મંદીના સમયે આર્થિક વ્યવહાર - 6

  June 12, 2017

 “મોટાપુરુષ આપણા આત્માના માવતર હોવા છતાં આપણા અવરભાવનું જતન પણ કેટલું કરે છે ! મંદીના સમયને પસાર કરવા વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીએ કરેલી ભલામણો આવો આ લેખ દ્વારા નિહાળીએ.

  ધન કમાવો - દેવ દ્રવ્ય કાઢેલું દ્રવ્ય : શ્રીજીમહારાજે શિક્ષાપત્રી શ્લોક ૧૪૭માં આજ્ઞા કરી છે કે,

 “ગૃહસ્થાશ્રમી સત્સંગી તેમણે પોતાની જે વૃત્તિ અને ઉદ્યમ, તે થકી પામ્યું જે ધન-ધાન્યાદિક તે થકી દશમો ભાગ કાઢી ભગવાનને અર્પણ કરવો અને જે વ્યવહારે દુર્બળ હોય તેમણે વીશમો ભાગ અર્પણ કરવો.”

જેમ પારકા ધન ઉપર આપણો કોઈ અધિકાર નથી તેમ ધર્માદાનું દ્રવ્ય તે દેવનું દ્રવ્ય કહેવાય. મંદિરની ગલ્લાપેટીના પૈસા આપણા ઘરમાં ન લાવીએ કારણ પાપ લાગે. તેમ આવકના ૧૦મા ભાગના ધર્માદાનું દ્રવ્ય એ પણ મહારાજનું જ દ્રવ્ય છે. તેની ઉપર આપણો કોઈ અધિકાર નથી. જેટલો ધર્માદો ચોખ્ખો નીકળે તેટલું આપણી સંપત્તિનું નુકસાન પણ ઓછું થાય.

મેમકાના રામજીશેઠની જીનમાં આગ લાગી ત્યારે નોકર દોડતો શેઠને બોલાવવા ગયો.

રામજીશેઠે કહ્યું, “હું પૂરેપૂરો ૧૦% ધર્માદો કાઢું છું માટે આગ લાગે જ નહિ; જેટલું ધર્માદાનું દ્રવ્ય આવી ગયું હશે તેટલું બળી જશે.” અને એમ જ થયું. થોડું રૂ સળગ્યું અને પછી એની મેળાએ જ ઓલવાઈ ગયું. માટે આપણે પણ ચોખ્ખો ધર્માદો કાઢી પછી જ ઘરમાં દ્રવ્ય લઈ જવું.

 

વિપરીત દેશકાળ નિર્ગમવા (પસાર કરવા) શું કરવું ?

(૧) ઘરના બધા સભ્યોએ કમાતા થવું :

વિપરીત સમય-સંજોગોમાં ઘરમાં કોઈ એક વ્યક્તિ કમાય અને બધા બેઠા બેઠા ભોજન લે તેવું ન કરવું. ઘરના બધા જ સભ્યોએ થોડુંઘણું નાનું-મોટું કમાતાં શીખવું. વિપરીત પરિસ્થિતિમાં એક જ વ્યક્તિની આવકથી પૂરું ન થાય ત્યારે સૌએ ખભે ખભા મિલાવી કોઈ પ્રકારનાં શરમ-સંકોચ વગર પોતાનાથી થાય તેવાં નાનાં-મોટાં કામ શોધી લેવાં જોઈએ. મહિલા વર્ગે પણ નોકરી, ટ્યૂશન, ભરત-ગૂંથણ, ઍમ્બ્રોઇડરી, સીવણકામ કે અન્ય સંગીત જેવી કોઈ પોતાની કળા હોય તેનો ઉપયોગ કરીને દ્રવ્ય ઉપાર્જન કરવામાં મદદરૂપ થવું.

(૨) જે નોકરી મળે તે લઈ લેવી :

આજનાં યુવક-યુવતીઓ ભણ્યા પછી તરત જ નોકરી શોધે છે પરંતુ હરીફાઈના આ યુગમાં તથા વધતી બેકારીની વચ્ચે સરળતાથી નોકરી મળતી નથી. એવા સમયમાં ‘મને આટલા પગારની જ નોકરી મળે તો હું નોકરી કરું’ એમ વિચારી બેકાર ઘેર બેસી રહેવું તેના કરતાં પોતાના ભણતર, સ્ટેટસ સામું જોયા વિના પ્રારંભિક સમયે જ્યાં જે નોકરી મળે તે લઈ લેવી. ત્યાં આબરૂનું પૂંછડું ન પકડી રાખવું. કોઈ પ્રકારની શરમ કે સંકોચ ન અનુભવવાં.

 

 

 

(૩) દેહરખા ન થવું, મહેનતુ બનવું :

આપણામાં રહેલી આળસુ અને પ્રમાદીવૃત્તિને કારણે દેહને કારસો પડે તેવું કામ કરવું આપણને અઘરું લાગે છે, રુચિ-ગમતા બહારનું લાગે છે. પરંતુ દેહે કરીને થોડું વધુ કામ કરવું પડે કે ચાલીને ક્યાંય જવું-આવવું પડે તો ઉપરથી દેહ મજબૂત થાય. મહેનત પડે તેવું કામ કરવાનું છોડી બેસી રહેવાનું ગમે છે પરંતુ બેસી રહ્યે કાંઈ વળતું નથી. મહેનતુ થઈ જેટલું મંડે તેટલું કમાઈ શકાય. માટે વિપરીત દેશકાળમાં દેહ સામું ન જોતાં મહેનતુ બનવું.

(૪) અન્ય નાનો-મોટો ધંધો કરવો :

કોઈ જગ્યાએ નોકરી કરતા હોય કે ધંધો કરતા હોય છતાં ઘરમાં પૂરું ન થતું હોય કે ફાજલ સમય મળતો હોય તો તેવા સમયમાં સાઇડમાં (અન્ય) નાનો ધંધો કરવો જોઈએ. એકાઉન્ટ લખવા, વીમા એજન્સી જેવા નાનાં-મોટાં કામ કરીને પણ આર્થિક ભીંસમાંથી બહાર નીકળવા પ્રયાસ કરવા.

જ્ઞાનસત્ર-૯ના અંતિમ દિને વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીએ સત્સંગી હરિભક્તોએ આર્થિક વ્યવહાર કરવામાં ચાર બાબતને ધ્યાનમાં રાખવાની શીખ આપી હતી : આવક, ખર્ચ, બચત અને કરજ. જેમાં આપણે આવકની બાબતમાં ક્યાં શું ધ્યાન રાખવું તે અહીં જોયું. તેને આપણા જીવનમાં અમલમાં મૂકીશું અને ખર્ચ, બચત અને કરજ અંગે ક્રમશઃ હવે પછીના લેખમાં જોઈશું.