મહિમાના જ વિચાર કરવા, અમહિમાના નહિ - 3

  January 5, 2015

એક વખત શ્રીજીમહારાજે મહિમામાં અને સમજણમાં શૂરા એવા ભક્તરાજ આણંદજી સંઘાડિયાને કસોટીની એરણે ચડાવ્યા. શ્રીજીમહારાજે આણંદજી ભગતને આજ્ઞા કરી કે, આજે ને આજે તમારાં ઘરવાળાંનો ત્યાગ કરી દો. ત્યારે આણંદજી ભગત કહે, મહારાજ, એમનો કોઈ વાંક ? એ તો મારા કરતાંય સારાં સત્સંગી છે. મારા કરતાંય આપનો મહિમા વિશેષ સમજે છે તો વગર વાંકે એમ કેમ કાઢી મુકાય ?”ત્યારે વીટો પાવર વાપરતાં મહારાજ કહે કે, જો એમનો ત્યાગ ન કરી શકતા હો તો આજથી અમારો ત્યાગ કરી દો. ત્યારે આણંદજી ભગત આજીજી કરતાં મહારાજને પ્રાર્થી રહ્યા કે, મહારાજ, જો ઘરવાળાંને કાઢી મૂકું તો મને રોટલા કોણ કરી આપે ? અને જો તમને મૂકી દઉં તો મારું કલ્યાણ કોણ કરે ?” ઘણી આજીજી, વિનંતીના અંતે પણ મહાપ્રભુ ટસના મસ ન જ થયા અને મહારાજે સભામાં જાહેર કરી દીધું કે, હવે આ આણંદજી અમારું પણ માનતા નથી માટે આજથી આણંદજી સંઘાડિયા વિમુખ. આજથી હવે એમને કોઈ મંદિરમાં પેસવા દેશો નહીં. અને જો મંદિરમાં આવે તો લાત મારી હૈડ કૂતરી’‘હૈડ કૂતરી એમ કહી ખૂબ તિરસ્કાર કરજો. આજથી ગામના કોઈ હરિભક્તએ એમની સાથે વ્યવહાર રાખવો નહીં. આટલું કહી મહારાજ બીજે ગામ પધાર્યા.

બીજે દિવસે આણંદજી ભગતનું મહિમાથી ભરપૂર હૈયું મંદિરે દર્શન વગર રહી કેમ શકે ? તેથી તેઓ મંદિરે દર્શન કરવા માટે ગયા. ત્યારે સૌ હરિભક્તોએ મહારાજની આજ્ઞા મુજબ મંદિરમાં પેસવા દીધા નહીં. આણંદજી ભગતે મંદિરની બહાર ઓટલા ઉપર બેસી દર્શન કર્યાં. પછી તો રોજનો નિત્યક્રમ બની ગયો કે આણંદજી ભગત બહાર ઓટલા ઉપર બેસી દર્શન કરે અને ગામના હરિભક્તો દર્શન કરવા આવે ત્યારે પગેથી ઠેબું મારી હૈડ કૂતરી એમ બોલે. છતાંય આ આણંદજી ભગતના મહિમામાં કોઈ ફેર ન પડે કે અંતરમાં કોઈ ગ્લાનિ ન ઊઠે. આ સર્વે મારા મહારાજના જ ભક્તો છે. તેથી મારા માથાના મુગટ સમાન કહેવાય. અપમાન કરનારનો માથાના મુગટ માની મહિમા સમજે અને હરિભક્તોના બહાર પડેલા જોડા પોતાનાં કપડાં વડે સાફ કરે. છતાંય મુખારવિંદ ઉપર મહિમાનો એવો ને એવો જ આનંદ. અખંડ મહિમાના વિચારમાં જ રાચતા રહ્યા.

આવું તો એક-બે દિવસ નહિ, એમ કરતાં-કરતાં છ-છ મહિનાનાં વહાણાં વીતી ગયાં. શ્રીજીમહારાજ ફરી માંગરોળ પધાર્યા. મહારાજ મંદિરમાં સભા કરીને બિરાજ્યા હતા અને બહાર ઓટલા ઉપર આણંદજી ભગત આનંદના અતિરેકમાં મહારાજનાં નીરખી નીરખીને દર્શન કરી રહ્યા હતા. ગામના હરિભક્તો આવતાં-જતાં પાટુ મારી હૈડ કૂતરી બોલતા હતા. મહારાજે અજાણ્યા થઈને પૂછ્યું કે, અરે આ શું છે ? આણંદજી ભગતને બધા કેમ આવું કરો છો ?” ત્યારે હરિભક્તો કહે, મહારાજ, અમે તો આપની આજ્ઞાથી કરીએ છીએ. આજથી છ મહિના પહેલાં આપ પધાર્યા હતા ત્યારે આણંદજી ભગતને તમે વિમુખ કરીને આમ કરવાની આજ્ઞા કરી હતી ત્યારથી સૌ હરિભક્તો આવું જ કરે છે. આણંદજી ભગતની આવી મહિમાની, નિર્માનીપણાની અને સમજણની પરાકાષ્ઠા જોઈ મહાપ્રભુનાં નેત્રો હર્ષાશ્રુથી ઊભરાઈ ગયાં. આણંદજી સંઘાડિયાને બોલાવીને બાથમાં ઘાલીને ભેટી પડ્યા, રાજીપાનો અનરાધાર ધોધ વરસાવી દીધો.

હરિભક્તોનો માથાના મુગટ સમાન મહિમા મનાયો હતો તો કોઈને વિષે અમહિમાનો સંકલ્પ પણ ન ઊઠ્યો. એટલું જ નહિ, એમની સાથે અવિનયી વર્તાવ કરનારા કોઈ હરિભક્તોથી સ્હેજ પણ મન નોખું થવા ન દીધું. એવા ને એવા જ મહિમાસભર રહ્યા અને આધ્યાત્મિક માર્ગમાં સલામત રહી શક્યા.

જેમ ઠંડીનું મારણ ગરમી ને અગ્નિનું મારણ પાણી છે એમ અમહિમાનું મારણ મહિમા છે. અમહિમા ટાળવાનો એક અને માત્ર એક ઇલાજ છે મહિમા.

જો આપણને વર્ષોથી માથાનો દુઃખાવો રહેતો હોય કે અન્ય કોઈ બિમારી રહેતી હોય હોય, રોગથી કંટાળી ગયા હોઈએ અને ચારેબાજુ એના ઉપાય શોધતા હોઈએ, એવામાં કોઈ વ્યક્તિ સામેથી આવીને આપણને સચોટ દવાનું નામ આપે અથવા નિષ્ણાત ડૅાક્ટરનું ઠેકાણું બતાવે તો કેટલા દિવસ પછી દવા લાવીએ ? કેટલા દિવસ પછી ડૅાક્ટરને બતાવવા જઈએ ? ચાર-પાંચ દિવસ તો ખરા... ! ના...ના... સાંભળતાંની સાથે જ દવા મેળવવા માટે તૈયાર થઈ જઈએ. પળનો પણ વિલંબ કર્યા વગર સીધા દવાખાને પહોંચી જઈએ. વહેલામાં વહેલી તકે દવા લઈ લઈએ. આ થઈ દેહના રોગની વાત.

અમહિમાને કારણે ઉદ્વેગ, અથડામણ, અકળામણ, અશાંતિ, અજંપો, ઈર્ષ્યા, અભાવ, અવગુણ જેવા અનેકવિધ રોગોથી આત્મા વત્તા-ઓછા પ્રમાણમાં પીડાતો હોય છે પરંતુ આત્માના રોગ માટે દેહના રોગ જેટલો પ્રયત્ન થાય છે ? દેહના રોગની દવા લેવા માટે તો દવાની દુકાને કે દવાખાને પણ જવું પડે જ્યારે અમહિમાના રોગની દવા – મહિમા – તો આપણા હાથમાં જ છે. છતાંય એને ટાળવા માટે આપણે બીજા વ્યર્થ પ્રયત્નો કરીએ છીએ. પરંતુ મહિમા વગર અમહિમા ટળે જ નહીં. અને અમહિમા હોય ત્યાં આત્મીયતા કોઈ કાળે શક્ય જ નથી, ત્યાં એકમન ક્યારેય થાય જ નહીં. દેહે કરીને ભેળા રહેવા છતાંય અંદરથી જુદાપણું રહે, છેટાપણું રહે. તો આપણા આત્માના અમહિમારૂપી રોગની દવા આપણા હાથમાં જ છે, માટે આજથી જ મંડી પડીએ. સૌના મહિમાનો જ વિચાર કર્યા કરીએ. અમહિમાનો વિચાર અંદર પેસવા જ ન દઈએ અને આત્માના રોગથી મુક્તિ મેળવીએ.

એકસાથે ડબલ રોલ ભજવવો :

અનંતકોટિ બ્રહ્માંડના અધિપતિ એવા સ્વયં શ્રીજીમહારાજે આપણને સૌને એકસાથે ડબલ રોલ કેવી રીતે ભજવવો તેની રીત શિખવાડી છે. મહારાજ જ્યારે અવરભાવમાં મનુષ્યોને મનુષ્ય જેવા દેખાતા ત્યારે મહારાજની સાથે 3000 સંતો હતા. મહાપ્રભુ સંત સમાજના શ્રેષ્ઠ ઘડવૈયા હતા. મહારાજે અતિ આકરામાં આકરાં એવાં 114 પ્રકરણ ફેરવી સંતોને ખૂબ તાવ્યા છે. મીંઢીઆવળ અને લવિંગિયા મરચાના લાડુ જમાડ્યા છે, લોટના ગોળા જમાડ્યા છે, અતિ આકરામાં આકરા નિયમો પળાવ્યા છે, નિધડકપણે રોક્યા છે, ટોક્યા છે, ટોક્યા છે, ક્યારેક દર્શન પણ બંધ કરી દીધાં છે. જ્યારે એ જ મહાપ્રભુએ સંતોને નીતરતા પ્રેમરસમાં ભીંજવી પણ દીધા છે. ખટરસના નિયમને તોડાવી દૂધપાક, જલેબી ને લાડુ પણ જમાડ્યાં છે. વચનામૃતમાં ઠેર ઠેર સંતોનો ખૂબ મહિમા ગાયો છે. અરે, એટલું જ નહિ, સંતોના પત્તરમાંથી પ્રસાદી લઈ પોતે જમ્યા છે. કેવો અપાર અદભુત મહિમા !

સંતો એટલે મહારાજના પહેલા ખોળાના દીકરા કહેવાય. મહારાજે સંતોનું ઘડતર કર્યું. પણ મહિમા રાખીને પોતે પણ સંતોનો મહિમા ગાયો અને અનંતને સમજાવ્યો. અવરભાવમાં મહારાજે આપણા શિરે સત્સંગની કે કુટુંબ-પરિવારની જવાબદારી સોંપી હોય ત્યારે આપણે પણ આવી રીતે ડબલ રોલમાં કામ કરતાં શીખવું જ પડે; નહિ તો અમહિમાની ઊંડી ખાઈમાં ધકેલાઈ જવાય. સત્સંગ સમાજમાં પણ સમજણની, પાત્રતાની વધુ-ઓછી તારતમ્યતા હોય. કદાચ આપણને મહારાજ અને મોટાપુરુષે સેવા સોંપી હોય તો ક્યાંક કોઈને રોકવા-ટોકવા, પણ અંદરથી મહિમા સમજવો કે આ સૌ મહારાજના જ મુક્તો છે. રખે ને મારાથી કોઈ દુભાઈ ન જાય. સૌને સેવાએ કરીને, વચને કરીને હંમેશાં રાજી રાખવા.

એવી જ રીતે ઘરમાં પણ જો જવાબદારી આપણા શિરે હોય તો પરિવારના સૌ નાના-મોટા સભ્યોનો મહિમા સમજવો. ક્યારેક કંઈ કહેવાનું થાય, રોકવા-ટોકવાનું થાય તો આંખ લાલ કરવાની, પણ મહારાજના અનાદિમુક્તો છે એ વાત ક્યારેય ભૂલી નહિ જવાની. બંને સાથે જ રાખવાનું, તો આપણું ગાડું બરાબર ચાલે. દાદાખાચરને જે મહારાજ મળ્યા હતા એ જ મહારાજ આપણને પ્રતિમા સ્વરૂપે સાક્ષાત્ મળ્યા છે તો જેવા દાદાખાચર અખંડ મહિમાના વિચારમાં જ રાચતા, એવા આપણે પણ મહિમાના વિચારમાં રાચતા થઈને સૌનો મહિમા સમજી એકમના થઈને રહેવા કૃતનિશ્ચયી બનીએ.

આજથી મહારાજ અને મોટાપુરુષના સંકલ્પમાં ભેગા ભળી એકમના થઈને રહેવા માટે સ્વજીવનમાં દૃઢ સંકલ્પ કરીશું કે,

સૌના મહિમાનું મલ્ટિફિકેશન (ગુણાકાર) અને દોષદૃષ્ટિને ડિવાઇડ (ભાગાકાર) કરીશું તથા પરિવારમાં પ્રેમ અને લાગણીને પ્લસ (સરવાળો) તથા મનભેદને માઇનસ (બાદબાકી) કરીશું તેમજ પરિવારમાં સ્નેહનો સરવાળો, બદલાની બાદબાકી, ગુણનો ગુણાકાર અને ભૂલનો ભાગાકાર કરીશું તો આત્મીયતા સહજ થઈ જશે.

વિશેષ દૃઢતા માટે:

આ વિષયને આનુષંગિક સંસ્થામાંથી ઉપલબ્ધ પ.પૂ. સ્વામીશ્રીની દિવ્યવાણીનાં દૃશ્ય-શ્રાવ્ય (CD-VCD) પ્રકાશનો :

1.   મહાત્મ્યનો વિચાર ભાગ – 1,2,3