પ્રામાણિકતા-2

  June 28, 2018

ભગવાન સ્વામિનારાયણના આશ્રિતગણમાં પ્રામાણિકતા કેવી ઝળકે છે ? તેનું જીવંત દર્શન કરીએ.

પ્રામાણિકતા એ માત્ર પૈસા સાથે સંકળાયેલી બાબત નથી પરંતુ આપણી ભાવનાઓ અને વર્તન સાથે સંબંધ ધરાવે છે. શિક્ષક નિષ્ઠા વગર બાળકોને ભણાવે, માબાપ બાળકોમાં ભેદભાવયુક્ત વર્તન કરે, પ્રભુના શરણાગત થયા પછી જે સાધક પોતાનું જીવન સમર્પિત કરવામાં જે કાંઈ કચાશ રાખે તે પણ અપ્રામાણિકતા જ છે; જે અદૃશ્ય અપ્રામાણિકતા છે. આપણે દિવસ દરમ્યાન ઘણી વાર બોલવામાં, જોવામાં, ભોગવવામાં, મેળવવામાં, કમાવવામાં, હરવા-ફરવામાં, મનની ઇચ્છાઓ પૂરી કરવામાં અપ્રામાણિક બની જતા હોઈએ છીએ જે ઝીણવટથી જોઈએ તો ખ્યાલ આવે. માટે એમાંથી બહાર નીકળી ખરા અર્થમાં પ્રામાણિક બનીએ.

“Honesty is like lovely flowers, blossoming on their own trees, impartial and simple without strains, it is pure inner voice.” અર્થાત્‌ “પ્રામાણિકતા એ સુંદર ફૂલ છે જે પોતાના ઝાડ પર નિષ્પક્ષ અને કોઈ પ્રકારના આડંબર વગર અને તણાવમુક્ત થઈને ખીલે છે, તે આંતર અવાજ છે.”

પ્રામાણિક બનવા માટે આપણા જીવનમાં ઘણુંબધું છોડવું પડે, સહન પણ કરવું પડે તેથી માત્ર પોતાના બળથી જ પ્રામાણિકતા કેળવવી ખૂબ અઘરી છે અને પ્રયત્ન કરીએ તોપણ તે લાંબા સમય સુધી ટકતી નથી. આધ્યાત્મિકતા વિના પ્રામાણિકતા લાંબો સમય ટકતી નથી. અધ્યાત્મ માર્ગમાં જેટલો મહારાજ અને મોટાપુરુષનો સહારો અને બળ હોય તેટલી જ વિશેષ પ્રામાણિકતા દૃઢ કરી શકાય.

શ્રીજીમહારાજે સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રારંભમાં જ સંત-હરિભક્ત સમાજને નીતિ, સદાચાર અને પ્રામાણિકતાની ગળથૂથી પાઈ છે. સંત-હરિભક્ત સમાજની નૈતિકતા અને પ્રામાણિકતાને અંગ્રેજો પણ વંદન કરતા. શ્રીજીમહારાજે હરિભક્તોમાં પ્રામાણિકતાના એવા પ્રાણ પૂર્યા હતા કે રખે ને કોઈનો અણહક્કનો એક રૂપિયો પણ આવી ન જાય તેનાથી ડરતા.

એક વખત એક સત્સંગી બાઈ મયારામ ભટ્ટને ત્યાં એક કડલું ગીરવે મૂકી પૈસા લઈ ગયેલાં. બે-ત્રણ વર્ષ વિતવા છતાં તે બાઈ કડલું લેવા પાછા આવ્યા નહીં. મયારામ ભટ્ટે એક દિવસ પટારામાં જોયું તો એક કડલું પડ્યું હતું. તેમને તરત વિચાર આવ્યો કે, ‘કડલું એકલું ન હોય. નક્કી મારાથી જ ક્યાંક બીજું કડલું ખોવાઈ ગયું હશે. અચાનક જો તે બાઈ લેવા આવશે તો હું શું આપીશ ?’ પછી તેમણે પોતાના પૈસા ખરચી સોની પાસે તેવું જ નવું કડલું કરાવ્યું.

થોડા સમય પછી બાઈને સગવડ થતા તેઓ કડલું પાછું લેવા આવ્યાં. ત્યારે ભટ્ટજીએ તેમને બે કડલા આપ્યાં. ત્યારે બાઈએ કહ્યું, “ભટ્ટજી હું તો એક જ મૂકી ગઈ હતી. માટે એક પાછું લઈ લો.” ત્યારે ભટ્ટજીએ કહ્યું , “બાઈ, તું ભૂલી ગઈ હોઈશ.” ત્યારે બાઈએ કહ્યું, “મારા દીકરાના સમ ખાઉં છું કે હું એક જ મૂકી ગઈ હતી. માટે મારે એવું અણહક્કનું ન ખપે.” એક ગરીબ સત્સંગી બાઈ હોય કે મયારામ ભટ્ટ જેવા મોટેરા હરિભક્ત હોય કે પછી ત્યાગી હોય દરેકના લોહીની એક એક બુંદમાં શ્રીજીમહારાજે પ્રામાણિકતાના પ્રાણ પૂર્યા હતા.

અપ્રામાણિકતાભર્યા વાતાવરણની વચ્ચે પણ ગુરુવર્ય પ.પૂ. બાપજી અને પ.પૂ. સ્વામીશ્રી જેવા દિવ્ય સત્પુરુષો પ્રામાણિકતાના પ્રાણ પૂરી આપણું, સમાજ, દેશ અને વિશ્વનું ભવિષ્ય ઉજ્જ્વળ બનાવે છે. તેમના દિવ્ય સાંનિધ્યમાં આજે બાળ, યુવા પેઢી પોતાના જીવન સંગ્રામમાં પોતાના પ્રાણના ભોગે કે સુખના ભોગે પણ પ્રામાણિકતા જતી કરવા તૈયાર નથી. ગમે તેવા કપરા સંજોગ-પરિસ્થિતિઓ પણ તેમને ડગાવી શકતા નથી. સત્તા, સંપત્તિ તેમને લલચાવી શકતી નથી. અપ્રામાણિકતાની ઊધઈ તેમને કોરી શકતી નથી કે તેની આંધીમાં તેઓ અટવાતા નથી.

સોનાની જેમ વધુ વધુ કસોટી થાય તેમ તે વધુ ને વધુ શુદ્ધ બને અને ચળકાટ આપે છે તેમ એવાં અનેક પાત્રો કસોટીની એરણે ચડ્યા હોવા છતાં તેમની પ્રામાણિકતા સોનાની જેમ ચળકે છે ને હીરાની જેમ ઝળહળે છે. તેનો જીવંત પ્રસંગ માણી આપણા જીવનમાં પ્રેરણા મેળવીએ.

“ધન્ય છે તારી સંસ્થાને, ધન્ય છે તારા ગુરુજીને, ધન્ય છે તારી સભાને અને સંચાલકોને કે જેમણે તારી આટલી નાની ઉંમરમાં આવા ઉચ્ચ મૂલ્યોનું સિંચન કર્યું.”

વાત છે પંચમહાલ જિલ્લાના સંતરામપુરમાં ચાલતી બાળસભામાં નિયમિત આવતા સિદ્ધાંત ચંદ્રકાંતભાઈ વાઢિયા અને એક યુવક વચ્ચેની. સંતરામપુરની જે.એસ. મહેતા સ્કૂલમાં ૮મા ધોરણમાં અભ્યાસ કરતો આ બાળમુક્ત એક દિવસ સ્કૂલેથી છુટી સાઇકલ લઈને ઘર તરફ જઈ રહ્યો હતો. એ વખતે સિદ્ધાંતની નજર પડી કે એક ૩૫-૪૦ વર્ષના યુવકે લારી પરથી કોઈ વસ્તુની ખરીદી કરી તેનું પડીકું લીધું. તેઓ બાઇક પર બેસતા હતા તે દરમ્યાન તેમના ખિસ્સામાંથી પાકીટ નીચે પડી ગયું. તેઓ પોતાના ગામ ભણી આગળ નીકળી ગયા.

સિદ્ધાંતે તરત જ પોતાનું દફતર મિત્રોને આપી દીધું અને ઝડપથી પાકીટ હાથમાં લીધું. જોયું તો તેમાં ઘણા રૂપિયા તથા અન્ય કાગળો પણ દેખાતા હતા. તેણે તરત જ સાઇકલ બાઇકની પાછળ દોડાવી ૧ કિ.મી., ૨ કિ.મી., ૩ કિ.મી. સાઇકલ દોડાવ્યે જ જતો હતો પરંતુ બાઇકની સ્પીડને તે આંબી શકતો નહોતો. એટલામાં પેલા યુવકના મોબાઇલ ફોન પર કોઈની રિંગ વાગતા તેમણે બાઇક સાઇડમાં ઊભી રાખી અને ફોન પર વાત કરી. એ દરમ્યાન સિદ્ધાંત તેમના સુધી પહોંચી ગયો. ત્યાં સુધીમાં ૪ કિ.મી. અંતર કપાઈ ગયું હતું. તે સાઇકલ પર હાંફતો હાંફતો તેમના સુધી પહોંચ્યો અને પૂછ્યું, “કાકા, આપની કોઈ વસ્તુ ખોવાય છે ?” તેમણે પોતાના ખિસ્સાને તપાસ્યા તો ખબર પડી કે પાકીટ ખોવાઈ ગયું હતું. સિદ્ધાંતે કહ્યું, “લો આ તમારું પાકીટ.” બોલતાંની સાથે તેમના હાથમાં મૂકી દીધું.

યુવક તો બે મિનિટ તેની સામે જ જોઈ રહ્યા. પોતાના પાકીટમાં બધી વસ્તુ જોઈ તો યથાવત્‌ હતી. ૭,૦૦૦ રૂપિયામાંથી એક પણ રૂપિયો ઓછો થયો ન હતો. તેણે સિદ્ધાંતને પૂછ્યું કે, “છોકરા તેં આ પાકીટમાં શું છે તે જોયું હતું ?” “હા.” “તો પછી કેમ કાંઈ ન લીધું ?” “ના, મારાથી પારકી વસ્તુ ન લેવાય.” યુવકે કહ્યું, “૫૦-૧૦૦ રૂપિયા તારે જોઈએ એટલા લઈ લે.” ત્યારે સિદ્ધાંતે કહ્યું, “કાકા, માફ કરજો હું એસ.એમ.વી.એસ.ની બાળસભાનો બાળક છું, ગુરુવર્ય પ.પૂ. બાપજીનો શિષ્ય છું. અમને અમારા ગુરુજીએ અને બાળસભામાં શીખવાડ્યું છે કે આપણાથી પારકી વસ્તુ લેવાય કે અડાય પણ નહીં.” “તો ઇનામ તરીકે લઈ લે.” “મેં આમાં શું મોટું કામ કર્યું છે ? મારી ફરજ બજાવી છે, આ તો અમારા જીવમાં રેડેલા સંસ્કાર છે. આપ સંતરામપુર મંદિરે પધારજો. મારે એટલું ઇનામ જોઈએ છે.” એ વખતે યુવકના મુખમાંથી ઉપરોક્ત શબ્દો સરી પડ્યા હતા. તેઓ મનસા એસ.એમ.વી.એસ. સંસ્થા, ગુરુવર્ય પ.પૂ. બાપજી, બાળસભા તથા બાળકની પ્રામાણિકતાને વંદી રહ્યા.

સાગરદાનભાઈ સ્વામિનારાયણ જેઓ એસ.એમ.વી.એસ.ના પ્રારંભ પૂર્વેથી ગુરુવર્ય પ.પૂ. બાપજી સાથે જોડાયેલા છે. તેઓ ભૂતકાળમાં ડેપ્યૂટી કલેક્ટર તરીકે નોકરી કરતા હતા એ વખતે લેમેટ્રા કંપનીનું નવું સ્કૂટર બજારમાં આવ્યું હતું. જેને લેવા પડાપડી થતી હતી. નોંધાયા પછી ૩-૪ વર્ષે નંબર લાગતો હતો.

એક દિવસ અમદાવાદના મોટા સ્કૂટરના શો રૂમના માલિક તેમની ઑફિસમાં આવ્યા. ઔપચારિક વાતચીત કરી તેમણે સાગરદાનભાઈ સમક્ષ પ્રસ્તાવ મૂક્યો કે, “આપ મારી જમીનનું કામ પતાવી દો તો હું આજ સાંજ સુધીમાં આપના ઘરે બે સ્કૂટર મોકલી આપું.”

સાગરદાનભાઈએ સ્પષ્ટપણે તરત જ કહ્યું કે, “ભાઈ જો તમારી જમીન ક્લીયર હશે તો તમે મને સ્કૂટર નહિ આપો તોપણ મારાથી બને તેટલું વહેલું કામ કરી આપીશ પરંતુ જો જમીન ક્લીયર નહિ હોય અને તેનું કામ થાય તેમ નહિ હોય તો આપ બે નહિ પણ પાંચ સ્કૂટર કે તેથી વધુ કેમ ન આપો પરંતુ તેના બદલામાં હું મારી પ્રામાણિકતા વેચીશ નહીં. સરકારી કામમાં બેવફા નહિ થઉં; માટે માફ કરજો. મારા સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રીના ૨૬મા શ્લોકમાં આજ્ઞા છે કે, ‘વ્યવહાર કાર્યને વિષે કોઈની લાંચ ન લેવી.’ વળી મારા ગુરુજીએ પણ મને એક રૂપિયાની પણ લાંચ ન લેવી એવી આજ્ઞા કરી છે માટે આપ મને લાંચની વાત કરી લલચાવવાનો વ્યર્થ પ્રયત્ન ન કરશો.”

શો રૂમના માલિક તો સાગરદાનભાઈની આવી પ્રામાણિકતા જોઈ દંગ જ રહી ગયા અને બોલ્યા કે, “સરકારી ખાતામાં પણ આપના જેવા પ્રામાણિક વ્યક્તિઓ સિતારાની જેમ ઝળહળી રહ્યા છે.” તેમને ઉપરથી સાગરદાનભાઈનો ગુણ આવ્યો. સાગરદાનભાઈએ જીવનપર્યંત એક રૂપિયાની પણ લાંચ લીધી નથી.

આવાં તો અનેક પાત્રો પ્રામાણિકપણે જીવન જીવી મહારાજ અને મોટાપુરુષનો રાજીપો પ્રાપ્ત કરી રહ્યા છે. જો તેનો ઉલ્લેખ કરીએ તો આખો ગ્રંથ રચાઈ જાય. આપણે પણ તેમનામાંથી પ્રામાણિકપણે જીવન જીવવાનો દૃઢ સંકલ્પ કરીએ.

 આપણે પ્રામાણિકતા ક્યાં ક્યાં રાખવાની જરૂર છે ?

૧. નોકરી-ધંધા આદિક વ્યવસાયિક પ્રવૃત્તિમાં.

૨. જાહેર સ્થળ કે સરકારી વસ્તુના વપરાશમાં.

૩. આપણી ફરજ બજાવવામાં તથા ફરજ અદા કરવામાં.

૪. મંદિરમાં સોંપેલી સેવા પરત્વે.

૫. સ્વજીવનમાં પોતાની જાત સાથે.

 પ્રામાણિકતા દૃઢ કરવા શું કરવું ?

૧. વફાદારીનું અંગ કેળવવું.

૨. સહનશીલતા કેળવવી. પોતે ઘસાઈ જવાની તૈયારી રાખવી. પ્રામાણિક વ્યક્તિને બહુધા બીજા કરતાં વધારે સહન કરવું પડે તથા વધારે કાર્ય પણ કરવું પડે તે માટેની માનસિક તૈયારી રાખવી.

૩. ઇચ્છા-અભરખાને તોડવા. આપણામાં રહેલી સ્વાર્થવૃત્તિ જ આપણામાં પ્રામાણિકતાનો ગુણ વિકસવા દેતી નથી. આપણો સ્વાર્થ જ આપણને અપ્રામાણિકતા કરવા લાચાર અને મજબૂર કરે છે. માટે મોટા થવાના, કરોડપતિ થવાના, સત્તા મેળવવાના અભરખા તોડવા.

૪. પારદર્શક અને સિદ્ધાંતવાદી જીવન જીવવું. આપણા આર્થિક અને આંતરિક બંને વ્યવહારમાં પારદર્શકતા રાખવી. મહારાજ અને મોટાપુરુષોએ દર્શાવેલા સિદ્ધાંતોને આપણા જીવનમાં આત્મસાત્‌ કરવા. ગમે તેવા આકરા સંજોગ-પરિસ્થિતિમાં ખરા સિદ્ધાંતવાદી રહેવું.

૫. વિશ્વાસઘાત, છેતરપિંડી, ગેરરીતિ ન આચરવી. આપણને કરવાનો અને ન કરવાનો ખ્યાલ આવવા છતાં આવી ગેરરીતિઓ આચરતા હોઈએ છીએ. શ્રીજીમહારાજે શિક્ષાપત્રીમાં પોતાના આશ્રિતે પ્રામાણિકપણે કેવી રીતે વર્તવું તેની રીત શીખવી છે.

“ધર્મ કરવાને અર્થે પણ અમારા સત્સંગી કોઈએ ચોરીનું કર્મ ન કરવું; અને ધણિયાતું જે કાષ્ટ-પુષ્પ આદિક વસ્તુ, તે તેના ધણીની આજ્ઞા વિના ન લેવું.” ।।૧૭।।

“ચોર માર્ગે કરીને પેસવું નહિ અને નિસરવું નહિ અને જે સ્થાનક ધણિયાતું હોય તે સ્થાનકને વિષે તેના ધણીને પૂછ્યા વિના ઉતારો ન કરવો.” ।।૩૩।।

“કોઈનો વિશ્વાસઘાત ન કરવો.” ।।૩૭।।

૬. મોટાપુરુષ તથા સંતોના જોગ-સમાગમમાં રહેવું. જેમ વિદ્યા પ્રાપ્ત કરવા શિક્ષક પાસે જવું પડે, રોગથી મુક્ત થવા ડૉક્ટર પાસે જવું પડે તેમ પ્રામાણિકતાના ઉચ્ચ મૂલ્યો દૃઢ કરવા મોટાપુરુષ અને સંતોનો સમાગમ કરવો પડે. જેમના સંગે આપણું આંતર-બાહ્ય જીવન નિતિમય કરવાની પ્રેરણા અને બળ મળે છે.

૭. ‘પ્રામાણિકતા’, ‘દ્રવ્ય ઉપાર્જન કેવી રીતે કરવું’, ‘પદ-પૈસો-પ્રતિષ્ઠા’, ‘નીતિમત્તાનાં મૂલ્યો’ આદિ પ.પૂ. સ્વામીશ્રીની દિવ્યવાણીની DVD પ્રકાશનોનું શ્રવણ-મનન કરીએ.

આપણા જીવનનો અતિ મૂલ્યવાન ગુણ પ્રામાણિકતા આપણા લોહીની એક એક બુંદમાં વણી લઈએ એ જ અભ્યર્થના.