પરસુખમાં મગ્ન
March 9, 2017
संताः परोपकाराय वभूित: । અર્થાત્ સંત એ પરોપકારનું સ્વરૂપ છે. પરોપકાર એ સંતનો ધર્મ છે. દિવ્ય સત્પુરુષ ગુરુવર્ય પ.પૂ. બાપજીના જીવનમાં પણ પળે પળે આ વિશિષ્ટ અલૌકિકતા જોવા મળે. જેમની દૃષ્ટિમાં નિરંતર પરોપકાર જ ઝરતો હોય છે, જેઓ ડગલે ડગલે પરસુખમાં જ મગ્ન રહેતા હોય છે. ઈ.સ. 1981-1982ના વર્ષની આ વાત છે. એક વખત ગુરુવર્ય પ.પૂ. બાપજી, વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી સાથે ચરોતર પ્રાંતના મોરજ ગામે વિચરણાર્થે પધાર્યા હતા. ત્યાં ગામના સ્વામિનારાયણ મંદિરમાં ઉતારો લીધો. હરિભક્તો રાજી રાજી થઈ ગયા. સાત વાગ્યા એટલે સંધ્યા આરતી થઈ. સંધ્યા આરતી થઈ ગયા કેડ્યે હરિભક્તોએ ગુરુવર્ય પ.પૂ. બાપજીને પ્રાર્થના કરતાં કહ્યું કે, “અમારા ઘરે પધરામણીએ પધારશો ?” ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજી કહે, “જાઓ, ઘરે જઈને તૈયારી કરો. અમે થોડા જ સમયમાં ઠાકોરજીના થાળ કરીને આવીએ છીએ.”
ત્યારબાદ ગુરુવર્ય પ.પૂ. બાપજી અને પ.પૂ. સ્વામીશ્રીએ જલ્દીથી પ્રાયમસ ઉપર રસોઈ બનાવી ઠાકોરજીના થાળ કર્યા. પછી તરત જ હરિભક્તોના ઘરે પધરામણીએ પધાર્યા. વીસેક જેટલી પધરામણી કરી ત્યાં તો સાડા આઠ – પોણા નવ વાગી ગયા. સભાનો સમય થઈ ગયો એટલે ગુરુવર્ય પ.પૂ. બાપજી સભામાં લાભ આપવા પધાર્યા. સભામાં તેઓએ મહારાજના સ્વરૂપના મહિમાની ખૂબ વાતો કરી. સભા પૂરી થતાં તો સાડા અગિયાર વાગી ગયા. સભા પછી હરિભક્તો લાઇનમાં દર્શન કરવા આવતા હતા. એમાંથી અમુક હરિભક્તોએ ગુરુવર્ય પ.પૂ. બાપજીને પ્રાર્થના કરતાં કહ્યું કે, “દયાળુ, અમારે પધરામણી બાકી છે તો આપ પધારોને !” રાત્રે સાડા અગિયાર વાગી ગયા હતા. વળી, ગુરુવર્ય પ.પૂ. બાપજીને રાત્રે જ વાસણા પરત આવવાનું હતું. એટલે પ.પૂ. સ્વામીશ્રીએ હરિભક્તોને વિનંતી કરતાં કહ્યું કે, “દયાળુ, પધરામણી પછી રાખો તો સારું, અત્યારે ખૂબ મોડું થયું છે અને અમારે વાસણા પહોંચવાનું છે તો બીજી વખત આવીએ ત્યારે પધરામણી કરશું.” આ સાંભળી હરિભક્તો કોઈ ઉત્તર આપે તે પહેલાં જ ગુરુવર્ય પ.પૂ. બાપજી બોલી ઊઠ્યા કે, “આ તેં આપણા સુખનો વિચાર કર્યો કહેવાય; સાધુએ કોઈ દિવસ પોતાના સુખનો વિચાર ન કરાય, નિરંતર બીજાના સુખમાં જ રાચે, એમાં જ સુખી રહે, એનો જ આનંદ આવે એને સંત કહેવાય.” અને તરત જ હરિભક્તોને કહી દીધું કે, “જાઓ, તમે તૈયારી કરો; અમે આવીએ છીએ.” અને રાત્રે સાડા અગિયાર વાગે પધરામણી શરૂ કરી મોડી રાતના એક વાગ્યા સુધી પધરામણી કરી. વહેલી પરોઢે ત્રણ-ચાર વાગ્યાની આસપાસ વાસણા મંદિરે પહોંચ્યા છતાંય મુખ પર થાક કે ઊંઘની લકીર પણ જોવા ન મળે !!
વર્ષ 2001માં ગુરુવર્ય પ.પૂ. બાપજી પંચમહાલ જિલ્લામાં વિચરણ માટે પધાર્યા હતા. આજરોજ પંચમહાલ જિલ્લાના સંતરામપુર તાલુકાના ટીમલા ગામે ગુરુવર્ય પ.પૂ. બાપજીની પ્રાતઃસભા હતી. સભા પૂરી થયા બાદ ગુરુવર્ય પ.પૂ. બાપજીની પધરામણીનું આયોજન કર્યું હતું એટલે ગુરુવર્ય પ.પૂ. બાપજી પધરામણીએ પધાર્યા. લગભગ બપોરનો દોઢેક વાગ્યાનો સમય થઈ ગયો હતો. ગરમી ખૂબ જ હતી. ગુરુવર્ય પ.પૂ. બાપજી લક્ષ્મણભાઈ ખુમાભાઈ ડામોરને ત્યાં પધાર્યા કે જેઓ માછીમારનો ધંધો કરતા હતા. ગુરુવર્ય પ.પૂ. બાપજીએ એમને અંગત સત્સંગ કરાવી બળ આપી માછીમારનો ધંધો બંધ કરાવ્યો અને વર્તમાન ધરાવી શુદ્ધ સત્સંગી કર્યા. ગુરુવર્ય પ.પૂ. બાપજીની આ છેલ્લી પધરામણી હતી. પધરામણી પૂરી કરીને તેઓ મંદિરે આવવા માટે નીકળતા જ હતા કે, વાઘાભાઈ છનાભાઈ ડામોર નામના એક હરિભક્તે આવીને પ્રાર્થના કરી કે, “બાપા, મારે ઘેર પધરામણી કરો ને !” પૂ. સંતોએ ગુરુવર્ય પ.પૂ. બાપજીને જાણ કરી કે, “આને ઘેર દારૂની ભઠ્ઠી છે અને દારૂનો ધંધો કરે છે.” ગુરુવર્ય પ.પૂ. બાપજી કહે, “તારું ઘર ક્યાં છે ?” વાઘાભાઈ કહે, “આંય કણ નજીક જ છે.” બાપજી કહે, “ચાલ હેંડ તારે ઘેર અમે પધરામણીએ આવીએ છીએ.” અને બપોરના દોઢેક વાગ્યે બેથી ત્રણ ડુંગરા ચડીને વાઘાભાઈને ઘેર પધરામણી કરી દારૂની ભઠ્ઠી બંધ કરાવી. આશ્ચર્યની વાત તો એ છે કે એ સમયે ગુરુવર્ય પ.પૂ. બાપજીને શારીરિક તકલીફ હોવાથી જમાડવામાં માત્ર ગાયનું દૂધ જ ધરાવતા હતા. છતાંય ન કોઈ થાક ! ન કોઈ મુશ્કેલી ! કે મુખ પર ન કોઈ ઉચાટ જોવા મળે ! જોડે રહેલા સંતો-હરિભક્તો ડુંગરા ચઢીને થાકીને લોથપોથ થઈ ગયા હતા. પણ એ દિવ્યપુરુષના ચહેરા ઉપર પરસુખનો આનંદ, ઉત્સાહ ને ઉમંગ તો એવા ને એવા જ જોવા મળતા કે જાણે હજુય કોઈ એકાદ-બે ઘરાક આવી જાય તો એને સુખિયા કરી મૂકીએ. આવા તો ગુરુવર્ય પ.પૂ. બાપજીના જીવનકાળના કંઈક પ્રસંગો છે; પણ... અક્ષરમર્યાદાને લીધે આવરી લેવા અશક્ય છે.