રાજીપા સામે દૃષ્ટિ - 1
May 5, 2015
વૃત્તિ હંમેશાં રાજીપા તરફ રાખવી
કકડીનેખૂબ ભૂખ લાગી હોય એ વખતે આપણે અતિ મહત્વનું કામ કરતા હોઈએ તો, કામ કરતાં-કરતાં પણ વૃત્તિ તો રસોડા તરફ જ રહે છે. ક્યારે કામ પતે કે સેવા પતે એટલે જમાડવા જઉં ! ગમે તેટલી કામ કે સેવાની અગત્યતા હોય તોપણ જમવાનું ભૂલી જવાતું નથી. એવી રીતે આપણા જીવનમાં પણ આ એક વાત દૃઢ કરી દેવી કે, અવરભાવમાં, વ્યવહારમાં, સત્સંગમાં, સગાં-વહાલાં, આડોશીપાડોશી કે મિત્રવર્તુળ જોડે રહેવાનું, એમની સેવા કરવાની, બધું જ કરવાનું પરંતુ આપણી વૃત્તિ હંમેશાં રાજીપા તરફ રાખીને કરવાનું. ભૂખનું જેમ અખંડ અનુસંધાન વગર રાખ્યે, વગર કોઈના કહ્યે રહે જ છે. એવી રીતે મહારાજ અને મોટાપુરુષના રાજીપાનું અખંડ અનુસંધાન રાખવું.
મહારાજ અને મોટાપુરુષનો રાજીપો એ આપણા જીવનની બહુ મોટી મૂડી છે. વ્યવહારમાં કે સત્સંગમાં સદાય સુખિયા રહેવા માટે મહારાજ અને મોટાપુરુષનો રાજીપો ફરજિયાત છે. મહારાજ અને મોટાપુરુષના રાજીપાથી જ આ લોક અને પરલોકમાં પ્રગતિ થાય છે. જેમ ભેંસ ખરીદવા જઈએ ત્યારે દૂધ માટે જ ભેંસ ખરીદીએ છીએ, પરંતુ પોદળા માટે કોઈ ભેંસ ખરીદતું જ નથી. એ તો ભેંસ ખરીદીએ એટલે દૂધની સાથે પોદળો પણ મફતમાં આવે, આવે ને આવે જ. વગર માંગ્યે આવે. ન જોઈતો હોય તોપણ આવે જ. એવી રીતે મહારાજ અને મોટાપુરુષનો રાજીપો એ ભેંસના દૂધના ઠેકાણે છે. એમનો રાજીપો થાય એટલે આ લોકનાં સુખ ન જોઈતાં હોય તોપણ આવે જ. એના માટે જુદી પ્રાર્થના કરવી પડે નહીં.
મોટપ કે ગુણ પામ્યાનો ઉપાય :
સત્સંગમાં આજ સુધી જે જે મોટપને કે ગુણને પામ્યાં છે તે મહારાજ અને મોટાપુરુષના રાજીપાને લઈને જ પામ્યાં છે. પોતાની આવડત, બુદ્ધિ, હોશિયારીથી આધ્યાત્મિકમાર્ગમાં આગળ વધવું શક્ય જ નથી. અવરભાવના ગુણોનો આવિર્ભાવ અને કાયમ ટકવાનું કારણ એકમાત્ર મહારાજ અને મોટાપુરુષનો રાજીપો જ છે. પરભાવમાં સ્થિતિ સુધી પહોંચવાનું કારણ પણ મહારાજ અને મોટાપુરુષનો રાજીપો જ છે. સાધન-અવસ્થામાં મહારાજ અને મોટાપુરુષનો રાજીપો એટલે જ મૂર્તિનું સુખ. જ્યાં મહારાજ અને મોટાપુરુષનો રાજીપો વરસે છે ત્યાં સાધનકાળની સમાપ્તિ થઈ જાય છે. સુખના માર્ગની શરૂઆત થાય છે. મહારાજ અને મોટાપુરુષનો રાજીપો એ જ સત્સંગનું હાર્દ છે. અવરભાવના કે પરભાવના ગુણ કે મોટપ પામ્યાનો ઉપાય જ મહારાજ અને મોટાપુરુષનો રાજીપો છે.
સંવત 1911માં વડતાલમાં ચાતુર્માસની છાવણી પત્યા પછી સદ. ગુણાતીતાનંદસ્વામીએ સદ્. અચિંત્યાનંદ બ્રહ્મચારીને બોલાવ્યા અને કહ્યું કે, “મહારાજના સર્વોપરી મહિમાની વાતો સત્સંગમાં થઈ છે પરંતુ હજુ ગ્રંથસ્થ થઈ નથી, તો તમે મહારાજના મહિમાની જેમ છે તેમ વાત લખી, એક પુસ્તક તૈયાર કરો એવી મહારાજની ઇચ્છા છે. એમાં અમારો પણ ખૂબ રાજીપો છે.”
સદ્. અચિંત્યાનંદ બ્રહ્મચારી સંસ્કૃતના મહાન વિદ્વાન પંડિત હતા. પોતાના ગુરુ એવા સદ્. ગુણાતીતાનંદસ્વામીની આજ્ઞા થતાં, સદ્. અચિંત્યાનંદ બ્રહ્મચારીએ ‘શ્રીહરિલીલાકલ્પતરુ’ નામે ગ્રંથ લખવાની શરૂઆત કરી. ગ્રંથમાં શ્રીજીમહારાજનો જેમ છે તેમ મહિમા લખવા માંડ્યો. બસો-ત્રણસો પાનાં લખાયાં હતાં. ગ્રંથનું કાર્ય હજુ અડધું પૂરું થયું હતું; પરંતુ ઉંમરના ભાવને લીધે સદ્. અચિંત્યાનંદ બ્રહ્મચારીની તબિયત નાદુરસ્ત રહેવા લાગી. તેથી તેઓ ગ્રંથ લખવાનું કાર્ય કરી શકતા નહોતા.તબિયત દિવસે દિવસે વધુ ને વધુ નાદુરસ્ત થતી જતી હતી.
એક દિવસ સાંજે શ્રીજીમહારાજે સદ્. ગોપાળાનંદ સ્વામી અને સદ્. ગુણાતીતાનંદ સ્વામી સાથે દર્શન આપ્યાં અને કહ્યું, “આજથી ચોથે દિવસે અગિયાર વાગે અમે તમને ધામમાં તેડી જઈશું.” ચાર દિવસ પછી મહારાજ તેડવા આવશે એનો બ્રહ્મચારી મહારાજના હૈયામાં આનંદ સમાતો નહોતો. પરંતુ બીજી બાજુ પોતાના ગુરુની આજ્ઞા પ્રમાણે ગ્રંથ તૈયાર નહોતો થયો તેનો રંજ પણ નહતો.
સદ્. અચિંત્યાનંદ બ્રહ્મચારીના 31 શિષ્યો હતા, એમાં 30-30 શિષ્યો સંસ્કૃતના આચાર્ય હતા. તેમણે સ્વામીને પ્રાર્થના કરી કે, “દયાળુ, આપ કોઈ ક્ષોભ ન અનુભવશો. તમારા અધૂરા ગ્રંથની સેવા અમે પૂરી કરી દઈશું. આપ જેમ કહે તેમ અમે લખીશું.” પરંતુ સ્વામીને સંતોષ નહોતો.
સદ્. અચિંત્યાનંદ બ્રહ્મચારીના 31મા શિષ્ય સદ્. વાસુદેવાનંદ બ્રહ્મચારી જેઓ અવરભાવમાં સાવ અભણ હતા, સંસ્કૃતના ‘સ’ની પણ ખબર નહોતી; પરંતુ સદ્. વાસુદેવાનંદ બ્રહ્મચારીની દૃષ્ટિ નિરંતર પોતાના ગુરુના રાજીપા તરફ જ રહેતી હતી. ગુરુનું અલ્પ વચન પણ જીવનમાં કદી લોપતા નહીં. ગુરુની પાસે રહીને એક એમના રાજીપા સામે નિરંતર દૃષ્ટિ રાખીને, નિર્દોષ બુદ્ધિએ, દિવ્યભાવે એમના સંકલ્પોનું, રુચિનું ખૂબજતન કર્યું હતું. સદ્. અચિંત્યાનંદ બ્રહ્મચારીના ઇશારે સદ્. વાસુદેવાનંદ બ્રહ્મચારીને ગુરુની રુચિની ખબર પડી જાય, કારણ કે રાજી કરવાની એક દૃષ્ટિ થઈ ગઈ હતી.
સાંજના સમયે સદ્. અચિંત્યાનંદ બ્રહ્મચારીની ચારેબાજુ બધા શિષ્યો બેઠા છે. બ્રહ્મચારીમહારાજ ખાટલામાં બેઠા થઈ ગયા અને કહે, “વાસુદેવાનંદ, અહીં આવ, અહીં આવ.” વાસુદેવાનંદ બ્રહ્મચારી ખાટલાની બાજુમાં જ બેઠેલા હતા. તેઓ ઊભા થઈને ગુરુની પાસે ગયા ને ખોળામાં માથું મૂકી દીધું. બ્રહ્મચારી મહારાજે બે હાથે ધબ્બો માર્યો અને કહ્યું કે, “વાસુદેવાનંદ, ભલે તું અભણ છે, ભલે તને સંસ્કૃત નથી આવડતું પરંતુ કોઈ સંકલ્પ ના કરીશ. લે, આ ગ્રંથને પૂરો કરવાની સેવા તું કરજે, મહારાજ તારા દ્વારા કામ કરશે.”
30-30 વિદ્વાન સંતો મોંમા આંગળાં નાખી ગયા. એ વખતે વાસુદેવાનંદ બ્રહ્મચારીના નિર્દોષ નેત્રમાં હર્ષનાં આંસુ ઊભરાઈ આવ્યાં અને પ્રાર્થી રહ્યા કે, “ગુરુજી, આપ કહો છો એટલે મહારાજ કહે છે. મેરુ પર્વત ચલે, લોકાલોક ચલે, હિમાલય ચલે પરંતુ આપના મુખારવિંદમાંથી નીકળેલા શબ્દો કદી ન ચલે. મહારાજના બળે જરૂર સેવા પૂરી કરીશ. ભલે હું અભણ છું પણ આપ દયા કરી ભેળા ભળજો.” સદ્. અચિંત્યાનંદ બ્રહ્મચારીએ રાજીપો વરસાવતાં કૃપાદૃષ્ટિકરીને ધબ્બો માર્યો.
સદ્. અચિંત્યાનંદ બ્રહ્મચારી અંતર્ધ્યાન થયા એ જ દિવસે સદ્. વાસુદેવાનંદ બ્રહ્મચારીએ ગ્રંથ હાથમાં લીધો અને આગળ લખવાની સેવા શરૂ કરી. મહારાજને પ્રાર્થના કરી ત્યાં તો અંદરથી પ્રેરણાનો ધોધ છૂટવા માંડ્યો ને કલમ ચાલુ થઈ ગઈ. બસો પાનાંનો અધૂરો ગ્રંથ એક હજાર પાનાં સુધી લખ્યો. શ્રીજીમહારાજના સ્વરૂપને ઓળખાવનારા ઉત્તમ ગ્રંથની રચના થઈ.
શૂન્યમાંથી સર્જન થયું. અશક્ય શક્ય બન્યું, કારણ મહારાજ અને મોટાપુરુષનો રાજીપો. મહારાજ અને મોટાપુરુષનો રાજીપો એ જ આપણા ઊજળા વર્તમાન અને ઊજળા ભવિષ્યની નિશાની છે. મહારાજ અને મોટાપુરુષની કૃપાએ આપણામાં ગમે તેટલી બુદ્ધિચાતુર્યતા હોય, આવડત હોય, હોશિયારી હોય, પરંતુ મહારાજ અને મોટાપુરુષના રાજીપાની ભૂખ આપણા જીવનમાં લગારેય ઓછી થવી જોઈએ નહીં. જીવનના છેલ્લા શ્વાસ સુધી એમને રાજી કરવા મંડ્યા જ રહેવું. એ રાજી થઈ જાય તો આપણી આધ્યાત્મિક માર્ગની બાજી જીતી જવાય. વગર સાધને, વગર દાખડે મૂર્તિસુખના પાત્ર થઈ જવાય.
તિરાડ પુરાઈ જાય :
ચકોર પક્ષીની નજર હંમેશાં પૂર્ણિમાના ચંદ્ર સામું મંડાયેલી હોય છે. સૂર્યમુખીના ફૂલનું મુખ હંમેશાં સૂર્ય સન્મુખ જ મંડાયેલું હોય છે. મોરની દૃષ્ટિ હંમેશાં મેઘની ઘટા તરફ મંડાયેલી હોય છે. જે મહારાજ અને મોટાપુરુષનું ગમતું હોય તે પોતાનું ગમતું થઈ જાય અને જે ગમતું ન હોય તે ઍલર્જીબની જાય તે ભક્તજીવનની ઉત્તમ દશા છે. જે ભક્તની દૃષ્ટિ મહારાજ અને મોટાપુરુષના રાજીપા તરફ જ નિરંતર મંડાયેલી હોય તે જ પોતાના સ્વભાવને ટાળી શકે છે; દોષો અને અંતઃશત્રુ પર વિજય મેળવી શકે છે.
અવરભાવમાં કદાચ પોતાનાથી વિરુદ્ધ સ્વભાવ-પ્રકૃતિના પાત્ર સાથે બનાડવાનું થાય કે તેના દાસ થવાનું થાય તોપણ રાજીપા સામું નિરંતર દૃષ્ટિવાળા, સરાધાર રાજીપાના માર્ગમાં અવિચળ રહી શકે છે. જેની રાજીપા સામે દૃષ્ટિ હોય તે જ પોતાના અસ્તિત્વનો પ્રલય કરી શકે છે.