સહનશીલતા - 9 (નમો અને સૌનું ખમો-1)

  July 31, 2013

સાંસારિક જીવન જીવતી કોઈ પણ વ્યક્તિને પૂછવામાં આવે કે, “તમારી સંપત્તિ ગણાવો.” તો સામાન્ય રીતે શું ગણાવશે ? તો રૂપિયા, દાગીના, મકાન, જમીન, ફર્નીચર, વાહન, ધંધાનો વ્યાપ, શેર, - આવી મિલકતોને વ્યક્તિ પોતાની સાચી સંપત્તિ ગણે છે. હરહંમેશ આ સંપત્તિનો ચઢતો ને ચઢતો ક્રમ રહે એવી ઘેલછા દરેકને રહે છે. આ સંપત્તિમાં ઘટાડો થાય તો કોઈનેય માન્ય હોતું નથી.

આ સંપત્તિનો ચઢતો ક્રમ રાખવાનો કોઈ કીમિયો ખરો ? હા... હા... હા... કેમ નહિ ? વ્યવહારમાર્ગ કે પછી અધ્યાત્મમાર્ગ હોય, પરંતુ જ્યાં સંપ હોય ત્યાં સતત ચઢતો ક્રમ હોય જ છે. પારિવારિક સંપ એ જ પરિવારનું ઊજળું ભવિષ્ય છે.  જે પરિવારમાં સંપ હોય તેનો દશકો ક્યારેય બદલાતો નથી.

સંપીને રહેવાની ઈચ્છા તો હરકોઈને હોય છે. કોઈને કુસંપ ગમતો નથી છતાં સંપીને રહેવાતું નથી. સંપીને રહેવાની ઈચ્છા હોવા છતાં આપણો અહમ્ આપણી આ ઈચ્છાના ચૂરેચૂરા ઉડાડી દે છે.

સ્વતંત્ર જીવન જીવવાની ખેવના કરતી આજની યુવાપેઢી હોય કે પછી વડીલવર્ગ હોય, પરંતુ કોઈને કોઈની રોકાણી-ટોકણી કે સલાહના બે શબ્દો સાંભળવા ગમતા નથી. તો પછી ત્યાં નમવા કે ખમવાની વાત જ ક્યાં રહી ? આજે કેટકેટલાય પરિવારોમાં સર્જાતા કુસંપ અને કંકાસનું કારણ તપાસીએ તો એમાં એકબીજાને નમી દેવાની અને બે શબ્દ ખમી લેવાની તૈયારી જણાતી નથી, જેથી સંપભર્યું વાતાવરણ સર્જાતું નથી.

લગ્ન થયે હજુ બે મહિના થયા હતા અને પતિપત્ની વચ્ચેના ઝઘડાએ મોટું સ્વરૂપ ધારણ કરી લીધું. કારણ એટલું જ કે પતિએ પોતાની પત્નીને રસોઈ બાબતે ટકોર કરી. પ્રસંગ જાણે એમ હતો કે રસોઈમાં બે-ત્રણ દિવસથી ઠીક આવતું નહોતું. એટલે જમાડતી વખતે મિતેશભાઇએ ટકોર કરી, “રસોઈ કેમ આવી બને છે ?” આવું બીજા બે-ત્રણ દિવસ ચાલ્યું. બે દિવસથી મિતેશભાઇની ટકોરને એમની પત્નીએ સાંભળી, પણ ત્રીજા દિવસે ના રહેવાયું અને વળતો ઉત્તર આપ્યો, “રસોઈ જેવી આવડે છે એવી બને છે ! ભાવતું હોય તો જમો.”  ઉત્તર સાંભળી મિતેશભાઇથી ન રહેવાયું એટલે બોલ્યા, “તારા કરતા તો નોકરાણી રાખી હોય તો એય સારી અને પ્રેમથી રસોઈ જમાડે.” વળતો જવાબ તૈયાર જ હતો. “તો પછી રાખી લો નોકરાણીને.” આટલી વાતમાં બંને વચ્ચે ઘર્ષણ ચાલુ થયું અને ચાર મહિના તો માંડ પૂરા થયા અને અંતે પરિણામે આવ્યું છૂટાછેડા !

સમૃદ્ધ અને સુખી પરિવારમાં નવી પૂત્રવધુનો પ્રવેશ થયો. સાસુમા સહજ સ્વભાવે પૂત્રવધુના કામમાં વણમાંગ્યા સલાહ-સૂચન આપ્યા કરે, ટોક્યા કરે. બે-ત્રણ દિવસ તો આ રોકાણી-ટોકણીમાં માંડ કાઢ્યા અને એક પ્રસંગે પૂત્રવધુથી ન રહેવાયું ને પોતાની સાસુમા સામે જીભ ઉપાડી. સાસુ અને વહુ સામસામે આવી ગયા. શબ્દોના બાણ સામસામે આવી વરસવા લાગ્યાં. સાસુમાએ કહ્યું કે, “મારા દીકરાને આવવા દે; પછી તાતી વાત છે.”

ઓફિસના કામથી કંટાળેલો દીકરો સાંજે ઘરે આવે છે. ઘરે આવતાની સાથે દીકરાની મા એને વહુના વિરોધમાં કાન-ભંભેરણી કરે છે. કાચા કાનના દીકરાએ ઘટનાની ઊલટતપાસ કાર્ય વિના ઘરમાં આવેલી પોતાની પત્નીને ઢોર માર માર્યો. શાંતિમય જીવન જીવવાના શુભ હેતુથી જોડાયેલા દંપતીના જીવનમાં હુંસા-તુંસી, તું-તારી અને મારઝૂડનો થયો પ્રવેશ. અને ઘરમાં દિવાળીનો આનંદ હોળીના દુ:ખમાં ફેરવાઈ ગયો.

દીપકભાઈ એમના મિત્રો સાથે બેઠા બેઠા વાતોના ગપાટા ને ટોળટપ્પા કરતા હતા. દીપકભાઈના પિતાશ્રી આ જોતા નજીક આવ્યા અને થોડા કડક શબ્દોમાં દીપકભાઈને ટકોર કરી. અત્યારે અ યુવાનીના ઉંબરે ભણીગણીને જીવન કેળવવા બાબતે થોડા સલાહસૂચનો આપ્યા. પોતાના પિતાશ્રીનાં બે વેણ તેમનાથી ખમાયાં નહિ અને તેઓ એ જ રાત્રે ઘર છોડીને ચાલ્યા ગયા. જ્યાં માત્ર શબ્દો નથી ખમાતા ત્યાં પોતાની ભૂલનો સ્વીકાર કરી નમવાની વાત જ ક્યાં હોય ? તો પછી ત્યાં સંપ કેવી રીતે શક્ય છે ?

આવાં તો પાને પાના ભરાઈ જાય એટલા પ્રસંગો રોજના સર્જાતા હોય છે. જેમાં એક ખૂટતી કડી હોય છે ‘સામેની આગળ નમી જવાની ભાવના’ અને ‘કોઈના બે શબ્દો ખમી લેવાની ભાવના’.  આ ભાવનાના અભાવે જ બહુધા આપણી વાણીમાં અસંયમ ઊભો થતો હોય છે. પછી પરિણામે શું આવે છે ? તો હાડકા વગરની જીભ અનેકના હાડકા તોડી નાખે છે. એટલે જ અંગ્રેજીમાં લેખકે કહ્યું છે કે,

“A Tongue without bone has a power to break many bones.”

અર્થાત્ “હાડકા વગરની જીભમાં અનેકના હાડકા તોડી નાખવાની શક્તિ છે.”

એક વખત સંતો એક હરિભક્તને ત્યાં પધરામણી માટે પધાર્યા. આરતી-પૂજન દરમ્યાન આ હરિભક્તના ઘરનાએ સાથે આવેલા હરિભક્તો પાસે પ્રાર્થના રૂપે એક સૂચન મોકલ્યું કે, “અમારે મોટાભાઈ સાથે એક નાની બાબતમાં અણબનાવ બન્યો હતો. એ પ્રસંગ પછી તેઓએ મોટાભાઈ સાથે અબોલા લઇ લીધા છે. અત્યારે મોટાભાઈ માફી માગી સામેથી બોલવા માટે તૈયાર છે. પરંતુ તેઓ ના પડે છે. માટે બંને ભાઈઓ વચ્ચેના અબોલા તૂટે અને અમારા પરિવારમાં સંપ થાય એવી ભલામણ કરશો.”

સંતો થોડી વાર પેલા હરિભક્ત પાસે બેઠા અને કહ્યું કે, “આજે સ્વયં શ્રીજીમહારાજ અને સંતો આપના ઘરે પધાર્યા છે તો તમારે એક વાત માનવાની છે.” “શું ?” “તમારે તમારા મોટાભાઈ સાથેના અબોલા છોડી દઈ એમની માફી માગી, તમારે સામેથી એમને બોલાવવાના છે. ભલે ગમે તે પ્રસંગ બન્યો હોય તોય શું થઇ ગયું ? તમે નમી જાવ, એમના બે શબ્દોને ખમી લો. ભાઈ તો તમારા જ છે ને ? ક્યાં બીજાના છે ?”

સંતોના ભલામણના એટલા શબ્દો જાણે તેમની ઉપર થતા વજ્ર પ્રહાર જેવા લાગ્યાં અને લાલ-પીળા થઇ ગયા અને મોં બગડતા બોલ્યા કે, “સ્વામી ! રાજી રહેજો. એ બહુ અઘરું છે. આ નહિ બને.” “કેમ ?” “સ્વામી, એ એના મનમાં સમજે છે શું ? એ મને એવા શબ્દો બોલે જ શાનો ? હું પણ બતાવી દઈશ કે હુંય કંઈ કમ નથી. મારે એમની કોઈ ગરજ નથી.”

અહમ્ ના ઓડકારમાંથી સરતા આવા વચનોથી સંતોની મર્યાદા પણ ન રહી અને તેમનું વચન પણ ન માન્યું. પરંતુ એ જ વખતે તેઓ નમી ગયા હોત તો ? શ્રીજીમહારાજ અને સંતોના રાજીપાના પાત્ર બની ગયા હોત. કુટુંબનો કુસંપ ટળી જાત માટે કહ્યું છે ને,

“જે હાર પામે હરિભક્ત સાથ, તેને રીઝે શ્રીહારી સૌના નાથ,

તે તો નહિ હાર સુવર્ણ હાર, શોભા વધે તે થાકી અપાર.

માતાપિતા કે ગુરુ સંત સંગે, જે માનવી વાદ વદે ઉમંગે;

 તેનાથી જીત્યો જન એ જ હાર્યો, હારી છૂટ્યો એ જ જીત્યો જ ધારો.”

(શ્રીહરિલીલામૃત : કળશ-૮ના વિશ્રામ-૨૭)

વધુ આવતા અંકે...