સકામ મટી નિષ્કામ થઈએ - 9
March 8, 2021
સકામ થવાથી થતાં નુકસાનો
સત્સંગમાં આવ્યા પછી મહારાજ અને મોટાપુરુષ આપણી અવરભાવની ઇચ્છાઓ, મનોરથો પૂર્ણ કરે ત્યાં સુધી સત્સંગ લીલોછમ રહે અને જ્યારે પૂર્ણ ન થાય ત્યારે સત્સંગ સુકાઈ જાય. અનેક વિઘ્નો આવીને ઊભાં રહે. જેવાં કે, (૧) સત્સંગમાંથી મન પાછું પડી જાય. (૨) મહારાજ અને મોટાપુરુષના આશીર્વાદ અને કોલમાંથી વિશ્વાસ ઊઠી જાય. (૩) મનુષ્યભાવની ઊંડી ખીણમાં ધકેલાઈ જવાય. (૪) ઓશિયાળા થઈ જવાય. (૫) અભાવ-અવગુણની પ્રવૃત્તિ થાય. (૬) સત્સંગ કરવાનો હેતુ-ધ્યેય બદલાઈ જાય. (૭) અનાશ્રય થઈ જાય-નિષ્ઠા ડગી જાય.
સકામ ભક્તને મહારાજ અને મોટાપુરુષના પરચા-ચમત્કારની, ઐશ્વર્ય દેખાડે તેની ઇચ્છા રહે; એ પૂરી થાય તો નિશ્ચય પાકો થઈ જાય, દિવ્યભાવ રહે અને જ્યાં એ પ્રમાણેનું ન થાય ત્યાં સત્સંગમાં ઢીલાશ આવી જાય. એક સત્સંગી કિશોરનું ખૂબ પ્રેમનું અંગ. મહારાજની મૂર્તિનાં દર્શન કરીને રાજી રાજી થઈ જાય. મોટાપુરુષની સાથે અવરભાવનું ખૂબ હેત જણાવે. ગુરુદેવ પ.પૂ. બાપજીનાં અને ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનાં દર્શન થાય એટલે ચોંટી પડે. નાચવા ને કૂદવા માંડે, ખુશ ખુશ થઈ જાય. આગળ-પાછળ ફર્યા કરે, દોડી દોડીને સેવા કરે. પરંતુ સમજણની પરિપક્વતા નહોતી તેથી મોટાપુરુષમાં પરચા-ચમત્કારની ઇચ્છાઓ રહ્યા કરે.
એક વખત વાસણા પૂનમનો સમૈયો હતો. તેમાં આ કિશોરમુક્ત લાભ લેવા આવેલા. સભામાં પ.પૂ. સ્વામીશ્રીએ ‘સત્પુરુષ મહાત્મ્ય’ પર લાભ આપ્યો તેથી તેમને ગુરુદેવ પ.પૂ. બાપજી મોટાપુરુષ છે તેવો ઉપલક વિશ્વાસ આવ્યો. એ દિવસે ગુરુદેવ પ.પૂ. બાપજી સભા પછી બધા દર્શને આવે ત્યારે કોઈકને પ્રસાદીનું ફૂલ આપતા હતા. તેથી આ કિશોરમુક્તે સંકલ્પ કર્યો કે, ‘જો મને ગુરુદેવ પ.પૂ. બાપજી અંતર્યામીપણે સંકલ્પ જાણી પ્રસાદીનું ગુલાબનું ફૂલ આપે તો હું બહુ મોટા જાણું.’ પરંતુ ગુરુદેવ પ.પૂ. બાપજીએ અંતર્યામીપણે તેમનો સકામભાવ તોડાવવા ફૂલ આપ્યું જ નહીં.
બીજા દિવસે કિશોરમુક્તએ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીને પત્ર લખ્યો કે, “ગઈ કાલે તમે સભામાં સત્પુરુષનો મહિમા કહ્યો હતો તેથી મેં માન્યું કે ગુરુદેવ પ.પૂ. બાપજી અંતર્યામીપણે મારો સંકલ્પ જાણી મને ગુલાબનું ફૂલ આપે તો બહુ મોટાપુરુષ. ભલે બીજાને ન આપે પણ મને તો ગુલાબનું ફૂલ મળવું જ જોઈએ એવા વિચાર સાથે હું લાઇનમાં દર્શન કરવા ગયો. પરંતુ મને ગુલાબનું ફૂલ ન આપ્યું. તેથી મેં બીજો સંકલ્પ કર્યો કે ગુલાબનું નહિ તો કોઈ પણ ફૂલ આપે તો હું મોટાપુરુષ માનું. બીજી વખત હું લાઇનમાં ગયો તોય મને ગુલાબનું તો નહિ પણ એકેય ફૂલ આપ્યું નહીં. તેથી મને જે ગેડય પડી હતી તે તૂટી ગઈ. એમ થાય છે કે ગુરુદેવ પ.પૂ. બાપજી મોટાપુરુષ હશે કે નહિ હોય ? હોય તો મારો સંકલ્પ પૂરો કરે ને ! માટે હવે મને વિશ્વાસ નથી રહ્યો.”
ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી ઉપર તેમના આવા વારંવાર પત્રો આવે; તેથી ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી તેમને સમજાવી ગેડય પડાવે. થોડા દિવસ ચાલે, પાછું એવું ને એવું. પ્રેમીની સકામ પરીક્ષામાં જો મોટાપુરુષ પાસ થાય તો જ તે મોટાપુરુષ માને; પરંતુ કોઈના માનવા - ન માનવાથી મોટાપુરુષ નાના કે મોટા થઈ જતા નથી. એ તો મહારાજના ઘરેથી પધારેલું દિવ્ય સ્વરૂપ છે. એમની મોટપ તો અનાદિની છે જ પરંતુ સકામ ભક્તનું હાંડલું ફૂટી જાય. એટલે જ જીવનપ્રાણ બાપાશ્રીએ ભાગ-૧ની ૧૨૯મી વાતમાં કહ્યું છે કે, “પરચા-ચમત્કારની તથા ઐશ્વર્યની ઇચ્છા ન રાખવી; એ સર્વે સકામ છે. મૂર્તિથી ઓરું જે જે સુખ છે તે ગૂંદાના ઠળિયા જેવું છે. તેમાં ચોંટીને વખત ગુમાવે ને પછી માખોની પેઠે હાથ ઘસવા પડે, નવ મહિનાની કેદ માથે આવે (ગર્ભવાસમાં રહેવું પડે) ને બહુ ખોટ આવે.” અર્થાત સત્સંગ ઢીલો પડી જાય કે છૂટી જાય. કલ્યાણનું અધૂરું રહી જાય ને જન્મમરણના ફેરા ઊભા થઈ જાય.
ગુરુદેવ પ.પૂ. બાપજી અને ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી તો કાયમ કહેતા હોય છે કે, “અમારી પાસે આવીને કોઈ આ લોકના ભૌતિક સુખની માગણી કરે ત્યારે અમારા અંતરે ધ્રાસકો પડે જે, આ અમારો ગ્રાહક નથી.”
સદ્. અખંડાનંદ સ્વામીની ૯૦ વર્ષની ઉંમરે માવજી ભગત તેમની સેવા કરવા ઉપલેટા લઈ ગયેલા. તેઓ મહારાજના ભાવથી સ્વામીની ખૂબ સેવા કરતા. સ્વામીને રાત્રે કાંઈ જરૂર પડે તો જગાડે; તે માટે કાંડે દોરી બાંધી બીજો છેડો ખાટલાના પાયે બાંધી રાખતા. નિષ્કામભાવે સ્વામીની ખૂબ સેવા કરતા. પરંતુ તેમને એકેય સંતાન હતું નહીં.
એક દિવસ સદ્. અખંડાનંદ સ્વામી ચોકમાં ઉઘાડા શરીરે બેઠા હતા. ત્યારે માવજી ભગતને નજીક બોલાવી છાતીમાંથી એક મોવાળો (છાતીના વાળ) આપી કહ્યું, “જા, તારે ઘેર એક મુક્ત જેવો દીકરો થશે.” સ્વામીના આશીર્વાદે તેમના ઘરે મુક્ત જેવો દીકરો આવ્યો.
આ જ ગામમાં માવજી ભગતની બાજુમાં રામજી પટેલ રહેતા હતા. તેમને પણ સંતાન ન હોવાથી તેમનાં ધર્મપત્નીએ સ્વામીની સેવા કરવા મોકલ્યા. રામજી પટેલને સેવાના બદલામાં દીકરા જોઈતા હતા. સ્વામી રાત્રે લઘુ કરવા જવા ઉઠાડે તોપણ કહેતા, “રાત્રે તો શાંતિથી સૂવા દો.” તેમને રાત્રિ-દિવસ સ્વામી ક્યારે મોવાળા આપે ને દીકરા થાય તેની જ ઇચ્છા રહેતી. તેથી તેમણે એક દિવસ સ્વામીને કહ્યું, “મેં ઘણી સેવા કરી. હવે તો મોવાળા આપો તો દીકરા થાય.” પણ સ્વામી કાંઈ બોલ્યા નહિ તેથી છાતીમાંથી મુઠ્ઠી ભરી મોવાળા ખેંચી લીધા. સ્વામીના મુખમાંથી રાડ નીકળી ગઈ. મુઠ્ઠીમાં જોયું તો બાર મોવાળા હતા. તેથી સ્વામીએ કહ્યું, “જા, બાર દીકરા થશે.” રામજી પટેલને બાર દીકરા થયા પરંતુ અસુર જેવા થયા. ઉપરથી કુટુંબનું ધનોતપનોત કાઢે તેવા પાક્યા. સકામ થયા તો જીવનમાં સુખી થવાને બદલે ઉપરથી દુ:ખી થયા. માટે આપણે આવા સકામભાવથી સેવા ન કરીએ.
આમ, સત્સંગ શુદ્ધ નિષ્કામ થઈ પુરુષોત્તમરૂપ પૂર્ણ પાત્ર બનીએ.