સકામ મટી નિષ્કામ થઈએ - 6
February 15, 2021
ધનપ્રાપ્તિની લાલસા માટે :
ધંધા-વ્યવસાય કે નોકરીમાં દિવસે દિવસે બઢતી થાય, નફાનું ધોરણ વધે તે માટે આંતરિક સકામભાવના રહેતી હોય છે. રાતોરાત કરોડપતિ થવા, વધુ ને વધુ સંપત્તિ મેળવવા માટે મોટાપુરુષ આગળ તેની પ્રાર્થના થતી હોય છે. સંતો ઘરે પધરામણીએ પધાર્યા હોય તો તિજોરી પર પાણી છંટાવે ને કહેતા હોય, “જો મહારાજ મને આટલું દ્રવ્ય આપે તો હું આટલી સેવા કરીશ, મંદિર કરાવીશ.” સેવા કરવાના ભાવની પાછળ પણ અંદર સકામભાવ જ રહેલો છે.
આપણે એવું સમજતા હોઈએ કે મોટાપુરુષ રાજી થાય તો સર્વે કામ સરી જાય તેથી તેમને રાજી કરવા પ્રયત્ન કરતા હોઈએ છીએ પરંતુ તેની અંદર પણ ગર્ભિત સકામભાવ જ રહેલો હોય છે. ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી ઘણી વાર કહેતા હોય છે કે, “દર રવિવારે કોઈ એકાદ બિલ્ડરનો સવારમાં ફોન આવે કે, ‘સ્વામી, આજે પેપરમાં નવી સ્કીમની જાહેરાત આપી છે માટે રાજી રહેજો !’ આ રાજી રહેજો પ્રાર્થના કરવાની પાછળ સકામભાવ સમાયેલો છે. આવી રીતે ઘણી વાર રાજીપાના બહાના હેઠળ પણ દ્રવ્ય માટે થઈ સકામ થતા હોઈએ છીએ.
૪. પદ-સત્તાની લાલચથી :
જગતની કોરે મોટા થવાના, સત્તા મેળવવાના અભરખા જેટલા વધુ રહે એટલો સકામભાવ રહે જ. કારણ, જેટલી પદ, સત્તા પામવાની લાલચ હોય તેટલી મૂર્તિના સુખની લાલચ ઘટતી જાય અને પદ, સત્તા માટે સકામ થઈ જવાય. કેટલાક સોસાયટીની કારોબારીની ચૂંટણીમાં કે સમાજની કે પછી રાજકારણની ચૂંટણીમાં ઊભા રહે ત્યારે સ્પેશ્યલ મંદિરે દર્શન કરવા આવે, મોટાપુરુષના આશીર્વાદ લેવા આવે - આ પણ સકામભાવ છે. નોકરીમાં આગળ પ્રમોશન મળે એવી શક્યતાઓ લાગે કે તરત મોટાપુરુષ આગળ, મહારાજ આગળ સકામ થઈ તેની માગણી કરતા હોઈએ છીએ.
૫. પ્રતિષ્ઠા, પ્રશંસા અને સફળતા મેળવવા :
દરેક વ્યક્તિને પોતાની પ્રતિષ્ઠા મેળવવાની, નામના મેળવવાની ઇચ્છા રહેતી હોય છે. બે-પાંચ જણા પૂછીને કામ કરે, ઓળખે, પ્રશંસા કરે, ગુણાનુવાદ કરે તેવી ઇચ્છા ભલે બહાર પ્રદર્શિત ન થવા દે પણ અંદર રહેતી હોય છે. તે માટે વિશેષ સાધન કરે, સેવા કરે, દાન કરે પરંતુ અંદર તો પ્રતિષ્ઠા-પ્રશંસાની તરસ છિપાતી જ ન હોય.
વિદ્યાર્થી હોય તો પરીક્ષાના દિવસે, રિઝલ્ટ કે ઇન્ટરવ્યૂના દિવસે મંદિરે દર્શન કરવા જાય. દર્શન શા માટે ? તો, સફળતા મળે તે માટે. આ પણ એક સકામભાવ જ છે. તો શું મંદિરે દર્શન કરવા ન જવું ? જવું. પરંતુ સકામભાવ ન રાખવો. મહારાજની મરજી હોય તેમ થાય.
અવરભાવનાં આવાં કારણોસર સકામ થઈ જવાય છે તેનું મુખ્ય કારણ ‘હું કોણ છું ?’ તેની સ્પષ્ટતા નથી માટે. જેમ કોઈ ગરીબ ઘરની દીકરીનાં રાજાની સાથે લગ્ન થાય પછી તેને હવે હું રાજાની રાણી છું આ વિચાર રહે તો તેનું બધું જ બદલાઈ જાય. તેની રહેણીકરણી, રીતરસમ, બોલી, ટેવ રાણીને શોભે તેવું થઈ જાય. તેમ આપણે જગતના જીવ હતા. હવે મહારાજે કૃપા કરી અનાદિમુક્ત કર્યા છે. હવે હું અનાદિમુક્ત જ છું. શ્રીજીમહારાજની દિવ્ય મૂર્તિસુખનો વારસદાર છું. હવે મારા માટે મૂર્તિનું સુખ જ ઉત્તમ છે. ભૌતિક પંચવિષયનાં સુખો તે ઉચ્છિષ્ટ બટકું રોટલા જેવાં છે તેવો વિચાર નથી રહેતો તેથી ભૌતિક સુખો માટે થઈને સકામ થવાય છે.
હે મહારાજ, બાળકના હાથમાં ચિંતામણી આવી તેમ અમને મૂર્તિ આપી દીધી છે તો હવે મોહનિદ્રામાંથી જગાડી આપ જ મૂર્તિસુખને પાત્ર થવા સંપૂર્ણ નિષ્કામ કરો એવી અંતરત્તમ પ્રાર્થના.