સહનશીલતા - 15 (શીખો અને શીખવાડો - વિનય અને વિવેક)
January 25, 2014
સમૂહજીવનમાં વ્યક્તિગત વિનય અને વિવેક :
(1) બાળકો-કિશોરો માટે :
- આપણાથી મોટા હોય તેને ‘તું’કારે ન બોલાવવા.
- વાણીએ કરીને અપશબ્દો કે ગાળ ન બોલવી.
- અન્યની ઉપર કે માતાપિતા ઉપર ક્રોધ ન કરો, સામે ન બોલવું.
- આપણા વડીલોને તથા માતાપિતાને દરરોજ નીચા નમી ચરણસ્પર્શ કરી, “દયાળુ, રાજી રહેજો” કહેવાની ટેવ પાડીએ.
- ઘરના કે અન્ય કોઈ પણ સભ્યો આપણને કોઈ કામ કે સેવા બતાવે તો તુરત ના ન પાડીએ.
- આપણા કોઈ મિત્રોને પણ ચીડવવા નહિ, નામ ન પાડવાં.
- આપણી ભૂલને તુરંત સ્વીકારતાં શીખવી.
- ભાઈ કે બહેન સાથે કે અન્ય સાથે મારઝૂડ ન કરવી.
- આપણાથી કોઈ દુભાઈ જાય તો નમ્ર ભાવે તેમની માફી માંગી લેવી.
- ઘરના કામકાજમાં મદદરૂપ થવું.
(2) યુવકો માટે :
- ઘરના કોઈ સભ્યો સાથે તોછડાઈભરી વાણી ન ઉચ્ચારવી.
- બિનજરૂરી ખર્ચા ઓછા કરી, કરકસર કરી, ઘરની આર્થિક સહાયમાં મદદ કરવી.
- માતાપિતાને ટેન્શનમાંથી, નોકરી-ધંધામાંથી ધીરે ધીરે નિવૃત્ત કરવાં અને આપણે જવાબદારી વહન કરવી.
- આપણા કરતાં મોટાં હોય, વડીલ હોય તેની મર્યાદા રાખવી, માન આપવું, આદર કરવો અને બેસવા માટે, સૂવા માટે યોગ્ય સ્થાન આપવું.
- માતાપિતાને કહ્યા વગર ઘરની બહાહ કે મિત્રો સાથે ફરવા ન જવું.
- આપણા ભણતર અંગે, હરવા-ફરવા અંગે માતાપિતા કંઈક પૂછે તો સાચો અને વિવેકપૂર્ણ ઉત્તર આપવો.
- માતાપિતા કે ઘરના મનુષ્ય ઉપર હાથ ન ઉપાડવો.
- આપણા ઘરે આવેલા મહેમાનને મીઠો આવકાર આપવો, આગતા-સ્વાગતા કરવી.
- કોઈ પણ સભ્યો સાથે કટાક્ષમાં વાત ન કરવી, કોઈની મશ્કરી ન કરવી.
- આપણાથી નાનાં ભાઈ-બહેનને જોઈતી વસ્તુ આપી રાજી કરવાં.
- નાનામોટાના બે શબ્દોને સહન કરતાં શીખીએ.
(3) વાલીઓ માટે :
- આપણાં વડીલ માતાપિતા સાથે બેહૂદું વર્તન ન કરવું; નહિ તો આપણો બાળક આપણામાંથી એવી જ પ્રેરણા લેશે અને આપણી સાથે એવું જ વર્તન કરશે.
- બાળકોની હાજરીમાં તો ઝઘડા-કંકાસ, મારઝૂડ ન જ કરવાં.
- આપનો બાળક કોઈની સાથે મારઝૂડ કરે કે સામો થઈ આવે તો રાજી ન થાવ કે કેવો બહાદૂર છે ! એને રોક-ટોક કરો. વિવેક શિખવાડવો.
- નાનપણથી બાળકોને સંસ્કાર આપવા; જેવા કે,
1. કોઈની સામું ન બોલાય
2. કોઈનું અંતર દુભાય એવું ન બોલવું
3. જુઠ્ઠું ન બોલાય
4. કોઈનાં નામ ન પડાય
5. અપશબ્દો ન બોલાય
6. નાનીમોટી વસ્તુની ચોરી ન થાય
- આપના બાળકનો તિરસ્કાર ન કરો, તરછોડશો નહિ, નાની નાની વાતમાં બાળક ઉપર અકળાઈ ન જવું.
- બાળકના ઉત્સાહને કદી તોડી ન નાખો. બાળકની લાગણીને સમજવી.
- બાળકને જરૂર છે આપના પ્રેમની, હૂંફની. માટે એની સાથે સમય કાઢો.
- આખા દિવસનો બળાપો-ઊભરો ઘરનાં મહિલાસભ્ય ઉપર ન કાઢવો.
- બાળકને આપનો ઉપદેશ જેટલો અસર નથી કરતો એટલું આપનું વર્તન વધુ અસરકારક બને છે. એ આપના જીવનમાંથી ઘણું બધું શીખે છે.
- બાળકની હાજરીમાં અજુગતું કે વિષયાસક્ત વર્તન પણ ન કરવું. આપનો બાળક ભલે નાનો છે પરંતુ એ બધું જ સમજે છે.
(4) વડીલો માટે :
- આપણો સ્વભાવ થોડો શાંત કરીએ. નાની નાની વાતમાં ક્રોધાવેશમાં આવી ન જવું.
- ઘરના વડીલ તરીકે ઘરમાં સંપ અને આત્મીયતા કરાવવામાં મદદરૂપ થઈએ.
- નાની નાની વાતમાં દખલગીરી કરવી નહીં.
- નાની વાતને મોટું સ્વરૂપ આપવું નહિ, રજનું ગજ ન કરવું.
- વણમાંગી સલાહ આપ્યા કરવી નહીં.
- દીકરો મોટો થયો એટલે એની સાથે પણ પ્રેમથી વાત કરવી, તોછડાઈભર્યું વર્તન કરવું નહીં.
- રસોઈમાં કાંઈક ખારું, મોળું રહી ગયું હોય તો કજિયા-કંકાસ ન કરવા, થોડું ચલવી લેતાં શીખવું; પ્રેમથી ટકોર કરવી.
- નાની નાની વાતમાં કોઈને રોક-ટોક ન કરવી.
- નાના બાળકની જેમ કોઈ પણ વાતની જીદ ન કરવી.
(5) મહિલા વર્ગ માટે :
- સાસુએ પોતાની પુત્રવધૂને દીકરી તરીકે સ્વીકારી એની સાથે યોગ્ય વર્તન કરવું અને પુત્રવધૂએ સાસુને મા તરીકે સ્વીકારી મર્યાદા જાળવવી તથા યોગ્ય વર્તન કરવું.
- પોતાના ઘરે આવેલ પુત્રવધૂના દોષો, અવગુણો અન્યની આગળ ગાવ નહીં. એ જ રીતે પુત્રવધૂએ પોતાની સાસુના દોષો, અવગુણો અન્યને કહેવા નહીં.
- પુત્રવધૂ તરીકે સાસુમા દ્વારા થતી રોક-ટોક ને ભાર-ભીડાને સહન કરવાં. એમના માટેનો આદર ગુમાવવો નહીં.
- સાસુએ પુત્રવધૂને નાની નાની વાતમાં ટોક-ટોક કરી કજિયા-કંકાસ ન કરવા. ભૂલ થાય તો એને સમજાવતાં શીખવું.
- બસ, આપણા પરિવારમાં દરેક સભ્ય વ્યક્તિગત જીવનમાં આવો વિનય અને વિવેક કેળવે તો આપણા ઘરમાં સંપનું સર્જન થશે. અંતમાં આ પંક્તિને લક્ષ્યાર્થ કરીએ.
“ઐસી બાની બોલીએ, મન કા આપા ખોય;
ઓરન કું શીતલ કરે, આપ હું શીતલ હોય.”