સકામ મટી નિષ્કામ થઈએ - 4
February 1, 2021
સકામ એટલે શું ? નિષ્કામ એટલે શું ?
સદ્. ગુણાતીતાનંદ સ્વામીએ પ્રકરણ-૧ની ૨૪૧મી વાતમાં કહ્યું છે, “જેમ કુસંગી ને સત્સંગીમાં ભેદ છે. તેમ સાધારણમાં અને એકાંતિકમાં ભેદ છે... નિષ્કામ હોય તે એક ભગવાનનું નિરૂપણ કર્યા કરે ને બીજો સકામ હોય તે ભગવાન પાસે માગ્યા કરે.”
અર્થાત જગતમાં કુસંગી અને સત્સંગી એવા ભેદ છે તેમ સત્સંગમાં ભગવાનના ભક્ત થયા પછી પણ સાધારણ એટલે સકામ અને એકાંતિક (જેને ભગવાન સિવાય બીજી કોઈ વાસના નથી તે) એટલે નિષ્કામ એવા બે ભેદ છે.
સકામ ભક્ત એ ભક્ત જ નથી, કહેવાતા ભક્ત છે. જ્યારે નિષ્કામ ભક્ત (એકાંતિક) એ જ સાચો ભક્ત છે. એનાથી આગળ કેવળ મૂર્તિસુખના પ્યાસી એવા અનાદિમુક્ત જ ખરા નિષ્કામ છે. આપણને અનાદિમુક્તની પદવી મળી છે પરંતુ સ્થિતિ સુધી પહોંચવા ખરા નિષ્કામ બનવું ફરજિયાત છે; તે માટે પ્રથમ સકામ-નિષ્કામનો ભેદ સ્પષ્ટ રીતે સમજીએ.
સકામભાવ એટલે શું ?
ભૌતિક સુખો જેવાં કે ગાડી, બંગલા, સંપત્તિ, દ્રવ્ય આદિક તથા પુત્રાદિક અને દૈહિક સુખાકારીની પુષ્ટિ થાય તેવાં વસ્તુ, પદાર્થ, સત્તા મેળવવાની ઇચ્છાથી જે કાંઈ ભજન-ભક્તિ, સેવા કે સત્સંગ થાય તેને સકામભાવ કહેવાય.
મહારાજ અને મોટાપુરુષના રાજીપાને તથા મૂર્તિના સુખને ગૌણ કરી સત્સંગના બદલામાં કાંઈ પણ પામવાની કે જાણવાની ઇચ્છા રહે તેને સકામભાવ કહેવાય.
સત્સંગમાં કરેલી સેવા, તપ, જપ, વ્રત આદિક સાધનોના બદલામાં નામની, માનની, વખાણ-પ્રશંસાની કે રાજીપાદર્શનની ઇચ્છા રહે તેને પણ સકામભાવ કહેવાય.
સત્સંગમાં આવ્યા પછી સાધનાના ફળ સ્વરૂપે ઐશ્વર્ય પામવાની, અનંતકોટિ બ્રહ્માંડો જોવાની કે કોઈના અંતરનું જાણવાની ઇચ્છા તેને પણ સકામભાવ કહેવાય.
જીવનપ્રાણ બાપાશ્રીએ પણ સકામની સ્પષ્ટતા કરતાં ભાગ-૧ની ૬ઠ્ઠી વાતમાં કહ્યું છે કે, “કોઈના અંતરનું જાણવું કે પોતાનું ધાર્યુ સત્ય થાય તથા અગમ-નિગમનું જાણવું કે બ્રહ્મપુર, ગોલોકાદિક ધામ તથા ઐશ્વર્ય જોવા કે પામવા ઇચ્છે તે સર્વે સકામ કહેવાય.”
સદ્. નિષ્કુળાનંદ સ્વામીએ પણ ‘સારસિદ્ધિ’ કડવા-૧૮માં સકામ-નિષ્કામનો ભેદ સ્પષ્ટ કર્યો છે કે,
“પણ હરિ સાગર છે સુખના, નથી કોઈ વાતની એમાં ખોટ,
તેમાં નિષ્કામી માગે નિરવેદને, સકામ માગે માયા સુખ મોટ (પોટલું).”
મૂર્તિ સિવાય અવરભાવની કાંઈ પણ વસ્તુ-પદાર્થ કે વ્યક્તિમાત્રને પામવાની કે ઐશ્વર્યાદિક પામવાની ઇચ્છા એ જ સકામભાવ.
નિષ્કામભાવ એટલે શું ?
અવરભાવમાં એકમાત્ર મહારાજ અને મોટાપુરુષના રાજીપા માટે અને પરભાવમાં એકમાત્ર મૂર્તિના સુખની કોરે આગળ વધવા માટે જે કાંઈ સાધન, ભક્તિ, દાન, સેવા આદિ કરીએ તે નિષ્કામભાવ કહેવાય.
એકમાત્ર આત્મસુખાકારીના માર્ગે જાગૃતતા સાથેનો સ્વવિકાસ માટેનો સઘન પ્રયત્ન થાય તેને નિષ્કામભાવ કહેવાય.
આત્મા મૂર્તિસુખના માર્ગે આગળ કેવી રીતે વધે ? તે માટેના સતત વિચારો કરી, તે માટે જ ભજન-ભક્તિ, સેવા-સાધના થાય તેને નિષ્કામભાવ કહેવાય.
શ્રીજીમહારાજની મૂર્તિના સુખ સિવાય કોઈ ઇચ્છા ન રહે તે નિષ્કામભાવ કહેવાય.
મહારાજની મૂર્તિ સિવાય બીજું કાંઈ ઇચ્છે જ નહીં. અનંત બ્રહ્માંડો, ઐશ્વર્યો, જોવું-જાણવું જેને ઝેર જેવું લાગે, માયા ઝેર જેવી લાગે, ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય કરવાની પણ ઇચ્છા ન રહે તેને ખરા નિષ્કામ ભક્ત કહેવાય. આવા ભક્તને શ્રીજીમહારાજ પોતાના અનાદિમુક્ત કરી મૂર્તિમાં રાખે છે.
આમ, આપણે મૂર્તિમાં રહેવું હશે તો નિષ્કામ ભક્ત બનવું જ પડશે.