સહનશીલતા - 13 (શીખો અને શીખવાડો - વિનય અને વિવેક)
January 11, 2014
વિવેક એટલે સાર-અસારની સમજ (અને અસારનો ત્યાગ), જેને અંગ્રેજીમાં કહેવાય છે ડિસ્ક્રેશન (Discretion).
વિનય અને વિવેક આપણે આપણા સ્વજીવનમાં બે બાબતોમાં ગ્રહણ કરવાના છે. એક આપણી વાણીમાં અને બીજું આપણા વર્તનમાં. મોટે ભાગે આપણે વિનય અને વિવેકમાં જો નાપાસ થતા હોઈએ તો તે આ બે બાબતોમાં જ થતા હોઈએ છીએ. ઘણી વાર આપણી વાણી અને આપણું વર્તન આપણી કિંમત કરી દેતું હોય છે. આપણામાં કેટલું સત્વ છે ? આપણે કેટલા સજ્જન વ્યક્તિ છીએ ? તથા આપણા કુટુંબ-પરિવારના કેવા સંસ્કારો હશે ? – એનું દર્શન કરાવી દેતું હોય છે. ક્યારેક આપણા ઘરે કોઈ મહેમાન આવ્યા હોય તો એ પણ આપણા પરિવારના સભ્યો વચ્ચેના વ્યવહારો ઉપરથી, એકબીજાના સાથેની વાતચીત ઉપરથી, આપણા પરિવારમાં સંપનું તથા આપણા સંસ્કારોનું માપ કાઢી લેતા હોય છે.
એક વાત સનાતન સત્ય છે કે આપણા ઘરમાં રહેલા સભ્યો વચ્ચેનો વિનય અને વિવેક એ જ આપણા ઘરની શોભા છે, એ જ આપણા સંસ્કારોનું પ્રતિક છે. જો પરિવારના સભ્યોનો પોતાના ઘરમાં વિનય અને વિવેક્ભર્યો વર્તાવ હશે તો ઘરની બહાર નીકળ્યા પછી અન્ય સભ્યો સાથેનો વર્તાવ પણ તેમનો એવો જ હશે; તો સામે એ વાત પણ સત્ય છે કે જે પરિવારના સભ્યોનો વર્તાવ પોતાના ઘરમાં જ અવિવેકભર્યો, મર્યાદા વગરનો હશે તો એમનો એવો જ વર્તાવ ઘરની બહાર પણ હશે. જેવું જીવન આપણું ઘરમાં હશે એવું જ જીવન બહાર આવવાનું અને એટલે જ ઘરને સંસ્કાર સિંચનની પાઠશાળા કહેવામાં આવે છે.
ઘણા પરિવારો એવા પણ જોયા છે કે જેમના ઘરમાં અખંડ ધારે ઝઘડા-કન્કાસનો પ્રવાહ ચાલ્યા જ કરતો હોય છે. પાડોશમાં રહેનારા પાડોશી કંટાળી જતા હોય છે., તોબા પોકારી જતા હોય છે. જેમ અનાજ દળવાની ઘંટી ચાલુ થાય એટલે આજુબાજુના ૫-૭ ઘર સુધી એનો ઘોંઘાટ સંભળાય અને એ ઘંટી બંધ થાય એટલે કેવી શાંતિનો અનુભવ થાય ! તેમ એવા ઘરમાં સવારથી વાણી અને વર્તનનો ઘોંઘાટ ચાલુ થાય એટલે આજુબાજુના ૫-૭ ઘર સુધી એનો પ્રભાવ પ્રસરે છે અને એ ઘોંઘાટ બંધ થાય એટલે જેમ ઘંટીનો ઘોંઘાટ બંધ થાય ને જેવી નીરવ શાંતિ અનુભવાય એવી શાંતિનો અનુભવ થાય.
ઘણા પરિવારોમાં તો એવું જણાય કે પરિવારના બધા સભ્યો એકએકથી ચડે એવા હોય છે. દરેક એવું જ સમજતા હોય છે કે, “હમ ભી કિસી સે કમ નહીં.” કોઈએ બે શબ્દ કહ્યા હોય તો એને સામા ચાર શબ્દો સંભળાવે અને પછી શરૂ થાય ઝઘડાનો દાવાનળ.”
આ બધી વાત આપણામાંના જ કેટલાક પરિવારોની છે. આજના આ પરિવારોના સળગતા પ્રશ્નોનું મૂળ છે – પરિવારના સભ્યોમાં રહેલો વિનય અને વિવેકનો અભાવ, વાણી અને વર્તનનો અવિવેક. જે વાણી અનંતના હૈયાને, લાગણીને છિન્નભિન્ન કરી નાખે છે એ જ વાણીમાં એવી તાકાત છે કે એ અનંતના હૈયાંને લાગણીઓથી ભરી દે છે, અનંતના હૈયાંને પુલકિત કરી દે છે. એ જ રીતે આપણું વર્તન. જે વર્તન અનંતને આપણાથી છેટા કરી દે છે, અનેકને આપણાથી ત્રાસ અનુભવાવે છે. એ જ વર્તનમાં એવી અજબ તાકાત છે કે એ અનંતને આપણાથી નિકટ કરી શકે છે અને અનેકના હૈયાંમાં આપણું આગવું સ્થાન ઊભું કરી શકે છે. પરંતુ એ ત્યારે જ શક્ય બને કે જો આપણામાં વાણી અને વર્તનનો વિવેક વિલસતો હોય; એકબીજાની મર્યાદાનું, આદરનું મહત્વ સમજાયું હોય તો. સંસ્કૃતના એક સુભાષિતમાં કહ્યું છે કે,
“પ્રિયવાક્યપ્રદાનેન સર્વે તુષ્યન્તિ જન્તવ: |
તસ્માત્ તદેવ વક્ત્વ્યં વચને કા દરિદ્રતા ||”
અર્થાત્ “પ્રિય વાણી બોલવાથી સૌ મનુષ્યો સંતુષ્ટ થાય છે તેથી એવી જ વાણી બોલવી જોઈ. મધુર વાણી બોલવામાં વળી ગરીબી શું રાખવાની ?”
આપણું બોલવાનું એનું એ છે, વાણી એની એ છે; માત્ર બદલવાના છે આપણા વાણીના શબ્દોને. સમજવાનો ને રાખવાનો છે થોડો વિવેક. આપણે જયારે કોઈની પણ સાથે વાત કરીએ છીએ ત્યારે એને એ અપેક્ષા જરૂર રહે છે કે એ મને પ્રેમથી બોલાવે, પ્રેમથી મારી સાથે વાત કરે, મારી મર્યાદા રાખે. અને એટલામાં જો એમને સંતોષ થઇ જતો હોય, એ રાજી થઇ જતા હોય તો આપણે શા માટે એવી મધુર વાણી, મીઠી અને સરળ વાણી ન બોલીએ ? શા માટે એવું મર્યાદાભર્યું વર્તન ન કરીએ ?
પરંતુ કેટલુંક આપણાથી સ્વભાવગત થઇ જાય છે જે આપણી વચ્ચેનો સંપ, આત્મીયતા તોડે છે. એ જે સ્વભાવગત થઇ જાય છે એમાં આપણે વિનય અને વિવેક કેળવતાં શીખવાનું છે અને આપણાથી નાના હોય તેમને એ શિખવાડવાનું છે. આપણાથી સ્વભાવગત આવું કેટલુંક થઇ જતું હોય છે :
- ઘણા વાણીથી આખાબોલા હોય છે. તેમની બોલી જ એવી હોય કે કામ કરે, મદદરૂપ થાય, પણ બોલીને બગાડી નાખે.
- દૂધ પિવડાવવા ઘણો આગ્રહ કરે. “લો ને લો... લો ને લો...” છતાંય સામેવાળા ના પડે તો કહે, “ભલા, માણસ લ્યોને ! આમેય પાડાને પીવડાવી દેવાનો હતો ને તમે આવી ગયા છો તો હવે લ્યો.”
- ઘરે કોઈક અચાનક મહેમાનગતીએ આવી ગયું હોય અને જમાડવાનું થાય તો જમાડે જરૂર. પણ જયારે સામેવાળા એમ કહે કે, “માફ કરજો, તમને તકલીફ આપી, નહીં ?” તો કહે, “કંઈ વાંધો નહીં. આજ મારા કૂતરાને ચાટમાં નહિ આપું. તમે આવ્યા છો તો જમાડીને જ જાવ.”
- જમવામાં કોઈને આગ્રહ કરીને પીરસે ને સામેવાળા ના પાડે તો કહે, “જમોને હવે, આમેય એંઠવાડની ડોલમાં જ નાખવાનું છે ને ફેંકી દેવું એના કરતાં તમારા પેટમાં જાય એ શું ખોટું !”
આ તો માત્ર સામાન્ય દ્રષ્ટાંત છે. આવું તો આપણે ઘણું સાવ સહજ રીતે અવિવેકભર્યું બોલી જઈએ છીએ જે સમેનાના અંતરને દુભાવી દે છે. એમાં થોડો વિવેક ભેળવવાની જરૂર છે. પ્રેમથી, હેતથી આવકાર આપો. ખૂબ ભાવથી એની સરભરા કરો. એવી વાણી ના બોલો કે સામેનાને સંકોચ અનુભવાય.
એ જ રીતે ઘણાનો ઉતાવળીયો સ્વભાવ હોય. બોલવામાં ઉતાવળ, ચાલવામાં ઉતાવળ, કાર્ય કરવામાં ઉતાવળ. બધેય ઉતાવળ જ કર્યા કરે. જાણે કૂતરું પાછળ પડ્યું હોય એમ ધડાધડી જ કર્યા કરે. એક વસ્તુ લેવા જાય તો બીજી બે પાડે. બોલવામાં અધીરો બની જાય. ન બોલવાનું હોય એ બોલી જાય. કોઈ વાત પેટમાં રાખી જ ન શકે. અવિવેકના લીધે અન્યને આપણો અવગુણ આવતો હોય છે અને ક્યારેક કુસંપના સર્જનમાં એ પણ કારણરૂપ બની જતું હોય છે.
એ જ રીતે ઘણો બકબક કરવાનો સ્વભાવ હોય. સેવા બધી કરે, મદદરૂપ થાય, ૧૦ જણાનું કામ એકલો કરે પણ બક બક કર્યા જ કરે (બોલ બોલ કર્યા કરે.) એની જોડે રહેવાવાળા કંટાળી જાય. સાંભળી સાંભળી કાન દુ:ખી જાય પણ એનું બોલવાનું બંધ ન થાય. બોલવાનું અને ન બોલવાનું બધુંય બોલ્યા કરે. એમાં થોડો વિવેક કેળવવાની જરૂર છે. જરૂરિયાત પૂરતું માર્યાદિત અને જોખી જોખીને બોલો... બોલ બોલ કરવાથી આપણી ગણતરી ગાંડામાં થશે, મંદ બુદ્ધિવાળામાં થશે. એના કરતાં બોલવામાં થોડો વિવેક રાખવામાં શો વાંધો !
એજ રીતે ઘણાને વાતે વાતે જુઠ્ઠું બોલવાનો સ્વભાવ હોય. પોતાની કોઈ ભૂલને સ્વીકારે જ નહીં. વાતે વાતે ખોટું બોલે અને તેના લીધે સંપ તૂટતો હોય છે.
એ જ રીતે ઘણાનો બીજાના દોષ, અવગુણની વાત કર્યા કરવાનો સ્વભાવ હોય. ઘણાનો નાની વાતને મોટું સ્વરૂપ આપી; રજનું ગજ કરવાનો સ્વભાવ હોય ઘણાનો ટોન્ટ (મહેણાં) મારવાનો સ્વભાવ હોય છે. આવું ઘણું બધું આપણાથી સ્વભાવગત થઇ જતું હોય છે જે આપણી આત્મીયતામાં તિરાડ ઊભી કરે છે.
સ્વયં શ્રીજીમહારાજે વિનય અને વિવેક પોતાના આશ્રિતોને, વચનામૃત ગ્રંથમાં તથા અન્ય પ્રસંગોમાં શીખવ્યા છે.