પહેલાનું ભૂલી જવું - 2
June 12, 2014
કોઈ પણ પ્રસંગને સવળા અને અવળા દૃષ્ટિકોણથી મુલવી શકાય. જેવો દૃષ્ટિકોણ કેળવીએ તેવી સમજણ કેળવાય અને તેના પરિણામ સ્વરૂપે આપણે સુખી ને દુ:ખી રહેતા હોઈએ છીએ. આવો, આ વાતને દૃષ્ટાંતો દ્વારા આ લેખમાં અનુભવીએ.
કેવા વિચારો કરવા જોઈએ, કેવી આપણી સમજણ કેળવવી જોઈએ અને એના પરિણામ સ્વરૂપે કેવા આનંદમાં રહી શકાય છે તે આવો જોઈએ આ લેખમાં.
એક દૃષ્ટાંત દ્વારા સમજીએ. પ.પૂ.સ્વામીશ્રી આપણને એમના અવરભાવના જીવનમાં બનેલો નાનપણનો એક પ્રસંગ કહે છે. પ.પૂ.સ્વામીશ્રી 8મા ધોરણમાં ભણતા હતા એ અરસાની વાત છે. એક દિવસ પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું. ગણિતના શિક્ષકે દરેક વિદ્યાર્થીને વર્ગમાં વારાફરતી ઊભા કરી પોતાના માર્કસ બોલવાનું કહ્યું. દરેક વિદ્યાર્થીએ પોતાના ગણિત વિષયના માર્કસ બોલવા માંડ્યા. ઘનશ્યામભાઈનો (પ.પૂ.સ્વામીશ્રીનો) પણ માર્કસ બોલવાનો વારો આવ્યો. ઘનશ્યામભાઈને (પ.પૂ.સ્વામીશ્રીને) ગણિતમાં 100માંથી 98 માર્કસ આવ્યા હતા. જ્યાં ઘનશ્યામભાઈએ 98 માર્કસ કહ્યા ત્યાં શિક્ષકે ઘનશ્યામભાઈના ગાલ ઉપર એક તમાચો માર્યો અને કહ્યું, “બે માર્કસ ઓછા કેમ આવ્યા ?” ક્લાસમાં વિદ્યાર્થીઓ તો ઘણા હતા અને એમાંય ઘનશ્યામભાઈને જે માર્કસ આવ્યા હતા તેનાથી ઓછા માર્કસવાળા જ બહુધા હતા તેમ છતાં શિક્ષકે કોઈને નહિ અને ઘનશ્યામભાઈને શિક્ષા કરી. આ પ્રસંગને બંને રીતે મૂલવી શકાય છે. સવળા દૃષ્ટિકોણથી અને અવળા દૃષ્ટિકોણથી. પરંતુ ઘનશ્યામભાઈએ આ પ્રસંગને સવળા દૃષ્ટિકોણથી સ્વીકાર્યો. સાહેબને મારા માટે કેટલો લગાવ છે ? કેટલો આગ્રહ છે કે એના બે માર્કસ પણ ઓછા આવવા દેવા નથી. આવા સવળા વિચારને કારણે ઘનશ્યામભાઈને એ શિક્ષક માટે કોઈ નકારાત્મક અભિગમ કે પૂર્વાગ્રહ ન બંધાયો. જો આ જ પ્રસંગને અવળા વિચાર સાથે સ્વીકાર્યો હોય તો જરૂર એ શિક્ષક માટે પૂર્વાગ્રહ બંધાત. “98 માર્કસ આવ્યા એ શું ઓછા છે ? સાહેબની કાર્ય લેવાની પદ્ઘતિ યોગ્ય નથી. સાહેબ કોઈને પ્રોત્સાહિત કરવાનું શીખ્યા જ નથી વગેરે...” આવી ઘણી બધી માનીનતા બંધાત. જેના કારણે એ શિક્ષકની પસંદગી આપણા માનસમાંથી ઘટી જાય. અને બીજાં ઘણાં બધાં પરિવર્તન એ શિક્ષક સાથેના વ્યવહારોમાં આવી જાય.
એક ઉક્તિ આપણે નાનપણથી સાંભળતા આવ્યા છીએ : “કોઈ કોઈને દુ:ખી પણ કરતું નથી અને કોઈ કોઈને સુખી પણ કરી શકતું નથી. સૌ સૌના સ્વભાવે દુ:ખી અને સુખી થાય છે.” આપણે ઘણી વાર એવું કહેતા હોઈએ છીએ કે ફલાણી વ્યક્તિ મને દુ:ખી કરે છે. પરંતુ વાસ્તવિકતાએ આપણને આપણા વિચારો જ દુ:ખી અને સુખી રાખતા હોય છે. જો આપણા વિચારો સવળા હશે તો આપણે સુખી રહીશું અને અવળા વિચારો હશે તો દુ:ખી જ રહેવાના એ ચોખ્ખું ગણિત છે. જેવા આપણા વિચારો હશે એવી જ આપણી સમજણ કેળવાશે. સવળા વિચારો હશે તો કોઈના બે શબ્દ, ક્રિયા, સ્વભાવ આપણને દુ:ખી નહિ કરી શકે.
નારદીપુરના તીતાભગતને અબુધ લોકોએ વગર વાંકે પકડ્યા, માથે મૂંડો કરાવ્યો, ચૂનો ચોપડ્યો, ગળામાં રીંગણાંની માળા પહેરાવી. પછી અવળે ગધેડે પૂંછડું પકડાવીને બેસાડ્યા. હુરિયો બોલાવતાં બજાર વચ્ચે તેમનું સરઘસ કાઢ્યું. સકઘસ પૂરું થયું પછી તીતાભગત હસતાં થકા ઘરમાં પ્રવેશ્યા. ત્યાં તેમનાં ઘર્મપત્ની રડતાં હતાં. તીતાભગતે રડવાનું કારણ પૂછ્યું તો કહે, “તમે ભગવાનની ભક્તિ કરો છો, તો આવું દુ:ખ કેમ આવ્યું ?” ત્યારે તીતાભગત કહે, “ભગવાને આપણા ઉપર બહુ દયા કરી. આપણે પરણ્યા ત્યારે વરઘોડો નીકળ્યો નહોતો, તે આ વરઘોડો નીકળ્યો, ને ગામમાં બધાંને મારી જાણ થઈ. વળી આ પાંચ કિલો શાક અઠવાડિયું ચાલશે, ને મારે ઘણા વખતથી હજામત ચઢી ગયેલી, તે વગર પૈસે મૂંડો થઈ ગયો.” તીતાભગતને હેરાન કરનારાએ હેરાન કર્યા પરંતુ તેમણે સવળો વિચાર રાખ્યો તો દુ:ખ ન લાગ્યું તેમ આપણા સમૂહજીવનમાં પણ જેટલો સવળો વિચાર હશે એટલા જ આનંદમાં રહેવાશે.
ઘણી વાર એવું પણ જોવા મળતું હોય છે કે, આપણે કોઈનો દોષ કે સ્વભાવ જોયો એટલે આપણે આપણા માનસમાં એના માટેની કાયમી કોઈક માનીનતા બાંધી દેતા હોઈએ છીએ. કોઈકને આપણી સાથે અણબનાવ બન્યો. એવો ને એવો અણબનાવ બીજાની સાથે બન્યો એટલે આપણે એવી માનીનતા દૃઢ કરી દેતા હોઈએ છીએ કે, “આમનો તો સ્વભાવ જ ડખાળિયો છે. એમને કાયમ બધાયની જોડે ડખા જ ચાલતા હોય. કોની જોડે એમને બને છે ?” એ જ રીતે કોઈએ આપણને સલાહનાં બે વચન કહ્યાં. એક વાર, બે વાર કહ્યાં એટલે આપણે એવું માની લઈએ છીએ કે આમનો તો સ્વભાવ જ કચકચ કરવાનો છે. જ્યારે જુઓ ત્યારે વણમાંગી સલાહ જ આપ્યા કરે છે. આ બધો પણ પૂર્વાગ્રહનો જ અંશ છે. ઘણી વાર કોઈ વ્યક્તિને વિષે આવી કાયમી ધોરણે નક્કી થઈ ગયેલી માનીનતા પણ આપણને પહેલાંનું ભૂલવા દેતી નથી અને એ વ્યક્તિ માટેની નકારાત્મક છાપ (Negative Impression) આપણા માનસમાં ખડી થઈ જતી હોય છે.
કાગળ ઉપર લખ્યું હોય એ તો ભૂંસી પણ શકાય. કદાચ બોર્ડ ઉપર લખ્યું હોય તો એને પણ ભૂંસી શકાય છે. પરંતુ પથ્થર ઉપર કોતરેલું ભૂંસી શકાય છે ? ના... એમ પૂર્વાગ્રહ એ એવી કોતરણી છે કે જે પહેલાંનું ભૂલવા જ નથી દેતું. અને એટલે જ કહેવાય છે કે, “આજે વ્યક્તિ લાખો અને કરોડો રૂપિયાના ખર્ચે મોટા મોટા ઉપગ્રહોને અવકાશમાં છોડી શકે છે પરંતુ દુ:ખની વાત એ છે કે વ્યક્તિ પોતાના પૂર્વાગ્રહ છોડી શકતો નથી.” પરિણામે એ તમામ પાસાંને નકારાત્મક દૃષ્ટિથી જ જુએ છે જેથી સામેનાની ભૂલોને, દોષોને, વેણ-કવેણને ભૂલવાને બદલે વધુ પાકાં કરે છે. એ દરેક બાબતોને પોતાના જ દૃષ્ટિકોણથી મૂલવવાનો પ્રયત્ન કરે છે. જેથી સામેના પાત્રની એના માનસમાં એવી સૂગ થઈ જાય છે કે એની સાથે દૃષ્ટિ મેળવીને વાત પણ કરી શકતો નથી કે મુસ્કુરાતો ચહેરો પણ પ્રદર્શિત કરી શકતો નથી. એ વ્યક્તિત્વથી એને જુદું રહેવાનું જ પસંદ પડે છે. આ જ પૂર્વાગ્રહની બળતરા છે. અને જ્યારે પૂર્વાગ્રહની પરાકાષ્ઠા આવી જાય છે ત્યારે તો “મારું અથવા મરી જઉં” એવો ઉદ્વેગ વર્તતો હોય છે જેને શ્રીજીમહારાજે વચનામૃતમાં પાડાખાર કહ્યો છે. પાડાખાર એટલે શું? તો...
વડતાલમાં એક પાર્ષદે પાડાને કોઈક પ્રસંગે સારી પેઠે માર મારેલો. પછી પાડો આ પાર્ષદને જ્યાં જુએ ત્યાં તેની પાછળ પડે. થોડા સમય બાદ આ પાર્ષદ ધામમાં ગયા. તેમનો અગ્નિસંસ્કારવિધિ કરવા સ્મશાને લઈ જતા હતા. રસ્તામાં આ પાડાને પેલા પાર્ષદના મૃતદેહનું મોઢું દેખાયું. પાડો સ્મશાનમાં દૂર ઊભો હતો. પાર્ષદનો અગ્નિસંસ્કારવિધિ પૂરો થયો. સૌ પોતપોતાના ઘરે ગયા. પરંતુ પાડાને સાથે વેર બંધાયું હતું. પાર્ષદે પાડાને પાર્ષદ માર માર્યો હતો એ પાડાથી હજુ ભુલાયું નહોતું. તેથી પાડો પાર્ષદના પાર્થિવ શરીરની રાખમાં માથું ભરાવી રાખને ઉડાવવા માંડ્યો. પછી એને શાંતિ થઈ. મરતાં સુધી નહિ પરંતુ મરી ગયા પછીયે રીસ ન જાય તે પાડાખાર કહેવાય. જ્યારે પૂર્વાગ્રહ પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે તમામ પ્રયત્ન સામેના વ્યક્તિત્વની ભૂલોને ભૂલવાના નહિ, પરંતુ મિટાવવાના થતા હોય છે.
એક વાત તો નક્કી જ છે કે આપણે જીવનકાળ દરમ્યાન સૌની સાથે સમૂહજીવનમાં જ રહેવાનું છે તો આવી રીતે કેટલાની સાથે પૂર્વાગ્રહ બાંધ્યા કરીશું ? કેટલાની ભૂલોને નોંધ્યા કરીશું ? કેટલાની ભૂલોને સંભાર્યા કરીશું ? દરેકને આપણે આપણા જ દૃષ્ટિકોણથી જોવાને બદલે સહેજ જુદી રીતે જોવાનો પ્રયત્ન પણ કરવો જોઈએ. શક્ય છે કે એ દૃષ્ટિકોણ જુદો જ હોય, એટલું જ નહિ, એ વધારે યોગ્ય પણ હોય. આપણા કેમેરામાં આપણા જ દૃષ્ટિકોણથી લીધેલી છબી જ સાચી છે, એવો દુરાગ્રહ, માનીનતા રાખવાના બદલે બીજાના દૃષ્ટિકોણનો પણ સ્વીકાર કરીએ તો ઘણી વાર છબી વધારે સુંદર પણ મળી શકે. એટલે કે આપણે જે નકારાત્મક દૃષ્ટિકોણથી દરેકને માપીએ છીએ એને હકારાત્મક રીતે માપીએ તો વધુ સારો વ્યવહાર આપણે કરી શકીશું.
આપણો ઢાળ જ દરેકને આપણા દૃષ્ટિકોણથી જોવાનો પડી ગયો હોય છે. એટલે સત્સંગમાં પણ આપણે સૌ સંતો-હરિભક્તોને આપણા દૃષ્ટિકોણથી જ જોતા હોઈએ છીએ. જેથી આવા દિવ્ય કારણ સત્સંગના યોગમાં આવેલા, વ્યતિરેકના સંબંધવાળા સૌ અનાદિમુક્તોને વિષે પણ પૂર્વાગ્રહ બાંધી બેસતા હોઈએ છીએ અને અભાવ-અવગુણ-અપરાધનો વેપાર કરી, પાપનાં પોટલાં બાંધતા હોઈએ છીએ. જે આપણને સત્સંગમાં સુખ લેવા દેતાં નથી.