સહનશીલતા - 12 (શીખો અને શીખવાડો - વિનય અને વિવેક)

  October 15, 2013

અમને સંતોષ છે અમારા પરિવારથી...

            જી હા, આ વાત છે આપણા એસ.એમ.વી.એસ. ના દિવ્ય સમાજમાંના જ એક પરિવારની કે જેમના હૈયે એક જ સૂર મહેંકે છે, જેમના મુખે એક જ સૂર રેલાય છે :

            “અમને સંતોષ છે અમારા પરિવારથી અને અમારા પરિવારના સભ્યોથી તથા અમારી આત્મીયતાથી, અમારા સંપથી. સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી અને મળેલા દિવ્ય સત્પુરુષ ગુરુવર્ય પ.પૂ.બાપજી અને પૂ.સ્વામીશ્રીની અમીદ્રષ્ટિથી અમારા પરિવારની રોનક સાવ બદલાઈ જ ગઈ છે. અમે ઋણી છીએ એ દિવ્યપુરુષના (ગુરુવર્ય પ.પૂ.બાપજી અને પૂ.સ્વામીશ્રીના) કે જેઓએ અમારા પરિવારને એક નવી દિશા અને નવું જીવન બક્ષ્યું છે. અમને ગૌરવ છે મારા પરિવાર માટે કે અમારા પરિવારના તમામ સભ્યો એક આત્મીયતાના તાંતણે બંધાયા છે, એકબીજાને મળતા હૈયા ઊભરાઈ જાય છે, આનંદ છલકાઈ જાય છે. એકબીજા માટેના વિનય, વિવેક, મર્યાદા અકબંધ છે તો વાળી પ્રેમ, લાગણી, સહાનુભૂતિનો ધસમસતો પ્રવાહ અવિરત વહી રહ્યો છે. ઘરનું વાતાવરણ એવું દિવ્ય અને મંગલમય બની ગયું છે કે પરિવારના કોઈ સભ્યોને એકબીજાથી દૂર જવાની કે ઘરની બહાર જવાની ઈચ્છા થતી નાતી. અમારા ઘરમાં મહારાજે આપેલ સંકલ્પ “સૌની સાથે સંપીને રહેવું” એ જાણે ખૂબ ટૂંકા ગળામાં સાકાર થઇ ગયો હોય એવું જણાય છે.”

            શું આપને આ પરિવારની જીવંત ગાથા ગમી ? આ જીવંત ગાથા સાંભળતાં પણ આપણા અંતરે આનંદ વ્યક્ત થતો હોય તો એ જીવંત ગાથા આપણા પરિવારની બની જાય તો કેવું સુખ વર્તે, તેની કલ્પના કરો. શું આપણે આપણા પરિવારને આવો બનાવવો છે ? હા. તો, આપણા પરિવારમાં વિનય અને વિવેકનાં બીજનું વાવેતર કરીએ કે જેમાંથી આત્મીયતારૂપી મોલ તૈયાર થાય છે.

            આપણે સૌ કાંડા-ઘડિયાળ પહેરતા હોઈએ છીએ. આ કાંડા-ઘડિયાળમાં વપરાયેલ મશીનરી જો કોઈ દિવસ નિહાળીને જોઈ હોય તો તેમાં નાનાથી માંડી મોટા એમ કેટલાક ચક્રો હોય છે. એ મશીનરીમાં મોટા ચક્રની તો જરૂર ફરજીયાત પડે પણ એકાદ નાનું ચક્ર ન હોય તો ચાલે ? ના... ના... ભલે ચક્ર નાનું છે પરંતુ ઘડિયાળને ચાલુ કરવા માટે નાના અને મોટા ચક્રનું મહત્વ, મૂલ્ય એકસરખાં જ છે. એના વગર પણ ન જ ચાલે. એવું જ કંઇક આધ્યાત્મિકમાર્ગે તથા આપણા સમૂહજીવનમાં છે. વિનય અને વિવેક : ત્રણ-ત્રણ અક્ષરના બનેલા શબ્દો ભલે લાગે નાના કે ટચૂકડા, પરંતુ ઘણી વાર આ જ શબ્દો આપણા જીવનમાં પ્રગતિની હરણફાળ દોટ મૂકવા, દીવાદાંડીરૂપ બની રહે છે.

            આજે ઘર-ઘરનો અને પરિવારના સભ્યોનો એક સળગતો અને સતત મૂંઝવતો પ્રશ્ન છે કે અમે પરિવારના સભ્યો એક જ લોહીના સંબંધવાળા હોવા છતાં, અમે એકબીજાને કાંઈ જ કહી શકતા નથી. પરિણામે પરિવારના બધા જ સભ્યોના મનમાં અકારણ ઉદ્વેગ અનુભવાય છે. દરેકને એકબીજા સાથે ભાર ભાર રહ્યા કરે છે. નથી અંતર ખોલીને વાત કરી શકાતી નથી કે નથી નિર્દોષભાવે, નિખાલસતાથી એકબીજાસાથે બેસી શકાતું. આ બધી પરિસ્થિતિનું કારણ શું છે ?

            ૪૬ વર્ષના એક વાળી મળવા આવ્યા હતા. તેઓ પોતાની હૈયાવરાળ ઠાલવતા કહે છે, “સ્વામી ! મારે શું કરવું એ મને સમજાતું નથી. નાતી ભગવાન ભજવામાં મન ચોટતું, નથી પ્રવૃત્તિ કરવામાં ચિત્ત ચોટતું, નથી પરિવારના સભ્યો સાથે રહેવાની ઈચ્છા થતી. ઘરમાં આવવાનું થાય તો કંટાળો આવે છે. ઘરના દરવાજા આગળ પહોંચું ત્યાં અટકી જવાય છે. ઘરના દરવાજામાં કે આંગણામાં પગ મૂકવાની હિંમત નથી ચાલતી. એમ થાય કે ઘરમાં જઈ મારે કરવું શું ? શું હૈયાનો ઉકળાટ જ વધારવાનો ? હતાશા અને ઉદાસીનતામાં વધારો જ કરવાનો ? આ ઘરમાં જઈને મને શું પ્રાપ્ત થવાનું છે ? વિચારોની ઘટમાળ વચ્ચે હું એવો ગૂંચવાઈ ગયો છું કે એવા વિચારો આવી જાય છે કે આવી રીતે જીવન વિતાવવું એના કરતા મૃત્યુને ભેટી લેવું સારું. સ્વામી ! હું હવે હારી ગયો છું, ભાંગી ગયો છું. મને કાંઇક યોગ્ય રસ્તો બતાવો.”

            એમને થોડું આશ્વાસન આપતાં પૂછ્યું , “એવું તો તમારા ઘરમાં શું છે કે તમને ઘરમાં જવાની ઈચ્છા જ થતી નથી ? મન પાછું  પડે છે ? તમારા ઘરમાં એવું તે કેવું વાતાવરણ છે કે તમે તમારા પરિવારથી હારી ગયા છો ?” તેઓ પોતાની આપવીતી વ્યક્ત કરતા જણાવે છે, “સ્વામી ! ઘરના વાતાવરણની વાત મારે આપને શું કરાવી ? જે ઘરમાં એકબીજા માટે હેત, પ્રેમ કે લાગણીઓનું નામોનિશાન જોવા મળતું નથી; નથી એકબીજા માટે મર્યાદા, વિનય કે વિવેક. મારા ધર્મપત્ની તો હું એક શબ્દ બોલું ત્યાં મારી ઉપર તાડૂકે છે. એવા શબ્દો બોલે છે કે જે તલવારના ઘાની જેમ વાગે છે. નાની નાની વાતમાં ઝઘડા-કંકાસ જ કર્યા કરે છે. એમાં વાળી મારો દીકરો પણ એની માનો જ વરસો રાખે છે. મારા દીકરાને કંઇક રોક-ટોક કરીએ. કંઇક પૂછીએ તો એ પણ સમો થાય છે. મર્યાદા નેવે મૂકી દે છે. એવું જ મા-દીકરા વચ્ચે, અને એવું જ પરીવારના બીજા સભ્યો વચ્ચે છે. કોઈને એકબીજા માટે કોઈ આદર જ નહીં. દિવ્યભાવ, મહિમા નામની કોઈ વસ્તુ જ જોવા ન મળે. ત્યારે એમ થાય કે ઘરમાં રહીને મારે હવે શું કરવાનું ?”

            આ પ્રશ્ન એક જ પરિવારનો નથી. આવા તો હજારો અને લાખો પરિવારો આવા પ્રશ્નોની હારમાળાથી પીડાય છે. ઉપર પ્રસ્તુત પરિવારની આ સ્થિતિ થવાનું કારણ છે એકબીના માટે વિનય અને વિવેકનો અભાવ. જ્યાં એકબીજા માટે વિનય અને વિવેક નથી ત્યાં લાગણીઓનો શૂન્યાવકાશ છે. જો આ બે જ નહિ હોય તો કોણ કોને ટોકશે ? નિરંતર એક જ ભાર રહ્યા કરે કે બે શબ્દ કહીશું તો સામા થશે, ન બોલવાનું બોલશે એના કરતાં ન કહેવું સારું, એને મનાશે કે નહિ મનાય ? આવા બધા ભયને લીધે કોઈ એકબીજાથી નજીક આવી શકતું જ નથી. નથી કોઈ એકબીજાને રોક-ટોક કરી શકતું કે નથી એકબીજાની મદદ માંગવાની હિંમત કરી શકતું. માટે આપણા ઘરમાં, પરિવારમાં જેટલો એકબીજા માટેનો વિનય અને વિવેક વધુ હશે એટલી જ આપણા પરિવારમાં સંપ, આત્મીયતા, શાંતિ અને આનંદની સૌરભ મહેંકતી હશે ! માટે આપણા પરિવારના સભ્યો વચ્ચે વિનય અને વિવેક જળવાયેલા રહે તે માટે આપણે સતત જાગ્રત રહેવું પડશે. ક્યાંક પ્રેમથી તો કડક થઇને, વિનય અને વિવેકની પાળ જાળવીને વિનય અને વિવેક શીખવાડવા પડશે.

            આપને જયારે આપણા ઘરમાં વિનય અને વિવેકભર્યું વાતાવરણ સર્જવું છે ત્યારે ‘વિનય’ અને ‘વિવેક’ આ બે શબ્દોની સ્પષ્ટતા સમજાવી અત્યંત આવશ્યક છે.

            વિનય એટલે આદર કરવો (મર્યાદા જાળવવી), જેને અંગ્રેજીમાં કહેવાય છે. રીસ્પેક્ટ (Respect).

વધુ આવતાં અંકે....