નીચી ટેલની સેવા
March 12, 2017
ઈ.સ. ૨૦૧૪ના વર્ષની સંત શિબિર ચાલી રહી હતી. વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીના સાંનિધ્યમાં સંસ્થાના સૌ સંતો કથાવાર્તા, ગ્રૂપગોષ્ઠિ વગેરેનો લાભ લઈ આધ્યાત્મિક ક્ષેત્રે બળિયા થઈ રહ્યા હતા. તા. ૨૬ જાન્યુઆરીનો દિવસ હતો. એ દિવસે બપોરે સૌ પૂ. સંતો ગ્રૂપગોષ્ઠિનો લાભ લઈ ઠાકોરજી જમાડવા પધાર્યા. વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી પણ સૌ સંતોની સાથે ઠાકોરજી જમાડવા પધાર્યા. વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીને ઠાકોરજી જમાડવાનું પૂર્ણ થયા બાદ જોડેના સેવક સંત પૂ. સંતોને છાસ પીરસતા હતા. તેમને ઠાકોરજી જમાડવાનું બાકી હતું એટલે વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીએ પત્તર ધોઈને તુરત જ તેમના હાથમાંથી છાસનો જગ લઈ લીધો અને તેમને ઠાકોરજી જમાડવા બેસાડ્યા. ઠાકોરજી જમાડી રહેલ સંતોએ વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીના હસ્તમાંથી છાસનો જગ લેવા પ્રયત્ન કર્યો અને પ્રાર્થના કરતાં કહ્યું કે, “દયાળુ, આપને આવી સેવા ન કરાય, અમે સૌ જાતે જ છાસ લઈ લેશું. આપ આરામ માટે પધારો.” ત્યારે વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીએ કહ્યું, “ના, આરામ તો પછીયે થશે પરંતુ સંતોની સેવાનો લાભ ક્યાંથી મળે ?” એમ કહી મહારાજે જેતલપુરના ૪થા વચનામૃતમાં કહેલ, “તમ જેવા હે ધર્મ-નિયમેયુક્ત સંતો ! તમારી તો વાત જ નોખી છે...” અમૃતવચનોની સ્મૃતિ કરાવી. વળી, આગળ નીચી ટેલની સેવાનો મહિમા સમજાવતાં વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીએ કહ્યું, “નીચી ટેલની સેવાથી આપણું અંતઃકરણ ચોખ્ખું થાય, નિર્માનીપણું, દાસત્વભાવ દૃઢ થાય, સૌનો મહિમા દૃઢ થાય માટે મને સેવા કરવા દો.” વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીનો નીચી ટેલની સેવાનો આગ્રહ જોઈ પ.પૂ. સ્વામીશ્રીને બેસવા માટે સંતો ખુરશી લાવ્યા તો વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીએ કહ્યું, “ખુરશી પર ન બેસાય, બધા સંતો નીચે બેસી જમે છે. વળી, આપણે ઊભા ઊભા પીરસીએ તો આપણને સેવાનો વધુ લાભ મળે. અને આપણી ઉપર મહારાજનો રાજીપો પણ વધુ થાય.”
સૌ સંતો ઠાકોરજી જમાડી રહ્યા બાદ વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી બાથરૂમમાં સ્નાન માટે પધાર્યા. ત્યારે ત્યાં એક સંત સ્નાન કરી રહ્યા હતા. વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીએ સંતને સ્નાન કરતા જોઈને ધોતિયું નીચોવવા માટે હાથમાં લઈ લીધું. પેલા સંતે વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીને પ્રાર્થના કરતાં કહ્યું કે, “દયાળુ, આપને આવી સેવા ન કરાય, એ આપને ન શોભે, અમે તો આપના સેવકો છીએ, આપ તો અમારું જીવન છો, અમારે આપની સેવા કરવાની હોય, અમારે તમને ધોતિયું નીચોવવા માટે ન અપાય.” ત્યારે વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીએ કહ્યું, “કેમ ? અમારે આવી નીચી ટેલની સેવા ન કરાય ?! સ્વયં શ્રીજીમહારાજે પણ નીલકંઠવર્ણી રૂપે આપણને સૌને નીચી ટેલની સેવાની કેવી અદ્ભુત રીત શીખવી છે. મહારાજ જાતે છાણાં થાપતા, સંતોનાં વાસણ ઘસતા, કૂવેથી પાણી ભરી સંતોને સ્નાન કરાવતા. આ બધું મહારાજ પોતે સર્વોપરી ભગવાન હતા છતાંય, જાતે કરતા તો આપણે કેમ ન કરાય ? અને સદ્. મુક્તાનંદ સ્વામીએ પણ કીર્તનમાં કહ્યું છે ને કે, “નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો.” માટે આપણને નીચી ટેલની સેવા મળે એ તો મહારાજ અને મોટાની આપણી ઉપર બહુ જ મોટી કૃપા કહેવાય. જેની ઉપર કૃપા હોય એને જ નીચી ટેલની સેવા મળે. માટે આપણને નીચી ટેલની સેવા મળે તો રાજી થકા સેવા કરવી, એવી સેવા તો શોધતાં રહેવું અને જ્યાં એવી નીચી ટેલની સેવા મળે તો તક ઝડપી લેવી, સેવા કરી રાજીપો કમાઈ લેવો.” આમ, પોતાને કોઈ જરૂર ન હોવા છતાં સૌ સંતો તથા હરિભક્તોને પોતાના વર્તન દ્વારા નીચી ટેલની સેવાનો મહિમા સમજાવી તથા પ્રેરણા આપી વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી સ્નાનાદિક ક્રિયા માટે પધાર્યા.
ત્યારે આપણે સૌ એમના સેવકો છીએ. આપણે એમના સેવક ક્યારે કહેવાઈએ ? તો, એમના જીવનમાંથી પ્રેરણા લઈ એમના જેવી રીત, એમના જેવો આગ્રહ, અભિપ્રાય આપણા કરીએ ત્યારે આપણે ખરા અર્થમાં એમના શિષ્ય થયા કહેવાય. ત્યારે, ઉપરોક્ત પ્રસંગમાંથી મળેલા મોટાપુરુષના જીવનમાંથી નીચી ટેલની સેવાની પ્રેરણા લઈ આપણા સ્વજીવનમાં પણ નીચી ટેલની સેવાનું અંગ દૃઢ કરીએ એ જ અભ્યર્થના.