માતૃવાત્સલ્યતાનો સાગર
July 3, 2017
પ્રાતઃકાળે ઘડિયાળનો કાંટો 5:45 ઉપર આવ્યો. ગુરુવર્ય પ.પૂ. બાપજી વાસણા પોતાના આસને વચનામૃત વાંચતા હતા ને એકદમ પોતાના સેવક સંતને એક સંતનું નામ આપી બોલાવવા કહ્યું. એ સંત પૂજામાં મહારાજને સાચા ભાવે પ્રાર્થના કરતા હતા. સેવક સંતે એ સંતને શોધી કહ્યું, “બાપજી તમને યાદ કરે છે.” પૂજા પૂર્ણ કરી પેલા સંત ઝડપભેર હાંફળા બની ગુરુવર્ય પ.પૂ. બાપજીના આસને પહોંચ્યા. દંડવત કરી ગુરુવર્ય પ.પૂ. બાપજીની પડખે બે હાથ જોડી એક નજરે તેમની સામું જોઈ રહ્યા. મરમાળું હાસ્ય કરતાં ગુરુવર્ય પ.પૂ. બાપજી બોલ્યા, “અલ્યા, તું રાજી તો છે ને ? ! આનંદમાં તો છે ને ?!” આટલું સાંભળતાં તો પેલા સંત અતિ ગળગળા બની ગયા. ડૂમો ભરાઈ આવ્યો, આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. આ બાજુ ‘પૂજામાં બાપાને પ્રાર્થના પૂરી થાય એ પહેલાં ગુરુવર્ય પ.પૂ. બાપજીએ બોલાવી લીધો’ આ વિચારે સંતની આંખમાંથી અશ્રુધારા છલકાઈ. આંખમાં આંસુ જોઈ બાપા બોલ્યા, “અલ્યા ! તું આમ દુઃખી કેમ !!” એટલું કહેતાં એમનો હાથ ઝાલી એમને છાતીએ ચાંપી દીધા. “મારા દીકરા, તને કાંઈ ચિંતા છે ?! કંઈ મૂંઝવણ છે ?!” આટલું પૂછતાં પોતાના ગાતડિયાથી આંસુ લૂછ્યાં. આ જોઈ પેલા સંતની આંખમાં અશ્રુધારા વધુ વહી કે આપ પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રૂપે પણ અમારી કેટલી ચિંતા રાખો છો !!! આટલું વિચારતાં સદ્. નિષ્કુળાનંદ સ્વામી રચિત ચોસઠ પદીની પંક્તિની સ્મૃતિ થઈ આવી,
“જે જે હરિએ કર્યું હેત, એવું કોણ કરે આપણે રે...”
“વળી સમે સમે સંભાળ, જાણો કરે હરિજનને રે;
બીજું એવું કોણ દયાળ, કાં રે મનાય નહિ મનને રે.”
ગુરુવર્ય પ.પૂ. બાપજીએ ફરીથી પૂછ્યું, “અલ્યા તને કંઈ દુઃખ નથી ને ?!” પેલા સંત કહે, “બાપા ! દુઃખ તો કાંઈ નથી પણ આપને અને પ.પૂ. સ્વામીશ્રીને રાજી નથી કરી શકતો.” ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજીએ માથે હાથ ફેરવતાં કહ્યું, “જો તને અવરભાવના સ્વભાવ આદિ દોષ પીડે તો તારે ચિંતા ન કરવી. મહારાજ ભેળા છે, નિશ્ચિંત રહેવું. સ્વભાવ આદિ દોષનું બળ નહિ ચાલે અને તારે સ્વામીશ્રીને રાજી કરી લેવા. સ્વામીશ્રી સામે દૃષ્ટિ રાખવી. તો તને બીજો વિચાર જ નહિ આવે ને ગુણોનો ઢગલો થઈ જશે.” આટલું કહેતાં ફરી છાતીએ ચાંપી વ્હાલ કર્યું.
ગુરુવર્ય પ.પૂ. બાપજી સ્વામિનારાયણ ધામ એસ.ટી.કે.ના સમર્પિત મુક્તોને લાભ આપવા પધાર્યા હતા. સભા બાદ બધા મુક્તો ગુરુવર્ય પ.પૂ. બાપજીનાં નિકટ દર્શનનો લાભ લેતા હતા. ગુરુવર્ય પ.પૂ. બાપજી સૌ મુક્તો ઉપર આશિષ વરસાવતાં હસ્ત મસ્તકે મૂકતા હતા. એમાં એકાએક એક મુક્તનું કાંડું ઝાલી કહ્યું, “અલ્યા ! તું માંદો છે કે શું ? તને તાવ આવ્યો લાગે છે.” પેલા મુક્તરાજ તો બે હસ્ત જોડી દંગ જ બની ગયા કે મેં તાવ આવ્યાની વાત કોઈને નથી જણાવીને ગુરુવર્ય પ.પૂ. બાપજી તો મને સ્પર્શતાં જ માંદગીને જાણી ગયા. મુક્તરાજ વિચારતા હતા ત્યાં ગુરુવર્ય પ.પૂ. બાપજીએ સંતોને બોલાવ્યા ને કહ્યું, “આ માંદો પડ્યો છે માટે એની સારવાર કરાવો. ” અને તે સમર્પિત સેવકને ઓરો બોલાવી કહ્યું, “તારે તમતમાર જે જમવું હોય તે સંતોને કહેજે ને ટાઇમે ગોળી લઈ લેવી.” ગુરુવર્ય પ.પૂ. બાપજી દર્શન આપી ઊભા થયા ને ચાલતાં રસ્તામાં બીજા એક સમર્પિત સેવકને બોલાવી કહ્યું, “પેલો માંદો છે એની ટાણે ટાણે સેવા કરજે; એને તકલીફ ના પડે.”
આજે મોરબી સત્સંગ કાર્યક્રમમાં બપોરે 3:30 વાગ્યે પહોંચવાનું હતું. ગુરુવર્ય પ.પૂ. બાપજીને પ્રાતઃ સભા બાદ ગાડીમાં જતાં રાજેશભાઈ અબાસણાને કહ્યુ કે, “આજે તારે મોરબી આવવાનું છે.” આટલુ કહેતાં વળી પાછું પૂછ્યું, “તમે જમીને આવશો ?” ત્યારે રાજેશભાઈ અબાસણાએ કહ્યું, “બાપા ! મહારાજે સેવકને નવું ઘર કરાવ્યું તેમાં પ.પૂ. સ્વામીશ્રી અને સંતોની રસોઈ થઈ; આપને જમાડવાના બાકી છે તે આપ ઘરે તો નહિ પધારો પણ વાસણા મંદિરે આજે રસોઈ આપી દઉં અને આપ રાજી હો તો મંદિરે જ પ્રસાદી લઈ લઉં. આપ જમો તો મારો સંકલ્પ પૂરો થાય.” બાપા કહે, “એમાં કે’વાનું થોડું હોય ? તારું ઘર છે. તું તારે મંદિરે જ જમજે.” અને રાજુભાઈ ઠક્કર ને ઘનશ્યામભાઈ મિરાણીને પણ જમવા બોલાવી લે. સૌ જમાડ્યા પછી મોરબી જવા ગાડીમાં બેઠા. રસ્તામાં બાપાએ પૂછ્યું, “અલ્યા, તમે બધા જમ્યા તો ખરા ને ? રસોઈ ફાવી ? શાક ફાવ્યું ? રોટલી ફાવી ?” એમ પૂછ્યું ત્યાં રાજેશભાઈએ કહ્યું, “બાપા ! સંતોની રસોઈ તો ફાવે જ ને !” ઘનશ્યામભાઈ મિરાણી સાથે નહોતા તો માત્ર એક માટે તેમને ગાડીમાંથી ફોન જોડાવી પૂછ્યું, “અલ્યા, તને રસોઈ તો ફાવી ને ! તે લાડું કેટલા જમાડ્યા ? ! બસ એક ? રોટલી કેટલી જમ્યો ?” એમ ઘનશ્યામભાઈને અને સૌને પૂછ્યું. પછી રાજેશભાઈએ પૂછ્યું, “બાપા ! આપે દયા કરી રસોઈની સેવાનો લાભ આપ્યો તો આપ તો ઝાઝું જમ્યા ને ?” ત્યારે બાપા કહે, “તેમ બધા જમ્યા ને એમાં હું ધરાઈ ગયો. મેં સિદ્ધાંતસ્વામીને કહ્યું કે, ‘પે’લાં આ બધાને જમાડજો... પછી મારા માટે લાવજો ને ઝાઝું પીરસજો.’ તે તમે બધા જમીને રાજી થાવ એ જ ખરું ભોજન કર્યું કહેવાય.”
સંતો પ્રતિ, માસૂમ તરુણ સમર્પિતો પ્રતિ અને ભક્તો પ્રતિ તેઓનો કેવો માતૃવાત્સલ્ય પ્રેમ છે તેની શાખ તેઓ થકી આવો માતૃવાત્સલ્ય પ્રેમ અનુભવનારના શબ્દોમાં પુરાય એમ છે.
પંચમહાલમાં વસતા સંતો ગુરુવર્ય પ.પૂ. બાપજીના આગમનની રાહ જોઈ બેઠા હોય કે બાપા પધારશે અને શાકભાજી લાવશે. તેઓએ વર્ષો સુધી દૂર જંગલમાં વસતા સંતોની ચિંતા રાખી છે.
એસ.ટી.કે.ના સમર્પિતોને સભામાં વાત વાતમાં કેરી મળે છે ? એમ પૂછી લઈ ફરી આવવાનું થાય ત્યારે સાથે 7 કરંડિયા કેરીના લાવી તેઓને જમાડ્યા છે. વળી, પરીક્ષા આપી સીધા સભામાં આવી બેસનાર સમર્પિત સેવકને, “અલ્યા આઈ ગ્યો તું ! જમ્યો કે નહીં ?!” એવા હેતભર્યા તેમના માતૃવાત્સલ્યતાના શબ્દોએ અનંતના હૈયાં ભીનાં કર્યાં છે.
ગુરુપૂર્ણિમાના દિવસે ખારેકનો હાર પહેરાવ્યો ને ઉતારતાં જ કહ્યું કે, “આ હાર જુદો મૂકજો; ગાંધીનગર સમર્પિત સેવકોને મોકલજો. એમને ખારેક નહિ મળતી હોય !!!”
આવા એમના માતૃવાત્સલ્યભર્યા સહવાસથી, શબ્દોથી, વર્તનથી અને પ્રેમથી એમની સ્મૃતિને માનસપટમાંથી દૂર કરવી અઘરી છે. જગત એમ કહે છે કે, ‘ગોળ વિના મોળો કંસાર ને મા વિના સૂનો સંસાર.’ પણ અનંત ‘મા’નો પ્રેમ ગુરુવર્ય પ.પૂ. બાપજીના પ્રેમ આગળ ઝાંખો પડે એવું અનેક સંતો-હરિભક્તો અનુભવે છે