માતૃવાત્સલ્યતાનો મહાસાગર

  March 28, 2017

આહાહા...!!! કેવી દયાળુતા...!!! કેવી પ્રેમાળતા...!!! કેવી કરુણા...!!! કેવી મંત્રમુગ્ધ બનાવી દે તેવી માતૃવાત્સલયતા...!!! કદાચિત્ સાગરની ગહેરાઈઓને માપી શકાય... કદાચિત્ પર્વતની ઊંચાઈઓને માપી શકાય, કદાચિત્ પૃથ્વીની ગોળાઈને માપી શકાય... પરંતુ વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજીની માતૃવાત્સલ્યતાને ક્યારેય ન માપી શકાય, ન તો પારખી શકાય, ન તો કલ્પના કરી શકાય. હા મુક્તો... વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજી એટલે માતૃવાત્સલ્યતાનો ઘૂઘવતો મહાસાગર...

હા... ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી ઉપાસના, જીવનપ્રાણ બાપાશ્રી પ્રબોધિત કારણ સત્સંગના સર્વોત્તમ-સર્વાધિક સિદ્ધાંતો અને પોતાની અજોડ બેનમૂન સાધુતાના જતનમાં અડીખમ રહેવા માટે બહારથી બહુ જ કડક અને આકરી પ્રકૃતિ દેખાડતું એ દિવ્ય સ્વરૂપ... જેની દયાળુતાની કોઈ સ્વપ્નમાં કલ્પના ન કરી શકે. હા... એ દિવ્ય સ્વરૂપ એટલે ગુરુવર્ય પ.પૂ. બાપજી. વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજીની નિકટમાં રહેલા સંતો તથા હરિભક્તોએ જરૂર એ દિવ્યપુરુષના અતિ કોમળ, અતિ ઋજુ, અધિકાધિક માતૃવાત્સલ્યતાભર્યા, દિવ્ય, અતિ સ્નેહાળ વ્યક્તિત્વને નિહાળ્યું હશે !

હમણાં જ થોડા દિવસો પહેલાંની આ વાત છે. તારીખ 19 ઑગસ્ટ, 2016ના રોજ વ્હાલા હરિકૃષ્ણ મહારાજ સાથે ગુરુવર્ય પ.પૂ. બાપજી વિદેશ વિચરણ માટે પધારવાના હતા. સૌના હૈયે હરખની હેલી હતી કે ગુરુવર્ય પ.પૂ. બાપજી પાંચ-આઠ વર્ષ પછી વિદેશના હરિભક્તોને સુખિયા કરવા, તેમના મનોરથો પૂરા કરવા માટે તથા ત્રણ નૂતન મંદિરોની પ્રતિષ્ઠા કરવા માટે પધારશે. સવારે 8:30 વાગ્યે ગુરુવર્ય પ.પૂ. બાપજીનું ફલાઈટ હતું. એ દિવસે સવારે વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજીને જમાડવા માટે ઘણીબધી વસ્તુઓ બનાવી હતી. કારણ કે ત્યારબાદ ફલાઈટની 18-19 કલાકની જર્ની દરમ્યાન ગુરુવર્ય પ.પૂ. બાપજીને ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા મુજબ ઉપવાસ કરવાનો થતો હતો. અને લગભગ છેલ્લા પંદરેક દિવસથી અવરભાવની શારીરિક બીમારીને લીધે વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજીએ જમાડવામાં અરુચિ બતાવી હતી. તેથી ગુરુવર્ય પ.પૂ. બાપજી રાજી થઈને જમાડે જેનાથી ફલાઈટની જર્ની દરમ્યાન તેઓને કાંઈ તકલીફ ન પડે એવી સંતોના અંતરની અભિલાષા હતી. એરપોર્ટ નીકળતાં પહેલાં ગુરુવર્ય પ.પૂ. બાપજી જમાડવા બેઠા.

સેવામાં રહેલા પૂ. સંતો ગુરુવર્ય પ.પૂ. બાપજીને ગરમાગરમ વસ્તુ બનાવતા જાય અને પીરસતા જાય; પરંતુ ગુરુવર્ય પ.પૂ. બાપજી જમાડવામાં અરુચિ દેખાડે. સંતોએ ગુરુવર્ય પ.પૂ. બાપજીને જમાડવાનો ખૂબ આગ્રહ કર્યો પરંતુ ગુરુવર્ય પ.પૂ. બાપજીએ બહુ જ ઓછું જમાડીને ચળું કરી દીધું. ગુરુવર્ય પ.પૂ. બાપજી ઓછું જમ્યા તેથી પૂ. સંતોના અંતરે ઘણું દુઃખ હતું. પરંતુ ચળું કરીને ફળ ધરાવતાં ધરાવતાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજીએ સંતો સામું દૃષ્ટિ કરતાં જેમ માતા બાળકના મુખ પરથી એના દુઃખને – ઈચ્છાને કળી જાય તેમ સંતોની ‘મા’ સમાન ગુરુવર્ય પ.પૂ. બાપજી પણ સંતોના દુઃખને સમજી ગયા. તરત જ વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજી સંતો ઉપર અમૃત દૃષ્ટિએ રાજીપો વરસાવતા થકા બોલ્યા, ‘તમે બધું જ સારું બનાવ્યું હતું છતાં પણ હું કેમ ન જમ્યો તમને ખબર છે ?’ ત્યારે  સંતોએ કહ્યું, “ના, બાપા.” ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કહ્યું, “જો હું અત્યારે ધરાઈને જમું તો ફ્લાઈટમાં મારે ન્હાવા જવું પડે અને મારે ન્હાવા જવાનું થાય એટલે ફ્લાઈટમાં બધી વ્યવસ્થા કરવામાં સ્વામીને (પ.પૂ. સ્વામીશ્રી) તકલીફ પડે, મારા સંતોને હેરાન થવું પડે અને મારા લીધે બધા હેરાન થાય એવું મારે ન કરાય.

ત્યારે સંતોને વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજીની હ્દય ઊર્મિઓની જાણ થતાં સૌ અંતરથી વંદી રહ્યા. આહાહા....!! કેવી એ દિવ્યપુરુષની અકલ્પિત – અવર્ણનીય માતૃવાસલ્યતા છે!! જેમ માતા બાળકની પળે પળે ચિંતા રાખ્યા કરે, પોતાને હેરાન થવું પડે, સહન કરવું પડે તો કરે પરંતુ બાળકને સહેજ પણ તકલીફ ન પડવા દે. તેમ એ દિવ્યપુરુષ વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજીની કેવી અજોડ મહાસાગરોદરી માતૃવાત્સલ્યતા...!! પોતાનું જે થવું હોય તે થાય, અવરભાવની 84 વર્ષની વયે પણ પોતાને 18-18 કલાકના ઉપવાસ કરવાના હતા. ડાયાબિટીસના કારણે અવરભાવમાં ભૂખ્યા ન રહી શકાય, શારીરિક તકલીફોને વધી જાય છતાંય પણ પોતાની કોઈ જ ચિંતા નહિ, પોતાનો કોઈ જ વિચાર નહીં. બસ... મારા સંતોને હેરાન ન થવું પડે, મારા સંતોને તકલીફ ન પડે, મારા સંતો દુઃખી ન થાય... મારા સંતો ખાતર પોતાના અસ્તિત્વને, પોતાની તમામ શારીરિક તકલીફોને મિટાવી દેનાર સૌ સંતોની ‘મા’ સમા માતૃવાત્સલ્યતનાની અજોડ મૂર્તિ એવા દિવ્ય સત્પુરુષ વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજીના ચરણોમાં કોટિ કોટિ વંદન હો...!!