સહનશીલતા - 11 (નમો અને સૌનું ખમો-3)

  October 5, 2013

સદ્.હરીયાનંદ સ્વામીને વચનામૃત ખૂબ પ્રિય હતાં. વચનામૃતના ખરડા જોડે ને જોડે રાખતા. પરંતુ જો કોઈક ભૂલના કારણે મહારાજે એમને બે શબ્દ કડક ભાષામાં કહ્યા અને એમનાથી સહન ના થયું... સત્સંગ મૂકીને ચાલી નીકળ્યા : “આપણે આ સત્સંગમાં નથી રહેવું.”

શ્રીજીમહારાજે ચાર હરિભક્તોના નંબર આપવાનું કહ્યું. એમાં સદ્.મુક્તાનંદસ્વામી બોલ્યા, “અલૈયાખાચાર એટલે કેવળ માનની મૂર્તિ. એનો નંબર ચોથો.” આ કડવાં વચનો અલૈયાખાચરથી સહન ન થયાં અને સદ્.મુક્તાનંદસ્વામીને મારવા તલવાર ઉગામી.

આપણે ઘરના સભ્યોની આગળ કે સત્સંગમાં નાના કે મોટાની આગળ પણ સહનશીલતાનો ગુણ કેળવી શકતા નથી. એમના બે શબ્દો આપણા મોઢાના હાવભાવ બદલાવી દે છે. અને એટલે એવું જ વર્તન ક્યાંક સંતો આગળ કે મોટાપુરુષ આગળ થઇ જતું હાય છે. આપણામાં સામેનાની આગળ નમી જવાનો અને બે શબ્દો સહન કરવાનો અભાવ ઘણા પ્રકારે જોવા મળતો હોય છે, જે ક્યાંક ઘરના સભ્યો આગળ કે સત્સંગી ભક્તો આગળ કે પછી સંતોની આગળ શબ્દોના રૂપમાં જોવા મળતો હોય છે. :

  • “કાયમ માટે મારે જ નમી જવાનું ? એને નમવાનું જ નહીં ?”
  • “સહન કરવાની પણ કોઈ હદ હોય કે નહીં ?”
  • “જેમ વધુ નમીએ તેમ એ વધુ માથે ચડતા જાય છે.”
  • “મોઢામાં લાકડાં નાખીને બોલાવે છે.”
  • “એ મને કહી જાય ? આજકાલનો આવેલો મને રોક-ટોક કરી જાય ?”
  • “એને કોણે સત્તા સોંપી મારી ભૂલો શોધવાની ?”

આ બધા શબ્દો જે આપણે વ્યક્ત કરીએ છીએ એ આપણી સહનશીલતાનાં અભાવનું પ્રતિક છે. આપણામાં સામેનાની આગળ નમી જવાની અને સહન કરવાની ભાવનાનો અભાવ છે એનું પ્રતિક છે. માટે આપણા રોજબરોજના જીવનમાં સંપીને રહેવા, હળી-મળીને રહેવા માટે, આપણા અનેક પ્રશ્નોના નિરાકરણ માટે સૌની આગળ નમી જાવ અને સૌનું ખમી લો. કોઈની આગળ નમી જવું, એના શબ્દોને સહન કરી લેવા એ કાયરતાની નિશાની નથી.

ઘણી વાર આપણે એવું વિચારતા હોઈએ છીએ કે જે કાયર હોય એ જ બીજાની આગળ નમી જાય અને કોઈના શબ્દોને સહન કરી લે. બાકી આપણને કોઈ બે શબ્દ કહી શાનો જાય ? પરંતુ ભાઈ, દાદા બનવું એ વીરતા નથી. નાનાથી પણ નાના બનવું. સૌની આગળ સરળ થઇ નમી જવું. ભલે દયાળુ ! તમે જેમ કહો તેમ. મારી ભૂલ થઇ ગઈ – આ ભાવ સાથે સૌના દાસ થઇ જવું અને કોઈના બે શબ્દોને સહન કરવા, ક્યાંક કોઈના તરફથી ભાર-ભીડો કે તકલીફ મળે તો એનો પણ હસતા મુખે સ્વીકાર કરી દરેક પરિસ્થિતિને ઠરેલ બની સ્વીકારી લેવી. એ બધાને હસતે મુખે સહન કરી લેવું એ જ સાચી વીરતા છે. એ જ સાચી મહાનતા છે.

દાસત્વ ભાવ એ જ આપણી સાચી આધ્યાત્મિક ઊંડાઈ છે. દાસત્વ ભાવ જેટલો હશે એટલા જ આપણે સામેનાની આગળ સરળતાથી અને ઝપાટે નમી શકીશું. પોતાની ભૂલનો સ્વીકાર કરી શકીશું. માફી માંગી શકીશું. પોતાની ભૂલને સ્વીકારવી અને સામેના પાત્રની આગળ નમી જવું; પોતાનું ગમતું, ધાર્યું છોડી દેવું; પોતાનો ઠરાવ, જીદ છોડી દેવી એ ખરી મર્દાનગી છે. એ જ સાચી મોટપ છે. એ જ ખરું ભક્તપણું છે અને એ જ ખરી સાધુની સાધુતા. માટે સૌની આગળ નમતા શીખો અને સૌનું ખમતા શીખો. એનાથી આપણા અહમ્ નું ખંડન થશે. અનાદિકાળથી જે દેહાધ્યાસ વળગ્યો છે એ ધીરે ધીરે તૂટતો જશે અને આપણા ઇષ્ટદેવ અને આપણા સમર્થ સદ્ગુરુઓએ આ જ માર્ગ અપનાવ્યો છે અને આ જ રસ્તે સંતો-હરિભકતોને દોડાવ્યા છે.

આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના પાયામાં સ્વયં શ્રીજીમહારાજે આ એક જ સૂત્ર ગુંજાવ્યું છે : “નમવું-ખમવું અને સૌનું સહન કરવું.” સ્વયં શ્રીજીમહારાજે પણ પોતાના અવરભાવના જીવનકાળ દરમ્યાન આ સૂત્રને જ અપનાવ્યું છે અને પોતાના સંતોને પણ આ જ ઉપદેશ આપ્યો હતો,

“હે સંતો ! જેનામાં જેટલી સહનશક્તિ વધુ તેટલું તેનામાં સામર્થ્ય અધિક માનવું. સહનશક્તિ જેટલી ઓછી તેટલો તે ભક્તપણામાં ન્યૂન છે. સહન કરે તેનો પાયો અચલ છે. અને પાકો હરિજન તો ત્યારે કહેવાય જયારે તેનામાં સહનશક્તિ આવે. અમારે તમને પાકા કરવા છે, જેથી જગત તમારું પ્રમાણ લે, તમારે પગલે પગલે ચાલે.”

“હરિભક્તો ! સંતોના કડવાં વચન અને અપમાન સહન કરે તે મોટો હરિભક્ત છે. સત્સંગને સમજણ જેટલી કંઈ છે તે સઘળી સહનશીલતામાં રહેલી છે. તે જેમ જેમ સહન કરે તેમ મોટપ વધતી જાય છે.”

                                                                        (શ્રીહરિચરિત્રામૃતસાગર : પુર-૧૧, તરંગ-૮૪)

સ્વયં શ્રીજીમહારાજે પણ અલ્પ જીવોના માન-અપમાનને સહન કર્યા છે. શ્રીજીમહારાજની હાજરીમાં પણ સ્વયં પુરુષોતમ નારાયણ માટે પણ હલકા શબ્દો બોલનાર હતા. તેમ છતાં મહાપ્રભુએ કેવળ સહનશીલતાનો જ માર્ગ અપનાવ્યો છે અને એવાનાં જ  કલ્યાણ કર્યા છે. શ્રીજીમહારાજે સંતોને પણ એ જ શીખવ્યું છે અને એવી રીતે જ વર્તાવ્યા છે. ગામોગામ વિરોધીઓના વિરોધ હતા. ગડદા પાક, ઢેકા પાક અને મેથી પાક જ સંતોને મળતા હતા, છતાં મહાપ્રભુએ સંતોને સહનશીલતાનો ગુણ જ કેળવ્યો છે. તો સ્વાભાવિક છે કે, આપણી પાસે તો એમની અપેક્ષા હોય જ. આપણે સંતોની જેમ ગડદા પાક કે મેથી પાક સહન કરવાના નથી. આપણે માત્ર કોઈના બે શબ્દ સહન કરવાના છે અને નિર્માની થઇ એમની આગળ નમતા શીખવાનું છે :

  • “નમો અને સૌનું ખમો” આ ગુણને દ્રઢ કરવા માટે આટલું કરીએ :
  1. આપણને કોઈકે બે શબ્દો કહ્યા, વઢ્યું, રોક-ટોક કરી તો એક જ વિચાર : “એ નથી બોલતા... એ મહારાજના વ્યતિરેકના સંબંધવાળા છે. એમાંય મહારાજ બિરાજે છે અને એમાં રહી મહારાજ જ મને મારી ભૂલ દેખાડી રહ્યા છે” એ ભાવથી સહર્ષ સ્વીકારો.
  2. કોઈકે આપણું અપમાન કર્યું, ન બોલવાના શબ્દો કહ્યા ત્યારે એ વખત આવા કોઈક વિચારના બળે આગળ વધો : “અપમાન થાય તો એ દેહનું થાય છે અને માન મળે તો એ મહારાજનું થાય છે” એ વિચારના બળે કરીને આપણે અકર્તા બની જાવ. તો કોઈના બે શબ્દો આપણને દુ:ખ નહિ લગાડે, ગુસ્સો નહિ કરાવે.
  3. સૌની આગળ નમવાનો ગુણ કેળવવા નાનામોટાની આગળ પોતાની ભૂલનો સ્વીકાર કરી લો. ‘હશે દયાળુ, મારી ભૂલ થઇ ગઈ, માફ કરી દો.’ અને એ જ રીતે સૌનું સહન કરવા માટે ગમ ખાતા શીખો. એટલે કે કોઈ આપણને વઢે, બે શબ્દો આકરા થઇને કહે ત્યારે તેની સાથે રકઝકમાં કે ઝઘડામાં કે આક્રોશમાં ન આવી જાવ. એ વખતે મૌનરૂપ ચાવીને આવકારો. એ વખતે એમની સામા થવાનું, વેણ ઉપર વેણ લાવવાનો પ્રયત્ન ન કરો .તો સૌની સાથે સંપીને રહેવાનો સંકલ્પ સરળતાથી આપણા પરિવારમાં અને સ્વજીવનમાં પૂર્ણ થશે.