મંદીના સમયે આર્થિક વ્યવહાર - 1

  May 5, 2017

મંદીના સમયે આર્થિક વ્યવહાર

અદ્યતન ટેક્‌નૉલોજીના સથવારે દિન-પ્રતિદિન વિકસી રહેલ વિશ્વના કેન્દ્રસ્થાને ધન હોવા છતાં ધન એ સાધન છે પરંતુ સિદ્ધિ નથી. ચાહે પછી તે સત્સંગી હોય કે બિનસત્સંગી પરંતુ બધાને ગૃહસ્થાશ્રમી ધનની જરૂર છે, હતી અને રહેવાની છે એ નિઃશંક વાત છે. દુનિયાની મોટાભાગની વ્યક્તિઓની દોટ પૈસો, પદ અને પ્રતિષ્ઠા મેળવવા માટેની જ હોય છે. જેમાં વિશેષ કરીને ધનપ્રાપ્તિ પાછળની દોટ વિશેષ વેગવંતી જોવા મળે છે. પરંતુ તેમાં દુન્યવી જગતના જીવો અને ભગવાનના ભક્તના આર્થિક વ્યવહારો વચ્ચે બહુ મોટો ભેદ રહેલો છે.

એક વખત પ.પૂ. સ્વામીશ્રી પાસે ધોરણ-૧૨ પાસ કરી બે વિદ્યાર્થીઓ દર્શને આવ્યા.

તેમાંના એક વિદ્યાર્થીએ પ.પૂ. સ્વામીશ્રીને પૂછ્યું કે, “દયાળુ ! મારા પપ્પાને સારી નોકરી છે, ઘરમાં આર્થિક સ્થિતિ સારી છે. મારે નોકરી કરવાની કોઈ જરૂર નથી છતાં મને એમ થાય છે કે હું મારા પગ ઉપર જાતે ઊભો રહું અને ભણું. તો શું હું નોકરી કરું ?”

 બીજા વિદ્યાર્થીએ પ.પૂ. સ્વામીશ્રીને પૂછ્યું કે, “દયાળુ ! અમારા ઘરની સ્થિતિ બહુ સારી નથી. માંડ માંડ ઘરનો વ્યવહાર ચાલે છે. અને મારે ભણવું પણ છે છતાં નોકરી કરવી જ પડે તેવી છે તો હું શું કરું ?”

પ.પૂ. સ્વામીશ્રીએ પહેલા વિદ્યાર્થીને કહ્યું, “ભાઈ, તું ભણતાં ભણતાં કમાજે.” જ્યારે બીજા વિદ્યાર્થીને કહ્યું, “ભાઈ, તું કમાતાં કમાતાં ભણજે.” બંનેના જવાબ સરખા હોવા છતાં બંને અર્થની દૃષ્ટિએ જુદા છે. નોકરી અને ભણવાનું બંને કાર્ય બેય વિદ્યાર્થીએ સાથે કરવાનું હોવા છતાં પહેલા વિદ્યાર્થીના જીવનમાં ભણવાનું મુખ્ય ને કમાવું ગૌણ છે. જ્યારે બીજા વિદ્યાર્થીના જીવનમાં કમાવાનું મુખ્ય અને ભણવાનું ગૌણ થઈ જાય છે. તેવી રીતે ભગવાનના ભક્ત અને જગતના જીવના આર્થિક વ્યવહારમાં મુખ્યપણા અને ગૌણપણામાં ભેદ હોય છે. જગતના જીવ અર્થ-ઉપાર્જન માટે દોડતાં દોડતાં થાય તેટલું ભગવાનનું ભજન કરે છે જ્યારે ભગવાનનો ભક્ત ભગવાનની ભક્તિ કરતાં કરતાં જેટલું અર્થ-ઉપાર્જન થાય તેટલું કરે છે.

જીવનપ્રાણ બાપાશ્રીએ ભાગ-૨ની ૫૧મી વાતમાં ગૃહસ્થ હરિભક્તોને વ્યવહારની રીત શીખવતાં કહ્યું છે કે,

 “ગૃહસ્થ હરિભક્તોને વ્યવહાર કરવો પડે પણ તે વ્યવહાર કેવો કરવો ? તો, વ્યવહાર કરતાં થકા શ્રીજીમહારાજ સુખે કરીને સંભારાય અને કથાવાર્તા, ધ્યાન, ભજન, માળા, માનસીપૂજા એ આદિ નિયમો બરાબર સચવાય; એવી રીતે પોતાના જીવાત્માને પરલોક સંબંધી સુખ થવાનું મુખ્ય સાધન છે.”

અર્થાત્‌ સહેજે સહેજે મહારાજમાં જોડાવાય, મહારાજનું મુખ્યપણું રહે અને વ્યવહારનું ગૌણપણું રહે એવી રીતે ભગવાનના ભક્ત સત્સંગીમાત્રના આર્થિક વ્યવહાર મહારાજ સંબંધિત હોવા જોઈએ.

જેની દૃષ્ટિ માત્ર લૌકિક સુખ અને લૌકિક અર્થ-ઉપાર્જન પાછળ હોય, માત્ર જગતની કોરે જ મોટા હોય એવા માણસો પ્રત્યે અરુચિ દર્શાવતાં શ્રીજીમહારાજે વરતાલના ૧૬મા વચનામૃતમાં કહ્યું છે કે,

“મોટા માણસ સાથે અમારે ઝાઝું બને નહીં. શા માટે જે એને રાજનો ને ધનનો મદ હોય, અને અમારે ત્યાગનો ને ભક્તિનો મદ હોય, માટે કોઈ કેને નમી દે એવું કામ નથી.”

તથા ગઢડા મધ્યના ૨૧મા વચનામૃતમાં હરિભક્ત સમાજના મોવડી સમાન પૂ. સંતોને શ્રીજીમહારાજે અર્ધરાત્રિએ ઉઠાડી પોતાનો અભિપ્રાય કહ્યો હતો કે,

“અમારા મનમાં એમ સમજાય છે જે આ સંસારને વિષે જેને ગામ-ગરાસ હોય વા ધન-દોલત હોય એ જ અતિશે દુઃખિયો છે. અને જેને ધન, દોલત, રાજ ન હોય તે જ સુખિયો છે.”

અર્થાત્‌ જેને દ્રવ્યાદિકની લાલસા ન હોય અને અતિશે ધન-દોલત ન હોય તેવા જ હરિભક્ત અમને ગમે છે.

તેથી જ સદ્‌. ગુણાતીતાનંદ સ્વામીએ પણ પ્રકરણ-૧ની ૧૧મી વાતમાં કહ્યું છે કે,

“રૂપવાન સ્ત્રી, ઝાઝું દ્રવ્ય ને સારી મેડી મળી તે સત્સંગીને માયાનું બંધન થયું કેમ જે એમાંથી જીવ નીકળે નહીં. માટે એ તો જેવું તેવું સાધારણ મળે તે સારું છે.”

જગતની દોટથી પાછા વળી મહારાજના રાજીપાના માર્ગે આગળ વધવા ઉપરોક્ત બાબતને લક્ષ્યમાં લઈ શકીએ તેવી મહારાજ અને મોટાપુરુષના ચરણોમાં પ્રાર્થના...