સાદગીનું સોહામણું સ્વરૂપ
July 1, 2017
કહેવાય છે કે, “સાધુનો શણગાર, સાદગીમાં જ સજ્યો.” સાદગી એ જ સાધુની શોભા છે, સાધુનો શણગાર છે અને સાદગીનો પણ જે શણગાર છે એવા વર્તમાનકાળે સત્પુરુષ છે વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજી. હા... એમનાં દર્શન કરીએ ત્યારે એમનામાં બસ સાદગીનાં જ દર્શન થાય. એવું લાગે કે સાદગીને જ ગુરુવર્ય પ.પૂ. બાપજી સોહાવી રહ્યા ન હોય !!
વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજીને બાયપાસ સર્જરી કરાવ્યા પછી નીચે બેસીને કથા થઈ શકે નહિ, એટલે અત્યારે તેઓ સોફા પર બેસીને કથાનો લાભ આપે છે. આ સોફો પણ એમને સાવ સાદો જ જોઈએ. એ સાદા સોફા ઉપર પલાંઠી વાળી સળંગ સાત-આઠ કલાક કથાનો લાભ આપે. અને વિચરણ પણ ખૂબ હોય એટલે થાકી જવાય. આથી ડૉક્ટરે એમને વાઇબ્રેટરવાળી ખુરશી પર બેસવાનું કહેલું. એક હરિભક્તને આ વાતની જાણ થતાં મોંઘા ભાવની સારામાં સારી કીમતી ખુરશી લઈ આવ્યા. સંતોએ ગુરુવર્ય પ.પૂ. બાપજીને ખુરશીમાં બેસવા માટે પ્રાર્થના કરી. પરંતુ ખુરશી મોંઘીદાટ હોવાથી રજોગુણી લાગતી એટલે ગુરુવર્ય પ.પૂ. બાપજીને ગમ્યું નહીં. ગુરુવર્ય પ.પૂ. બાપજીએ બેસવા માટે અરુચિ દેખાડી. પરંતુ પૂ. સંતોની પ્રાર્થનાને વશ થઈ તેમજ હરિભક્તની સેવા સ્વીકારવા માટે તેઓએ ખુરશીને પ્રસાદીની કરીને તરત જ પાછી આપી દીધી. પછી બીજી સામાન્ય એક્સરસાઇઝ મળી રહે તેવી ખુરશી લાવ્યા ત્યારે એમણે ઉપયોગ શરૂ કર્યો.
વાસણા મંદિરે પંચમ વાર્ષિક પાટોત્સવ પ્રસંગે મૂર્તિધામ હૉલના ભૂમિપૂજનનો પ્રોગ્રામ હતો. ત્યારે સ્ટેજ પર નૌકા જેવું બનાવેલું એમાં ગુરુવર્ય પ.પૂ. બાપજીનું આસન હતું. અને તેની આજુબાજુ બે થર્મોકોલના નાના હાથી મૂકવા એવી સંતોની વિચારણા હતી. ગુરુવર્ય પ.પૂ. બાપજીને ખબર પડતાં તેઓએ તરત જ ના પાડી દીધી... તોય સંતોને એમ કે આવડો મોટો પ્રોગ્રામ છે ને ગુરુવર્ય પ.પૂ. બાપજીનું આસન સાવ સાદું ન લાગવું જોઈએ. એટલા માટે સંતોએ આસનની બંને બાજુ હાથી ગોઠવી દીધા. અચાનક રાત્રે દસ વાગ્યે ગુરુવર્ય પ.પૂ. બાપજી ત્યાં પધાર્યા અને આસન જોયું એટલે સંતોને બોલાવીને વઢ્યા અને કહે, “ના કહ્યું છતાં પણ કેમ કર્યું ? આપણું જીવન તો સાદું જોઈએ. આવો ભપકો આપણને ન શોભે.” અને હાથીને હડસેલી દીધા.
એમના આસનમાં પણ એમને ભપકો ન ગમે. પોતાની ચીજવપરાશની તમામ વસ્તુ સાવ સાદી જ જોઈએ. ગુરુવર્ય પ.પૂ. બાપજીનું ગાતડિયું પણ દર્શનીય હોય છે. એમના ગાતડિયામાં ઘણી વાર કાણાંની અલપ ઝલપ દેખાઈ આવે. તેઓ ગાતડિયું બદલે નહીં. જો બહુ મોટો ખાંપો પડ્યો હોય તો રફુ કરાવી સાંધી લે પણ ગાતડિયું બદલે નહીં. એમના આસન ઉપર પાથરવાની ભગવી ચાદર, ગાદલાની ખોળ કે ઓશીકાના કવરમાં ક્યાંક તો સાંધેલું જણાય જ. વળી, એમની જમવાની રીત પણ સાવ સાદી. કોઈ હરિભક્ત પાસે શાક કે કોથમીર પણ ક્યારેય ન મંગાવે. બહારગામ વિચરણમાં હોય ત્યારે જે વસ્તુ મળી હોય તેની જ રસોઈ કરી જમાડી લે. આવું અત્યંત સાદગીનું સોહામણું સ્વરૂપ છે ગુરુવર્ય પ.પૂ. બાપજી !!!