સાચા લીડર ઘડનારું - વાંચન
October 20, 2012
“કોઈ પણ મહાન ગ્રંથ તેના વાચકને તે જેવો હતો તેવો રહેવા દેતો જ નથી. એ ગ્રંથવાંચનને પરિણામે હંમેશા વધુ ઉન્નત માનવી બને છે.” આંદ્રે મોર્વાનું વિધાન વાચકને મહામાનવ કહેતાં લીડર બનાવવાની દિશા તરફ લઈ જાય છે. માનવને પોતાની આંતરિક શક્તિઓ ઉજાગર કરવા વાંચન કરવું જ રહ્યું. આ વાતને વર્તમાન – ઈતિહાસ સ્વયં પ્રમાણિત કરે છે.
લી-કા-શિંગ હોંગકોંગના અબજપતિ છે. તેઓ બાર વર્ષની નાની ઉંમરે ચીનથી નિરાશ્રિત થઈ હોંગકોંગ આવેલા. તેમના પિતા ક્ષયરોગથી મૃત્યુ પામ્યા. નાની ઉંમરે કોઈનો સહકાર તેઓને નહીં. આથી જે કાર્ય હાથ લાગે એ કરવા માંડ્યા.
જીવનની ભયાનક હાડમારીઓથી લડવા વાંચનપ્રવૃત્તિ સ્વીકારી. આ સમયમાં તેઓ ફિલ્મો જોવાને બદલે પુસ્તક-વાંચન કરતા. વાંચન એમનો અત્યંત શોખનો વિષય. વાંચનશોખને સતત નીતરતો રાખવા સારુ તેઓ મૂંડન કરાવી દેતા. કોઈએ તેમને પૂછ્યું, “આ મૂંડન કેમ કરાવો છો ?” ત્યારે તેમણે કહ્યું, “વાળ કપાવવામાં સમય બગડે, વળી એકાદ માસે પાછા વાળ મોટા થઈ જાય ને ફરી વાળ કપાવવા જવું પડે. આથી મૂંડન કરાવવાથી ત્રણ-ચાર માસની નિરાંત થઈ જાય ને સુખેથી વાંચનરસના અમી-ઘૂંટડા પી શકાય.” તેઓ રસ્તા પરથી જૂનાં પૂસ્તકો ખરીદતા ને નિરંતર-નિયમિત વાંચન કરતા.
વાંચનવૃત્તિએ તેઓને આકાર આપ્યો. તેઓ આજે વિશ્વમાં 56 દેશોમાં ફાર્માસ્યુટિકલ અને ટેલિકોમ કંપનીના વડા છે. તેઓએ જાન્યુઆરી 2007ના “ફોર્બ્સ” નામના સામયિકમાં જીવનસાર આપતા કહ્યું છે કે, “હું વાંચન થકી અબજપતિ બન્યો છું.” વાચક તરીકે તેઓની ઉત્કૃષ્ટ પ્રતિભાએ 56 દેશોમાં રહેલી કંપનીઓનું નેતૃત્વ પ્રદાન કર્યું. વાચક તરીકે આ ઘટના કોઈ સામાન્ય ઘટના ન લેખતાં ચાનક ચઢાવીને આપણે પણ સજ્જ વાચક થઈએ.
“સાચો રીડર જ લીડર બની શકે છે” એવું કહી આ વિધાન આપણને વિચારતા કરી મૂકે છે. જીવનના દરેક ક્ષેત્રમાં આપણી નિષ્ફળતા પાછળની નબળાઈઓ ને ઊણપો રહી છે. આપણી ઊણપો પાછળનું કારણ એક જ છે કે આપણે રીડર નથી. તો પછી સાચા રીડરની વાત જ ક્યાં કરવી. હા, આપણે બે-ત્રણ બાબાતોમાં સાચા રીડર છીએ. એમાં તો ચેકબુક, પાસબુક ને વ્યવહારિક પત્રો કે પરિપત્રોનો જ સમાવેશ થાય છે. હવે ઉપર્યુક્ત પ્રસંગ સંભાળ્યા પછી બે-ત્રણ બાબતોના વાંચનવર્તુળમાંથી નીકળીને કંઈક વિચારીએ.... ‘આપણે કેટલું વાંચીએ છીએ ?’
વાચક તરીકે આપણે વાંચનની મહત્તા લૌકિક દૃષ્ટિએ નીરખી, પણ હવે અધ્યાત્મમાર્ગમાં વાંચનની મહત્તા સમજીએ. શ્રીજીમહારાજ પણ વાંચનપ્રવૃત્તિ વિશે વિશેષ રસ દાખવતા. મહારાજ નિજ સમયના સાહિત્યિક ગ્રંથોનું પારાયણ પૂ.સંતો પાસે કરાવતા ને હરિભક્ત સમાજ સદાકાળ આ પ્રવૃત્તિમાં જોડાયેલો રહે એ માટે નવ્ય ગ્રંથોનું સર્જન કરાવતા. આ પછી આ પરંપરા જીવનપ્રાણ બાપાશ્રીએ ચાલુ રાખી ને એ વારસો સદ્ગુરુ ઈશ્વરબાપા, વૃંદાવનબાપા ને મુનિબાપાએ પણ જાળવ્યો છે. ને વર્તમાનકાળે ગુરુવર્ય પ.પૂ.બાપજી ને પૂ.સ્વામીશ્રી પણ આ જ પરંપરા મુજબ આગળ વધી રહ્યા છે. વાંચનપ્રવૃત્તિનું આટલું મહત્ત્વ મહારાજથી લઈ વર્તમાન સમય સુધી જોવા મળે છે તો આપણે શીદને આ વાંચનકળાથી અળગા રહીએ ? વહાલા ગુરુવર્ય પ.પૂ.બાપજી વાંચન પર ભાર આપતાં જણાવે છે, “કે’દિ એક ક્ષણ નવરા ન પડવું; ધ્યાન, ભજન ને વાંચન કરવું. વાંચવાથી જીવન દિવ્ય બનશે.” આ વાક્ય ચરિતાર્થ કરતાં બાપજીનું અવરભાવ ચરિત્ર નિહાળવા ને પ્રેરણા લેવા જેવું છે. બાપજી જ્યારે મોટામંદિરે બિરાજતા ત્યારે સવારના 4.30 થી લઈ રાત્રિના 11.30 સુધી સત્સંગપ્રવૃત્તિમાં સતત વ્યસ્ત રહેતા. 11.30 પછી બાપજી સવારના 3.30 વાગ્યા સુધી વચનામૃત ને બાપાની વાતોનું વાંચન કરતા. આમ બાપજી આખા દિવસમાં માંડ એકાદ કલાક પોઢતા. બાપજીનો આ નિત્યક્રમ જોઈ એક હરિભક્તે પૂછ્યું, “બાપજી, આ તમે સવારે 4.30થી લઈ 11.30 સુધી મહારાજની સેવા કરો છતાંય 11.30 પછી 3.30 વાગ્યા સુધી વાંચન શા માટે કરો છો ? દયાળુ, થોડો આરામ કરો ને !” બાપજીએ ઉત્તર વાળતા કહ્યું, “દયાળુ, આપણે આપણી મૂડી તો કરવી જ પડે. મહારાજ, બાપા ને સદ્ગુરુઓએ રચેલા ગ્રંથો વાંચીએ તો મૂર્તિના અનન્ય સુખનો અહેસાસ થાય. આ દિવ્ય અહેસાસ બહુધા વાંચનથી જ મળે છે.” ગુરુવર્ય પ.પૂ.બાપજી આજે પણ, અવરભાવમાં 78 વર્ષની ઉમંરે પણ નિત્ય પ્રત્યે ત્રણ કલાક અચૂક વાંચન માટે સમય ફાળવે છે.
ગુરુવર્ય પ.પૂ.બાપજી કહે છે, “અમે કોઈને નવરાશની પળમાં વચનામૃત, બાપાશ્રીની વાતો કે ઘનશ્યામ સામયિકનું વાંચન કરતા જોઈએ તો અત્યંત રાજી થઈએ છીએ.” વાંચને કરીને આલોકમાં લીડર થવાતું હોય ને પરલોકમાં મૂર્તિસુખભોક્તા કહેતાં મુક્ત થવાતું હોય તો શા માટે આપણે વાંચનથી દૂર રહીએ છીએ ?