મંદીના સમયે આર્થિક વ્યવહાર - 4

  May 28, 2017

આપણા સૌનાય જીવનપ્રાણ બાપાશ્રી આપણને સૌને રીત શીખવે છે કે, “વ્યવહારને ગૌણ કરી ભગવાનને મુખ્ય કરો.” એ માટે આપણે આપણા રોજબરોજના જીવનમાં કેવી રીતે ધન કમાવવું તે શીખીએ આ લેખમાળા દ્વારા.

 

ધન કમાવો : ઘરમાં આત્મીયતા રહે તેમ : વધુ ને વધુ ધન મેળવવાની લાયમાં કેટકેટલાય પરિવારો કુસંપની જ્વાળામાં સ્વાહા થઈ જાય છે. ઘરમાંથી એક વ્યક્તિ સવારે નોકરી કરવા જાય તો બીજી સાંજે જતી હોય. અઠવાડિયે માત્ર એક દિવસ ભેગા થાય તેવા પરિવારમાં આત્મીયતા કેવી રીતે રહે ? તે કરતાં સાથે બેસીને ઠાકોરજી જમાડાય, ધૂન-કીર્તન-ઘરસભા થાય તેવી રીતે ધન ઉપાર્જન કરવું. અંદર અંદર એકબીજા પ્રત્યે મતભેદ સર્જાય, હુંસાતુંસી થાય તેવી રીતે ધન કમાવવું નહીં.

ધન કમાવો : ધ્યેય સામું દૃષ્ટિ રાખીને : આપણો જન્મ અલૌકિક અને અભૌતિક સુખ માટે છે, શાશ્વત શાંતિનો અનુભવ કરી અનાદિમુક્તની સ્થિતિ પામવા માટે છે. ગાડીનો ડ્રાઇવર ફોન પર વાત કરતો હોય, બ્રેક મારતો હોય પરંતુ તેની નિરંતર દૃષ્ટિ જે સ્થાને પહોંચવાનું છે તે તરફ મંડાયેલી હોય છે. તેવી રીતે આપણો અવરભાવનો ધ્યેય છે મહારાજ અને મોટાપુરુષને રાજી કરવા છે અને પરભાવનો ધ્યેય છે અનાદિમુક્તની સ્થિતિ પામી મૂર્તિસુખના અનુભવી થવું છે. ત્યારે આપણે આર્થિક વ્યવહારો કરતાં કરતાં પણ આપણી નિરંતર દૃષ્ટિ આ ધ્યેય તરફ રાખવી કે હું આવી રીતે કરીશ તો મહારાજ અને મોટા રાજી થશે કે નહિ થાય તેવો નિરંતર વિચાર રાખવો અને પાછી વૃત્તિ કરવી. જેમાં રાજી હોય તે જ કરવાનું અને જેનાથી રાજી ન થાય તે નહિ જ કરવાનું એવો દૃઢ સંકલ્પ કરવો.

આ ઉપરાંત શ્રીજીમહારાજ ગઢડા છેલ્લાના ૩૦મા વચનામૃતમાં પોતાના મિષે આપણને શિખવાડે છે કે અમને જેમ આ પાંચ વાતનું નિરંતર અનુસંધાન રહે છે તેમ તમારે પણ રાખવું.

 

ધન કમાવો - નાશવંતપણાના વિચારથી :

“સ્વપ્નાની સમૃદ્ધિ સર્વે સ્વપ્ના સાથે જાયે જી...”

અવરભાવમાં દેખાતો સંસાર એ સ્વપ્નવત્‌ છે. તેમાં જે કાંઈ દ્રવ્ય-સંપત્તિ દેખાય છે તે કાંઈ સાથે આવતું નથી. બધું નાશવંત અને ક્ષણભંગુર છે. મોટા મોટા નંદ જેવા રાજાઓ પણ ખાલી હાથે જ ગયા છે તો આવા નાશવંત દ્રવ્ય માટે આવો મોંઘો મનુષ્યજન્મ વેડફી ન નાખવો.

શ્રીજીમહારાજ ખેડામાં એરણ સાહેબ, રોલ સાહેબ, વોકર સાહેબ તથા ડગલી સાહેબ આદિક અંગ્રેજ અમલદારને મળ્યા હતા ત્યારે તેમને આ લોકના સુખ પ્રત્યે નાશવંતપણાનો સાંખ્ય વિચાર દૃઢ કરાવવા પોતાની રીત સમજાવતાં કહ્યું હતું કે, “અમારી જેવી રીત છે તે હું તમને કહું છું. આ જગતનાં જે સુખ-દુઃખ છે તેના ઉપર અમારે તાન, આગ્રહ નથી. અમે ઘણું દેખી-વિચારીને નક્કી કર્યું છે કે સુખ કે દુઃખ કાયમ કાંઈ રહેતું નથી. આ જગતનું જે કાંઈ સુખ-દુઃખ છે તે બધું ક્ષણભંગુર દેખાય છે.” એટલે કે આ લોકનું દ્રવ્ય-સંપત્તિ બધું જેમ મહારાજને નાશવંત અને ક્ષણભંગુર દેખાય છે તેમ આપણે તેના પ્રત્યે નાશવંતપણાનો વિચાર રાખવો.

ધન કમાવો : અન્યની પર ઈર્ષ્યા કરીને નહીં : મહારાજની ઇચ્છાથી આપણી ક્ષમતા પ્રમાણે જેટલી આવક થાય તેટલું રાજી થકા કમાવવું પરંતુ આપણા કરતાં અન્ય કોઈની આવક વધે કે ધંધા-વ્યવહારમાં આપણા કરતાં તેઓ આગળ નીકળી જાય તો તેમની ઈર્ષ્યા ન કરવી. કેમ કરીને તેની પડતી થાય, ધંધામાંથી પાછો પડે કે તેને નુકસાન થાય તેવા પ્રયત્ન ન કરવા. ઈર્ષ્યાને કારણે સામેના પક્ષકાર માટે જ્યાં ત્યાં કાનભંભેરણી ન કરવી, તેમના ધંધાની મૉનૉપૉલી કે ખાનગી વિગતો ખબર હોવા છતાં ખુલ્લી ન કરવી. તેને આપણા કરતાં વધુ ધન મળે તોપણ રાજી થવું. ઈર્ષ્યાની અગનજાળમાં બળવું નહીં. કારણ, ખપ પડે ત્યારે તે જ આપણને મદદ કરવાના છે.

ધન કમાવો : સંત-સમાગમ, જોગ રાખીને : કેટલાક અર્થ-ઉપાર્જનની પ્રવૃત્તિમાં એટલા બધા ઓતપ્રોત થઈ જતા હોય છે કે મંદિરે દર્શન કરવાનો કે સંત-સમાગમ કરવાનો પણ અવકાશ રહેતો નથી. પરિણામે જીવનમાંથી સત્સંગનાં મૂલ્યો ભૂંસાતાં જાય, સત્સંગનું બળ ઘટતું જાય અને વ્યવહારરૂપ થઈ જવાય. માટે સંસારરૂપી કાદવમાં કમળની જેમ નિર્લેપ રહેવા માટે સંત-સમાગમનો યોગ રાખવો ફરજિયાત છે. સમાગમથી સમજણની દૃઢતા થાય અને ગમે તેવા દેશકાળમાં, વિપરીત સંજોગોમાં પણ સદા આનંદમાં રહી શકાય.

ધન કમાવો : અકર્તાભાવથી : શ્રીજીમહારાજ ગર્વગંજન છે. તેઓ કોઈના ગર્વને ચલવી લેતા નથી માટે ‘મહેનત કરી, મારી બુદ્ધિ-આવડતથી હું કમાયો છું’ એવો અહંકાર ન આવવા દેવો. ‘હું ધારું તો પાટું મારીને પૈસા પેદા કરી શકું.’ ‘દુનિયાના કોઈ ખૂણેથી પાછો ન આવું’ - આવા દેહાભિમાને યુક્ત અહંકારી વચનો પણ ન બોલવાં; નહિ તો મહારાજ ક્યારેક કરોડપતિમાંથી રોડપતિ કરી દે. જે કાંઈ થયું છે, થાય છે ને થશે તે મહારાજની મરજીથી, એમની કૃપાથી જ થાય છે. આપણી હાથ હલાવવાની પણ તાકાત નથી માટે અકર્તાભાવથી, મહારાજ જ કરે છે એવા ભાવથી ધન-ઉપાર્જન કરવું.

પ.પૂ. સ્વામીશ્રી પરભાવનું સ્વરૂપ છે. તેઓ મૂર્તિના સુખના માર્ગે આગળ વધવાની સાથે હરિભક્ત તરીકે અવરભાવના આર્થિક વ્યવહારો પણ કેવા કરવા જોઈએ તેવી દિવ્ય રીત આપી આપણને નૂતન જીવન કેળવવાની દિશા આપે છે. જે પ્રમાણે આપણે અનુસરીએ...