પરભાવની દૃષ્ટિ - 3
June 28, 2015
(2) વિચાર:
જેમ કોઈ ધનનો લાલચુ મનુષ્ય હોય તેને નિરંતર દ્રવ્યના જ વિચાર આવે છે. કામી પુરુષ હોય તો તેને સ્ત્રીના જ વિચાર આવે છે. એવી જ રીતે અનાદિમુક્તને મૂર્તિના સુખના જ વિચાર આવે. મૂર્તિના સુખ સિવાય બીજું કઈ મેળવવાના, પામવાના, જગતમાં મોટા થવાના, સારા દેખાવાના વિચાર આવતા હોય તો તે અવરભાવના વિચાર છે જેના કારણે ઈર્ષ્યા, દેખાદેખી થાય છે. આ દેહધારીના વિચાર છે. જયારે આપણને અનાદિમુક્ત કર્યા છે તો એક મૂર્તિના સુખના જ વિચાર કરવા. એમાં જ મગ્નરહેવું.
દેહધારીને દેહ અને દેહ સંબંધિત પદાર્થને વિષે મમત્વભાવના વિચારો આવે છે. આટલું મારું છે અને હજુ આટલું મારું કરી લઉં એવા જ વિચારોમાં રાચ્યા કરતા હોઈએ તો આપણે હજુ દેહધારી જ છીએ. અનાદિમુક્તને એક મહારાજ જ મારા રહે છે, ત્યાં મારું-તારું, સારું-નરસું, સુખ-દુઃખ, હર્ષ-શોક આવા દ્વંદ્વોરહેતા નથી. અવરભાવના આવા દ્વંદ્વોથી પર થતા એકતા સહજ થઈ જાય છે.
(૩) સ્થળ:
શ્રીજીમહારાજે ગઢડા મધ્યના ૧૩મા વચનામૃતમાં પરભાવની દ્રષ્ટી કરાવી છે કે,
“આ ગઢડું શહેર કે આ ઓસરી એ કાંઈ દેખાતું નથી.” એટલે કે તમે સૌ અમારી મૂર્તિમાં જ છો. આ ગઢડું પણ નથી અને દાદાના દરબારની ઓસરી પણ નથી. એમ સ્થળને વિષેથી પણ અવરભાવ ટાળવો. જો સ્થળને વિષે અવરભાવ પરઠાય તો મારું-તારું, અહીં-ત્યાંના અનેક ટંટા ચાલુ થઇ જાય છે ને એમાંથી જ રાગ-દ્વેષ, અહમ-મમત્વ, ઈર્ષ્યા કે વેરવૃત્તિ થતી હોય છે. પરંતુ જયારે એવી સમજણ દ્રઢ થાય કે મને મૂર્તિમાં રાખ્યા પછી ક્યાં સ્થાન રહ્યું?ને કયા સ્થાનમાં બંધાવાનું? બંધાવાનું તો મૂર્તિમાં છે તો તમામ પ્રશ્નોની પૂર્ણાહુતી થઇ જાય .
શ્રીજીમહારાજે ઓરડાના પદમાં આવો પરભાવ જ દ્રઢ કરાવ્યો છે કે,
“મારી મૂરતિરે મારા લોક, ભોગ ને મુક્ત ;
સર્વે દિવ્ય છે રે, ત્યાં તો જોયાની છે જુક્ત”
પરભાવની દ્રષ્ટિથી થતા ફાયદા:
(1) પૂર્વાગ્રહના ડાઘ ભૂંસાઈ જાય:
કોઈની વાણી કે વર્તનના પ્રત્યાઘાત રૂપે આપણે એમના વિષે પૂર્વાગ્રહની ગાંઠ વાળી દેતા હોઈએ છીએ. પછી એ વ્યક્તિ નજર સામે આવી કે તેની વાત સાંભળીએ તોપણ આ પૂર્વાગ્રહની ગાંઠ જ વધુમજબૂત થતી હોય છે. અંદરથી નફરત અને ઘૃણાભર્યા ભાવો ઉત્પન્ન થતા હોય છે. પરંતુ જો તેમની અવરભાવની આકૃતિ ભૂલી પરભાવની દ્રષ્ટી કરીએ તથા તેમના સકર્તાહર્તા મહારાજ જ છે, એ પણ મહારાજના અનાદિમુકતો જ છે. આ ભાવ કેળવાય તો એમને વિષે કોઈ પૂર્વાગ્રહ ન રહે.
(2) અકળામણ-અથડામણ ને મુંજવણ ટળી જાય:
કોઈના સ્વભાવ-પ્રકૃતિ આપણી સાથે સેટ ન થતાં હોય અને આપણે તેમની સાથે સેવા કરવાની થાય અથવા રહેવાનું થાય ત્યારે અથડામણ અને અકળામણ થતી હોય છે. પ્રશ્નોની પરંપરામાં મૂંઝાય જવાતું હોય છે. પરંતુ જો એ વ્યક્તિનો અવરભાવ ન દેખાય અને તેના પરભાવ તરફ દ્રષ્ટી કરીએ તો આપણા સ્વભાવ, આપણું ગમતું, આપણી ઇચ્છા ઓગળી જાય છે. મહારાજ અને મોટાપુરુષની આગળ જેમ આ બધું ટળી જાય એમ સામેવાળાનો અવરભાવ ટળતાં એમની આગળ પણ આપણું બધું ટળી જાય છે.
(3) અભાવ-અવગુણ-અમહિમાથી બચી જવાય:
મહારાજ ગમે તેવું ચરિત્ર કરે તોપણ તેમને વિષે ક્યારેય અભાવ-અવગુણ-અમહિમાનો સંકલ્પ થતો નથી, કારણ કે તેમના પરભાવને સમજીએ છીએ. એમ સર્વે સંતો-હરિભક્તો મહારાજના અનાદિમુકતો છે એવી પરભાવની દ્રષ્ટી થાય તો તેમનામાં મહારાજ બિરાજે છે. તેથી તેમને વિષે પણ અભાવ-અવગુણ કે અમહિમાનો સંકલ્પ થતો નથી.
સૌમાં મહારાજનાં દર્શન કરવાની સમજણ કેળવીને તથા પરિવારના સૌ સભ્યોમાં પરભાવની દ્રષ્ટી કરીને સૌ સાથે આત્માની એકતાનું સર્જન કરીએ.
(4) પુરુષોત્તમની દ્રષ્ટી થાય:
શ્રીજીમહારાજે ગ.પ્ર.ના ૫૧મા વચનામૃતમાં પરભાવની દ્રષ્ટી માટેની શ્રેષ્ઠ અને ફરજિયાત રીત શીખવી છે કે, “સર્વના કારણ જે પુરુષોતમ ભગવાન તેની દ્રષ્ટીએ કરીને જોઈએ ત્યારેએ પુરુષોતમ ભગવાન વિના બીજું કાંઈ ભાસે જ નહીં.” એટલે કે મહારાજે મને અનાદિમુક્ત કરી મૂર્તિમાં રાખ્યો છે. અને જે દેખાય છે તે પણ અનાદિમુક્ત જ છે, પુરુષોત્તમરૂપ જ છે. એ લટકે વર્તાય તો પોતાને વિષે પુરુષોત્તમરૂપની ભાવના દ્રઢ થાય. અને સંતો-ભક્તો વિષે પણ પુરુષોત્તમરૂપની ભાવના દ્રઢ થાય જેના ફળ રૂપે પોતાનો અવરભાવ વિસરાતો જાય અને પરભાવ તરફ ગતિ થાય. દેહદ્રષ્ટી ટળતી જાય અને પુરુષોત્તમરૂપની દ્રષ્ટિ કેળવાતી જાય અહીં-ત્યાં-સર્વત્ર મહારાજનાં દર્શન થાય. સારનું સાર એક મહારાજની મૂર્તિ હાથમાં આવી જાય, એ રૂપ થઇ જવાય એટલે સુખિયા થઈ જવાય.
વિશેષ દ્રઢતા માટે :
આ વિષયને આનુષંગિક સંસ્થામાંથી ઉપલબ્ધ પ.પૂ. સ્વામીશ્રીની દિવ્યવાણીનાં દ્રશ્ય-શ્રાવ્ય (C.D.-V.C.D.) પ્રકાશનો :
1. ઘર એક મંદિર
2. જ્ઞાનસત્ર-3 : અવરભાવ-પરભાવની સમજણ –દિવસ-1
3. જ્ઞાનસત્ર-3 : અવરભાવ-પરભાવની સમજણ – આજ્ઞા એટલે આજ્ઞા - દિવસ-2
4. જ્ઞાનસત્ર-3 : અવરભાવ-પરભાવની સમજણ – બ્રહ્મચર્યનું મહત્વ- દિવસ-3
5. જ્ઞાનસત્ર-5 : સંધ્યા સેશન, સૌમાં મહારાજનાં દર્શન કરીએ – દિવસ-1
6. કારણ સત્સંગની સમજણ