મંદીના સમયે આર્થિક વ્યવહાર - 5

  June 5, 2017

 “અક્કલમાં કોઈ અધૂરો નહિ ને પૈસામાં કોઈ પૂરો નહીં.” એ ન્યાયે ગમે તેટલી આવક હોવા છતાં વ્યક્તિ સંતોષનો શ્વાસ લેતો નથી; બલ્કે દિવસે દિવસે તેની અસંતોષની જ્વાળા વધુ પ્રજ્વલિત થાય છે. તો કેવી રીતે ધન કમાઈએ તો સંતોષી થઈ સુખ-ચેનથી જીવી મહારાજને રાજી કરી શકાય તે પ.પૂ. સ્વામીશ્રીની ભલામણ દ્વારા શીખીએ.

 

ધન કમાવો - કોઈની હિંસા કરીને કે કોઈને દુભવીને નહીં : કોઈ જીવની હિંસા કરીને કે તેને દુઃખવીને કોઈ ધંધા ન કરવા. માંસ-મટનની દુકાનો, હૉટલો ન કરવી કે એવા કોઈ ધંધા ન કરવા. નહિ તો એ જીવહિંસાનું પાપ મહારાજ છતે દેહે ભોગવાવે માટે એવા ધંધા-વ્યવસાય કદાપિ કરવા નહીં.

પારકાની કે પોતાના કુટુંબીઓની કોઈની આંતરડી બાળીને તેને દુભવીને કમાયેલું ધન હસી હસીને લેવાય છે પરંતુ રોઈ રોઈને ભોગવવું પડે છે. એવો પૈસો વિનાશ નોતરે છે અને દુઃખી દુઃખી કરી દે છે માટે ભાગીદારો સાથે કે સ્ટાફ સભ્યો સાથે મિટિંગ કરીને કે તેમનું શોષણ કરીને કમાવવું નહિ કે પૈસા લેવા નહીં.

એક વખત એક હરિભક્ત સ્વામિનારાયણ ધામ ગાંધીનગર સમૈયામાં લાભ લેવા માટે આવ્યા. તેઓ સભાને અંતે પ.પૂ. સ્વામીશ્રીનાં દર્શન કરવા આવ્યા ત્યારે રડી પડ્યા કે, “દયાળુ, છેલ્લાં ૮-૮ વર્ષથી આખા શરીરમાં બળતરા થાય છે. મુંબઈ, કલકત્તા બધે મોટા મોટા દવાખાનામાં બતાવ્યું પણ કોઈ ફેર પડતો નથી માટે દયા કરો. આ બળતરામાંથી મને ઉગારો.”

પ.પૂ. સ્વામીશ્રીએ આ ભાઈને સમજાવ્યા અને કહ્યું, “સાચે સાચું કહેજો; તમે જીવનમાં કોઈને બાળ્યા છે ? કોઈની આંતરડી કકળાવી છે ?” ત્યારે તેઓએ કહ્યું, “સ્વામી, એક વાત યાદ આવે છે. મારો નાનો ભાઈ ઍક્સિડન્ટમાં ધામમાં ગયો પછી તેમનાં પત્ની અને બે દીકરીઓ ભાગ માગતાં હતાં પણ અમારા ઘરનાએ ઝઘડો કરી પૂરો ભાગ આપવા દીધો નથી. તેઓને ઘરનું પૂરું પણ થતું નથી તેથી તેઓ દર મહિને ૧૦,૦૦૦ રૂપિયા વર્ષોથી માગે છે પણ મેં આપ્યા નથી. એમને બિચારાને મેં ખૂબ બળતરા કરાવી છે.” ત્યારે પ.પૂ. સ્વામીશ્રીએ કહ્યું, “બસ, તમને આની જ બળતરા છે માટે હવે પૂરેપૂરો ભાગ આપી દો. ૧૦,૦૦૦ અને ૧,૦૦૦ રૂપિયા વધારાના આપી દો.”

આ હરિભક્ત બીજા ધામના સમૈયામાં આવ્યા એ વખતે પ.પૂ. સ્વામીશ્રીનાં દર્શન કરવા પધાર્યા ત્યારે કહ્યું, “સ્વામી, મેં પૈસા આપ્યા તોય મારો અડધો જ રોગ મટ્યો પણ હજુ થોડી બળતરા તો થાય જ છે.” ત્યારે પ.પૂ. સ્વામીશ્રીએ પૂછ્યું, “તમે કેટલા આપ્યા ?” ત્યારે કહ્યું, “ઘરમાં માથાકૂટ થાય માટે ૫,૦૦૦ જ આપ્યા છે.” પ.પૂ. સ્વામીશ્રીએ કહ્યું, “જો પૂરેપૂરો રોગ મટાડવો હોય તો હજુ બીજા ૬,૦૦૦ આપી દો.” તેમણે જે દિવસે ૬,૦૦૦ આપ્યા એ જ દિવસથી તેમનો પૂરેપૂરો રોગ મટી ગયો.

આવી રીતે કોઈની આંતરડી બાળીને જેટલું ધન મેળવીએ તેટલું દુઃખ વણનોતર્યું આવે જ છે. માટે સ્ટાફ સભ્યો કે કોઈને દુભવીને ધન ન કમાવવું. સ્ટાફનેય ભાગીદાર ગણવા.

 ધન કમાવો - દૈવી, આસુરી નહીં. : ‘Money is necessary but not everything’

 

અર્થાત્‌ ‘પૈસો જરૂરી છે પરંતુ સર્વસ્વ નથી.’

પૈસો જીવન જીવવા માટે જરૂરી છે પરંતુ આપણું સર્વસ્વ તો એકમાત્ર શ્રીજીમહારાજ જ છે. છતાંય આપણા જીવનની ગતિ કોઈ વિરુદ્ધ દિશામાં ફંટાયેલી જોવા મળે છે. જે આપણું સર્વસ્વ છે તેના માટે નહિવત્‌ પ્રયત્ન થાય છે. અને જે માત્ર જરૂરિયાત છે તેના માટેના જ બહુધા પ્રયત્ન થાય છે. જીવન જીવવા માટે જરૂરી એવું દ્રવ્ય કમાવવામાં પણ વિવેકબુદ્ધિ રાખવી.

દૈવી દ્રવ્ય કમાવવું; આસુરી દ્રવ્યનો આપણા ઘરમાં પ્રવેશ પણ ન થવા દેવો. નહિ તો દૂધનું દૂધમાં અને પાણીનું પાણીમાં જ જાય.

દૈવી દ્રવ્ય કોને કહેવાય ? તો નીતિથી, મહારાજ અને મોટાના રાજીપામાં રહીને, સત્યતાથી, જાતમહેનતે, પોતાનો પરસેવો પાડી, કોઈને દુભવ્યા વિના, કાવાદાવા કર્યા વિનાનું મહારાજની કૃપાથી જે દ્રવ્ય આવે તેને દૈવી દ્રવ્ય કહેવાય. ટૂંકમાં, શુદ્ધ નીતિ અને પવિત્રતાથી કમાયેલું દ્રવ્ય દૈવી છે.

લાંચ-રુશવતથી, ભેળસેળ કરીને, છળકપટ કરીને, કોઈને બાટલામાં ઉતારીને, કોઈનું શોષણ કરીને, ઉચ્છેદિયું, નખ્ખોદિયું, દાટેલું, લાઇટ-ચોરી કે અન્ય ચોરીનું દ્રવ્ય એ આસુરી દ્રવ્ય છે.

જો દૈવી દ્રવ્ય ઘરમાં આવશે તો ઘરમાં સુખ-શાંતિ જળવાશે, આનંદ આનંદ રહેશે અને જો લગારેક આસુરી દ્રવ્ય ઘરમાં આવી જાય તો ધનોતપનોત નીકળી જાય. કદાચ શરૂઆતમાં આસુરી દ્રવ્ય સારું લાગે પરંતુ પાપનો ઘડો ભરાય ત્યારે બધું ઊંધું વળી જાય. માટે દૈવી દ્રવ્ય જ કમાવવું. એ માટે આપણા વ્યવહાર ચોખ્ખા રાખવા, તેમાં પારદર્શકતા રાખવી, ભાગીદાર કે ઉપરીથી કોઈ વ્યવહાર છુપાવવા નહીં. ગ્રાહકો, વેપારી, ડિપૉઝિટરો બધા સાથે ચોખ્ખા વ્યવહાર રાખવા. ગોલમાલ ન કરવી.

મહારાજ અને મોટાપુરુષના આ અભિપ્રાયો પ્રમાણેનું જીવન એ જ આદર્શ જીવન. આવું જીવન જીવીએ.