સહનશીલતા - 8 (ક્ષમા નથી માંગી શકતા કે નથી આપીએ શકતા તેનાં કેટલાંક કારણો)
July 19, 2013
- ક્ષમા નથી માંગી શકતા કે નથી આપીએ શકતા તેનાં કેટલાંક કારણો :
- દેહાભિમાન :
“હું જ સાચો છું.”, “મારી રીત જ યોગ્ય છે.”, “મારા જેવું સારું બીજા કોઇથી ન થઇ શકે.” – એવું રહેતું હોય તે જ આપણું દેહાભિમાન છે. આપણા રોજબરોજના જીવનમાં આ જ દેહાભિમાનની પુષ્ટિ કરતા વિચારો આવતા હોય છે. એમાં જો ક્યાંક કોઇ વ્યક્તિ આપણા દેહાભિમાનનું ખંડન કરે ત્યારે ખૂબ દુ:ખ લાગે છે. એ સમયે કોઇ આપણને આપણી ભૂલ બતાવે તો આપણી ભૂલ નથી દેખાતી. અને ઉપરથી તેમના અવગુણ દેખાય છે. તો પછી તેમની માફી તો મંગાય જ ક્યાંથી ?
સમૂહની વચ્ચે આપણું સ્થાન જાળવી રાખવા કે આપણી આગવી પ્રતિષ્ઠા ઊભી કરવા માટે પણ કેટલીક વાર કોઇની અલ્પ ભૂલને ભૂલી જવાને બદલે મોટું સ્વરૂપ અપાતું હોય છે. આપણી ગમે તેટલી ભૂલ હોવા છતાં આપણને દેખાતી જ નથી. ત્યારે પોતાના અહંકારને કારણે કોઇની ભૂલને માફ કરી શકતા નથી કે બે હાથ જોડી નિર્માની થઇ આપણી ભૂલનો સ્વીકાર કરી શકતા નથી.
- પૂર્વાગ્રહ :
કોઇ વ્યક્તિનાં વાણી અને વર્તને કરીને તેના માટે કોઇક પૂર્વાગ્રહ બંધાઇ જતો હોય છે કે “આ વ્યક્તિ તો આવી જ છે.” “એની ક્રિયા તો આવી જ છે.” “એનામાં તો કોઇ પ્રકારનો માલ નથી.” “એ તો મારા માટે કાયમ નકારાત્મક વિચાર જ કરતો હોય છે.” “મારું હંમેશાં ખરાબ જ ઇચ્છતો હોય છે.” પરિણામે તે વ્યક્તિને જોતાં જ આ બધા ભાવો આપણા માનસપટ પર તરવરવા માંડે છે. કદાચ તે વ્યક્તિ આપણા હિતની વાત કરે કે આપણું હિત થાય તેમ કરતી હોય તોપણ તેનો આપણને સ્વીકાર થતો નથી. ક્યાંક આપણી ભૂલ બતાવે તો આપણને તેમના શબ્દો તીરની જેમ વાગતા હોય છે અને તેમની હાજરી કાંટાની જેમ ખૂંચતી હોય છે. તેમની આગળ ભૂલનો જ સ્વીકાર નથી થતો તો તેમની માફી કેવી રીતે મંગાય ?
તેમને વિષે બંધાઇ ગયેલા નકારાત્મક પૂર્વાગ્રહને કારણે એ વ્યક્તિની ક્ષમ્ય ભૂલ હોય ને તે સામે ચાલીને માફી માંગતો હોય તોપણ તેને માફી આપી શકતા નથી કે તેની ભૂલને પણ ભૂલી શકતા નથી. ઉપરથી તેને ફજેત કરવાનો પ્રયત્ન થતો હોય છે.
- દેહદ્રષ્ટિ :
કારણ સત્સંગમાં આપેલા દરેકના ચૈતન્યને મહારાજ અને મોટાપુરુષે વર્તમાન ધરાવી અનાદિમુક્ત કર્યો જ છે. પરંતુ તેમના વિષે દેહદ્રષ્ટિ રહે છે એટલે તેમનાં સ્વભાવ-પ્રકૃતિ, ભૂલો, દોષો આ બધું દેખાયા જ કરે છે. કારણ કે, દેહભાવ એટલે અનંત દોષોનો સરવાળો. દેહદ્રષ્ટિની જ વારંવાર પ્રેક્ટીસ થયા કરે છે. તેથી તેમનો મુક્ત તરીકેનો મહિમા સમજી શકાતો નથી. તેમને સામાન્ય જગતના દેહધારી જીવો જેવા જ મનાય છે. તેથી તેમની આગળ ક્યાંક માફી માંગવાની થાય તો દાસ થઇને માફી માંગી શકતા નથી.
દીવાન ગમે તેટલો મોટો હોય તોપણ રાજાના દીકરાને સલામ ભરે છે. એની આગળ દાસ થઇ જાય છે. એમ સંતો-ભક્તો, પરિવારના સભ્યો સૌને વિષે જ્યારે પરભાવનો મહિમા સમજાય તો આપમેળે તેમના દાસ થઇ જવાય. તેમની માફી માંગી શકાય. અને કદાચ તેમનાથી કોઇ નાનીમોટી ભૂલ થઇ ગઇ હોય તો તેને ભૂલી જઇ માફ પણ કરી શકાય.
- રાજી કરી જ લેવા છે – એવો મક્કમ નિર્ધાર નથી :
આપણા જીવનમાં જો આપણે કોઇ વસ્તુ મેળવવા કે ડિગ્રી મેળવવા માટે મક્કમ નિર્ધાર કર્યો હોય તો યેન કેન પ્રકારેણ ગમે તેમ કરીને પણ તેને મેળવીએ છીએ. કોઇકની આગળ કગરવું પડે તો કગરીને, નમીને, ગરજુ થઇને પણ મેળવીએ છીએ. કારણ કે મક્કમ નિર્ધાર કર્યો છે. પરંતુ સત્સંગમાં મહારાજ અને મોટાપુરુષના રાજીપા વગર કશું જ શક્ય નથી. એવું જાણતા હોવા છતાં રાજીપાના માર્ગે આગળ નથી ચલાતું, કારણ કે રાજી કરી જ લેવા છે એવો મક્કમ નિર્ધાર નથી કર્યો.
જો રાજીપાના માર્ગે મક્કમ નિર્ધાર થાય તો નાનામાં નાનાના દાસ થવામાં પણ કોઇ શરમ કે સંકોચ ન લાગે. કોઇ આગળ પોતાનું અસ્તિત્વ જ ન રહે અને દાસ ભાવે સૌની માફી માંગી શકાય. પરંતુ જ્યાં સુધી રાજીપાના માર્ગે મક્કમ નિર્ધાર નથી કર્યો ત્યાં સુધી કોઇની માફી નથી માંગી શકાતી. ઉપરથી પહેલાં એ માફી માંગે તો હું માફી માંગું અથવા એને આમ કરવું જોઇએ ને – એવો વાદવિવાદ થાય છે.
એકમાત્ર રાજીપા સામે જ અખંડ દ્રષ્ટિ થઇ જાય તો સૌની માફી માંગી શકાય છે. એની આગળ પોતાનો કોઇ ઠરાવ કે આંટી પણ રહેતાં નથી અને બધાયની ભૂલોને ભૂલીને તેમને માફ કરી ‘હશે હશેની ભાવના’ કેળવી સૌની સાથે દિવ્ય આત્મીયતાનું સર્જન કરી શકાય છે.
આમ, આટલી કસરો ટાળીએ તો સહેજે જ ક્ષમા માંગી શકાય અને ક્ષમા આપી શકાય. અને એ થાય તો ‘હશે હશેની ભાવના’ સહેજે રહે અને ‘હશે હશેની ભાવના’ રહે તો સહનશીલતાના ગુણને આવકારવો ન પડે, આવી જ જાય અને સહનશીલતા આવી ત્યાં સૌને સાથે સંપીને રહેવાય જ. સૌની સાથે સંપીને રહેવાય તો મહારાજ રાજી, રાજી ને રાજી...