નિયમિતતા-2
July 12, 2018
રોજબરોજના જીવનમાં નિયમિતતાનો ગુણ દૃઢ કરવા શું કરવું ? ક્યાંથી શરૂઆત કરવી ?
આપણા દૈનિક જીવનમાં નિયમિતતાનો ગુણ દૃઢ કરવા પ્રથમ શારીરિક જીવનમાં પણ નિયમિતતા કેળવવી ફરજિયાત છે. શારીરિક રીતે સ્વસ્થ રહેવા યોગા અને કસરત જરૂરી છે. પરંતુ કોઈ પાસેથી તેની આગ્રહપૂર્વક વાત સાંભળવાથી એક દિવસ યોગા ને કસરત કરીએ અને બીજા દિવસે ન કરીએ અથવા ચાર દિવસે એક વાર કરીએ; તેનાથી તેનું કોઈ ચોક્કસ ફળ મળતું નથી. તે કરવા છતાં તેનો હેતુ સરતો નથી કારણ તે નિયમિત કરતા નથી. નિયમિતપણે યોગ્ય રીતે કરીએ તો જ તેના પરિણામ સુધી પહોંચી શકાય.
અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં રહેતા એક ૯૭ વર્ષીય વડીલ કે જેઓ ઉંમરે કરી વૃદ્ધ હોવા છતાં યુવાન જેવા તંદુરસ્ત હતા. તેમની તંદુરસ્તીના રહસ્ય માટે ઇન્ટરવ્યૂ લેવાયો હતો. તેમાં તેમણે રહસ્યસ્ફોટ કરતાં જણાવ્યું હતું કે, “મારી તંદુરસ્તીનું રહસ્ય નિયમિત રીતે નિયત પ્રમાણમાં લેવાતો સાત્ત્વિક આહાર છે. હું સવારમાં અલ્પાહાર અને સવાર-સાંજ એમ બે ટાઇમ ભોજન લઉં છું. દરરોજ સવારે અને સાંજે કાંકરિયા તળાવનો આખો રાઉન્ડ પૂરો થાય તેટલું ચાલું છું. આજ સુધી તેમાં એક દિવસ પણ ચૂક્યો નથી. મારો ઊઠવાનો અને સૂવાનો સમય નક્કી જ છે. આજે પણ હું નિયમિત ૪૫ મિનિટ કસરત કરું છું. આ ઉપરાંત ભજન-ભક્તિ પણ નિયમિત કરું છું અને સત્સંગનાં પુસ્તકોનું પણ નિયમિત વાંચન કરું છું. મારા જીવનમાં જે કાંઈ નક્કી કરું છું તે હું નિયમિતપણે અને આદર્શતાથી કરું છું તેથી આજે ૯૭ વર્ષે પણ મારી તમામ દૈહિક ક્રિયા જાતે જ કરી શકું છું. મારો આ ક્રમ યુવાની હતી ત્યારથી જ છે. ગમે તેવા સંજોગ-પરિસ્થિતિ આવે તોપણ નિયત જીવનમાં બહુ ફેરફાર ન જ કરું તેથી તન અને મન બેયની શાંતિ જળવાયેલી રહે છે. નિયમિતતા એ જ મારી તંદુરસ્તીનું મોટામાં મોટું રહસ્ય છે.” આ રહસ્યને આપણા જીવનનું પણ રહસ્ય બનાવી આપણા શારીરિક જીવનમાં તંદુરસ્ત બનીએ.
જીવવાની આશા હોય ત્યારે તો આવા નિયમિત બની શકાય, પરંતુ મૃત્યુની અણિ પર હોય છતાં જીવનના દૈનિક ક્રમમાં કોઈ ફેરફાર ન થાય તે અદ્ભુત નિયમિતતા છે.
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના ક્રાંતિકારી રામપ્રસાદ બિસ્મિલને જે દિવસે ફાંસીની સજા આપવાની હતી તે દિવસે પણ તેમના દૈનિક ક્રમ મુજબ પ્રાર્થના, વ્યાયામ, અલ્પાહાર, દેશની સેવા માટે જે કરવાનું હતું તેમાં કોઈ ફેર પડવા ન દીધો.
તેમની કાર્ય પ્રત્યેની નિયમિતતા જોઈ મુખ્ય જેલ અધિકારીને આશ્ચર્ય થતાં તેમણે પૂછ્યું કે, “એક કલાક પછી આપને ફાંસી આપવાની છે છતાં રોજની જેમ આજે પણ આપ શા માટે વ્યાયામ અને દેશસેવા કરો છો ?”
ફાંસીના અંતિમ સમય સુધી બિસ્મિલે તેમના નિયમિત જીવન ક્રમમાં ફેરફાર તો ન જ કર્યો અને અધિકારીને જે જવાબ આપ્યો તે આપણા જીવનમાં કંડારવા જેવો છે. તેમણે જવાબ આપ્યો હતો કે, “આપણું મનુષ્યજીવન સ્વયંભૂ નક્કી કરેલી શિસ્તથી બંધાયેલું હોવું જોઈએ અને તેને જીવનના છેલ્લા શ્વાસ સુધી વળગી રહેવું જોઈએ. એ નિયમિતતામાં કદી અવ્યવસ્થા આવવા દેવી નહીં. તે માટે નિયમિતપણે જે કરવાનું હોય તે છેલ્લા શ્વાસ સુધી કરવું જ.” ગુરુવર્ય પ.પૂ. બાપજી ઘણી વાર કહે છે કે, “નિયમો છેલ્લા શ્વાસ સુધી પાળવાના હોય. તેમાં બાંધછોડ ન કરાય.” આ થઈ નિયમિતતાની પરાકાષ્ઠા !
મહાન વ્યક્તિઓના જીવનક્રમનું રહસ્ય ‘નિયમિતતા’ સામાન્યપણે જોવા મળે છે. જીવનના ક્રમમાં વિઘ્નો આવવા છતાં રસ્તો શોધી લેતા હોય છે. તેથી જ તેઓ સફળતા અને સુખને શોધતા નથી. તેમના નિયમિત જીવનથી જ સુખ અને સફળતાનું સર્જન આપમેળે થઈ જતું હોય છે.
આપણે નિયમિત નોકરીએ જઈએ છીએ ત્યારે જ પગાર મળે છે. પરંતુ એક દિવસ જઈએ અને પછી બે દિવસ ન જઈએ તો પગાર તો ન જ મળે; ઊલટાની ફારગતિ મળી જાય.
ઘરમાં કે ધંધામાં રોજેરોજના ખર્ચાનું નામું લખીએ તો મહિનાને અંતે કેટલા વપરાયા તેનો અંદાજ રહે છે. પરંતુ મહિનાને અંતે જ વિચારીએ અને લખવા બેસીએ તો કોઈ હિસાબ ન મળે.
ઘરમાં દરરોજ સ્વચ્છતા કરીએ છીએ પરંતુ જો ૧૦ દિવસે કરીએ તો કેટલી વાર લાગે ? તેથી જ આપણે ઘરમાં કચરા-પોતાં, કપડાં, વાસણ આદિકની રોજ સ્વચ્છતા કરીએ છીએ. તેમ છતાં આપણા જીવનની ઘણીબધી બાબતમાં તેના વિપરીત પરિણામની ખબર પડવા છતાં તે નિયમિત કરતા નથી. નિયમિતતાનો સૌથી મોટો શત્રુ આળસ છે. તેને ઢીલો વિચાર અને ચાલશેની ભાવના પ્રોત્સાહન આપે છે. પરંતુ કોઈ પણ કાર્ય નિયમિતપણે થાય તો જ તેનું ચોક્કસ પરિણામ મળે છે. તે અંગે શ્રીજીમહારાજે ગઢડા પ્રથમના ૨૩મા વચનામૃતમાં સમજાવ્યું છે કે, “જેમ પાણીનો ઘડો ભરીને એક ઠેકાણે ઢોળી આવીએ પછી વળી બીજે દિવસ અથવા ત્રીજે દિવસ તે ઠેકાણે પાણીનો ઘડો ઢોળીએ તેણે કરીને ત્યાં પાણીનો ધરો ભરાય નહિ, કાં જે આગલા દિવસનું જળ આગલે દિવસે સુકાઈ જાય, ને પાછલા દિવસનું પાછલે દિવસે સુકાઈ જાય; અને જો આંગળી જેવી નાની જ પાણીની સેર્ય અખંડ વહેતી હોય તો મોટો પાણીનો ધરો ભરાઈ જાય.” પાણી અખંડ વહેતું હોય તેમ છતાં એક દિવસમાં પાણીનો ધરો ભરાઈ ગયેલો ન દેખાય. પણ ઘણા દિવસે દેખાય તેમ આપણા જીવનમાં કોઈ પણ કાર્ય સતત કરીએ તેમ છતાં તેનું એક દિવસે પરિણામ ન મળે, પરંતુ નિયમિતપણે કરવાથી ઘણા દિવસોએ-વર્ષે તેનું યોગ્ય ફળ મળતું હોય છે.
એક ૫ વર્ષના બાળકે તેની પાંચ વર્ષની ઉંમરથી જ નિયમિત રોજ ૫ રૂપિયા બચાવવાના શરૂ કર્યા. ચાર-છ મહિને તેના ગલ્લામાં ભેગી થયેલી બચતને તેના પિતા તેનું ખાતું ખોલાવી તેમાં ભરતા હતા. જ્યારે તે બાળકમાંથી ૨૫ વર્ષીય યુવાન થાય છે ત્યારે ૪૫,૬૨૫ રૂપિયા બૅંકમાં બચત હતી તો પ્રશ્ન થાય કે શું ૫ રૂપિયા બચાવવાથી ૪૫,૬૨૫ રૂપિયાની બચત થાય ? થાય, પણ નિયમિતપણે રોજ બચાવવાથી તે શક્ય છે.
વ્યવહારિક કાર્યમાં આવી નિયમિતતા તો આપણે ઘણીબધી જગ્યાએ કેળવીને નિશ્ચિત ધ્યેયને હાંસલ કરીએ છીએ. પરંતુ મનુષ્ય સ્વભાવની એક ખાસિયત છે કે, કોઈ પણ ક્ષેત્રમાં નક્કી કરેલ સફળતાના આંક મેળવે પછી તે માટે પહેલાં જેટલો પ્રયત્ન કરવાનો છોડી દે. પરંતુ વાસ્તવિકતાએ શું કરવું જોઈએ ?
એક દોડવીરે પોતાના જીવનનું લક્ષ્ય બાંધ્યું હતું કે, ‘મારે રાજ્યકક્ષાએ દોડની સ્પર્ધામાં પ્રથમ નંબર લાવવો જ છે.’ લક્ષ્યને સિદ્ધ કરવા તેઓ નિયમિતપણે દોડની સખત પ્રૅક્ટિસ કરતા. છેવટે એક દિવસ તેઓ પોતાના લક્ષ્યને આંબીને રહ્યા અને રાજ્યકક્ષાએ પ્રથમ નંબરે વિજેતા થયા. વિજેતા થયાના આનંદમાં તેમણે એક મિજબાની ગોઠવી હતી.
બધા મિત્રો દોડવીરને અભિનંદન આપતા હતા. એ વખતે એક મિત્રએ કહ્યું, “દોસ્ત, હવે તો પ્રથમ નંબર આવી ગયો માટે તમે રોજની દોડવાની પ્રૅક્ટિસમાંથી છૂટ્યા.” ત્યારે તેમણે મક્કમતાપૂર્વક જવાબ આપ્યો કે, “હવે આજથી હું મારા નિયમિત દોડવાના સમયમાં થોડો વધારો કરીશ. અને ગમે તેવા સંજોગમાં પણ તેને ચૂકીશ નહીં. કારણ હવે મારે મળેલી સફળતાને પચાવવાની છે. તેને જાળવી રાખી હજુ વધુ ને વધુ આગળ વધવાનું છે; તે માટે નિયમિત દોડવું ફરજિયાત છે.”
રમતમાં હોય કે ધંધા-વ્યવસાયમાં ગમે તે ક્ષેત્રમાં આગળ વધવા નિયમિતતાનો ગુણ જોઈએ જ. તો પછી અધ્યાત્મ માર્ગમાં આગળ વધવા આ ગુણ તો મહત્ત્વનો અને ફરજિયાત હોય જ. એટલે જ મોટાપુરુષ આપણને આરતી, દર્શન, ધ્યાન, માળા, પૂજા બધું નિયમિત કરવાની આજ્ઞા કરે છે. સ્વયં શ્રીજીમહારાજ અક્ષરધામના અધિપતિ હોવા છતાં નિયમિત માળા કરતા. તેને સદ્. પ્રેમાનંદ સ્વામીએ સ્વાભાવિક ચેષ્ટામાં વણી લીધું છે કે,
“સૂતાં સૂતાં રે, માળા માગી લઈને;
જમણે હાથે રે, નિત ફેરવે ચિત્ત દઈને,
ભૂલ ન પડે રે...”
માળા આદિક રાજીપાનાં સાધનો નિયમિતપણે દૃઢતાપૂર્વક કરવા સંત સમાગમ ખૂબ મહત્ત્વનો છે. તેથી જ સદ્. બ્રહ્માનંદ સ્વામીએ ગોડીમાં ગાયું છે કે,
“સંત સમાગમ કીજે, હો નિશદિન સંત સમાગમ કીજે...”
અર્થાત્ નિયમિત રાત્રિ-દિવસ સમાગમ કરવો. જેનાથી આપણી આંતરિક બૅટરી ચાર્જ થાય. મહારાજ અને મોટાપુરુષની આપણી ઉપર દૃષ્ટિ પડે તેનાથી ચૈતન્યની શુદ્ધિ થાય તથા વૃદ્ધિ થાય અને સ્થિતિ માટેના પાત્ર થતા જવાય.
અનાદિમુક્તની સ્થિતિને પામવી એ જ એકમાત્ર આપણું લક્ષ્ય છે. તે માટે ‘દેહ નહિ હું મુક્ત અનાદિ...’ આ લટકમાં નિયમિત રહેવું તો આપણો સ્થિતિ તરફનો માર્ગ ચૂકી ન જવાય. એટલે જ કીર્તનમાં કહ્યું છે કે,
“થઈ સમજણ તેનો કરો નિત્ય અભ્યાસ,
તુરત કરો અમલ રાખી ખરો અભ્યાસ;
સતત પ્રૅક્ટિસે ટળે દેહાધ્યાસ...”
માથક ગામના કલ્યાણસંગજી બાપુને ધ્યાનનું અંગ હતું. તેઓ નિયમિતપણે ૧૦-૧૦ કલાક સળંગ ધ્યાન કરતા હતા. જીવનપ્રાણ બાપાશ્રી તેમનો નિયમિત ધ્યાનનો આગ્રહ જોઈ રાજી થયા અને મહારાજની મૂર્તિ સામે હસ્ત લાંબો કરી કહ્યું, “આમ જુઓ, આ કોણ છે ?” એટલું કહેતા તો તેમને ઝળળળ તેજના સમૂહમાં મૂર્તિ દેખાવા માંડી.
આપણે પણ સ્થિતિ તરફ આગળ વધવું છે ત્યારે નિયમિતપણે રાજીપાનાં સાધનો તથા ધ્યાન આદિક કરી ખરા અર્થમાં નિયમિતતાનો ગુણ આપણા જીવનમાં દૃઢ કરીએ એ જ અભ્યર્થના.