પંચમહાલ ની પરિવર્તન ગાથા - ૧ (સના ભાઈ)
December 26, 2016
વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજી એટલે ‘પંચમહાલના આદિવાસીઓના બેલી.’ પ્રારંભથી જ ઝાડીદેશના ગરીબ આદિવાસી બંધુઓ ઉપર વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજીનો અપાર રાજીપો જોવા મળે. માંસાહાર, વ્યભિચાર, અંધશ્રદ્ધા, ચોરી, લૂંટફાટમાં જીવન ગુજારતા પશુસમાન જીવન જીવતા આદિવાસી બંધુઓને જ્ઞાન આપી, સત્સંગી કરી દિવ્યજીવન જીવતા કરવા માટે વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજીએ અપાર કષ્ટો સહન કર્યાં છે અને ખૂબ દાખડાઓ કર્યા છે. જેના ફળ સ્વરૂપે વર્તમાનકાળે એ દિવ્યપુરુષની કૃપાથી ઘણા આદિવાસી બંધુઓનાં જીવનપરિવર્તન થયાં છે. જેમાંથી એક પાત્રની અત્રે ઝાંખી કરીએ.
આ પ્રસંગ છે પંચમહાલના શહેરા તાલુકાના ગાડા ગામના નિવાસી શનાભાઈનો. સત્સંગમાં આવ્યા પૂર્વે તેઓ પોતાના જીવન વિષે જણાવતાં કહે છે કે, “જ્યારે તેઓ સત્સંગમાં આવ્યા નહોતા તે પહેલાં તેઓની પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી. આથી તેઓ સુરતમાં કાપડની ફૅક્ટરીમાં વણાટ- કામ કરવા માટે ગયા હતા. કાપડની ફૅક્ટરીમાં એકાદ-બે વર્ષ કામ કર્યું હશે ત્યાં અચાનક જ તેમને કોઈક સખત બીમારી લાગુ પડી. અંધશ્રદ્ધાને લીધે બીમારી મટાડવા ભૂવા-ભરાડી ખૂબ કર્યા. જેથી પરિવારની આર્થિક ખુવારી થઈ. એક વર્ષ સુધી મરણપથારીમાં રહ્યા પણ કાંઈ ફેર ન પડ્યો. છેવટે એકાદ વર્ષ બાદ દાક્તરી ઇલાજ કરતાં તબિયતમાં સુધારો થયો. આ દરમ્યાન માંસ-મચ્છી ખાવામાં પણ તેઓ લાગી ગયા. ધીરે ધીરે દીકરા-દીકરીનાં લગ્ન થયાં. એક વખત દીકરી બીમાર થઈ પરંતુ અંધશ્રદ્ધાને લીધે ભૂવાઓ ઘણા કર્યા કરે. એક વર્ષ સુધી બધે ફર્યા. પરિણામે આર્થિક સ્થિતિ વધુ ને વધુ ખરાબ થઈ. ત્યારબાદ દીકરાનો દીકરો બીમાર પડતાં પણ એ જ પરિસ્થિતિ ઊભી થઈ. બીમારી વધુ વધતી ગઈ. દીકરાનાં સાસુ ૭ વર્ષનાં જૂનાં સત્સંગી હતાં. તેમણે શનાભાઈને રસ્તો બતાવ્યો કે, “આમ ભૂવા પાસે લઈ જવાથી કાંઈ નહિ વળે. એના કરતાં બોરિયાવી મંદિરે લઈ જઈ મહારાજને જળ ધરાવી આ છોકરા ઉપર છંટકાવ કરશો તો મટી જશે અને પછી ગોધર મંદિરે જઈને અભિષેક કરજો તો સાવ સારું થઈ જશે.” અંધશ્રદ્ધાને લીધે વિશ્વાસ ન હતો પણ હવે ઊગરવાનો બીજો આરો ન હતો. હારી-થાકીને છેવટે તેઓ ગોધર મંદિરે અભિષેક કરવા માટે આવ્યા. અને મહારાજની ઇચ્છાથી છોકરાને બીમારી મટી ગઈ. આમ કરતાં તેઓ સત્સંગના યોગમાં આવી ગયા.
ધીરે ધીરે બોરિયાવી ખાતે સત્સંગ સભામાં જવાની શરૂઆત કરી અને અંધશ્રદ્ધા-વ્હેમ આદિ પડળો તૂટતાં ગયાં. એક વખત ગોધર મંદિરે સમૈયામાં લાભ લેવા માટે આવ્યા. અને વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજી તથા વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીનાં દર્શનથી અંતરે અનેરો આનંદ-શાંતિ થવા લાગ્યાં. ત્યારબાદ તેઓ દર સમૈયામાં લાભ લેતા થયા. ધીરે ધીરે વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજી જેવા દિવ્ય સત્પુરુષના જોગ-સમાગમથી મહારાજના સ્વરૂપની, સત્સંગની સમજણ, દિવ્યજીવન વગેરેની દૃઢતા થતી ગઈ. અને આજે વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજીની કૃપાથી તેઓ દૃઢ નિષ્ઠાવાન સત્સંગી બની ગયા છે. વળી તેઓના કુટુંબી તથા સગાં-સંબંધીઓને પણ તેઓએ સત્સંગમાં વાળ્યા છે અને મહારાજના સ્વરૂપની નિષ્ઠા કરાવી છે. તેઓનો આખો પરિવાર આજે દિવ્યજીવન જીવી રહ્યો છે. મહારાજે શિક્ષાપત્રીમાં જણાવેલ પંચવર્તમાનરૂપ તમામ આજ્ઞાઓનું તેઓ પાલન કરે છે. ગાળ્યા વગરનું પાણી પણ પીતા નથી. લગ્નપ્રસંગોમાં ગાળ્યા-ચાળ્યા વગરનું હોવાથી જમતા નથી. ભગવાન સ્વામિનારાયણ તથા વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજીની કૃપાથી તેઓ તથા તેમનો આખો પરિવાર વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજીને રાજી કરવા દૃઢ નિષ્ઠાવાન હરિભક્ત બની, નિયમ-ધર્મની ટેક રાખી દિવ્યજીવન જીવી રહ્યા છે. વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજીના અપાર દાખડાના ફળ સ્વરૂપે આવાં ઘણાં પાત્રો દિવ્યજીવન જીવી રહ્યાં છે જેની આપણે સમયાંતરે ઝાંખી કરતા રહીશું.