સહનશીલતા - 14 (શીખો અને શીખવાડો - વિનય અને વિવેક)
January 18, 2014
સારંગપુરનું 2જું વચનામૃત :
- “વચને કરીને તો કોઈ જીવ-પ્રાણીમાત્રને દુઃખવવાં નહીં.”
- “પરમેશ્વર સાથે અથવા મોટા સંત સાથે પ્રશ્ન-ઉત્તર કરતા હોઈએ અને તેમાં પરસ્પર વાદવિવાદ થાતો હોય ને તેમાં પોતે જીતીએ એમ જણાય તોપણ જે મોટાથી નાનો હોય તેણે મોટાને સમીપે નમી દેવું.”
- “આપણા કરતાં મોટા સંત હોય તે સભામાં પ્રશ્ન-ઉત્તરે કરીને ભૂંઠા પડે એમ કરવું નહીં.”
- “મોટા સંત આગે ને પરમેશ્વર આગે તો જરૂર હારી જાવું.”
- “પરમેશ્વર તથા મોટા સંત તે પોતાને કોઈ વચન યોગ્ય કહે અથવા અયોગ્ય કહે ત્યારે તે વચનને તત્કાળ સ્નેહે સહિત માનવું. તેમાં યોગ્ય વચન હોય તેમાં તો આશંકા થાય નહિ પણ કોઈ અયોગ્ય વચન કહ્યું હોય ને તેમાં આશંકા થાય એવું હોય તોપણ તે સમાને વિષે ના પાડવી નહિ; એ તો હા જ પાડવી અને એમ કહેવું જે, હે મહારાજ ! જેમ તમે કહેશો તેમ હું કરીશ.”
ગઢડા મધ્યનું 40મું વચનામૃત :
- “શ્રીજીમહારાજે પોતાનો જે નિત્યક્રમ હતો તેમાં રોજ કરતાં આજે એક દંડવત્ પ્રણામ અધિક કર્યો...કારણ, આજ તો અમને વિચાર થયો જે ભગવાનના ભક્તનો મને, વચને ને દેહે કરીને જે કોઈક જાણ્યે-અજાણ્યે દ્રોહ થઈ આવે ને તેણે કરીને જેવું આ જીવને દુઃખ થાય છે તેવું બીજે કોઈ પાપે કરીને થાતું નથી. માટે જાણ્યે-અજાણ્યે, મને-વચને-દેહે કરીને જે કાંઈ ભગવાનના ભક્તનો દ્રોહ બણી આવ્યો હોય તેનો દોષ નિવારણ કરાવ્યા સારુ અમે એક પ્રણામ અધિક કર્યો.”
અમદાવાદનું 8મું વચનામૃત :
- “જેની ઉપર ક્રોધ ઊપજે તેને એક સાષ્ટાંગ દંડવત્-પ્રણામ કરવો. અને ગદગદ હૃદય થઈને દીનતાએ કરીને રૂડાંરૂડાં વચન બોલીને તેને પ્રસન્ન કરવો. એ અમારી આજ્ઞા છે.”
ગઢ઼ડા છેલ્લાનું 25મું વચનામૃત :
- “પોતાના અંતરમાં કાંઈક વિશેષ વર્તવાનું હોય તેનું અમને એક વાર કહી દેવું જે, મહારાજ ! તમે કહો તો હું આવી રીતે વર્તું પણ વારંવાર ન કહેવું જે, હે મહારાજ ! હું આમ વર્તું, હું આમ વર્તું. તમે કેમ મુને કહેતા નથી ? તે ન ગમે.”
- “વારે વારે મારા વેણ ઉપર વેણ લાવે તે ન ગમે.”
- “હું કોઈની આગળ વાત કરતો હોઉં ને બોલાવ્યા વિના વચમાં બોલે તે ન ગમે.”
- “સભા બેઠી હોય ત્યારે સૌથી છેલ્લો આવીને બેસે પણ પોતાને જ્યાં ઘટતું હોય ત્યાં ન બેસે તે ન ગમે.”
- “કોઈક મોટા તે સભામાં બેઠા હોય ને તેને કુણી મારીને માગ કરીને પોતે બેસે તે ન ગમે.”
- “બાઈ માણસ હોય ને તે પોતાના અંગને ઢાંકીને લજ્જા સહિત વર્તે તે ગમે.”
- “હરિભક્તને માંહોમાંહી બરોબરિયાપણું રહે પણ એક એકનો ભાર ન આવે એ પણ અતિશે ભૂંડું છે.”
પ્રસંગસ્મૃતિ :
સ્વયં શ્રીજીમહારાજ મનુષ્યને મનુષ્ય જેવા અવરભાવમાં જ્યારે દેખાતા, ત્યારે અનેકને પ્રેરણા આપવા જે વિનય અને વિવેક દાખવ્યો છે તેને પ્રસંગોની સ્મૃતિ દ્વારા સમજીએ :
- શ્રીજીમહારાજ જમવા બેસતા ત્યારે સૌને ભોજનમાંથી પ્રસાદ રૂપે વહેંચી પછી જ ભોજન ગ્રહણ કરતા. જેમાંથી મહારાજ આપણને એ પ્રેરણા આપે છે કે, ઘરના સૌ સભ્યોને વહેંચીને જમવું જોઈએ.
- કોઈકે ઉત્સાહપૂર્વક અને ખંતથી કોઈ સેવા કરી હોય તો શ્રીજીમહારાજ તેમના ઉપર રાજીપો દેખાડતા અને પ્રસાદીની વસ્તુ આપતા.
આના દ્વારા મહારાજ આપણને એ પ્રેરણા આપે છે કે, આપણા પરિવારના સભ્યોમાં કોઈકે કંઈક કાર્ય સારું કર્યું, કોઈ સ્પર્ધામાં નંબર આવ્યો, સારું પરિણામ આવ્યું તો તેને પ્રોત્સાહન આપવુ.
હવે આપણે આપણા સમૂહજીવનમાં વ્યક્તિગત કેટલોક વિનય અને વિવેક શીખવાની અને અન્યને શિખવાડવાની જરૂર છે તેને જાણીએ અને આપણા જીવનને તપાસી કસર હોય ત્યાં એ વિનય અને વિવેકને સ્વીકારી કસર રહિત થઈએ.