ્રથમના 24મા વચનામૃતમાં કહે છે કે,

જ્યારે કોઈ હરિભક્તનો દોષ નજરમાં આવે ત્યારે એમ સમજવું જે આનો સ્વભાવ તો સત્સંગમાં ન ઘટે એવો છે તોય પણ એને જો સત્સંગ મળ્યો છે ને એ જો જેવોતેવો છે તોયપણ સત્સંગમાં પડ્યો છે, તો એનો પૂર્વજન્મનો અથવા આ જન્મનો સંસ્કાર ભારે છે તો આવો સત્સંગ મળ્યો છે, એમ સમજીને તેનો પણ અતિશે ગુણ લેવો.

કેટલીક વાર ઘરમાં આવનાર નવી પુત્રવધુ કે વડીલોના સ્વભાવ જો પોતાના ઢાળેલા બીબા પ્રમાણે ન હોય અથવા ઘરમાં દીકરા-દીકરીઓ કે ઘરના સભ્યો પોતાના ધાર્યા પ્રમાણે ન કરે ત્યારે પરિવારની આત્મીયતામાં બૉંબ-બ્લાસ્ટ થતા હોય છે. એકબીજાથી મન નોખાં પડી જતાં હોય છે. પરંતુ આવા સંજોગો ઊભા થાય ત્યારે તરત જ વિચાર કરવો કે આ સૌ મહારાજના પ્રિપ્લાનિંગના મુક્તો છે. મહારાજના વ્યતિરેકના સંબંધવાળા અનાદિમુક્તો છે. સૌ મહારાજનાં કૃપાનાં જ પાત્રો છે.એમના કર્તા સ્વયં મહારાજ જ છે. કદાચ મારામાં રહેલી સૂક્ષ્મ કસરોને ટળાવવા મહારાજ એમના દ્વારા કાર્ય કરી રહ્યા છે. જો મને એમને વિષે અભાવ-અવગુણ કે અમહિમાનો સંકલ્પ થશે કે મારાથી મન-કર્મ-વચને કરીને કોઈ દુભાઈ જશે તો સ્વયં મહારાજ દુભાશે. એમનામાં દેખાતા દોષ-સ્વભાવ એ દેખવામાત્ર છે. વસ્તુતાએ આ સૌ મહારાજના મુક્તો છે. તો ક્યારેય આપણા પરિવારની આત્મીયતારૂપી ઇમારતમાં તિરાડ નહિ પડે. સૌની સાથે બનશે, બધાયની જોડે ફાવશે, ગમશે. ક્યારેય કોઈનાથી મન જુદું નહિ પડે. સૌને વિષે દિવ્યભાવની દૃષ્ટિ રહેશે. સૌમાં મહારાજનાં દર્શન કરી શકાશે. માટે મહિમારૂપી જાદુઈ ચિરાગને આપણા જીવનમાં અપનાવીએ.

મહિમાના જ વિચારમાં અખંડ ડૂબેલા રહેવું એ આધ્યાત્મિકમાર્ગમાં સંપૂર્ણ સલામતીનો માર્ગ છે. કદાચ મોટા વિદ્વાન નહિ હોય, પંડિત નહિ હોય, વિશેષ આવડત, બુદ્ધિ કે ચાતુર્યતા નહિ હોય તો ચાલશે; પણ જો અખંડ મહિમાના જ વિચારમાં ડૂબેલો રહે તેને દુનિયાની ગમે તેવી વિકટ પરિસ્થિતિ કે સંગ ડુબાડી ન શકે. એ આધ્યાત્મિકમાર્ગમાં વિઘ્નોથી પર થઈ શકશે. મહિમાના મહાત્મ્યનું વર્ણન કરતાં શ્રીજીમહારાજ ગઢડા પ્રથમના 72મા વચનામૃતમાં કહે છે કે,

જે ભગવાનના ભક્તને ભગવાનનો નિશ્ચય મહાત્મ્યે સહિત હોય ને સંતનું ને સત્સંગીનું મહાત્મ્ય ઘણું જાણતો હોય ને તે ભક્તનું જો કર્મ કઠણ હોય ને કાળ પણ કઠણ હોય તોપણ તે ભક્તને એવી ભક્તિનું અતિશે બળ છે તે કાળ ને કર્મ એ બેય મળીને તેનું ભૂંડું કરી શકતા નથી.

જે ભક્ત મહાત્મ્યથી સભર હોય તેને ગમે તેવાં કાળ, કર્મ કે માયા કોઈ વિઘ્ન કરી શકતાં નથી. એટલું જ નહિ, સત્સંગમાં પણ મહારાજ ગમે તેવી કસોટીની એરણે ચડાવે તોય રંચમાત્ર મહારાજ અને મોટાપુરુષથી કે સંતો-ભક્તોથી એનું મન નોખું પડતું નથી. ક્યારેય દિવ્યભાવની દુનિયામાં ઓટ આવતી નથી. સદૈવ સૌના દાસ થઈને રહી શકે છે. ભૂતકાળમાં અને વર્તમાનકાળે જે જે પાત્રો મહિમાસભર રહ્યાં છે, તે જ મહારાજના રાજીપાના રાજમાર્ગ પર દોડી શક્યાં છે અને અનેકના પ્રેરણામૂર્તિ બની ગયાં છે.