નાના-મોટાની મર્યાદા રાખો - 1
January 12, 2015
“તું નાનો હું મોટો એવો ખ્યાલ જગતનો ખોટો.”
આ કાવ્યપંક્તિ આપણને પરભાવ તરફની ગતિ સૂચવે છે કે, નાના અને મોટા આ બંને શબ્દો અવરભાવના છે જે ખોટા જ છે. જ્યારે પરભાવમાં કારણ સત્સંગનાં સૌ પાત્રોને મહારાજે કૃપા કરી, પોતાથી બીજા નંબરમાં અનાદિમુક્તની મોટામાં મોટી પદવી આપી છે. પરંતુ અવરભાવમાં રહીએ છીએ ત્યાં સુધી અવરભાવની મર્યાદામાં જ રહેવું શોભનીય છે.
અવરભાવમાં મોટપ બે પ્રકારની છે:
(1) વયે કરીને, (2) સત્તાએ કરીને.
(1) વયે કરીને મોટપ :
આપણા કરતાં અવરભાવમાં ઉંમરે કરીને જે મોટા છે એમની મર્યાદા રાખવી, એ જ આપણી શોભા છે. ક્યારેક આપણે એમના જીવનના અનુભવથી અજાણ હોઈશું પરંતુ એમની પાસે આપણા કરતાં વધારે અનુભવનાં તારણો છે. આપણા કરતાં વધારે તડકા-છાંયા એમણે જોયા છે. ઘણાં માટલાંના પાણી પીધાં છે અને ઘણી ઘંટીના લોટ જમાડ્યા છે. તો એમનો મોભો પણ સાચવવો જોઈએ. અરે, કદાચ, અવરભાવમાં આપણા કરતાં સમજણ ઓછી હોય; કાર્યક્ષમતા, વિચારશક્તિ ઓછી ધરાવતા હોયછતાં પણ, વયે કરીને મોટાની મર્યાદા તો અવશ્ય રાખવી જ.
(2) સત્તાએ કરીને મોટપ:
સત્સંગમાં કે વ્યવહારમાં જેમને મહારાજ અને મોટાએ સત્તાએ કરીને મોટા કર્યા છે, એમની મોટપના સ્વીકારમાં જ આપણા સ્વજીવનનું પરમહિત સમાયેલું છે. તેઓ કદાચ ભલે અવરભાવમાં આપણા કરતાં ઉંમરમાં નાના હોય કે આપણા સમકક્ષ હોય છતાંય એમની મર્યાદા ક્યારેય ચુકાવી ન જોઈએ; તો પછી મોટાની મર્યાદા તો રાખવાની જ હોય. સત્તાએ કરીને મોટાની મર્યાદા રાખવાની રીત શીખવતાંશ્રીજીમહારાજે કહ્યું છે કે,
“गुरुभूपालवर्षिष्ठत्यागिविघ्धतपस्विनाम् ।
अभ्युत्थानादिना कार्यः सन्मानो विनयान्वतैः”
“અને વિનયે કરીને યુક્ત એવા જે અમારા આશ્રિત સત્સંગી તેમણે ગુરુ, રાજા, અતિવૃદ્ધ, ત્યાગી, વિદ્ધાન અને તપસ્વી એ છ જણા આવે ત્યારે સન્મુખ ઊઠવું તથા આસન આપવું તથા મધુર વચને બોલાવવું ઇત્યાદિક ક્રિયાએ કરીને એમનું સન્માન કરવું.”
“अपमानो न कर्तव्यो गुरुणां च वरीयसाम् ।
लोके प्रतिष्ठितानां च विदुषां शस्त्रधारिणाम् ।।”
“ગુરુનું અપમાન ન કરવું; તથા જે અતિશય શ્રેષ્ઠ મનુષ્ય હોય તથા જે લોકને વિષે પ્રતિષ્ઠિત મનુષ્ય હોય તથા જે વિદ્ધાન મનુષ્ય હોય તથા જે શસ્ત્રધારી મનુષ્ય હોય તે સર્વેનું અપમાન ન કરવું.” કહેતાંએમની મર્યાદા જાળવવી. એમની આજ્ઞામાં રહેવું.મોટેરાની મર્યાદા ન સચવાય અને અપમાન થાય તો એમાંથી ક્યારેક મોટા વિવાદ કે કંકાસનું સર્જન થતું હોય છે. આત્મીયતા નષ્ટ થઈ જતી હોય છે. ક્યારેક તો જીવનમાં અણધારી વિકટ પરિસ્થિતિનું સર્જન પણ થઈ જતું હોય છે.
મર્યાદા એટલે શું?
મર્યાદા એટલે સુયોગ્ય જીવનનો વર્તાવ. જીવનમાં વિનય, વિવેક અને સંયમનું સંમિશ્રણ એટલે મર્યાદા.
મર્યાદા ક્યાં ક્યાં જરૂરી છે?
(1) સત્સંગમાં:
સત્સંગના યોગમાં આવેલા નાના-મોટા સૌ મુક્તોની મર્યાદા જ એમના પ્રત્યેના મહાત્મ્યનું દર્શન કરાવે છે. સત્સંગમાં આવ્યા પછી હરિભક્ત સમાજ અને સંત સમાજ બંનેમાં અરસપરસની મર્યાદાથી જ સત્સંગનું સાતત્ય રહે છે. ત્યાગાશ્રમ એ ગૃહસ્થાશ્રમ કરતાં અધિક છે. છતાં ત્યાગી વર્ગે પણ ગૃહસ્થ સમાજની યોગ્ય મર્યાદા જાળવવી જ પડે, નહિ તો ક્યારેક મર્યાદા ન સચવાય તો સત્સંગમાં પૂર્વાગ્રહ બંધાય, આંટી પડે અને આત્મીયતામાં ભંગાણ થતું હોય છે. એવી જ રીતે ત્યાગાશ્રમ તો ગૃહસ્થાશ્રમ કરતાં શ્રેષ્ઠ જ છે, તો હરિભક્ત સમાજે તો ત્યાગાશ્રમની મર્યાદા સાચવવી જ જોઈએ. આ વાત સ્વયં શ્રીજીમહારાજે પ્રતિપાદિત કરી છે.
લુણાવાડાના કાશીરામભાઈ જેઓ પરભાવમાં સ્થિતિવાળા પુરુષ હતા, મહારાજ સાથે વાતો કરતા. તેઓ એ સમયમાં ગુજરાત કૉલેજમાં પ્રોફેસર હતા. રોજ કૉલેજથી છૂટીને મોટા મંદિરે દર્શન કરવા આવવાનો તેમનો નિત્યક્રમ હતો. એક દિવસ નિત્યક્રમ મુજબ તેઓ દર્શન કરવા મંદિરે આવ્યા એ વખતે, મંદિરના પ્રાંગણમાં ઉંમરમાં નાના ને નવા સંતોને સહેજ બાળકિયા સ્વભાવમાં મજાક-મસ્તી કરતા જોયા. કાશીરામભાઈનું જીવન ખૂબ સિદ્ધાંતવાદી હતું. તેમણે એક સંતને સહેજ મોટા અવાજે ટકોર કરી, તેથી એ સંત તો ત્યાંથી ઉતાવળા આસને ચાલ્યા ગયા.
કાશીરામભાઈ રોજ રાત્રે મહારાજ સાથે વાતો કરતા એવી એમની ઊંચી સ્થિતિ હતી. રોજ રાત્રે મહારાજની મર્માળી હસતી મૂર્તિનાં દર્શન થતાં, પરંતુ આજે રાત્રે કાશીરામભાઈને નારાજગીના ભાવના ઘનશ્યામ મહાપ્રભુનાં કરડી નજરનાં દર્શન થયાં. તેમણે મહારાજને પ્રાર્થના કરી કે,“દયાળુ, આપ નારાજ લાગો છો. મારો કાંઈ વાંક?” મહારાજે તરત કહ્યું કે,“કાશીરામભાઈ, તમેવ્યવહારે કરીને મોટા છો, પણ સંતો તો અમારા દીકરા કહેવાય. એમનો આશ્રમ તમારાથી ઊંચો કહેવાય. તમે આજે સંતને વઢ્યા એટલે અમે નારાજ છીએ. આવતી કાલે એમની માફી માંગી રાજી કરી લેજો.” બીજા દિવસે કાશીરામભાઈએ મંદિરે આવી એ સંતની માફી માંગી ત્યારે મહારાજ રાજી થયા.
માટે, સત્સંગમાં અરસપરસ ત્યાગી, ગૃહી અને નાનામોટા સૌની મર્યાદા રાખીએ તો જ મહારાજ રાજી થાય.