સહનશીલતા - ૪
June 7, 2013
સમૂહમાં પ્રાર્થના
આધ્યાત્મિકમાર્ગમાં પ્રાર્થના એ તમામ પ્રશ્નો, મૂંઝવણો, દુઃખ, આધિ, વ્યાધિ, ઉપાધિમાંથી મુક્ત થવાની અક્સીર દવા છે. પ્રાર્થનામાં એક અનોખી શક્તિ સમાયેલી છે. આધ્યાત્મિકમાર્ગનાં તમામ સાધનો પ્રાર્થનાની આગળ ઝાંખાં પડી જાય છે. પ્રાર્થનાનું જેટલું મૂલ્ય સમજીએ તેટલું ઓછું જ છે, કારણ...
પ્રાર્થના એટલે નોધારાનો એકમાત્ર આધાર.
પ્રાર્થના એટલે અંતરનો પોકાર, ભીખ.
પ્રાર્થના એટલે અહમ્ શૂન્ય અવસ્થા.
પ્રાર્થના એટલે કાકલૂદી, અંતરનો વલોપાત.
પ્રાર્થના એટલે ખારા સમુદ્રમાં મીઠી વરડી સમોં પ્રગતિમાર્ગ.
પ્રાર્થના એટલે પ્રભુ સાથેનો અંગત સંબંધ, એકાંત.
આવી આધ્યાત્મિક માર્ગની અક્સીર દવા એટલે પ્રાર્થના. પ્રાર્થનાની જરૂર દરેકના જીવનમાં પડે છે. પછી ચાહે તે સત્સંગી હોય કે કુસંગી. પરંતુ એને પ્રાર્થનાની તો જરૂર પડે જ છે. ડોક્ટરો પણ જ્યારે દર્દીને બચવાની કોઈ શક્યતા ન હોય ત્યારે છેલ્લા વાક્યમાં એક જ વાત કરે છે, “બચવાની કોઈ શક્યતા નથી, આ કેસ અમારા હાથમાં નથી. ભગવાન કરે તે ખરું. માટે ભગવાનને પ્રાર્થના કરો.”
પરંતુ જીવનમાં એવી કોઈ આકરી પળો આવે ત્યારે પ્રાર્થના જ આપણા જીવનનો આધાર બની જાય છે. સાચાભાવની પ્રાર્થના જ આપણા સુખની ચાવી બની જાય છે અને જીવનમાં એક ચમત્કાર સર્જી દે છે.
જાણીતા ન્યુરોસર્જન બેન કાર્સનના જીવનમાં પણ પ્રાર્થના જ ઉજ્જવળ ભવિષ્યનો ચમત્કાર બની રહી હતી. બેન કાર્સન એક ગરીબ પરિવારના હતા. ગામડાની સ્કૂલમાં સારા ટકા આવવાથી તેમણે શહેરની એક કોલેજમાં એડમિશન મેળવ્યું. ગામડાની સ્કૂલમાં તો તેઓ પરીક્ષાના અગાઉના દિવસોમાં થોડી ગોખણપટ્ટી કરી સારા માર્ક્સ લાવતા. પરંતુ તેમની આ રીતથી કોલેજમાં ન ફાવ્યા. વાર્ષિક પરીક્ષા નજીક આવી ગઈ. દરેક વિષયમાં થોડીઘણી તૈયારી થઈ હતી, પરંતુ કેમિસ્ટ્રીમાં કશું જ આવડતું નહોતું. થોડીઘણી ફોર્મ્યુલા ગોખવાનો પ્રયત્ન કર્યો, પરંતુ બધું વ્યર્થ જાય. કશું જ યાદ ન રહે. ખૂબ ધ્યાનથી વાંચવા માંડ્યું. પરંતુ આખું વર્ષ કોઈ મહેનત કરી નહોતી એટલે કાંઈ સમજાય નહીં.
અંતિમ ઉપાય રૂપે તમણે ભગવાનને પ્રાર્થના કરી કે, “હે ભગવાન ! મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. આપને નિષ્ફળ બનાવવા માટે અને મારી જાતને પણ નિષ્ફળ બનાવવા માટે મને માફ કરો. આપ મારા કાર્યમાં મદદરૂપ થાવ.” આટલી પ્રાર્થના કરી તે સૂઈ ગયા. અચાક તેમને એક સ્વપ્નું આવ્યું કે, તેઓ કેમિસ્ટ્રીના વર્ગમાં એકલા બેઠા છે. અચાનક એક દિવ્ય વ્યક્તિ બારણું ખોલી અંદર પ્રવેશી બોર્ડ ઉપર કેમિસ્ટ્રીના દાખલા સમજાવે છે. તેઓ પોતે પણ નોટમાં બધુ લખી રહ્યા છે. થોડી વારમાં આ સ્વપ્નું પૂરું થઈ ગયું. જાગીને જુએ તો કોઈ નહીં. પરંતુ બોર્ડ પર ગણાવેલા બધા જ દાખલા તેમને યાદ હતા. તેમણે તુરત પોતાની નોટમાં તે ઉતારી લીધા.
બીજા દિવસે કોલેજમાં પરીક્ષા આપવા માટે આવે છે. બેન કાર્સનને અંદર ગભરાટ છે કે મારું શું થશે ? પ્રોફેસરે બધાને પ્રશ્નપત્ર આપ્યાં. પ્રશ્નપત્ર ખોલતાં તેમનું હૃદય એક આંચકા સાથે બંધ થઈ ગયું હોય તેવો અનુભવ થયો. રાત્રે દિવ્ય વ્યક્તિએ જે દાખલા ગણાવ્યા હતા એ જ બધા દાખલા પેપરમાં હતા. તેમણે ફટાફટ બધા પ્રશ્નોના ઉત્તર લખી નાંખ્યા. અંતરમાં કોઈ દિવ્ય અને રોમાંચિત સુખનો અનુભવ થતો હતો. તેમણે ફરી ભગવાનને પ્રાર્થના કરી કે, “હે ભગવાન ! આપે તો ચમત્કાર કર્યો, પરંતુ હવે હું તમને ક્યારેય આવી પરિસ્થિતિમાં નહિ મૂકું. મારું જીવન બદલી નાંખીશ.”
તે વિશ્વવિખ્યાત યેલ યુનિવર્સિટીમાં ખૂબ ખંતથી ભણ્યા અને માત્ર ડોક્ટર નહિ પણ ન્યુરોસર્જન બન્યા. તેઓ હાલ મશહૂર જૉન હોપકિન્સ ઈન્સ્ટિટ્યૂટમાં પીડિયાટ્રિક ન્યુરોસર્જરી વિભાગમાં ડોક્ટર છે.
સાચા ભાવે અંતરની ઊર્મિઓથી પોતાની ભૂલનો એકરાર કરીને તેમણે પ્રાર્થના કરી હતી. પ્રાર્થના કયા ભગવાનને કરું છું તે પણ ખબર નહોતી. છતાંય જો તેમના જીવનમાં આવો બદલાવ આવતો હોય તો આપણને મળેલા સર્વોપરી સનાતન ભગવાન સ્વામિનારાયણને સાચા ભાવે ખરેખર પ્રાર્થના કરવામાં આવે તો શું ન થઈ શકે ? કઈ મુશ્કેલી કે ક્યું દુઃખ ઊભું રહે ?
વિકટ સમયે સાચા ભાવની પ્રાર્થનાથી પરિસ્થિતિ પલટાઈ જાય છે તો હંમેશા નિયમપૂર્વક સાચા ભાવે મહારાજને પ્રાર્થના કરીએ તો એ પ્રાર્થના મહારાજ સુધી જરૂર પહોંચે અને મહારાજ આપણા જીવનમાં કોઈ મુશ્કેલી જ ન આવવા દે. દુઃખ, મૂંઝવણ, ઉપાધિ આવે અને ઠોકરો ખાધા પછી પ્રભુને પ્રાર્થના કરવી એના કરતાં નિત્ય પ્રત્યે ભગવાનને પ્રાર્થના કેમ ન કરીએ ? જેથી દુઃખ, મૂંઝવણ, ઉપાધિને સફર કરવી જ ન પડે.
પ્રાર્થના બોલવી અને સાચા ભાવે પ્રાર્થના કરવી આ બે વચ્ચે બહુ મોટી ભેદરેખા છે. પ્રાર્થના બોલવી એટલે શબ્દોનું જાળું છે જે માત્ર ક્રિયાત્મક હોય છે. એનાથી ભગવાન અને ભક્ત વચ્ચે કોઇ સેતુ નથી બંધાતો. એનું ફળ પણ શૂન્ય કે નહિવત જ મળે છે. જ્યારે સાચા ભાવે અંતરથી પ્રાર્થના કરવી એ આત્માનો પરમાત્માને પોકાર છે જેમાં શબ્દની માયાજાળ નહિ, પરંતુ અંતરની સાચી લાગણીથી પ્રભુને રીઝવવાનો ભાવ હોય છે. સો વખત પ્રાર્થના બોલવા કરતાં એક વખત પ્રાર્થના સાચા ભાવે કરાય તો તેનું મુલ્ય અનંતગણું વધી જાય છે.
પ્રાર્થનાના પણ બે પ્રકાર છે. એક સામૂહિક પ્રાર્થના અને બીજી વ્યક્તિગત પ્રાર્થના. અંગત પ્રાર્થના એ જ ઉત્તમ ઉપાય છે. તેમ છતાં સમૂહપ્રાર્થનાનું મૂલ્ય પણ કાંઇ ઓછું નથી. સમૂહપ્રાર્થનામાં પણ એવી જ અદ્ભુત શક્તિ સમાયેલી છે. જેના સંદર્ભે શ્રીજીમહારાજે ગઢડા પ્રથમ પ્રકરણના 25મા વચાનામૃતમાં કહ્યું છે કે,
“જેમ કોઇ કૂવો હોય ને તે ઉપર વીસ કોશ ફરતા હોય ને તેનો પ્રવાહ જુદો જુદો ચાલતો હોય ત્યારે તે પ્રવાહમાં જોર હોય નહિ, અને તે વીસે કોશનો પ્રવાહ ભેળો કરીએ તો નદીના જેવો અતિશે બળવાન પ્રવાહ થાય તે કોઇનો હઠાવ્યો પાછો હઠે નહીં.”
વ્યક્તિગત પ્રાર્થનામાં પણ જો અદ્ભુત શક્તિ સમાયેલી હોય તો જ્યારે આખો સમૂહ ભેગો થાય અને પછી જે પ્રાર્થના થાય એમાં કેટલું બળ હોય એ તો આ દ્રષ્ટાંત દ્વારા સ્વાભાવિક રીતે સમજી શકાય તેમ છે. માટે દિવસ દરમ્યાન ભલે આપણે એકલા અંગત પ્રાર્થના કરતા હોઇએ, પરંતુ દિવસમાં ઓછામાં ઓછી એક વાર તો સમૂહમાં પ્રાર્થના કરવાની ટેવ પાડીએ જ. અને એ પણ ઘરસભા કરતા હોય તેના માટે તો સાવ સરળ છે. ઘરસભામાં સમૂહપ્રાર્થના આવી જ જાય છે. તેમ છતાં ઘરસભા તો અઠવાડિયામાં બે દિવસ કરવાની છે, પરંતુ સમૂહપ્રાર્થના તો રોજ કરીએ. એનાથી ઘણા ફાયદા છે. આપણાં અનેક દુ:ખો, મૂંઝવણો, પ્રશ્નો આપમેળે હલ થઇ જશે.
સમૂહમાં પ્રાર્થના કરવી એ અતિ આવશ્યક બાબત છે; અને એટલે જ તો આપણે ઘણા બધા પ્રસંગોમાં અંગત પ્રાર્થના કરતાં સમૂહમાં પ્રાર્થના કરવા ઉપર વિશેષ ભાર મૂકીએ છીએ; જેવા કે, (1) નૂતન વર્ષના પ્રારંભે, (2) મંદિરમાં મૂર્તિઓની પ્રતિષ્ઠા હોય ત્યારે, (3) કોઇ પણ પ્રતિજ્ઞા (શપથ) લેવાની હોય ત્યારે, (4) આકસ્મિક સંજોગોમાં કુદરતી આફત આવી પડે ત્યારે, (5) શારીરિક, તબિયત અતિશે ગંભીર હોય ત્યારે. આવા ઘણા બધા સંજોગોમાં આપણે સમૂહપ્રાર્થના જ કરતા હોઇએ છીએ.
માટે આજે જ સંકલ્પ કરો કે ઘરના સભ્યોમાં આત્મીયતાનું નિર્માણ થાય; ઘરમાં કોઇ જ પ્રકારના પ્રશ્નો, ઝઘડા-કંકાસ ન સર્જાય; આપણો દશકો કદી બદલાય જ નહિ અને મહારાજ ને મોટાપુરુષનો આપણા ઉપર, આપણા પરિવાર ઉપર નિરંતર રાજીપો વરસ્યા કરે તે માટે દિવસમાં એક વખત તો સમૂહમાં પ્રાર્થના કરવી જ છે.
વિશેષ દ્રઢતા માટે :-
આ વિષયને આનુષંગિક સંશ્થામાંથી ઉપલબ્ધ પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીનાં દ્રશ્ય-શ્રાવ્ય (CD-VCD) પ્રકાશનો :
- અખંડ ભજન, પ્રાર્થના અને ખટકો
- આત્મીયતા કરવા કરીએ ઘરસભા