સકામ મટી નિષ્કામ થઈએ : 10
January 27, 2020
- સત્સંગમાં નિષ્કામ બનવાનું મહત્ત્વ તથા મહારાજ અને મોટાનો રાજીપો
ત્રણ દેહથી સંપૂર્ણ વિલક્ષણ એવા આત્માની પરમાત્મા એવા સ્વામિનારાયણ ભગવાન સાથે રોમ રોમપણે એકતા કરવી એ જ સત્સંગનો મુખ્ય હેતુ છે. સત્સંગનો મૂળભૂત હેતુ અને અંતિમ લક્ષ્ય જ અનાદિમુક્તની સ્થિતિ પામી મૂર્તિસુખના અનુભવી થવાનું છે. પરંતુ સત્સંગમાં આવનાર દરેક હરિભક્ત આ લક્ષ્ય સુધી પહોંચી શકે એવું નથી બનતું. અવરભાવથી પાછા વળેલા અને પરભાવમાં મૂર્તિસુખને પામવાની ત્વરાથી આગળ વધતા મુમુક્ષુ આ લક્ષ્ય પામી શકે છે.
સત્સંગમાં આવ્યા પછી મુમુક્ષુ બનવા માટે અવરભાવની સર્વે એષણાઓથી પાછા વળી, તેનો ત્યાગ કરી નિષ્કામ બનવું ફરજિયાત છે. સદ્. નિષ્કુળાનંદ સ્વામીએ તેથી જ ‘ધીરજાખ્યાન’ના કડવા-૫માં કહ્યું છે કે,
“ભક્ત થાવું રે ભગવાનના, છે જો કઠણ કામ,
સુખ સર્વે સંસારના રે, કરવાં જોઈશે હરામ;
દેહ ગેહ દારા દામવું, મેલવું મમતા ને માન,
એહમાંથી સુખ આવે એવું રે, ભૂલે ન પડે ભાન.”
અર્થાત્ અહીં ભક્ત કહેતાં ભગવાનને પામવાની ઇચ્છાવાળો મુમુક્ષુ. તેને સંસારનાં સુખ હરામ કરવાં જોઈએ. પોતાની વૃત્તિ સાંસારિક સુખમાંથી પાછી વાળી ભગવાનના સુખ તરફ જોડવી જોઈએ. દેહ-દેહના સંબંધીમાંથી મમતા ટાળી, ભગવાનસંબંધી મમતા કરવી અર્થાત્ સંપૂર્ણ નિષ્કામ બનવું. સદ્. વૃંદાવનદાસજી સ્વામીએ પણ ૧૦૫મી વાતમાં કહ્યું છે કે, “સત્સંગ કરવો તે કેવળ કલ્યાણને અર્થે કરવો પણ આ લોકના સુખ સારુ ન કરવો.”
સકામભાવે કરેલી ભક્તિ એ દાડિયા જેવી ભક્તિ છે. ખેડૂત ખેતરમાં વાવેલા પાકની મસલત માટે દાડિયા (મજૂર) રાખે અને તેને મહેનતના બદલામાં દાડી કહેતાં મહેનતાણું આપે. પરંતુ પોતાના દીકરાને બધો વારસો આપે. કારણ, દાડિયા માત્ર મહેનતાણાના હકદાર છે જ્યારે દીકરો વારસાનો હકદાર છે. સત્સંગમાં આવ્યા પછી અવરભાવનાં લૌકિક સુખ, ઐશ્વર્યની ઇચ્છાથી સકામભાવે ભક્તિ થાય તો તે દાડિયા જેવી છે. આવા સકામને મૂર્તિના સુખરૂપી વારસો ન મળે; એ તો શ્રીજીમહારાજના ખરા નિષ્કામ એવા અનાદિમુક્ત થાય તો જ મળે.
જીવનપ્રાણ બાપાશ્રીએ ભાગ-૧ની ૩૫મી વાતમાં કઠિયારા ભક્તનો નિષ્કામભાવ જોઈ શ્રીજીમહારાજ રાજી થઈ ગયા અને પોતાની મૂર્તિના સુખમાં લઈ ગયા તેની વિસ્તારથી વાત કરી. કઠિયારા ભક્તના નિષ્કામભાવ પર રાજીપો દર્શાવતાં કહ્યું કે, “આવા નિષ્કામ ભક્ત થાય તો શ્રીજીમહારાજ તથા તેમના મુક્ત પ્રસન્ન થઈને આવરદા હોય તોપણ પડી મુકાવીને પોતાની મૂર્તિમાં રાખીને સુખ આપે છે. ને સદા ભેળા રાખે છે. એવા નિષ્કામ થાવું પણ કોઈ પદાર્થની ઇચ્છા ન રાખવી. શ્રીજીમહારાજની મૂર્તિ વિના અક્ષરકોટિ સુધી કોઈની ગણતરી ન રાખવી.”
શ્રીજીમહારાજે અવરભાવમાં રાખ્યા છે ત્યાં સુધી અવરભાવનો વ્યવહાર, સ્થિતિ-પરિસ્થિતિ બધું બદલાતું રહેવાનું. ક્યારેય તેમાં એકધારી સ્થિતિ રહેતી નથી. તેમાં જો સકામભાવ રહી જાય તો સત્સંગમાં વિઘ્ન આવે. માટે શ્રીજીમહારાજે ગઢડા પ્રથમના ૨૧મા વચનામૃતમાં સર્વે સત્સંગીએ સર્વે વાસના ટાળી નિષ્કામભક્તિ કરવાની કહી છે કે, “નાશવંત ને તુચ્છ એવું જે માયિક સુખ તેને ઇચ્છવું નથી ને એમાં કોઈ ઠેકાણે લોભાવું નથી. એવો દૃઢ નિશ્ચય રાખીને, નિરંતર ભગવાનની એકાંતિક ભક્તિ કરવી અને ભગવાનનું અતિશે મહાત્મ્ય યથાર્થ સમજીને, ભગવાન વિના બીજા જે સ્ત્રી-ધનાદિક સર્વે પદાર્થ તેની જે વાસના તેને દેહ છતે જ ટાળી નાખવી.”
પંચમહાલના ગોઠિબ ગામમાં કડવા ભક્ત રહેતા. તેમને અચાનક પેટમાં શૂળનું અસહ્ય દુઃખ ઊપડતું. જ્યારે તેમને દુઃખ ઊપડતું ત્યારે શ્રીજીમહારાજ તેમને દર્શન આપી સામે હસે છતાંય કડવા ભગત એટલી પ્રાર્થના પણ ન કરતાં કે, “હે મહારાજ ! આ મારું દુઃખ મટાડો.”
એક વખત શ્રીજીમહારાજે સામેથી કહ્યું કે, “હે કડવા ભગત ! જો તમે એક વાર એટલું કહો કે મને આ રોગથી રહિત કરો તો હું તમારો રોગ મટાડું.” છતાંય કડવા ભગત સકામ ન થયા. તેમનો નિષ્કામભાવ જોઈ શ્રીજીમહારાજ તેમની ઉપર રાજી થઈ ગયા.
શ્રીજીમહારાજે પણ આવા નિષ્કામ ભક્ત ઉપર રાજીપો દર્શાવતાં ગઢડા છેલ્લાના ૨૮મા વચનામૃતમાં કહ્યું છે કે, “ભગવાનનો ભક્ત હોય ને તેને કોઈક કર્મયોગે કરીને શૂળીએ ચઢાવ્યો હોય ને તે સમયમાં અમે પણ તેની પાસે ઊભા હોઈએ તોપણ તે ભક્તના હૃદયમાં એમ ઘાટ ન થાય જે આ ભગવાન મુંને શૂળીના કષ્ટ થકી મુકાવે તો ઠીક એવી જ રીતે પોતાના દેહના સુખનો સંકલ્પ ન થાય ને જે કષ્ટ પડે તેને ભોગવી લે એવો જે નિષ્કામ ભક્ત તેની ઉપર ભગવાનની બહુ પ્રસન્નતા થાય છે.”
દેહનાં સુખ-દુઃખની અવગણના કરી દૈહિક સુખાકારીના માર્ગથી પાછા વળી જે કેવળ એકમાત્ર મૂર્તિના સુખના ઇચ્છુક બને તેવા ભક્ત પર શ્રીજીમહારાજ અંતરનો રાજીપો વરસાવતા. શ્રીજીમહારાજનો અંતરનો રાજીપો અત્યંત મુમુક્ષુ અને નિષ્કામ ભક્ત એવા માંચાખાચરે મેળવ્યો હતો.
માંચાખાચરની પ્રાર્થનાથી શ્રીજીમહારાજ સૌપ્રથમ વાર કારિયાણી પધાર્યા. માંચાખાચરે શ્રીહરિની ખૂબ ધામધૂમથી પધરામણી કરી. માંચાખાચરની આર્થિક સમૃદ્ધિ કરોડોની હતી. ખેતી, વાડી, ઢોર-ઢાંખર પણ ઘણાં હતાં. પરંતુ તેમની મોક્ષ પામવાની મુમુક્ષુતા ઉત્કૃષ્ટ જોઈ, શ્રીજીમહારાજ ખૂબ રાજી થયા અને કહ્યું, “માંચાખાચર માગો, તમે જે માગશો તે આપીશું.”
માંચાખાચરે પ્રભુની પ્રસન્નતા જોઈ મણા રાખ્યા વગર હાથ જોડીને પ્રાર્થના કરી કે, “હે મહારાજ ! આપ જો રાજી જ હો તો કામ-ક્રોધાદિક અંતઃશત્રુ થકી મારી રક્ષા કરજો. આપના સ્વરૂપ સિવાય બીજે ક્યાંય મારું મન ન લોભાય, સૌ સંતો-હરિભક્તોને વિષે સદા દિવ્યભાવ રહે અને આપની મૂર્તિનું અખંડ ચિંતવન થાય એવી કૃપા કરો.”
શ્રીજીમહારાજ તેમની નિષ્કામ માગણીથી રાજી થઈ ગયા અને આશીર્વાદ આપ્યા કે, “જાવ, તમે જે માગ્યું તે તમને સિદ્ધ થશે.” આ ઉપરાંત માંચાખાચરે એભલખાચર આદિક સંબંધીઓને સત્સંગનો યોગ થાય એવો વર માગ્યો. શ્રીજીમહારાજ માંચાખાચરની પ્રાર્થના રૂપે થતી માગણીમાં દેખાતો નિષ્કામભાવ જોઈ અતિશે રાજી થયા.
સત્સંગમાં આવ્યા પછી મહારાજ અને મોટાને રાજી કરવા અને મૂર્તિનું સુખ પામવા જગતસુખથી નિર્વાસનિક થઈ સંપૂર્ણ નિષ્કામ થવું અતિ આવશ્યક છે.