સકામ મટી નિષ્કામ થઈએ - 1
January 11, 2021
કંઠી ધારણ કરવી, તિલક-ચાંદલો કરવો, પૂજા કરવી, દર્શન કરવાં, મંદિરે જવું આ બધો પ્રાથમિક-ઔપચારિક સત્સંગ છે. તે દૈહિક પવિત્રતા કેળવવા માટેનું સાધન છે. જેનાથી દેહ સત્સંગી થાય પરંતુ આત્મા સત્સંગી ન થાય. આત્માને સત્સંગી કરવા પરમાત્માના સંગરૂપી સત્સંગ ફરજિયાત છે. આવી રીતે સત્સંગ એ ક્રિયાલક્ષી કે સાધનલક્ષી શબ્દ નથી. પરંતુ શબ્દાતીત અનુભવાત્મક યોગ છે. જ્યાં આત્મા-પરમાત્માની એકતા પામવા માટે સંતો-હરિભક્તોના સમૂહમાં કથાવાર્તા થતી હોય, ઉત્સવ-સમૈયા થતા હોય તથા સાધ્ય સ્વરૂપ સુધી પહોંચાય તેવી ભજન-ભક્તિ થતી હોય તેને સત્સંગ કહેવાય.
સત્સંગનો હેતુ શું ?
હેતુની સ્પષ્ટતા એ સિદ્ધિ પામ્યાનું પ્રથમ સોપાન છે. કાર્યમાં જેટલી હેતુની સ્પષ્ટતા તેટલું જ તે કાર્ય યથાયોગ્ય રીતે થાય તથા તેની સફળતાનાં શિખરોને આંબી શકાય. તેમ સત્સંગ પણ જીવનમાં કોઈ સ્પષ્ટ અને ચોક્કસ હેતુસભર થાય તો જ સત્સંગના ફળને પામી શકાય.
સત્સંગ શાના માટે ? તો,
દૈહિક સુખ-શાંતિ પામવા ?
ભૌતિક સુખ-સગવડો મેળવવા ?
માન-મોટપ-યશ-કીર્તિ મેળવવા ?
ના, હરગિજ નહિ; કારણ, આ ભૌતિક સુખ તો નાશવંત ને તુચ્છ છે જ્યારે શ્રીજીમહારાજની મૂર્તિનું સુખ એ જ ખરું સુખ છે. માટે સત્સંગનો હેતુ એકમાત્ર, જન્મમરણના ફેરા ટાળી આત્યંતિક કલ્યાણ પામવાનો છે તેમજ પંચવિષયમાંથી પાછા વળી મૂર્તિના સુખ તરફ આગળ વધવાનો છે.
ભગવાનના ધામના સુખ અને પંચવિષયના સુખની તુલના શ્રીજીમહારાજે ગઢડા છેલ્લાના ૩૯મા વચનામૃતમાં કરી છે કે, “ભગવાન છે તે તો સર્વ સુખમાત્રના રાશિ છે, ને એ ભગવાનસંબંધી સુખ છે તે અવિનાશી છે, ને મહાઅલૌકિક છે. અને જેમ કોઈક ભારે ધનાઢય ગૃહસ્થ હોય તે પોતાના ઘરમાં અનેક પ્રકારનાં ભોજન જમતો હોય, ને તે જમીને ઉચ્છિષ્ટ કાંઈક બટકું રોટલો વધે તે કૂતરાને નાખે ત્યારે તે અતિશે તુચ્છ કહેવાય, ને પોતે જમતો હોય તે મહાસુખમય કહેવાય તેમ ભગવાને બ્રહ્માંડોને વિષે અનેક જીવોને પંચવિષયસંબંધી સુખ આપ્યું છે, તે તો કૂતરાને નાખ્યો જે બટકું રોટલો તેની પેઠે અતિ તુચ્છ છે, ને પોતાને વિષે જે સુખ છે તે તો મહામોટું છે.”
અહીં શ્રીજીમહારાજ પંચવિષયના સુખનું તુચ્છપણું બતાવી પોતાની મૂર્તિનું અલૌકિક સુખ પામવા માટે સત્સંગ કરવો એવો ગર્ભિત અર્થ સૂચવે છે. અર્થાત સત્સંગનો સ્પષ્ટ હેતુ માયિક ઇચ્છાઓથી પાછા વળી એક મૂર્તિના સુખને પામવાનો છે.
સદ્. નિષ્કુળાનંદ સ્વામી ‘ભક્તિનિધિ’ના કડવા-૫માં સત્સંગ કેવા હેતુથી કરવો તે દર્શાવે છે કે,
“મૂરતિ મૂકી મન બીજે, લલચાવે નહિ લગાર;
અન્ય સુખ જાણ્યાં ફળ અર્કનાં, નિશ્ચે નિરસ નિરધાર,
એમ માની માને સુખ માવમાં, કરે ભક્તિ ભાવે સહિત;
ભક્તિ વિના બ્રહ્મલોક લગી, ચાહે નહિ કાંઈ ચિત્ત.”
અર્થાત એક મૂર્તિના સુખ સિવાય બીજે ક્યાંય મન લલચાવવું નહિ કે ચિત્ત ચોટવા દેવું નહીં. જો સત્સંગનો હેતુ સ્પષ્ટ ન સમજાય તો સત્સંગમાં આવ્યા પછી દિવસો પસાર થઈ જાય, વર્ષો પસાર થઈ જાય પરંતુ મૂર્તિ સિવાય અન્ય સુખથી પાછા ન વળાય કે જીવનું કોઈ પરિવર્તન ન થાય.
માટે સત્સંગ થતાની સાથે તેનો કેવો સ્પષ્ટ હેતુ સમજવો તે સદ્. વૃંદાવનદાસજી સ્વામીએ ૪૫મી વાતમાં કહ્યું છે કે, “આપણે સત્સંગ કર્યો છે તે કાંઈ કોઈને દેખાડવા માટે નથી કર્યો. આ તો માંહી વધવા માટે છે.” માંહી વધવા એટલે ‘સ્વવિકાસ’ માટે. સ્વવિકાસ એટલે જ પાછા વળવાનો અને આગળ વધવાનો વિચાર. ‘સ્વ’ કહેતાં આત્મા અને ‘વિકાસ’ કહેતાં ઊર્ધ્વગતિ માટે. આત્માની ઊર્ધ્વગતિ સત્સંગના યોગે જ થાય છે. સ્વવિકાસની યાત્રામાં જેટલા આગળ વધી શકાય એટલો જ સત્સંગનો હેતુ સર્યો કહેવાય.
ચૈતન્યને લાગી ગયેલા અનાદિકાળના પાસની શુદ્ધિ અને પ્રભુ તરફની વૃદ્ધિ સત્સંગના યોગે જ થાય છે. સદ્. ગુણાતીતાનંદ સ્વામીએ પ્રકરણ-૩ની ૧૮મી વાતમાં કહ્યું છે કે, “જીવને બળ પામવાનો હેતુ તો સત્સંગ જ છે.” માટે સત્સંગનો હેતુ આપણા જીવનમાં સ્પષ્ટ કરીએ.
આમ, હેતુ સ્પષ્ટ કર્યા બાદ જ સત્સંગના માર્ગે આગળ વધીએ.